Opinion Magazine
Number of visits: 9797460
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—337

દીપક મહેતા|Opinion - Opinion|19 April 2026

મુંબઈના વહોરા વેપારીઓનો ગઢ: ભીંડી બજાર 

એક આંખે ૧૮૯૦, બીજી આંખે ૨૦૨૬  

મહેરબાન, કદરદાન, મહેમાન! આજે આપુન મુંબઈ શહેરના કેટલાક રસ્તા પર ફરવા નીકરવાનાં છઈએ. પન આપુન એક ખાસ કિસમનાં ચશ્માં પહેરીને નિકલવાનાં છીએ. તેના એક કાચમાંથી દેખાસે ઈ.સ. ૧૮૯૦ના દેખાવ. અને બીજા કાચમાંથી દેખાસે આજના, ૨૦૨૬ના દેખાવ. આપરે ચાલવાનું સુરુ કરસુ તે વારથી વારાફરતી આય બંને કાચની નજરે રસ્તાના દિદાર કરસુ. મુંબઈનાં બોહરાઓની જિંદગાનીનું જીગર છે ભીંડી બજાર. અહીં  એમનાં ઘર, એમની દુકાનો, એમની પેઢીઓ, અને એમની મસ્જિદો જાને કે એકમેકને વલગીને ઊભાં છે. એટલે  આપરી સવારી પહેલ્લે જ જવાની છે ભીંડી બજાર. મુને માલમ છે કે અમારા કેટલાક જીગરી દોસ્તોને ભીંડીની ભાજી બિલકુલ ભાવતી ના. એ દોસ્તોને અરજ ગુજારવાની કે આય રસ્તાને અને ભીંડી, ભીંડા, ઓકરા, કે લેડીઝ ફિંગર સાથે કઈ બી લાગતુંવરગતું નથી છે! દખ્ખણ હિન્દુસ્તાનમાં એક ઝાડ થાય છે તેનું મરાઠી નાવ છે ભેન્ડી. કેહે ચ કે એક જમાનામાં આય વિસ્તારમાં ભેન્ડીનાં બહુ બધાં ઝાડ હુતાં. પછી એ ઝાડ દૂર કરીને રસ્તો બનાવિયો, રસ્તા પર બજાર ઊભી કીધી. આય બજારનું નામ પરિયું ભેન્ડી બજાર. વખત જતાં તે બનિયું ભીંડી બજાર. કારણ વોરાઓ અને બીજા ગુજરાતીઓ ‘ભેન્ડી’ને ‘ભીંડી’ કે ‘ભિંડા’ નામથી ઓરખે. 

ભેન્ડી કે ભીંડીનું ઝાડ 

અહીં બહોરાઓના ફીરકાના બે પાક મથક આવેલાં છે: સૈયદ તાહેર સૈફુદ્દીનનો મકબરો અને સૈફી મસ્જિદ. અહીં સમય વહેતો નથી, પણ તેનાં પડ એકની ઉપ્પર એક ચરતા જાય છે. 

ઘોડાની ટ્રામના સમયનું ભીંડી બજાર 

૧૮૯૦, સવારના ૬ : કોઈ બી ઘેરમાંથી એલાર્મનો અવાજ સંભરાતો નથી છે. કોઈ કારખાનાનાં ઈન્જિનની ધડબડાટી કાને પરતી ના. પન અહીંની સાંકરી ગલીઓમાં ઘૂમી રિયો છે મસ્જિદોમાંથી ઊઠતો અઝાનનો આવાઝ. હજુ અહીં વિજરી આવેલી નહીં હુતી. પન વહેલી સવારના ઝાંખા અજવારામાં લોકોની ચહલપહલ શુરુ થઇ જતી. એમાં મોટે ભાગે હોય સફેદ કપડાં પહેરેલા મરદો જે નમાઝ પઢવા માટે મસ્જિદ તરફ જતા હોય. અહીં નીચે લાકડાના બારનાવાલી દુકાનો અને ઉપર જ ઘેર. બે કે ત્રણ માળ કરતાં ઊંચું એક બી મકાન જોવા મલે ના.

