આચાર્ય નરેન્દ્ર દેવ, જય પ્રકાશ નારાયણ તેમ જ બન્ને વચ્ચે દેખાતાં જયપ્રકાશજીનાં પત્ની પ્રભાવતીદેવી
શરૂઆત એક રોમહર્ષક સાંભરણથી કરું? હવે તો ખાસાં આઠ વરસ થયાં એ વાતને. એ ગાળામાં હું ગેસ્ટ ફેલોને નાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડી(શિમલા)માં યદૃચ્છાએ સ્વાધ્યાય વિહાર કરતો હતો.
સર્વપલ્લી રાધાકૃષ્ણન્ રાષ્ટ્રપતિ હતા ત્યારે એમણે ઐતિહાસિક વાઈસરોય ભવનને સ્વાધ્યાય સંશોધન કેન્દ્રમાં પરિવર્તિત કરવાનો સંસ્કાર શોભીતો નિર્ણય કીધો હતો. આવી જગ્યાએ થોડાક ગાળા સારુ પણ વિધિવત હોવું એ પોતે કરીને કમ રોમાંચક અલબત્ત નથી.
પણ ત્યાં કેમ જાણે એથીયે અદકી રોમહર્ષક ક્ષણ રાહ જોતી હતી. આપણે ત્યાંનું સમાજવાદી આંદોલન, ખાસ તો એવો ઉષાકાળ, મને હંમેશ ખેંચે છે. એના આરંભકારોનું સાહિત્ય ફંફોસતો હતો અને મને સહજ કુતુહૂલ થઈ આવ્યું કે મારા પહેલાં કોણે આ સાહિત્યમાં ડોકિયું કર્યું હશે.
પુસ્તકના પાછલે છેડે જઈને ઈશ્યુવહી જોઉં છું … અરે, આ તો સૂ ચી! મ્યાંમારની લોકશાહી લડતમૂર્તિ, નોબેલ પુરસ્કૃત. પોતે અહીં ફેલો તરીકે હશે, મારાથી ત્રણેક દાયકા પર, ત્યારે એમાંથી એ હોંશે હોંશે અભ્યાસઅગ્ર જીવે પસાર થયાં હશે, કેમ કે એ છે તો સમાજવાદી રુઝાનવાળા સ્વાતંત્ર્યસેનાની પિતા ઑંગ સાનનાં પુત્રી.
હમણેના દિવસોમાં આ સાંભરણ નીંગળવાનું કારણ કહું? આપણે ત્યાં સમાજવાદી આંદોલન કાઁગ્રેસ સમાજવાદી પક્ષ રૂપે સંસ્થીકૃત થવાની શરૂઆત થઈ મે 1934ની પટણા બેઠકથી. જેટલા માર્ક્સવિચાર એટલા જ બૌદ્ધ દર્શનના પ્રખર વિદ્વાન આચાર્ય નરેન્દ્ર દેવ એમાં અગ્રપદે હતા. સંયોજનનું દાયિત્વ જેમની કને હતું એમાં જયપ્રકાશ નારાયણ મુખ્ય હતા, અને એમના સાથીઓ પૈકી એક વિશેષ રૂપે સાંભરી આવતું નામ મહાપંડિત રાહુલ સાંકૃત્યાયનનું છે.
આ તો વિધિવત નવ દાયકાની વાત થઈ પણ અવિધિસરની તવારીખ તો એથીયે પાછળ જઈ શકે. ગાંધીપ્રવેશનાં બે-ત્રણ વરસે અમદાવાદની મજૂર ચળવળને મળી રહેલાં મોટીબહેન બલકે માતૃમૂર્તિ શાં અનસુયા સારાભાઈને એમનાં લંડનવાસ દરમ્યાન ફેબિયન સોશિયાલિઝમનો કંઈક પરિચય હતો એમ જણાય છે. વખતે દીક્ષા લઈ જૈન સાધ્વી થઈ શક્યાં હોત એવાં અનસૂયાબહેન મિલ માલિક ભાઈ અંબાલાલ સારાભાઈની સામે મજૂરોની પડખે ઊભાં રહ્યાં એ વળી ઇતિહાસનું એક મળતાં મળે એવું પાનું છે. ક્યારેક એમને વિશે કંઈક નિરાંતે વાત કરીશું.
હમણાં મેં ગાંધીઘટનાની જિકર કરી તો એની સાથે એક રસપ્રદ વિગત પણ દર્જ કરી લઉં. લોકશાહી સમાજવાદને વરેલી લેબર પાર્ટીનો ઇંગ્લેન્ડમાં ઉદય થયો અને પહેલી વાર ત્યાં હાઉસ ઓફ કોમન્સમાં લેબર પાર્ટીના સાંસંદો કંઈક નોંધપાત્ર સંખ્યામાં ચૂંટાયા ત્યારે એક સર્વેમાં માલૂમ પડ્યું હતું કે તેમના પૈકી ઠીક ઠીક આ પક્ષ અને સમાજવાદી ચળવળ ભણી રસ્કિનના પુસ્તક ‘અન ટુ ધ લાસ્ટ’ની નૈતિક અપીલથી ખેંચાયા હતા. અને આ તો, પાછળથી જેમની કલમે ‘સર્વોદય’ શીર્ષકે ઊતરી આવ્યું તે ગાંધીનુંયે પ્રિય પુસ્તક હતું. બાય ધ વે, 1947માં આપણે આઝાદ થયા તે ઇંગ્લેન્ડમાં લેબર પાર્ટીનો શાસનકાળ હતો.
આગળ પટણા બેઠકનો ઉલ્લેખ કર્યો, પણ સ્વરાજલડતની વડી પાર્ટી કાઁગ્રેસ અંતર્ગત સમાજવાદી પાર્ટી તરીકે ગઠિત થવું ને કાર્યરત હોવું એવી અવિધિસરની ચર્ચા એની પૂર્વે શરૂ થઈ જ ગઈ હતી. એમાં કદાચ સૌથી મહત્ત્વનું ઠામ બલકે ધામ હોય તો તે 1933માં નાશિક જેલનો બી વોર્ડ હતો. ત્યાં યુવા સ્વાતંત્ર્યસૈનિકો વચ્ચે આ વિશે ખાસી ચર્ચા-વિચારણા થઈ હતી.
કારાગારમાં કૃષ્ણજન્મ શી આ ઇતિહાસ પ્રક્રિયામાં સહભાગી બંદીજનોમાં જયપ્રકાશ નારાયણ, અશોક મહેતા, મીનુ મસાણી, રામ મનોહર લોહિયા, અચ્યુત પટવર્ધન, યુસુફ મહેરઅલી, મોહનલાલ દાંતવાલા, નાનાસાહેબ ગોરે, સહુ ત્યાં હતા. (આ જૂથની બૌદ્ધિક પ્રતિભાનો અંદાજે અહેસાસ મને પાંચેક દાયકા પર અમેરિકન એન્સાઈક્લોપીડિયા ઓફ સોશિયલ સાયન્સીઝમાંથી પસાર થતાં થયો હતોઃ એના આંતરરાષ્ટ્રીય સંપાદક મંડળમાં બે જ ભારતીયો હતા, પાછા બેઉ સમાજવાદી, અને વળી ગુજરાતી! અશોક મહેતા, મોહનલાલ દાંતવાલા.)
આ લખી રહ્યો છું ત્યારે લોકસભાની ચૂંટણીનાં પાંચ ચરણ પૂરાં થઈ ગયાં છે. જેને આર્થિક-સામાજિક વિચારધારાકીય કહી શકાય એવા મુદ્દાને ચૂંટણી પ્રચારમાં પૂરા કદની માવજત મળી નથી. કાઁગ્રેસે જરૂર એક અભિગમ ઉપસાવવાની કોશિશ કરી છે, પણ સત્તા પક્ષે એ અંગે કોઈ ધોરણસરના પ્રતિભાવની જરૂર જોઈ નથી. એની પોતાની વાત નિર્મલા સીતારામન્ના પતિ પરકાલા પ્રભાકરની સોંસરી ટિપ્પણીમાં ‘ડેટા વગરની’ છે.
અહીં વિશેષ ચર્ચામાં નહીં જતાં માત્ર એટલું જ ઈંગિત કરવું રહે છે કે આપણે ત્યાં ચોક્કસ જ એક ચિંતન કોશિશ થઈ છે. હકીકતે, જે ગાળાની હમણાં મેં વાત કરી તે વર્ષોમાં આપણી બંધારણ સભાએ 1946-1949નાં વર્ષોમાં જે કામગીરી પાર પાડી તેને સારુ ખાસું ખાણદાણ ભરેલું છે.
ભગત સિંહે શહાદત વહોરી ઉપસ્થિત કરેલા આર્થિક-સામાજિક મુદ્દા, મીઠાનો મુદ્દો ઊંચકી દાંડીકૂચ વાટે ગાંધીએ નાતજાતકોમથી નિરપેક્ષપણે આમ આદમીના અર્થકારણ સારુ પ્રશસ્ત કરેલી ભૂમિકા, કરાચી કાઁગ્રેસનો મૂળભૂત અધિકારનો ઠરાવ, પુના કરાર, આ બધાંમાં બંધારણ સભાની વણબોલી નાન્દી પડેલી છે.
અહીં મહાદેવભાઈની ડાયરીનો ઓગણીસમો ગુટકો સાંભરે છે. સમાજવાદીઓને અને સમાજવાદને સમજવા માટે ગાંધીએ કરેલી મથામણ તમને 1934-35માં તબક્કે તબક્કે જોવા મળે છે. જવાહરલાલ જોડે સહજ ચર્ચા સારુ ગાંધી મહાદેવભાઈને અલાહાબાદ મોકલે છે, પોતે સમાજવાદીઓ સાથે સહવિચારની દૃષ્ટિએ પૂર્વ તૈયારી સારુ શું વાંચવું એ માટે નરેન્દ્ર દેવની સલાહથી જી.ડી.એચ. કોલનું પુસ્તક જોઈ જાય છે. ગુજરાતના સમાજવાદીઓને મળવા સારુ જગ્યા મેળવી આપે છે.
સ્વરાજ પછી પચમઢી કાર્યક્રમથી માંડી 1977ના જનતા ઢંઢેરા પૂંઠે એક આખો જમાનો પડેલો છે તે આ લખતાં તાદૃશ થાય છે.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 29 મે 2024