૫
ફાર્બસના અમદાવાદ સાથેના સંબંધનો પહેલો તબક્કો ૧૮૫૦માં પૂરો થયો. એ વર્ષના માર્ચમાં તેમને મુંબઈ હાજર થવા સરકારે જણાવ્યું. દલપતરામ અને તેમનું કુટુંબ પણ ‘સાહેબ’ સાથે મુંબઈ ગયા. બધાએ પહેલાં અમદાવાદથી ખંભાત સુધીનો પ્રવાસ બળદ ગાડામાં કર્યો, અને પછી ખંભાતથી મુંબઈની મુસાફરી વહાણમાં કરી. અમદાવાદથી મુંબઈ પહોચતાં તેમને છ દિવસ લાગ્યા. પણ ત્યાર બાદ થોડા જ વખતમાં ફાર્બસની બદલી સુરત કરવામાં આવી. ૧૮૫૦ના એપ્રિલની ૧૫મી તારીખે તેમણે સુરતના અસિસ્ટન્ટ જજ અને સેશન્સ જજ તરીકેની જવાબદારી સંભાળી લીધી. અમદાવાદમાં જેવાં કામો કર્યાં હતાં તેવાં જ સુરતમાં પણ કરવાનો ફાર્બસે પ્રયત્ન કર્યો. તેમણે ‘સુરત અષ્ટાવિંશતિ સોસાયટી’ની સ્થાપના કરી અને તેના પહેલા સેક્રેટરી બન્યા. બેજનજી પાલનજી કોટવાળ અને દુર્ગારામ મંછારામની મદદથી ફાર્બસે સુરતનું પહેલું અખબાર ‘સુરત સમાચાર’ શરૂ કર્યું. ‘પારસીપ્રકાશ’(ખંડ ૧, ભાગ ૬, ૧૮૮૧, પા. ૫૩૯)માં જણાવ્યા પ્રમાણે તેનો પહેલો અંક ૧૮૫૦ના ઓક્ટોબરની ૧૦મી તારીખે પ્રગટ થયો હતો. તે અઠવાડિયામાં બે વખત પ્રગટ થતું. મુકુન્દરાય મણિરાય તેના પહેલા તંત્રી હતા. પણ કેટલાક લોકો આવી ‘અંગ્રેજી વસ્તુઓ’ના વિરોધી હતા. કોઈક બહાના હેઠળ તેમણે મુકુન્દરાયને કોર્ટમાં ઘસડ્યા. તેમના પર બનાવટી સહી કરવા અંગેનો અને બદનક્ષીનો દાવો માંડ્યો. એ વખતે ફાર્બસે મુકુન્દરાયને પૂરેપૂરો ટેકો આપ્યો, અને છેવટે તેઓ નિર્દોષ છૂટ્યા. પાછળથી આ બનાવ અંગે લખતાં મુકુન્દરાયે કહ્યું કે ફાર્બસનો પૂરેપૂરો ટેકો હતો એટલે જ હું આ આકરી કસોટીમાંથી પાર પડી શક્યો. જો કે, તે પછી, આ અખબાર ઝાઝું જીવ્યું નહિ.
૧૮૫૦ના જુલાઈની પહેલી તારીખે સુરતની પહેલવહેલી લાયબ્રેરી એન્ડ્રુઝ લાયબ્રેરીની સ્થાપના થઇ. સુરતના એક ન્યાયાધીશનું નામ તેને આપવામાં આવ્યું હતું. સુરતની આ પહેલવહેલી લાયબ્રેરીને બેજનજી પાલનજી કોટવાળે ૬૦૦ જેટલાં પુસ્તકો ભેટ આપ્યાં હતાં. સંસ્થાના પહેલા પ્રમુખ ફાર્બસ બન્યા હતા. (માહિતી ઈશ્વરલાલ ઈચ્છારામ દેસાઈ કૃત ‘સૂરત સોનાની મૂરત, પા. ૧૯૪ને આધારે.)
સુરતમાં ફાર્બસને માથે એક કપરી કામગીરી આવી પડી. સરકારે ટાઉન્સ ઈમ્પ્રુવમેન્ટ એક્ટ (૧૮૫૦નો ૨૬મો કાયદો) લાગુ કરવાનું નક્કી કર્યું. આ કાયદા હેઠળ શહેર સુધરાઈને ઓકટ્રોય કર ઉઘરાવવાની સત્તા મળતી હતી. પણ આથી સુરતના લોકોના મનમાં ધ્રાસકો પડ્યો કે આ તો અગાઉની રાજાશાહીમાં જેમ મન ફાવે તેમ કરવેરા ઉઘરાવતા હતા તેમ હવે કંપની સરકાર પણ કરશે. લોકોના મનમાં ધૂંધવાતો અગ્નિ ક્યારે જ્વાળા બની સળગી ઊઠે એ કહેવાય તેમ નહોતું. લોકોને સમજાવીને તેમનો વિરોધ ભભૂકી ન ઊઠે તે જોવાની જવાબદારી ૧૮૫૧માં સરકારે ફાર્બસને સોંપી. તેમણે ચોરે ને ચૌટે લોકોની નાની નાની સભાઓ (આજની સ્ટ્રીટ કોર્નર મિટિંગ) ભરવાનું શરૂ કર્યું. દલપતરામ અને દુર્ગારામ મહેતાજીને તેઓ સાથે રાખતા અને તેઓ લોકોને આ નવા કાયદાના ફાયદા સમજાવતા. કેટલીક વાર આવી સભાઓમાં વિરોધીઓ સાથે તડાફડી પણ થતી. એવે વખતે ફાર્બસ શાંતિથી તેમની સાથે વાત કરતા, તેમના વાંધા-વચકાઓના ખુલાસા આપતા. છેવટે તેઓ સુરતના લોકોને ગળે સરકારની વાત ઉતરાવી શક્યા, અને કશા વિરોધ વગર સરકાર એ કાયદાનો અમલ કરી શકી. પરિણામે ૧૮૫૨ના એપ્રિલની ૨૩મી તારીખથી સુરતમાં મ્યુનિસિપાલિટી અસ્તિત્વમાં આવી. આ આખી વાતમાં ફાર્બસે જે ભાગ ભજવ્યો તે માટે સરકારે તેમનો ખાસ આભાર માનતો પત્ર લખ્યો. ૧૮૫૧ના જુલાઈની ત્રીજી તારીખે લખાયેલા ૨૨૭૧ ક્રમાંક ધરાવતા પત્રમાં સરકારે લખ્યું હતું : “આ નાજુક કામ તમે જે કૂનેહ અને વિવેક પૂર્વક પાર પાડ્યું છે તે માટે સરકાર વતી તમારો આભાર માનવાનું મને જણાવવામાં આવ્યું છે.”૭
જો કે આ પત્ર લખાયો તે પહેલાં જ ફાર્બસની બદલી સુરતથી અમદાવાદના ફર્સ્ટ અસિસ્ટન્ટ કલેકટર અને મેજિસ્ટ્રેટ તરીકે થઇ ચૂકી હતી. ત્યાર બાદ જુલાઈમાં તેમને ધોળકા અને વિરમગામ જિલ્લાનો વહીવટ સોંપવામાં આવ્યો. ૧૮૫૨ના ઓગસ્ટમાં તેમને મહીકાંઠા એજન્સીના પોલિટિકલ એજન્ટ બનાવવામાં આવ્યા. તેમાં ૧૨ દેશી રાજ્યોનો સમાવેશ થતો હતો. તેમાં સૌથી મોટું ઇડરનું રાજ્ય હતું. એજન્સીના પ્રદેશનો અડધા કરતાં વધુ હિસ્સો આ રાજ્યના તાબા હેઠળ હતો. તાલુકદારોના છોકરાઓને ભણાવવા માટે ફાર્બસે સાદરામાં એક સ્કૂલ શરૂ કરી. આ સ્કૂલ અને તેની બાજુમાં આવેલ બજાર, બંને ફાર્બસ સ્કૂલ અને ફાર્બસ બજાર તરીકે ઓળખાતાં હતાં.
૧૮૪૬માં ફાર્બસ પહેલી વાર અમદાવાદ આવ્યા ત્યારથી દલપતરામની મદદથી તેમણે ગુજરાતનાં ઇતિહાસ, સંસ્કૃતિ, સાહિત્ય, વગેરેને લગતી હસ્તપ્રતો એકઠી કરવાનું શરૂ કર્યું હતું. જો શક્ય હોય તો તેઓ હસ્તપ્રત ખરીદી લેતા, અને નહિતર લહિયા પાસે તેની નકલ કરાવી લેતા. આ કામ માટે તેઓ અવારનવાર મુસાફરીઓ પણ કરતા. ‘દ્વયાશ્રય’ની હસ્તપ્રત મેળવવા માટે તેમણે પાટણ જઈને જૈન દેરાસરોની મુલાકાત લીધી. કોઈ પણ ધાર્મિક સ્થળમાં પ્રવેશ કરતી વખતે ફાર્બસ પોતાના જોડા બહાર ઉતારતા. તેમને બેસવા માટે ખુરસી આપવામાં આવે તો પણ તેઓ શેતરંજી પર ઘૂંટણ વાળીને બેસતા. જૈન ધર્મ અને ૨૪ તીર્થંકરો અંગેની ફાર્બસની જાણકારીથી દેરાસરના આચાર્ય પ્રસન્ન થયા. તેમણે ‘દ્વયાશ્રય’ની હસ્તપ્રત ફાર્બસને જોવા તો આપી, પણ તેની નકલ કરાવવા માટે ફાર્બસને તે પ્રત ઉછીની આપવા તૈયાર ન થયા. ત્યારે ફાર્બસે કહ્યું કે આપ મને તેની નકલ કરાવી મોકલી આપો. નકલ કરવા માટે લહિયાને સાધારણ રીતે ૧૦૦ શ્લોકના બે રૂપિયાના દરે મહેનતાણું ચૂકવાતું. તેને બદલે ફાર્બસ સામે ચાલીને અઢી રૂપિયા આપવા તૈયાર થયા.
એક વાર ફાર્બસ વલ્લભીપુર ગયા હતા ત્યારે તેમણે ગરબા જોવાની ઈચ્છા બતાવી. તે માટે પત્ની સાથે તેઓ રાત્રે કોળીવાડામાં ગયા. થોડા ગરબા જોયા પછી ફાર્બસે કહ્યું કે હવે મારે મલ્હારરાવનો ગરબો જોવો છે. પણ તેમાં અંગ્રેજ અફસરોની મશ્કરી કરવામાં આવી હતી અને અંગ્રેજ સરકારની ટીકા કરવામાં આવી હતી. આથી કોળી સ્ત્રીઓ એ ગરબો ગાતાં અચકાતી હતી. પણ દલપતરામની મદદથી ફાર્બસે સ્ત્રીઓને એ ગરબો ગાવા સમજાવી. તો ઇડરની મુલાકાત દરમ્યાન ફાર્બસે આસપાસના ગામોમાંથી ભાટ-ચારણોને બોલાવ્યા. દિવસ દરમ્યાન સરકારી કામ કરતા અને ફૂરસદને વખતે એક-એકને બોલાવી તેમની પાસેથી કવિત સાંભળતા. વિદાય વખતે દરેકને રિવાજ પ્રમાણે કંઈ ને કંઈ શરપાવ આપતા.
