Scrapyard, the theatreનાં રંગકર્મી યુવાઓ, તેમ જ તેનું સંચાલક દંપતી કબીર ઠાકોર અને નેહા શાહ કેટકેટલું કરે છે!
લેટેસ્ટ તો, સ્ક્રૅપયાર્ડમાં Sprinklers એટલે કે પ્રેક્ષકો પર પાણીનો આછો આછો છંટકાવ થતો રહે તેવા ફુવારા મૂકાયા છે – માયબાપ ઑડિયન્સ માટે આ શહેરમાં આટલું કોણ કરે !
અને તે પણ એવા enlightening મંચ-પ્રયોગ માટે કે જે ઘણી વાર કોઈ ટિકિટ વિનાના નાની રકમની ટિકિટથી થતો હોય.
ખુલ્લું આકાશ, ઘેઘૂર લીમડો, મોડી સાંજના પવનની લહેરખીઓ, એની સાથે સ્પ્રિન્કલર્સમાંથી ઊડીને હવામાં ફેલાતાં તુષારબિંદુઓની ધૂસર લહેરોથી ભર ઊનાળે ઊભો થતો સપનાં સમો આહ્લાદક માહોલ …
અને આ બધાંની વચ્ચે સામે કલાકાર દ્વારા થઈ રહેલો આવિષ્કાર … a slice of quality life –
એ વિધવિધ સ્વરૂપે હોય – નાટક, વાચિકમ, અભિવાચન, કથાકથન, સંગીત અને નરૅશન હોય, કાર્ટૂન પરનું વ્યાખ્યાન-નિદર્શન (lecture-cum- demonstration), ફિલ્મ સ્ક્રીનીન્ગ … અભિવ્યક્તિના કોઈ પણ સ્વરૂપ.
અલબત્ત સ્ક્રૅપયાર્ડમાં સાવ ચીલાચાલુ એવું કશું જોયું નથી, એટલું જ નહીં પણ સમાજ-દેશ-દુનિયા સાથે કંઈ લાગતું જ ન હોય એવું ય જોયું નથી.
અહીં આદિવાસીઓની કથાઓ, સ્ત્રીઓની ગાથાઓ, ચેખવ-ટેનિસી વિલ્યમ્સ-શેક્સપિયરનાં નાટકો, માર્ક્સ, મેઘાણી અને ઉમાશંકર પરનાં પ્રયોગો એવી કેટલી ય રજૂઆતો થઈ છે.
‘નિર્દોષ’ રહીને લોકપ્રિય થવાનો, ‘ગંદારાજકારણ’નો છોછ રાખવાનો કોઈ એજન્ડા નથી. ઊલટું, વિરોધમતની અભિવ્યક્તિના આવિષ્કારને આવકાર છે.
અને એટલે જ ત્રાસ આપનારા સાદત હસન મન્ટોની વાર્તાઓ પરથી તૈયાર થયેલું જહાલ રાજકીય નાટક Enter at Your Own Risk સ્ક્રૅપયાર્ડની પોતાની ટીમ ભજવે છે. એ જ વૃંદ બાદલ સરકારનું ‘જુલુસ’ કરે છે.
અહીં હૈયું ભારે કરી દેનાર ‘ગાઝા મોનોલોગ્સ’ પણ થાય. ‘રામ કે નામ’ અને ‘મેફિસ્ટો’ ફિલ્મોનું સ્ક્રીનીન્ગ થાય છે. અને રાજકારણ તો કાર્ટૂનિસ્ટોનો ખાસ્સમખાસ વિષય. અને આવું બધું કરો એટલે જે ફેઇસ કરવાનું આવે તે કબીરે કરવાનું થાય છે.
બાળકો માટે બિલકુલ અકૃત્રિમ પ્રવૃત્તિઓ – થિએટર વર્કશૉપ્સ, બાળગીતો-ગમ્મતગીતો, બચ્ચાપાર્ટી ફેસ્ટિવલ, રમકડાં બનાવવા માટેની ‘ખેલઘર’ પ્રવૃત્તિ, ‘ગુનગુની મિટ્ટી’ નામે માટીકામના શનિ-રવિનો ઉપક્રમ, વાર્તા કહેવા અને લખવાની કળા માટેની વર્કશૉપ, કઠપૂતળીની કાર્યશાળા.
