ચૌદ વરસની આનંદીએ મનમાં પાક્કી ગાંઠ વાળી : હું ડોક્ટર થઈશ જ
‘બંદર છો દૂર છે, જાવું જરૂર છે.’
હા, જી. આજે આપણે મુંબઈના બંદરથી ખૂબ દૂર જવાનાં છીએ, પહેલી વાર. અમેરિકાનાં રાજ્યોમાંનું એક ન્યૂ જર્સી. એનું એક નાનકડું ગામ, રોઝેલ. ત્યાં રહે થિયોડીસિયા કાર્પેન્ટર નામની સ્ત્રી. પૈસાદાર તો ખરી જ, પણ સ્ત્રીમાત્રનું ભલું ચાહનારી. સ્ત્રીઓને બનતી મદદ કરવામાં માનતી. એમને એક વાર ઊપડ્યો દાંતનો દુખાવો. ગઈ દાંતના ડોક્ટર પાસે. પોતાનો વારો આવે એની રાહ જોતી બેઠી વેટિંગ રૂમમાં. એક ખૂણામાં થોડાં મેગેઝિન પડ્યાં હતાં, આપણે ત્યાં હોય તેમ જરી પુરાણાં નહિ, નવાં નક્કોર. એમાંથી એક ઉપાડ્યું, પ્રિન્સ્ટનનું ‘મિશનરી રિવ્યૂ’. પાનાં ઉથલાવતાં એક લેખ પર નજર ચોંટી ગઈ. લખ્યો હતો હિન્દુસ્તાનના કોઈ ગોપાળરાવ જોશીએ. તેમાં લખ્યું હતું : ‘મારી પત્ની આનંદીબાઈને ઘણી ઇચ્છા છે, અમેરિકા જઈને ડોક્ટરનું ભણવાની. ભણવામાં છે એક નંબરની. એની ઇચ્છા પૂરી કરવા હું તો તૈયાર છું. પણ, અમારા જેવા મધ્યમ વર્ગના માણસોને અમેરિકા સુધી આવવા-જવાનો ખર્ચ, ત્યાંની કોલેજમાં ભણવાનો ખર્ચ, અભ્યાસ દરમ્યાન રહેવાનો ખર્ચ, એ બધું પોસાય ક્યાંથી?’ લેખને અંતે તેમણે અમેરિકાના સ્ત્રીશિક્ષણના હિમાયતીઓને અપીલ કરી હતી, આનંદીનું ડોક્ટર બનવાનું સપનું પૂરું કરવામાં મદદ કરવાની. લેખ પૂરો થયા પછી એ મેગેઝિનના તંત્રી રોયલ વાઈલ્ડરે તંત્રી નોંધ લખી હતી. તેમાં લખ્યું હતું કે આનંદીબાઈને અને તેના પતિને અમેરિકામાં રહેવા-ભણવાની બધી સગવડ તો થઈ શકે. પણ એક શરતે: આખું કુટુંબ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે તો. આ વાંચીને પહેલાં તો કાર્પેન્ટરે મેગેઝીન જોરથી ટેબલ પર પછાડ્યું. મનમાં ને મનમાં એક-બે ગાળ. આ તે કાંઈ રીત છે, કોઈ પણ ધર્મનો પ્રચાર કરવાની? પરમ કૃપાળુ ઈશ્વર તો સૌનો છે. એ કોઈ એક ધર્મનો ઇજારદાર થોડો છે? પણ પછી કૈંક વિચાર આવતાં એ મેગેઝિન પાછું હાથમાં લીધું. લેખને અંતે ગોપાળરાવ જોશીનું સરનામું છાપ્યું હતું તે નોંધી લીધું. અને એ જ વખતે દાંતના ડોકટરે તેને તપાસવા બોલાવી.
