ગુજરાતી મુદ્રણ, અખબારો, સામયિકો અને પુસ્તકો માટે ૧૮૬૭નું વર્ષ મહત્ત્વના સીમાચિહ્નરૂપ છે. કારણ આ વર્ષે ધ પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઑફ બુક્સ ઍકટ (25 of 1867) ૨૨મી માર્ચથી અમલમાં આવ્યો. આ કાયદો ઘડવા પાછળ બ્રિટિશ સરકારની નહોતી કોઈ રાજકીય લાભની ગણતરી કે નહોતો આ આડકતરી સેન્સરશિપ લાદવાનો પ્રયાસ. આ કાયદા પાછળનો મુખ્ય હેતુ બ્રિટિશ ઇન્ડિયામાં પ્રગટ થતાં પુસ્તકો, સામયિકો વગેરેની જાળવણી અને નોંધણી કરવાનો હતો.
આવો કાયદો ઘડવા માટેની હીલચાલ ૧૮૬૩માં ધ રોયલ એશિયાટિક સોસાયટી ઑફ ગ્રેટ બ્રિટન એન્ડ આયર્લેન્ડના અધિકારીઓએ શરૂ કરી હતી. હિંદુસ્તાનમાં સંસ્કૃત અને બીજી ભાષાઓમાં પ્રગટ થતાં પુસ્તકોની વ્યવસ્થિત અને નિયમિત સૂચિઓ તૈયાર કરાવવાની તેમણે હિમાયત કરી હતી. વળી બ્રિટનમાં પ્રગટ થતા દરેક પુસ્તકની પાંચ નકલ બ્રિટનની પાંચ અગ્રણી લાયબ્રેરીઓને મોકલવાની ફરજ પાડતો કાયદો હતો પણ તે બ્રિટિશ ઇન્ડિયાને લાગુ નહોતો પડતો. એથી બ્રિટિશ ઇન્ડિયા માટે પણ તેને મળતો આવે એવો કાયદો ઘડવાની માગણી પણ તેમણે કરી હતી. આ માગણીના અનુસંધાનમાં આ ૧૮૬૭નો ૨૫મો કાયદો પસાર કરવામાં આવ્યો. પ્રગટ થતા પ્રત્યેક પુસ્તક કે સામયિકની ત્રણ નકલ વિનામૂલ્યે સરકારને મોકલવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું. અલબત્ત, આ કાયદો દેશી રાજયોને લાગુ પડતો નહોતો. કાયદો પસાર થયો પછી તરત ૧૮૬૭ના જુલાઈની પહેલીથી નવાં પ્રગટ થયેલાં પુસ્તકોની ત્રૈમાસિક સૂચિઓ સરકાર દ્વારા પ્રગટ થવા લાગી. વળી સરકારને મળતી ત્રણ નકલોમાંથી એક-એક નકલ બ્રિટનની ઇન્ડિયા ઑફિસ લાયબ્રેરીને તથા બ્રિટિશ મ્યુિઝયમને મોકલવામાં આવતી પણ ૧૮૬૭ પહેલાં પ્રગટ થયેલાં પુસ્તકોનું શું? એ પુસ્તકોની સૂચિ તૈયાર કરવા શિક્ષણ ખાતાને સરકારે હુકમ કર્યો. તે વખતના ડિરેકટર ઑફ પબ્લિક ઇન્સ્ટ્રકશન સર એલેકઝાન્ડર ગ્રાન્ટે આ સૂચિ બનાવવાનું કામ માથે લીધું. ૧૮૬૪ના ડિસેમ્બરની ૩૧મી સુધીમાં મુંબઈ ઈલાકામાં પ્રગટ થયેલાં ગુજરાતી, મરાઠી તથા અન્ય ભાષાનાં પુસ્તકોની સૂચિ તેમણે તૈયાર કરી અને સરકારે તે પ્રગટ કરી. જો કે તેમાં ઘણી ભૂલો રહી ગયેલી એટલે તેની સુધારાવધારા સાથેની બીજી આવૃત્તિ ૧૮૬૭માં પ્રગટ થઈ.
પણ ગ્રાન્ટની સૂચિમાં ૧૮૬૫-૧૮૬૭ના સમયગાળામાં પ્રગટ થયેલાં પુસ્તકોનો સમાવેશ થયો નહોતો. એવાં પુસ્તકોની સૂચિ સરકારે તે વખતના ડાયરેકટર ઑફ એજયુકેશન સર જેમ્સ બી. પીલ પાસે તૈયાર કરાવી ૧૮૬૯માં પ્રગટ કરી. ગ્રાન્ટ અને પીલની આ સૂચિઓમાંથી કુલ ૮૬૫ ગુજરાતી પુસ્તકો અને સામયિકોની માહિતી મળે છે. અલબત્ત, આ બંને સૂચિની મર્યાદા એ છે કે બધાં પુસ્તકો જોઇ- ચકાસીને સૂચિ તૈયાર કરી નથી. બીજેથી મળેલી માહિતીનો પણ તેમાં ઉપયોગ કર્યો છે. આથી ઘણીવાર માહિતી અધૂરી કે ખોટી હોય કે બેવડાઈ હોય એવું બન્યું છે. છતાં ૧૮૬૭ સુધીમાં પ્રગટ થયેલાં ગુજરાતી પુસ્તકોની માહિતી આપતું બીજું કોઇ સાધન આપણી પાસે નથી એટલે આ બંને સૂચિઓ અત્યંત મહત્ત્વની બની રહે છે.
ગ્રાન્ટ અને પીલની સૂચિઓને અંતે મુંબઈ ઈલાકામાં કામ કરતાં છાપખાનાંની વિગતવાર યાદી આપી છે. આ યાદીઓ પ્રમાણે ૧૮૬૭ના જૂન સુધીમાં મુંબઈ ઈલાકામાં કુલ ૧૪૩ છાપખાનાં કામ કરતાં હતાં. તેમાંનાં ૫૧ છાપખાનાં તો કેવળ મુંબઈ શહેરમાં હતાં. મુંબઇનાં ઘણાંખરાં છાપખાનાં એક કરતાં વધારે ભાષાનું છાપકામ કરતાં હતાં. ૫૧ માંથી ૩૦ જેટલાં છાપખાનાં ગુજરાતીનું છાપકામ કરતાં હતાં. આજના ગુજરાત રાજયના વિસ્તારમાં ૫૦ છાપખાનાં કાર્યરત હતાં. તેમાંનાં ૨૨ અમદાવાદમાં હતાં. સુરતમાં ૧૪ પ્રેસ હતાં. તે ઉપરાંત ભરૂચ(૪ છાપખાનાં), ખેડા(૩), ભાવનગર(૨), હાલાર(૨), દમણ(૧), રાજકોટ(૧), નવા નગર(૧)માં બધું મળીને ૧૪ છાપખાનાં હતાં. આની સામે મુંબઈ સિવાયના મરાઠીભાષી વિસ્તારોમાં માત્ર ૩૧ છાપખાનાં હતાં, જેમાંનાં ૧૩ પૂણે શહેરમાં હતાં. મુંબઈ ઈલાકાના અન્યભાષી પ્રદેશોમાં કુલ ૧૧ છાપખાનાં હતાં, જેમાનાં ૮ કરાચીમાં હતાં. આ આઠમાંનાં ત્રણ છાપખાનાં બીજી ભાષાઓ સાથે ગુજરાતી છાપકામ પણ કરતાં હતાં. આ આંકડા જોતાં એક વાત સ્પષ્ટ થાય છે. મુંબઈની સરખામણીમાં ગુજરાતી મુદ્રણ ગુજરાતીભાષી પ્રદેશમાં ભલે મોડું શરૂ થયું, પણ પછી તેનો વિકાસ મરાઠીભાષી વિસ્તારો કરતાં ય વધુ ઝડપથી થયો. જો કે મરાઠીમાં છપાયેલાં પુસ્તકો અને સામયિકોની સંખ્યા ગુજરાતી (૮૬૫) કરતાં વધારે છે, ૧૦૦૯.
(વધુ હવે પછી)
સૌજન્ય : ‘ફ્લેશબેક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 15 સપ્ટેમ્બર 2014