૧૮૫૩મા એક્ટિંગ જજ અને સેશન્સ જજ તરીકે ફાર્બસ ફરી અમદાવાદ આવ્યા. કોઈ પણ કેસમાં ચુકાદો આપતી વખતે કાયદાની સાથે સાથે તેઓ સ્થાનિક રીતરિવાજનો પણ ખ્યાલ રાખતા. ‘દેશી’ઓની ખૂબીઓ અને ખામીઓથી પણ ફાર્બસ સારી પેઠે વાકેફ હતા. ફાર્બસે કેટલાક ચુકાદાઓ કેવી કૂનેહપૂર્વક આપ્યા હતા તેની વાત દલપતરામે પોતાની લેખમાળામાં કરી છે. ફાર્બસ ૧૮૫૩માં ફરી અમદાવાદ આવ્યા પછી થોડા જ વખતમાં સરકારે રખડતા કૂતરાઓને મારી નાખવા અંગેનો હુકમ જાહેર કર્યો. કેટલાક વધુ પડતા ઉત્સાહી પોલીસોએ હિન્દુઓનાં ઘરોની બહાર જ તલવારથી કૂતરાઓને મારી નાખ્યા. જોતજોતામાં આખા શહેરમાં વાત પ્રસરી ગઈ અને જાતજાતની અફવાઓ ફેલાઈ. નગરશેઠ હિમાભાઈએ દલપતરામને કહ્યું કે તમે જઈને સાહેબને સમજાવો. દલપતરામની વાત સાંભળ્યા પછી ફાર્બસે કહ્યું કે હિંદુ વેપારીઓને કૂતરા મરે એનું દુ:ખ થાય છે, પણ એ જ કૂતરા કરડવાથી જે બાળકો મરી જાય છે તેમના માટે દુ:ખ થતું નથી. પછી તેમણે કહ્યું કે હિંદુઓ જો ખરેખર કૂતરાઓને બચાવવા માગતા હોય તો દરેક હિન્દુએ એક-એક કૂતરાને પાળવાની જવાબદારી લેવી જોઈએ. તેમણે કૂતરાને સાંકળ પહેરાવવી જોઈએ અને તેને છુટ્ટા રખડવા દેવા ન જોઈએ. શહેરમાં રખડતાં કૂતરાંની સંખ્યા કરતાં તેમાં વસતા હિન્દુઓની સંખ્યા વધુ મોટી છે. એટલે જો દરેક હિંદુ એક એક કૂતરો પાળે તો શહેરમાં એક પણ રખડતો કૂતરો જોવા મળશે નહિ. અને તો પછી રખડતા કૂતરાઓને મારી નાખવાનો પ્રશ્ન જ રહેશે નહિ. દલપતરામે જ્યારે ફાર્બસની વાત હિમાભાઈને અને બીજા વેપારીઓને જણાવી ત્યારે તેમણે કહ્યું કે આમ કરવું તો અમારે માટે શક્ય નથી. અમે તો માત્ર પૈસા આપી શકીએ. એટલે શહેરની પાંજરાપોળને તેમણે લોઢાની બે હજાર સાંકળો ભેટ આપી. જે લોકો કૂતરા પાળવા માગતા હોય તેમને એ મફત આપવામાં આવશે એવી જાહેરાત કરી. બે કલાકમાં તો બધી સાંકળ ઉપડી ગઈ. કારણ જાહેરાત થતાં વેંત જ આસપાસમાં રહેતાં કુટુંબોમાંથી એક કરતાં વધુ સભ્યો આવીને સાંકળ લઇ ગયા. એટલે ઘણા લોકોને તો ખાલી હાથે પાછા જવું પડ્યું. પણ પછી દલપતરામ ઉમેરે છે : પણ તે પછી ભાગ્યે જ કોઈ ઘરમાં પાળેલો કૂતરો જોવા મળ્યો હતો. ઘણાખરા લોકોએ એ સાંકળ ભંગારમાં વેચીને થોડા પૈસા ઊભા કરી લીધા હતા.
(ક્રમશ:)
e.mail : deepakbmehta@gmail.com