૧૯મી સદીનો વહોરા વેપારી 

૨૦૨૬, સવારના ૬ : એ જ અઝાન આજે બી સંભલાય છે. સફેદ કપરા પહેરેલા મરદો મસ્જિદ તરફ જતા દેખાય છે. પણ સાથે વહેલી સવારના ટ્રાફિકનો અવાજ બી હવામાં ઘૂમરાય છે. સવારનું ઝાંખું અજવારું કેવું હોય તે આજનાં બચ્ચાંઓને તો માલુમ બી નહિ. આખ્ખી રાત એલ.ઈ.ડી.ની લાઈટોનો અને જાહેરાતનાં પાત્યાંનો ઝગમગાટ પથરાયેલો રહે છે. અને પેલાં બે-ત્રણ મજલાનાં મકાન બી જોવા ની મળે. તેની જગા લીધી છે ઊંચા ઊંચાં ૨૫-૩૦ મજલાનાં કે તેથી બી વધુ ઊંચાં મકાનોએ. તેમાંનાં ઘણાં બિલ્ડિંગ સૈફી બુરહાની અપલિફ્ટમેન્ટ ટ્રસ્ટે રિડેવલપમેન્ટ સ્કીમ હેઠળ બાંધેલાં છે. હવે જ્યારે મરદો મસ્જિદમાં જવા ઘેરથી નીકરે છે ત્યારે લાકરાનાં પગથિયાં પર ટપ ટપ અવાજ થતો નથી છે. કારણ હવે એ લોકો ઘેરથી લિફ્ટમાં નીચે ઊતરે છે. લિફ્ટમાં અને લોબીમાં, બધે મજેદાર કાલીન બિછાવેલા હોય પછી પગરખાંનો અવાજ કેમનો કાને પરે?

૧૮૯૦, સવારના ૮. શેઠ પોતે કે તેમનો ભરોસામંદ ગુમાસ્તો કમ્મરેથી ચાવીનો ઝૂડો કાઢીને દુકાનને મારેલાં બે-ત્રણ ખંભાતી તાળાં એક પછી એક ખોલે. લાકડાનાં ફોલ્ડિંગ બારણાંને ધક્કો મારી ખોલતો જાય. શેઠ દુકાનમાં દાખલ થઈ બાસ્તા જેવી ધોલી ચાદર પાથરેલી ગાદી પર બેસે. વજનના કાંટા પાસે પિત્તળનાં વજન ગોઠવે. નીચે સૌથી મોટું વજન, ઉપર સૌથી નાનું. લાકડાના ઇસ્કોતરામાંથી ચોપડા કાઢી વહી ખાતું ખોલે. દુકાનમાં ચારે બાજુ અહીં તહીં માલસામાન. અનાજના કોથળા, કાપડના તાકા. મરી-મસાલાની ગુણો. એ વખતે જુદા જુદા પ્રકારના માલ માટે જુદી જુદી દુકાનો લગભગ નહિ. શેઠ, નોકરો, અને ઘરાકો, બધા બેસે ભોંય પર બિછાવેલી ગાદી પર.

અને આ છે આજનું ભીંડી બજાર 

૨૦૨૬, સવારના ૧૦ : હજી દુકાનો તો ખૂલે છે, પણ અગાઉ જેટલી વહેલી નહિ. ઘણીખરી દસેક વાગ્યે ખૂલે. લાકડાનાં બારનાં નહિ, લોઢાનાં રોલિંગ શટર્સ. શટર પછી પારદર્શક કાચનાં બારનાં. દુકાનમાં ત્રણ-ચાર જાતનો સામાન નહિ. એક દુકાનમાં હાર્દવેરનો સામાન, બીજીમાં ઇલેક્ટ્રોનિક્સનો. કોઈ દુકાનમાં વલી ઈમ્પોર્ટેડ ખાવાપીવાની વસ્તુઓ, કોઈમાં કપડાં. અને એ બધું વેચવા માટે કાઉન્ટર. દુકાનના એક ખૂણામાં કાચની નાનકડી કેબીન. સામે QR કોડ ચોડેલો હોય. હવે રોકડ લેવડ ઘણી ઓછી. એટલે પહેલાં જેવી તોતિંગ તિજોરી ભાગ્યે જ જોવા મળે. 

૧૮૯૦, બપોર : નમાઝનો ટાઈમ થાય એટલે દુકાનો ટપોટપ બંધ થવા લાગે. શેઠ-નોકર, બધા પગ ઉપાડે મસ્જિદ તરફ. મસ્જિદ આવતાં-જતાં ઓળખીતા-પાળખીતા વેપારીઓ સાથે વાતો થાય: મસ્કતથી વહાણ ક્યારે આવવાનું છે? એમાં કોનો માલ? કેટલો? ઝાંઝીબારના કાઈ ખબરઅંતર? અને કરાચીની મોટી બજારમાં આગ લાગેલી એ સાચી વાત? નુકસાનનો કોઈ અંદાજ?

૨૦૨૬, બપોર : હવે શેઠ-નોકર વારાફરતી નમાઝ માટે જાય, કે એક બે બિનમુસ્લિમ નોકર હોય તો દુકાન બંધ ન થાય. આવતાં જતાં હવે કોઈ એકબીજાને દેશાવરના ખબર પૂછતું નથી. કારણ દુનિયાના કોઈ પણ ખૂણે જે કાંઈ બી બને તેના ખબર હાથમાંનો મોંઘો દાટ મોબાઈલ આપતો રહે છે. છતાં હજી ઘણાખરા દુકાન માલિકો સૈફી મસ્જિદમાં નમાઝ પઢવા ગયા વગર ન જ રહે.

૧૮૯૦, બપોરના ૪ : ગરમી ઓછી થવા લાગે એટલે શેઠના હાથમાંનો પંખો ધીમો પડવા લાગે. દુકાનના એક ખૂણામાં પ્રાઈમસ સળગાવી એક નોકર એલ્યુમિનિયમની કીટલીમાં કડક મીઠ્ઠી ચા બનાવે. પિત્તળનાં કે જર્મન સિલ્વરનાં કપ-રકાબીમાં દુકાનમાંના સૌને (ગ્રાહકોને પણ) ચા અપાય. એ વખતે મુનીમજી માંડ હાથમાંથી ચોપડો-કલમ અળગાં કરે. શેઠ, નોકર બધા માને કે સાચો હિસાબ રાખવો એ ઈમાનનો જ હિસ્સો છે. એ વખતે વેપારીઓમાં એક કહેતી બહુ જાણીતી: ‘હિસાબ કોડીનો, બક્ષિશ લાખની.’ 

૨૦૨૬, બપોરના ૪. હવે બહારની ગરમી-ઠંડી અસર કરતી નથી. ઘણી દુકાનોમાં સફેદ એ.સી. લાગ્યાં છે. જ્યાં ન હોય ત્યાં સીલિંગ ફેન ફરતા રહે છે. તેમની જેમ જ કાચની કેબીનમાં બેઠેલા શેઠની નજર પણ ચારે તરફ ફરતી રહે છે. હિસાબ-કિતાબની મહેનત હવે મુનીમજીએ કરવી પડતી નથી. એ કામ કમ્પ્યુટર કરે છે. પણ હજી એક વસ્તુ નથી બદલાઈ: દુકાનદાર અને ઘરાકનો એકબીજા પરનો વિશ્વાસ.

