માતૃભાષાની મોટાઈ બતાવવાના અને અંગ્રેજી ભાષાને ઉતારી પાડવાના ઉત્સાહી પ્રવચનકારો, કોલમકારો, કથાકારો, ઘણી વાર બે જોડકણાં ટાંકે છે. એક આપણી ભાષાનું ‘આવ રે વરસાદ’ અને બીજું અંગ્રેજીનું ‘રેન રેન ગો અવે’. પછી મોટો બોમ ફોડતા હોય તેમ કહે છે કે આપણી ભાષા-સંસ્કૃિત કેટલી બધી ઉજળિયાત અને ચડિયાતી, કે વરસાદને વધાવે છે. જ્યારે પેલી ગરીબડી ભાષા બોલતાં બચારાં ગરીબડાં બાળકો તો વરસાદને જાકારો દે છે! માટે અંગ્રેજી હટાવ, માતૃભાષા બચાવ!
પણ કોઈ પણ ભાષાનું સાહિત્ય તેનાં સ્થળ-કાળ સાથે અનિવાર્યપણે જોડાયેલું હોય છે એ વાત એ લોકો ભૂલી જાય છે – કદાચ જાણી જોઇને. આપણા દેશના ઘણાખરા ભાગમાં વરસના ત્રણ-ચાર મહિના જ વરસાદ વરસે છે, અને ખેતી માટે આપણે મોટે ભાગે વરસાદના પાણી પર જ આધાર રાખીએ છીએ. એટલે આપણે ત્યાં વરસાદનું આગમન સુખદ અને શુભ મનાય. પણ જ્યાં બારે મહિના ગમે ત્યારે વરસાદ આવતો હોય, વરસાદ ન હોય ત્યારે ય આકાશ મોટે ભાગે ઘેરાયેલું રહેતું હોય, સૂરજનું મો ભાગ્યે જ જોવા મળતું હોય, ત્યારે બાળક બહાર રમ્યા વગર ઘરમાં પૂરાઈને કંટાળી ગયું હોય. એટલે રેન રેન ગો વે એમ કહે તે જ સ્વાભાવિક ગણાય. હા, જો મુશ્કેલી હોય તો તે આપણી સ્કૂલોની, આપણા અભ્યાસક્રમોની છે કે ઇન્ગ્લંડમાં સર્વથા યોગ્ય એવાં જોડકણાં આપણાં બાળકો પાસે ગોખાવે છે. એ રટતી વખતે બાળકો મૂંઝાતાં હશે એનો પણ એમને વિચાર નથી આવતો.
ચાલો, અંગ્રેજી તો ગંદી-ગોબરી ભાષા છે એમ માની લઈએ, પણ આપણી રાષ્ટ્રભાષા હિન્દીનું શું કરશું? ચોમાસું, વર્ષા ઋતુ માટે હિન્દીમાં એકે શબ્દ જ નથી! એ ભાષા અંગ્રેજીનો ‘મન્સૂન’ શબ્દ જ ‘માનસૂન’ એવા ભ્રષ્ટ(!) રૂપે વાપરે છે. મરાઠીમાં ચોમાસા માટે વપરાતો શબ્દ છે ‘પાવસાળા.’ તે વરસાદ માટેના ‘પાઉસ’ સાથે સંકળાયેલો છે. પણ અંગ્રેજીનો ‘મનસૂન’ શબ્દ આવ્યો ક્યાંથી? ડચ ભાષામાં ચોમાસા માટે ‘મોનસ્સોએન’ શબ્દ વપરાય છે અને પોર્તુગીઝમાં વપરાય છે ‘મોનસાઓ.’ ઇ.સ. ૧૫૮૦ પછી અંગ્રેજીમાં ‘મનસૂન’ શબ્દ વપરાતો થયો. તે વખતે તેનો અર્થ હતો ‘હિન્દી મહાસાગરમાં વાતો અનુકૂળ વાયુ.’ કોને અનુકૂળ? વેપારી વહાણોને અનુકૂળ. કોનાં વહાણોને અનુકૂળ? વેપાર માટે યુરપથી હિન્દુસ્તાન જતાં વહાણોને અનુકૂળ. એ વખતે યુરપના દેશોનો હિન્દુસ્તાન સાથેનો વેપાર દરિયાઈ માર્ગે થતો એટલે આ અનુકૂળ વાયુ – મનસૂન – નું યુરપ માટે મહત્ત્વ હતું. હવે, આ અનુકૂળ વાયુ વર્ષના જે મહિનામાં વાતા તે જ મહિના પશ્ચિમ ભારત માટે વરસાદના મહિના પણ હતા. એટલે પછી વરસાદની ઋતુ, ચોમાસા માટે પણ મનસૂન શબ્દ વપરાવા લાગ્યો. પણ આ મનસૂન શબ્દનું પગેરું પાછું મળે છે અરબી ભાષાના ‘મૌસિમ’ શબ્દમાં. અરબીમાં પણ તેનો અર્થ ‘અનુકૂળ ઋતુ’ એટલો જ થતો હતો. પ્રવાસ કે યાત્રાને માટે અનુકૂળ સમય તે મૌસિમ. તેમાંથી આપણે ‘મોસમ’ શબ્દ બનાવીને ઋતુના અર્થમાં વાપર્યો.
અરે, પણ પેલા ‘રેન’ શબ્દનું શું? ઓલ્ડ હાઈ જર્મન ભાષામાં ‘રેગન’ અને ગોથિકમાં ‘રિગન’ જેવા શબ્દો મળે છે, પણ તે પછી ‘રેન’ શબ્દનું પગેરું સંતોષકારક રીતે શોધી શકાતું નથી. કેટલાક માને છે કે સંસ્કૃત અને બીજી ઘણી ભાષાઓની જનની એવી પ્રોટો ઇન્ડો યુરોપિયન ભાષાના ‘રેગ’ માંથી ‘રેન’ શબ્દ ઉતરી આવ્યો હોય. અને તો પછી રેન શબ્દ કાંઈ સાવ પરાયો ન ગણાય. પણ એક વાત આપણે સતત ધ્યાનમાં રાખવી જોઈએ. કોઈ પણ ભાષા તેનાં સ્થળ-કાળ, વાતાવરણ, સંસ્કૃતિ, સમાજવ્યવસ્થા વગેરે સાથે અનિવાર્યપણે જોડાયેલી હોય છે. એટલે આપણને જે વિચિત્ર લાગે તે બીજી ભાષા અને તેને બોલનારાઓ માટે સ્વાભાવિક હોય. અને આપણે માટે જે સ્વાભાવિક હોય તે બીજી ભાષા બોલનારાઓને વિચિત્ર લાગે. પણ તેથી એક સાચું અને બીજું ખોટું, એમ તો ન જ કહી શકાય.
સૌજન્ય : ‘ડાયરી’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 07 જુલાઈ 2014