આ નાટકવાળા આ બધું શેના માટે કરતા હશે ? – 45 ડિગ્રી તાપમાનમાં પણ ?
એટલા માટે કે આ શહેરના લોકો કંઈક જુદું, કંઈક વધુ સારું જોતાં – સાંભળતાં – વિચારતાં થાય, આ શહેરનાં બાળકો નાટક જોતાં થાય, નાટક કરતાં થાય, ગાતાં થાય, કંઈક નવું, નોખું કરતાં થાય માટે સ્ક્રૅપયાર્ડ મથે છે.
સ્ક્રૅપયાર્ડના volunteer રંગકર્મીઓ વળી જુદી જ જણસો છે. એ નાટકનું લેખન- ઇમ્પ્રોવાઇઝેશન – દિગ્દર્શન – અભિનય – નિર્માણ તો અલબત્ત કરે જ. તે ઉપરાંત બધું અને ગમે તે કરે. એટલે શું કરે તેની એક ઝલક :
પાર્કિંગ સંભાળે, ટિકિટોનું – એન્ટ્રીનું જુએ, વર્કશૉપ દરમિયાન એ.સી. કે કૂલરની, બાળકોનાં નાસ્તાપાણીની વ્યવસ્થા. કાર્યક્રમ માટેના ગ્રાફિક્સ, આમંત્રણો, સોશ્યલ મીડિયાને લગતું તમામ કામ.
મંચની રજેરજની વ્યવસ્થા કરવાની. અહીં કશું રેડીમેડ નથી. ભજવણી પ્રમાણે બદલાતું રહે. પડદા, લાઇટ, સાઉન્ડ સિસ્ટમ, સ્લાઇડ-શો માટેની ગોઠવણ બધું ઇવેન્ટ પ્રમાણે બદલાય. ‘ચલ મેરે રોબો’ માટેની બધી પ્રોપર્ટી અને આખો સેટ સ્ક્રૅપયાર્ડમાં જ બન્યો છે.
વાચિકમના એક પ્રયોગ માટે ખુદ કબીર લાકડાની પાટોને ઊંચકીને લાવીને, સાફ કરીને, માસ્કિંગ કરે એ આ લખનારે જોયું છે. છોકરાઓને થિયેટર વાળતાં જોયા છે. પ્રેક્ષકો માટે ફટાફટ ખુરશીઓ લાવી આપતાં, ઉંમરલાયકોને હાથ આપતા, કોઈને કૅબ કરી આપતાં વોલન્ટિયર્સ બધાંએ જોયાં છે.
સ્ક્રૅપયાર્ડ ટીમમાં વિદ્યાર્થીઓ છે, નોકરિયાતો છે, પૂરા સમય નાટક અને સિનેમા કરતા સ્ટ્રગ્લર્સ પણ છે. કડી-કલોલ, સાણંદ-બાવળાથી આવનારા છે. ટીમમાં એગ્ઝિટ-એન્ટ્રીઓ થતી રહે છે. બે-ત્રણ કલાકારો સ્ક્રૅપયાર્ડમાંથી ઘડાઈને પોતાની રીતે નાટક – સિનેમામાં કાઠું કાઢી રહ્યા છે.
અત્યારે દેશનો મોટા ભાગનો યુવાવર્ગ કોમવાદી શાસકોના પ્રતાપે ધોરણસરના શિક્ષણ ને રોજગારીના ભયંકર વિક્લ્પે ધાર્મિક-સાંકૃતિક-આર્થિક ઉન્માદમાં ન કરવાનું કરી રહ્યો છે.
આવા સંજોગોમાં કંઈક કહેવાની, કરવાની, બદલાવાની ઘડાવાની અમદાવાદની એક liberal, progressive, creative,organic space તરીકે પણ સ્કૅપયાર્ડનું મહત્ત્વ છે. પણ તે એકમાત્ર છે એવું કહેવાનો આશય નથી.
આ લખનારે જોયું છે કે ગયા ચારેક દાયકામાં અમદાવાદમાં આવી નાની-મોટી જગ્યાઓ ઊભી થતી રહી છે, તેમાં વધ-ઘટ પણ થઈ છે. આજે પણ થોડીક જગ્યાઓ છે તેનો આનંદ છે. એ spaces આ લખનારને દેખાય તેના કરતાં વધુ સારી રીતે બીજા ય જોઈ શકે.
