અમૃતાથી ધરાધામ : શ્રી રઘુવીર ચૌધરી અધ્યયન ગ્રંથ. ભાગ ૧,૨ : સં. દૃષ્ટિ પટેલ, સુનીતા ચૌધરી : રંગદ્વાર પ્રકાશન, અમદાવાદ. ૩૮૦ ૦૦૯ : આવૃત્તિ, ૨૦૧૪ : પાનાં ૧૬ + ૪૬૪, ૮ + ૪૮૮ : પ્રત્યેક ભાગના રૂ. ૩૬૦
બે ભાગનાં કુલ ૯૭૬ પાનાં. તેમાં ૧૫૦ કરતાં વધુ લેખો. બધા એક જ વ્યક્તિ અને તેના સર્જન અને જીવન વિશેના. આ એક લેખક તે રઘુવીર ચૌધરી. ૧૯૩૮ના ડિસેમ્બરની પાંચમી તારીખે જન્મ. ગયે વર્ષે એ વાતને ૭૫ વર્ષ થયાં. આ પ્રસંગ ધામધૂમથી ઉજવી શકાયો હોત. ઉજવાવો જોઈતો હતો. પણ એ અંગેની દરખાસ્તો પર ખુદ રઘુવીરભાઈએ જ ઠંડુ પાણી રેડ્યું. તો અભિનંદન ગ્રંથ ? એની પણ ના. એમાં તો વખાણ ઉઘરાવવા જેવું થાય એમ લાગ્યું હશે. પણ છેવટે અધ્યયન ગ્રંથ માટે રાજી થયા.
રઘુવીરભાઈનાં પુસ્તકો વિષે જેટલું લખાયું છે તેટલું, લેખકની હાજરીમાં, આપણે ત્યાં બહુ ઓછા લેખકો વિષે લખાયું હશે. એ બધામાંથી આ ગ્રંથ માટેની સામગ્રી તારવવાનું કામ સહેલું નહિ જ. પણ દૃષ્ટિ પટેલ અને સુનીતા ચૌધરીએ એ ચેલેન્જ ઉપાડી લીધી. ઉપાડી એટલું જ નહિ, સુપેરે પાર પણ પાડી. મૂળ વિચાર એક પુસ્તક કરવાનો. પણ સામગ્રીની પસંદગી થતી ગઈ તેમ ખ્યાલ આવ્યો કે એક પુસ્તકમાં નહિ સમાય. એટલે બે ખંડ કર્યા. પુસ્તકના પહેલા ખંડમાં ૩૭ નવલકથાઓ વિશેના લેખો છે. તેમાં દર્શક, હરિવલ્લભ ભાયાણી, અને સુરેશ જોશી જેવા ખ્યાતનામ લેખકોથી માંડીને વર્ષા એલ. પ્રજાપતિ અને પ્રવીણભાઈ એસ. વાઘેલા સુધીના લેખકોના લેખો છે. દેખીતી રીતે જ તેમાં સૌથી વધુ લેખો અમૃતા અને ઉપરવાસ કથાત્રયી વિષે છે – પાંચ પાંચ. આ ઉપરાંત આ ખંડમાં નવલિકાઓ વિશેના ૩૨ લેખો છે. તેમાં સંગ્રહો વિશેના લેખો છે તો ચોક્કસ વાર્તાઓ વિશેના આસ્વાદ લેખો પણ છે. બીજા ખંડમાં નાટક, નિબંધ, ચરિત્ર, વિવેચન-સંપાદન-સંશોધન, કવિતા, શબ્દ અને કર્મ એવા પાંચ વિભાગોમાં લેખો સમાવ્યા છે. અંતે રઘુવીરભાઈનાં તમામ પુસ્તકોની સૂચિ તથા સંદર્ભ સૂચિ પણ આપી છે.
‘રઘુવીર એટલે તરણેતરનો મેળો’ એમ કહેનાર સુરેશ દલાલે કહ્યું છે તેમ રઘુવીર એટલે એક વ્યક્તિનો કાફલો. એક રઘુવીરમાં અનેક રઘુવીર છે અને અનેક રઘુવીરમાં એક રઘુવીર છે. આ પુસ્તકના બંને ખંડોમાંના લેખો વાંચતાં આ વાત કેટલી સાચી છે તેની પ્રતીતિ થયા વગર રહેતી નથી. પણ તેઓ માત્ર શબ્દના ઉપાસક નથી, એક સતત કર્મશીલ પણ છે. એ કિંમતના નહિ પણ મૂલ્યોના માણસ છે. મૈત્રીના માણસ છે, પણ આવી પડેલી અ-મૈત્રીને પણ સ્વીકારી લે છે. કપાસના છોડની જેમ જ સંસ્થાઓનું પણ જતન-સંવર્ધન કરે છે. સંસ્થામાં ક્યારેક પોતે કીટનાશકનું કામ પણ કરી લે, અહિંસક રીતે. આટલું લખી શક્યા, આટલું કરી શક્યા, એનું કારણ? કારણ જાણવા મળે છે પત્ની પારુલબહેનના લેખમાંથી. લખે છે : “અગવડ જેવું તો એમણે ક્યારેય કોઈ કામ બાબતે અનુભવ્યું નથી. જેવી પણ પરિસ્થિતિ હોય એને સગવડ જ ગણીને કામ કદી અટકાવ્યું પણ નથી.”
પણ હા. આ પુસ્તકમાં વાચકને કેટલીક અગવડ પડે તેવું છે તે કઠે છે. કદાચ પાનાં બચાવવાના આશયથી બીજા ખંડની અનુક્રમણિકાનો લે-આઉટ થયો છે, પણ તેથી કોઈ ચોક્કસ લેખ શોધતાં થોડી મુશ્કેલી પડે છે. અંતે મૂકેલ ‘રઘુવીર ચૌધરીનું લેખન’ અને ‘સંદર્ભ સૂચિ’માં તો આ મુશ્કેલી વધુ અનુભવાય છે. ગ્રંથમાં જે લેખકોનાં લખાણો સમાવ્યાં છે તેમની કક્કાવારી સૂચિ પણ ઉમેરી શકાઈ હોત. રઘુવીરભાઈની મુદ્રિત કે રેકોર્ડેડ મુલાકાતોમાંથી પણ બે-ત્રણ સમાવી શકાઈ હોત. અને હા, આ હોય ભલે અધ્યયન ગ્રંથ, પણ એટલે કાંઈ એમાં રઘુવીરભાઈના થોડા ફોટા ન મૂકી શકાય એવું થોડું જ છે? સમારંભ કર્યો હોત તો એનું આયુષ્ય બે-ચાર દિવસનું હોત. અભિનંદન ગ્રંથ કર્યો હોત તો એનું આયુષ્ય બે-ચાર વરસનું હોત. પણ આવો અધ્યયન ગ્રંથ કર્યો તે રઘુવીરભાઈનાં પોતાનાં લખાણોની જેમ દીર્ઘજીવી નીવડશે. લેખક રઘુવીરભાઈના લેખનને જાણવામાં કે માણવામાં રસ હોય તેમણે વાંચવું જ પડે તેવું પુસ્તક.
સૌજન્ય : ‘બુકમાર્ક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 08 સપ્ટેમ્બર 2014