*

આનંદી ગોપાળ જોશી
મુંબઈ નજીકના કલ્યાણમાં ચિતપાવન બ્રાહ્મણ કુટુંબમાં ૧૮૬૫ના માર્ચની ૩૧મી તારીખે જન્મ. જન્મ વખતનું નામ યમુના. કુલ નવ ભાઈ-બહેન. એમાં યમુના પાંચમી. એ જમાનાના રિવાજ પ્રમાણે નવ વરસની થઈ ત્યારે તેનાં લગ્ન ૨૯ વરસના બીજવર ગોપાળરાવ જોશી સાથે કરી નાખવામાં આવ્યાં. મરાઠીભાષીઓના મોટા સમૂહમાં પ્રચલિત રિવાજ પ્રમાણે લગ્ન પછી તેને નવું નામ આપવામાં આવ્યું : ‘આનંદી.’
આ કલ્યાણ આજે તો મુંબઈની આસપાસનાં નાનાં-મોટાં શહેરોમાંનું એક બની રહ્યું છે. એક જમાનામાં તે ધીખતું બંદર હતું. આનંદીના પતિ ગોપાળરાવ હતા તો બ્રિટિશ સરકારના ટપાલ ખાતામાં કારકૂન. પણ હતા સ્ત્રી શિક્ષણના હિમાયતી. આનંદી ચૌદ વરસની થઈ ત્યારે એક દીકરાને જન્મ આપ્યો. પણ જરૂરી સારવાર ન મળવાને કારણે તે ફક્ત દસ દિવસ જીવ્યો. દીકરાનું અવસાન થયું તે જ દિવસે આનંદીએ મનમાં ગાંઠ વાળી : ‘હું ડોક્ટર થઈશ.’

થિયોડીસિયા કાર્પેન્ટર
બીજી બાજુ ગોપાળરાવે ટપાલ ખાતાની નોકરીમાં મહામહેનતે મુંબઈ બદલી મેળવી. એ જમાનો હતો સંસ્કૃત શીખવાના આગ્રહનો. પણ આનંદીએ બધું ધ્યાન કેન્દ્રિત કર્યું અંગ્રેજી શીખવા પર. વખત જતાં ગોપાળરાવે પેલો પત્ર લખ્યો જે અમેરિકાના સામયિકમાં છપાયો. કારપેન્ટરે પહેલાં ગોપાળરાવને અને પછી આનંદીને પત્ર લખ્યો. આનંદી અને કાર્પેન્ટર વચ્ચે તો લાંબો પત્રવ્યવહાર ચાલ્યો. આનંદી પોતાના પત્રોમાં તેમને ‘મૌશી’ તરીકે સંબોધન કરતી.
ત્યાં તો ગોપાળરાવની ફેર બદલી થઈ, સિરામપોર. કલકત્તા નજીકનું આ ખ્રિસ્તીઓનું મોટું મથક. ત્યાં પહોચ્યા ત્યાં સુધીમાં નક્કી કરી લીધું હતું કે એક સાથે બે જણની મુસાફરીનો ખરચ પોસાય તેમ નથી. એટલે પહેલાં આનંદીએ અમેરિકા જવું અને પછી સગવડ થાય ત્યારે ગોપાળરાવે જવું. બેમાંથી કોઈને આમ કરવું ગમતું નહોતું, પણ એમ કર્યા વગર છૂટકો નહોતો.
જેમ જેમ આનંદી અમેરિકા જવાની છે એ વાત ફેલાતી ગઈ તેમ તેમ તેનો ઉગ્ર વિરોધ શરૂ થયો. આપણાં શાસ્ત્રોમાં તો દરિયો ઓળંગવો એને ઘોર પાતક કહ્યું છે. છતાં મરદ માણસને કોઈક કારણસર એવું કરવું પડે તો પ્રાયશ્ચિત કરીને જાત ભાઈઓ સામે નાકલીટી તાણીને ફરી ‘શુદ્ધ’ થઈ શકે. પણ બાઈ માણસ! એનું સ્થાન તો ઘરના રસોડામાં. એને વળી ભણવાની શી જરૂર? અને તે ય પાછું અમેરિકા જઈને? શાન્તમ્ પાપમ્, શાન્તમ્ પાપમ્.
પણ આનંદી અને ગોપાળરાવ બંનેએ આપણા કવિ નર્મદની જેમ મનમાં ગાંઠ વાળી હતી : ‘ડગલું ભર્યું, કે ના હઠવું, ના હઠવું!’ આનંદીબાઈને જાહેરમાં ટેકો આપનારા ઓછા હતા, તેમનો વિરોધ કરનારા ઘણા. અને આનંદીબાઈએ એક અસાધારણ પગલું લેવાનું નક્કી કર્યું : જાહેરમાં ભાષણ કરીને પોતાની વાત લોકો સામે રજૂ કરવી. પોતે શા માટે અમેરિકા જાય છે, ત્યાં જઈને પણ પોતે હિંદુ ધર્મની પરંપરાનો ત્યાગ કરવાનાં નથી. વગેરે વાતો જાહેરમાં કરવાનું તેમણે નક્કી કર્યું.

સિરામપોર કોલેજ
એ દિવસ હતો ૧૮૮૩ના વરસના ફેબ્રુઆરી મહિનાની ૨૪મી તારીખનો. કોઈ હિંદુ સંસ્થા તો હોલ આપે નહિ. ૧૮૧૮નાં જુલાઈની ૧૫મી તારીખે વિલિયમ કેરી, જોશુઆ માર્શમન, અને વિલિયમ વોર્ડ નામના ત્રણ પાદરીઓએ શરૂ કરેલી સિરામપોર કોલેજ પોતાનો હોલ આપવા તૈયાર થઈ. કોલેજનો હોલ તો ચિક્કાર ભરાઈ ગયો હતો. શ્રોતાઓમાં હિન્દુસ્તાન ખાતેના અમેરિકાના રાજદૂત પણ કલકત્તાથી સિરામપોર આવીને ખાસ હાજર રહ્યા હતા. (એ વખતે કલકત્તા બ્રિટિશ ઇન્ડિયાની રાજધાની હતું.) સામે બેઠેલા શ્રોતાઓમાંના મોટા ભાગના આનંદીબાઈનો વિરોધ કરવા આવ્યા હતા. આનંદીબાઈની સામે એ વખતે ટેલિપ્રોમ્પટર તો ક્યાંથી હોય, પણ તેમણે હાથમાં એક ચબરખી સુધ્ધાં રાખી નહોતી. આવેશ વગર, પણ મક્કમતાથી તેમણે પોતાની વાત રજૂ કરી. પહેલું તો એ કહ્યું કે આપણા દેશમાં માંદી સ્ત્રીઓની સારવાર માટે કશી વ્યવસ્થા નથી. લેડી ડોકટરો છે નહિ, અને ઘણી ખરી સ્ત્રીઓ પુરુષ ડોક્ટર પાસે ઈલાજ કરાવવા કરતાં રોગથી રીબાઈ રીબાઈને મરવાનું વધુ પસંદ કરે છે. આવી સ્ત્રીઓ માટે લેડી ડોકટરની સગવડ હોય તે જરૂરી જ નહિ, અનિવાર્ય છે.
બીજી વાત એ કે ઘણા લોકોને બીક છે કે અમેરિકા જઈને હું મારો હિંદુ ધર્મ છોડીને ખ્રિસ્તી બની જઈશ. મારે આવા લોકોને કહેવું છે કે હું અમેરિકા જઈશ એક હિંદુ તરીકે, ત્યાં રહીશ એક હિંદુ તરીકે, અને ત્યાંથી પાછી આવીશ ત્યારે પણ હું હિંદુ જ હોઈશ. કેટલાક લોકો કહે છે કે દાક્તરીનું ભણવું હોય તો છો ભણે, પણ એ માટે અમેરિકા જવાની શી જરૂર છે? તેમને મારે જણાવવું જોઈએ કે જો આપણા દેશમાં સ્ત્રીઓ માટે તબીબી શિક્ષણની થોડી ઘણી વ્યવસ્થા પણ હોત તો મેં એવું શિક્ષણ લેવા માટે પરદેશ જવાનો વિચાર સુધ્ધાં કર્યો ન હોત. પણ આવી સગવડ દેશમાં ઊભી કરવામાં કોઈને રસ નથી. તેમને રસ છે મને અમેરિકા જતી રોકવામાં.