સ્ક્રૅપયાર્ડને મદદ મળતી રહે છે. માઇક, લાઇટસ, સાઉન્ડ સિસ્ટમ, કૂલર, પ્રોજેક્ટર – આવું કંઈ ને કંઈ મળતું રહે છે, ક્યારેક નવું તો ક્યારેક નાનું-મોટું રિપેરિંગ કરીને ચાલી જાય તેવું.
આવી મદદની જેમ જ નામ વિના આર્થિક ટેકો આપનારા પણ છે. બાળકો માટેની વર્કશૉપ અને ટિકિટની આવક હોય છે. વોલન્ટિયર્સને આવવા-જવાનો ખર્ચ નીકળી જાય છે.
‘પૈસા માટે મુશ્કેલી ઊભી થઈ નથી’ એમ કબીર કહે છે, ત્યારે કંઈક નવાઈ લાગે છે. ગયાં બે-ત્રણ વર્ષમાં ઊભાં થયેલાં Scrapyardના ‘revenue model’ની કબીર વાત કરે છે ત્યારે ‘રુલા દેગા ક્યા?’ એવી ફીલિંગ આવે છે !
સ્ક્રૅપયાર્ડનું જે venue છે એની real estateમાં જે value છે તે આર્કિટેક્ટ કબીર, અરુણભાઈ -ઇલાક્ષી બહેનનો ઠાકોર પરિવાર અને અર્થશાસ્ત્રની અધ્યાપક નેહા નહીં જાણતાં હોય ?
નેહા અધ્યાપન કરે, ‘ગુજરાત મિત્ર’માં કૉલમ લખે, ઘર સંભાળે, સ્ક્રૅપયાર્ડમાં નાટ્યસંગિની બને. જો કે, કબીર આર્કિટેક્ટ તરીકેનો વ્યવસાય ક્યારે કરતો હશે અને એ વ્યવસાયનું revenue શું હશે એવો સવાલ રહે !
કબીરને હવે સ્ક્રૅપયાર્ડની લાઇબ્રેરી તેમાંના પુસ્તકો અને આર્કાઇવલ સામગ્રી સાથે વ્ય્વસ્થિત કરાવવી છે. નેહા-કબીર સપના જોતાં રહે છે, તેને સ્ક્રૅપયાર્ડના મંચ પર લાવતાં રહે છે. Scrapyard ઊભું કરવાનું સ્વપ્ન તેમણે શબ્દશ: scrap એટલે કે ભંગારમાંથી સાકાર કર્યું છે.
બીજાંઓ પોતાનાં મંચ-આવિષ્કારનાં સપનાં તેમની સાથે શેઅર કરે છે. તેમનાં સપનાંને પોતાનાં જ ગણીને તે સાકાર થાય તે માટેની સ્પેસ જ નહીં, સગવડો જ નહીં, પણ સાથ અને સ્નેહ આ દંપતી તેમ જ તેમનાં યુવા રંગકર્મીઓ પૂરો પાડે છે.
નેહાના નામમાં જ નેહ છે, અને કબીર તો ઢાઈ આખર પ્રેમ કા પઢી ચૂક્યો છે. તેના સપનાંનું Scrapyard, the theatre તો હદ સરહદ કે પાર જનારું છે. કબીરજીએ કહ્યું છે ને ! – हद सरहद के पार गया, अब तो अनहद गरजे.
આભાર, કબીર-નેહા.
અને આભાર સ્ક્રૅપયાર્ડ ટીમ જેને કારણે સ્ક્રૅપયાર્ડ ચેતનવંતુ છે. આ રહ્યાં તે યુવા રંગકર્મીઓનાં નામ : એજાઝ, કરણ, કાર્તિક, જય, ધ્રિશિતા, પ્રિતેશ, પ્રિયાની, પ્રિયાંશી, ભવ્ય, મીત, લક્ષ્ય, સાર્થક, સાવન, સૂરજ, હિરેન.
29 મે 2024
Located in : Mahalaxmi Complex
Address : 2H66+22X, 23, Gujarat society, Near Red Cross Blood Bank, Paldi, 18, Vikas Gruh Rd, Mahalaxmi Society, Motinagar Society, Bhatta, Paldi, Ahmedabad, Gujarat 380 007, India
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર