બાવલા ખૂન કેસમાં ત્રણ નહિ, બે ગુનેગારોને જ ફાંસી અપાઈ, કેમ?
ગુરુવાર, નવેમ્બર ૧૯, ૧૯૨૫ના એ દિવસે જેવી જજસાહેબની પીઠ દેખાઈ કે તરત છાપાંના ખબરપત્રીઓએ (ના, જી, એ વખતે હજી જડબાતોડ ‘વૃત્તાંતનિવેદક’ શબ્દ ચલણી બન્યો નહોતો) દોટ મૂકી. બહારગામનાં છાપાંના ખબરપત્રીઓએ થોડે દૂર આવેલ સેન્ટ્રલ ટેલગ્રાફ ઓફિસ તરફ, મુંબઈનાં છાપાંના ખબરપત્રીઓએ પોતપોતાની ઓફિસ તરફ. બે-ત્રણ ચકોર હતા તે ગયા નજીકની ઈરાની રેસ્ટોરાં તરફ. તેમણે પહેલેથી હોટેલનો ફોન વાપરવા માટે ‘સેટિંગ’ કરી રાખેલું. કોઈ બહુ મોટો બનાવ બને ત્યારે છાપાં ખાસ ‘વધારો’ બહાર પાડે એવો એ વખતે ચાલ. બાકીનાં પાનાં તો સવારના અંકનાં જ હોય, પણ પહેલે પાને સાત કોલમનું (એ વખતે એક પાના પર સાત કોલમ આવતા. પછીથી આઠ કોલમ થયા) મોટું મથાળું : ‘બાવલા ખૂન કેસમાં ત્રણને ફાંસી, ત્રણને જનમટીપ, બે નિર્દોષ.’
કેદમાં કેદી
કેસ ચાલતો હતો ત્યારથી જ છાપાંઓમાં ભાગલા પડી ગયા હતા. ‘બોમ્બે ક્રોનિકલ’ અને બીજાં એક-બે સિવાય ઘણાંખરાં અંગ્રેજી છાપાં સરકાર તરફી. બ્રાહ્મણ માલિકીનાં મરાઠી છાપાં ઇન્દોરનરેશની વિરુદ્ધ, કારણ નરેશ બિન-બ્રાહ્મણ હતા. અદાલતના ચુકાદા સામે તો ખાસ કોઈને વાંધો નહોતો. પણ ચુકાદો આપ્યા પછી જસ્ટીસ ક્રંપ જે થોડાંક વાક્યો બોલ્યા તેણે છાપાં તો ઠીક, ઇન્દોરનરેશ અને બ્રિટિશ સરકાર સામે મોટી મુસીબત ખડી કરી દીધી. એ વાક્યો ફરી યાદ કરીએ : ચુકાદો સંભળાવ્યા પછી જસ્ટિસ ક્રમ્પે ઉમેર્યું : “જે સ્ત્રી દસ વરસ સુધી ઇન્દોરના મહારાજાની રખાત બનીને રહી હતી, પછી તેમને છોડીને મુંબઈ આવી હતી અને મિસ્ટર બાવલા સાથે રહી હતી તેનું અપહરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો આ આખા કાવતરાનાં મૂળ ઇન્દોર સુધી પહોંચતાં હોય તેમ માનવાને પૂરતાં કારણો છે. દેખીતું છે કે આજે આ અદાલતે જે ગુનેગારોને સજા ફરમાવી છે તેમનો દોરીસંચાર કરનારા હાથ તો બીજા કોઈના હતા. પણ એ હાથ કોના હતા એ અંગે ખાતરીપૂર્વક અમે કશું કહી શકીએ એવી સ્થિતિમાં નથી.”
ઇન્દોરના રાજવીએ બોમ્બે હાઈ કોર્ટના ચુકાદા સામે અપીલ કરવાની તૈયારી શરૂ કરી દીધી.
બાવલા ખૂન કેસ ૧૯૨૫નો. આપણા દેશમાં ૧ ઓક્ટોબર ૧૯૩૭ સુધી સુપ્રીમ કોર્ટનું અસ્તિત્ત્વ નહોતું. તે દિવસે સ્થપાઈ તે કોર્ટને પણ ‘ફેડરલ કોર્ટ’ નામ આપવામાં આવેલું. એટલે ૧૯૩૭ સુધી બોમ્બે, મદ્રાસ, અને કલકત્તા હાઈ કોર્ટના ચુકાદા સામે અપીલ કરવી હોય તો તે લંડનમાં બેઠેલી ‘પ્રિવી કાઉન્સિલ’ને કરવી પડતી. ૧૯૫૦માં (૨૮ જાન્યુઆરી) સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ ત્યાં સુધી હિન્દુસ્તાનમાં ચાલેલા ખટલાઓ સામે છેવટની અપીલ આ પ્રિવી કાઉન્સિલને કરવી પડતી. એ અરજી પહેલાં લાગતાવળગતા રાજ્યના ગવર્નરને મોકલવાની, પછી પોતાની ભલામણ સાથે ગવર્નર એ અરજી દિલ્હીમાં વાઈસરોયને મોકલે. વાઈસરોય પોતાની ભલામણ સાથે અરજી મોકલે લંડન. આ પ્રિવી કાઉન્સિલની સ્થાપના થયેલી ૧૪ ઓગસ્ટ ૧૮૩૩ના દિવસે. જે વખતે એમ કહેવાતું કે બ્રિટિશ સામ્રાજ્ય પર સૂર્ય ક્યારે ય આથમતો નથી એ વખતે દરેક બ્રિટિશ સંસ્થાન માટે પ્રિવી કાઉન્સિલ એ છેવટની અદાલત હતી. હકીકતમાં આ કાઉન્સીલની એક કમિટી – જ્યુડિશીયલ કમિટી – પાસે બધી અપીલો જતી. એ વખતે આ કાઉન્સિલનો ચુકાદો એ છેવટનો ચુકાદો. તેની સામે અપીલ થઈ શકતી નહિ.
ગ્રેટ બ્રિટનની પ્રિવી કાઉન્સિલનું મકાન
પબ્લિક પ્રોસીક્યૂટર ટી. રામ સિંહને મદદ કરવા ઇન્દોરના રાજવીએ સારામાં સારા વકીલો રોક્યા. તેમણે રાત-દિવસ મહેનત કરીને બોમ્બે હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ અપીલ તૈયાર કરી. બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર સર લેસ્લી વિલ્સનને હાથોહાથ પહોંચાડી. તેમણે મતું મારીને મોકલી દીધી દિલ્હી, ગવર્નર જનરલ અને વાઈસરોય સર રફસ આઈઝેકને. અને ત્યાંથી અરજી પહોંચી ગ્રેટ બ્રિટનની પ્રિવી કાઉન્સીલની જ્યુડીશીઅરી કમિટિ પાસે. ત્યાં આખા કેસ પર, બોમ્બે હાઈ કોર્ટના ચુકાદા પર, વિગતવાર ચર્ચા-વિચારણા થઈ. અને કાઉન્સીલે જવાબ મોકલ્યો ગવર્નર જનરલ અને વાઈસરોયને, તેમણે એ મોકલ્યો મુંબઈના ગવર્નરને, તેમણે મોકલ્યો બોમ્બે હાઈકોર્ટને અને ઇન્દોરના પબ્લિક પ્રોસીક્યૂટરને.
સર લેસ્લી વિલ્સન
કાનૂની જવાબ હતો, એટલે લાંબો તો હોય જ. થોડો અટપટો પણ હોય. આપણે એ જવાબની વિગતોમાં નહિ જઈએ. પણ લંડનવાળાઓએ કહ્યું કે અમે તમારી અરજી ઉપર પૂરતું ધ્યાન આપ્યું છે, વિગતવાર ચર્ચા કરી છે. અને તેને પરિણામે અમે સર્વાનુમતે ઠરાવીએ છીએ કે બોમ્બે હાઈ કોર્ટના માનવંતા જસ્ટીસ ક્રમ્પે જે ચુકાદો આપ્યો છે તે બધી રીતે યોગ્ય, કાયદા અને ન્યાય પ્રમાણે પૂરેપૂરો સ્વીકાર્ય છે, અને તેથી તેમાં કોઈ ફેરબદલ કરવાની ભલામણ અમે કરી શકતા નથી. લાગતાવળગતા સરકારી અધિકારીઓએ આ ચુકાદાની અમલબજાવણી માટે જરૂરી પગલાં વહેલી તકે લેવાં. ઇન્દોરના રાજવીની તો ગઈ ભેંસ પાણીમાં!