તો વળી કેટલાક પૂછે છે :’ અમેરિકા જઈને, કોલેજમાં ભણીને, છેવટની પરીક્ષામાં ફેલ થઈશ તો? મારા ખ્રિસ્તી મિત્રોને હું પૂછીશ : નિષ્ફળ જવાની બીકે ઈશુ ખ્રિસ્તે જો ધર્મોપદેશ કર્યો જ ન હોત, દિન-દુખિયાં માટે જાત ઘસી નાખી ન હોત, તો શું તમારાં પાપ ધોવાયાં હોત ખરાં? પોતાના જમાનાના લોકોના જ નહિ, આવનારી અનેક પેઢીઓનાં પાપ ધોવા ખાતર તેઓ ક્રૂસ પર ચડી ગયા. મારા હિંદુ મિત્રોને હું પૂછીશ કે શું રાજા શીબિએ, રાજા મયૂરધ્વજે, રાજા રામે, સ્વયમ્ શ્રી કૃષ્ણે લોકોનાં પાપ ધોવા માટે પોતાની જાતનું સર્વસ્વ હોમી દીધું નહોતું? હું એમના જેવી છું એમ તો હું ક્યારે ય ન માનું અને ન કહું. પણ હું એક વાર પ્રયત્ન કરવા માગું છું. એ પ્રયત્ન સફળ થશે કે નિષ્ફળ એનો વિચાર સુધ્ધાં હું અત્યારે કરતી નથી. ‘મારે એક ડગલું બસ થાય.’ મારા મનમાં હજી ઘણી વાતો છે, જે હું તમને કહી શકું. પણ મારે આપ સૌની ધીરજની કસોટી કરવી ન જોઈએ. એટલે બે હાથ જોડીને મારી વાત પૂરી કરવાની અનુમતિ માગું છું.

એસ.એસ. સિટી ઓફ કલકત્તા
અને પછી ઊગ્યો ૧૮૮૩ના એપ્રિલ મહિનાની સાતમી તારીખનો દિવસ. કલકત્તાના બારામાં નાંગરેલી સ્ટીમર ‘એસ.એસ. સીટી ઓફ કલકત્તા’ નામની સ્ટીમરની ગેંગવેનાં પગથિયાં ચડતી આનંદીબાઈ ઘડી ભર માટે થોભી ગઈ અને એકી ટસે જેટીના કાળમીંઢ પથ્થરો પર માથું અફાળતાં મોજાંઓ તરફ તાકી રહી. એણે ગુજરાતી ભાષાની એક કવિ મનોજ્ઞા દેસાઈનાં કાવ્યો તો ક્યાંથી વાંચ્યાં હોય? પણ એ વખતે એ એવું જ કૈંક ગણગણતી હતી :
દઈ દીધો દરિયો પણ તરવાની ના
અને રમવું પણ ફેંકવો ન પાસો,
આવી વાતોમાં જોજે આંસુ તો દૂર
ક્યાંય સરે નહિ એક્કે નિસાસો.
બાકી ભીતરમાં મોજાં તો એવાં ઉછળે
એનાં એકમ ના મીટર ના ફૂટ છે.
આનંદીબાઈની બાકીની સફરની વાત હવે પછી.
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે’; 19 સપ્ટેમ્બર 2026
e.mail : deepakbmehta@gmail.com
![]()