૧૮૯૦, સાંજના ૫ : ઘરાકી વધતી જાય. આસપાસના જ નહિ, દૂરના ગ્રાહકો પણ આવે. ઇસકોલ કે કોલેજમાં ભણતા શેઠના છોકરાઓ કબીલાનો ધંધો શીખવા દુકાને આવે. નોકરો તેમને કામ શીખવતી વખતે પણ ‘નાના શેઠ’ કહી માન આપે. વિજળીના દીવા હજી આવ્યા નહોતા, એટલે સાંજના સાત પહેલાં તો દિવસનો કારોબાર આટોપી લેવાય. નોકર એક પછી એક લાકડાનાં ફોલ્ડિંગ બારણાં બંધ કરે. મોટા ખંભાતી તાળાં મારે. બધાં તાળાં એક પછી એક ખેચીને શેઠ ખાતરી કરી લે કે બધાં તાળાં બરાબર બંધ થયાં છે કે નહિ. હાથમાંની કપડાની થેલીમાં સાચવીને ચાવીનો ઝૂડો મૂકી દે, અને પછી શેઠ ઘર તરફ રવાના થાય. છૂટા પડતાં પહેલાં શેઠ-નોકર, દરેક એક બીજાને ‘ખુદા હાફિઝ’ કહે જ કહે. 

૨૦૨૬, રાતના દસ. હવે કોઈ દુકાન અંધારું થાય એ સાથે બંધ થતી નથી. ઘણી તો રાતના ૧૦-૧૧ વાગ્યા સુધી ખુલ્લી રહે. નીચે દુકાન અને ઉપર ઘર એવું હવે રહ્યું નથી કારણ બે-ત્રણ માળનાં ઘરની જગ્યા ઊંચા ઊંચા ટાવરોએ લઈ લીધી છે. 

૧૮૯૦ –૨૦૨૬ : ભીંડી બજારમાં આવવા-જવા માટેનું સાધન હતું ઘોડાથી ચાલતી ટ્રામ. પણ મોટા ભાગના લોકો પગપાળા અવરજવર કરે. પછી ઇલેક્ટ્રિક ટ્રામ આવી. પછી એ પણ ગઈ. પછી બસ આવી. હવે તો ખાસ્સો લાંબો જે.જે. ફ્લાઈ ઓવર આ વિસ્તારની નજીકથી પસાર થાય છે. આજે ભીંડી બજારમાં ફરીએ ત્યારે આપણે એક સાથે ભૂતકાળ અને વર્તમાનમાં ચાલતાં હોઈએ છીએ. ના. અહીંનો ભૂતકાળ ખોવાયો નથી, બદલાયો છે. 

પણ આ બોહરા (કે વહોરા) છે કોણ? એ લોકો છે શિયા મુસ્લિમ પરંપરાનો એક અગત્યનો ભાગ. તેમનો ઉદ્ભવ થયો ગુજરાતમાં. ૧૧મીથી ૧૩મી સદી દરમ્યાન ઘણા હિંદુ વેપારીઓએ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો. ‘બોહરા’ કે ‘વહોરા’ નામ પોતે જ તેમના વેપારી સ્વભાવનું પ્રતિબિંબ છે. ગુજરાતીમાં ‘વહોરવું’ એટલે ‘વેપાર કરવો.’ આ જમાતનો મુખ્ય ધંધો વેપારનો. પછી ભલે એ નાનકડી હાટડી ચલાવતો હોય કે દેશ-પરદેશ સાથે કરોડોનો ધીકતો ધંધો કરતો હોય. જેમ જેમ મુંબઈ શહેર બંદર તરીકે વિકસતું ગયું તેમ તેમ દેશના જુદા જુદા ભાગોમાંથી વેપારીઓ મુંબઈ આવવા લાગ્યા. સુરત, અમદાવાદ અને કાઠિયાવાડનાં બંદરો પરથી બહોરાઓ મુંબઈ આવવા લાગ્યા અને અહીં પોતાનું મજબૂત થાનક બનાવ્યું. જોતજોતામાં મુંબઈના કોટની બહાર આવેલા ‘નેટિવ ટાઉન’માં તેમની ગણના મુંબઈના મુખ્ય વેપારીઓમાં થવા લાગી. 