બોમ્બે હાઈ કોર્ટના જસ્ટીસ ક્રમ્પે પોતાના ચુકાદામાં કહ્યું હતું : “શફી અહમદ પોંડે, શફી અહમદ નબી અહમદ, અને શ્યામરાવ રાવજી દિઘેની મરનાર અબ્દુલ કાદર બાવલાના ખૂનના ગુનામાં સીધી સંડોવણી અને ભાગીદારી હોવાનું શંકા વગર પુરવાર થયું હોવાથી આ ત્રણ ગુનેગારોને દેહાંતદંડની સજા ફરમાવવામાં આવે છે.” These three shall be hanged till death.
પણ આ કેસ ચાલતો હતો તે દરમ્યાન જેલમાં તેમાંના એક ગુનેગાર શફી અહમદ પોંડેમાં ગાંડપણની અસર દેખાવા લાગી. એ વખતે આજના જેવી વૈદકીય સગવડો તો નહોતી. પણ જેલના અને બહારના ડોક્ટરોએ તેને તપાસીને કહ્યું કે પોંડે પાગલપણાનાં ઘણાં લક્ષણો બતાવી રહ્યો છે. યરવડાની મેન્ટલ હોસ્પિટલના વડા ડોકટરે પણ અભિપ્રાય આપ્યો કે આ કેદીમાં માનસિક બીમારીનાં લક્ષણ જોવા મળે છે. કાયદા પ્રમાણે ગાંડા માણસને ફાંસી આપી શકાય નહિ. એટલે પોંડેની સજા એ મૌત મુલતવી રાખવામાં આવી.
૧૯૨૬માં આર્થર રોડ જેલ બંધાઈ રહી તે પહેલાં ડોંગરીની જેલ મુંબઈની મુખ્ય જેલ હતી. છેક ૧૮૦૪માં એ બંધાઈ હતી. દેશની આઝાદીની લડત દરમ્યાન લોકમાન્ય ટિળક, ગોપાલ ગણેશ આગરકર અને વીર સાવરકર જેવા નેતાઓને આ જેલમાં રાખવામાં આવ્યા હતા. ૧૯ નવેમ્બર ૧૯૨૫. સવાર પડે તે પહેલાં મુંબઈની ડોંગરીની જેલની બહાર લોકોના ટોળાં એકઠા થવા લાગ્યાં. પ્રેસના રિપોર્ટરો જેલમાંથી આવતા-જતા પર બરાબર નજર રાખીને ઊભા હતા. સરકારે તો પૂરેપૂરી ગુપ્તતા રાખી હતી, પણ આગલી સાંજે જ મુંબઈમાં વાત વહેતી થઈ ગઈ હતી કે કાલે વહેલી સવારે બાવલા મર્ડર કેસના બે ગુનેગારોને ફાંસી અપાવાની છે. ખુદ બંને ગુનેગારોને પણ તે દિવસે સવારે ૬.૫૦ વાગ્યે ખબર અપાઈ હતી કે આજે તમને અપાયેલી ફાંસીની સજાનો અમલ કરવામાં આવશે. બંનેએ શાંતિપૂર્વક એ સમાચાર સાંભળ્યા હતા. યરવડા જેલથી આવેલા જલ્લાદે બંને ગુનેગારોને ફાંસી આપી હતી. પછીથી બંનેના મૃતદેહ તેમનાં સગાંઓને સોપી દેવામાં આવ્યા હતા.
ઇન્દોર રાજવાડા – ૨૦મી સદીની શરૂઆતમાં
પ્રિય વાચક! આપને થતું હશે કે ચાલો, આ બાવલા ખૂન કેસનું પ્રકરણ છેવટે પૂરું થયું. ના, ભઈ ના. એ વખતનાં છાપાંની ભાષામાં કહીએ તો બાવલા ખૂન કેસનો ચરુ હજી ઊકળતો હતો! એક તો ચુકાદો આપ્યા પછી નામદાર જજસાહેબે જે કહ્યું હતું એના પડઘા શમતા નહોતા. બીજી બાજુ કેટલાંક છાપાં, ફરી એ જમાનાનો પ્રયોગ કરીને કહીએ તો ‘આદુ ખાઈને’ ઇન્દોરના રાજવીની પાછળ પડ્યાં હતાં. તેની પાછળનું એક કારણ એ કે ઇન્દોરના રાજવીઓ બ્રાહ્મણ કે ક્ષત્રિય વંશના નહિ, પણ ધનગર જાતિના હતા. આ ધનગર એટલે આપણે જેને ‘ભરવાડ’ કહીએ છીએ તેવી એક જાતિ, જેની સારી એવી વસતી આજના મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં છે. ઇન્દોરના પહેલા રાજવી મલ્હાર રાવ હોળકર ધનગર જાતિના હતા. એટલે બીજી બાજુ બિન-હિંદુ છાપાં ઇન્દોર રાજવીનું ઉપરાણું તાણી રહ્યાં હતાં. છાપાંઓની આ લડાઈ તો જાહેરમાં ચાલતી હતી. પણ વધુ અસરકારક બનાવો તો પડદા પાછળ બની રહ્યા હતા. બોમ્બે હાઈ કોર્ટના ચુકાદા પછી મુંબઈના પોલીસ કમિશનર પેટ્રિક કેલીએ મુંબઈના નામદાર ગવર્નરની અંગત મુલાકાત લીધી અને કહ્યું કે હું તો પહેલેથી જ કહેતો આવ્યો છું, પણ બોમ્બે હાઈ કોર્ટના નામદાર જજ સાહેબે પણ ચુકાદો આપતી વખતે ઇન્દોરના મહારાજા તુકોજી રાવ હોલકર, ત્રીજા તરફ દેખીતી રીતે જ આંગળી ચિંધી છે. માટે સરકારે હવે તેમની સામે કાનૂની પગલાં લેવાં જોઈએ. અને આવાં પગલાં લેવાય તે માત્ર કાયદા અને ન્યાયની દૃષ્ટિએ જ જરૂરી નથી. બ્રિટિશ સલ્તનતની પ્રતિષ્ઠા ટકાવી રાખવા માટે પણ જરૂરી છે. અને પછી છેલ્લે ‘રાણાનો ઘા’ કરતાં કહ્યું : ‘ઇન્દોર નરેશ સામે પગલાં લેવામાં નહિ આવે તો મુંબઈના પોલીસ કમિશનરના હોદ્દા પરથી મારે રાજીનામું આપી દેવું પડશે.’
પ્રિય વાચક! જરા વિચાર કરજો : કઈ માટીનો ઘડાયેલો હશે આ પોલીસ કમિશનર? તેની પાસે એક કેસ આવ્યો તેની સામે પૂરે તરીને પણ સારામાં સારી રીતે તપાસ કરી. જે આરોપીઓને મુંબઈ પોલીસે પકડ્યા હતા તેમને બોમ્બે હાઈ કોર્ટે વધતી-ઓછી સજા પણ કરી. પોલીસ કમિશનરના હોદ્દાની રૂએ તો તેમનું કામ પૂરું થયું. પણ ના! આ કાવતરું ઘડનાર ખરા આરોપીને સજા ન થાય તો નોકરીમાંથી રાજીનામું આપવાની તૈયારી બતાવવી? આજનો કોઈ પોલીસ કમિશનર આવું કરી તો શું, વિચારી પણ શકે?
અને નામદાર ગવર્નરે વાત પહોંચાડી દિલ્હી દરબાર સુધી. દિલ્હીમાં નામદાર ગવર્નર જનરલ અને વાઈસરોયે શું કર્યું તેની વાત હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 31 મે 2025