ચર્ની રોડ સ્ટેશન સામે આવેલી સૈફી હોસ્પિટલ

ભીંડી બજારમાં આવેલાં બે સ્થળો બોહરા જીવનનાં કેન્દ્રબિંદુ જેવાં છે: એક, સૈયદના તાહેર સૈફુદ્દીનસાહેબનો મકબરો, અને બીજું સૈફી મસ્જિદ. ગુજરાતી અને ઉર્દૂના મિશ્રણ જેવી ‘લિસાન અલ-દાવત’ તેમની મુખ્ય ભાષા છે. બોહરા સમુદાયની ખાસ ધ્યાન ખેંચે એવી બાબત છે સંયોજન અને શિસ્ત. દાઈઅલ-મુતલાક આ જમાતના ધાર્મિક અને વ્યવહારિક જીવન પર અંકુશ ધરાવે છે અને મજબૂત જમાત પ્રણાલી તેમના રોજિંદા જીવનનો અનિવાર્ય ભાગ છે. તો બીજી બાજુ અદ્યતન જ્ઞાન-વિજ્ઞાનનો ઉપયોગ કરવામાં પણ આ જમાત પાછળ પડતી નથી. ચર્ની રોડ સ્ટેશન સામેની ચૌદ માળની મલ્ટી-સ્પેશિયાલિટી ‘સૈફી હોસ્પિટલ’ આ જમાતની પોતાનું જે કાંઈ ઉત્તમ હોય તે માત્ર જમાત પૂરતું મર્યાદિત ન રાખતાં બધા ફિરકા, સંપ્રદાય, ધર્મના લોકો માટે સુલભ કરવાની ખાસિયતનું એક ઉદાહરણ છે. એ જગ્યાએ એક જૂની, ખખડધજ નાનકડી ઈમારત હતી તે વરસો સુધી આ લખનારે ચર્ની રોડ સ્ટેશન સામે ઊભેલી નજરોનજર જોઈ છે. એ ઈમારતની જગ્યાએ આ બહુમાળી હોસ્પિટલ ઊભી કરવાનો મૂળ વિચાર સૈયદના મહંમદ બુરહાનુદ્દીન સાહેબનો. ૨૦૦૫ના જૂનની ચોથી તારીખે આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરતાં વડા પ્રધાન ડો મનમોહનસિંહે કહ્યું હતું કે દાઉદી બહોરા જમાત માનવસેવાને જ પ્રભુસેવા માનીને જે ઉમદા કામો કરતી આવી છે તેનું આ એક વધુ જ્વલંત ઉદાહરણ છે. અને આ હોસ્પિટલનું ધ્યેય દોલતમંદ લોકોની જ નહિ, પોતાના ફિરકાના લોકોની જ નહિ, પણ હર કોઈ જરૂરતમંદની, હર કોઈ મજહબની બિમાર વ્યક્તિની સારવાર કરીને તેમને સાજા કરવાનું છે.”

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 18 એપ્રિલ 2026

Loading

19 April 2026 Vipool Kalyani
← આ પણ પોલિસ!
નાસિક TCS અને કોર્પોરેટ કલ્ચરની ગંદકીઃ જ્યારે વાડ ચીભડાં ગળે ત્યારે સુરક્ષાની અપેક્ષા કેટલી યોગ્ય? →

Search by

Opinion

  • સૂબેદાર – મુખ્યધારાનો દલિત હીરો
  • રિએક્શન
  • વિનોબાજી અને વિજ્ઞાન
  • નાસિક TCS અને કોર્પોરેટ કલ્ચરની ગંદકીઃ જ્યારે વાડ ચીભડાં ગળે ત્યારે સુરક્ષાની અપેક્ષા કેટલી યોગ્ય?
  • આ પણ પોલિસ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા
  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved