… 1 …
કેડી
જેઇનની મુલાકાત એના અજ્ઞાત બોનમેરો ડોનરની સાથે આજે પ્રથમવાર ગોઠવાઈ હતી. પુત્રીના જીવનદાતાને રૂબરૂ મળવા જેઇન સાથે એના હરખઘેલા માતાપિતા પીટર અને માર્ગ્રેટ પણ ફૂલોનો મોટો ગુલદસ્તો લઈ આવી પહોચ્યાં. એમના મિત્રો ડાંસ કરતા હતા.
મહેમાનોની ભીડમાં છ આંખો પેલા ડોનરને શોધતી હતી. ડોક્ટર પીટરસને તેવામાં જાહેરાત કરી, 'પ્લીઝ વેલકમ મિસ્ટર કે.ડી.' તાળીઓના ગડગડાટ વચ્ચે બધાની નજર દ્વાર તરફ ગઈ.
પીટર અને માર્ગરેટ તો સ્તબ્ધ જ થઈ ગયાં !! પીટરની આંખોમાં ખુન્નસ આવ્યું અને હાથની મુઠ્ઠીઓ વળી હતી … હાથમાંનો બિયરનો ગ્લાસ જોરથી ભોંય પર પછાડી 'નો … નો …' કહેતો એ પગ પછાડતો તરત બહાર જ નીકળી ગયો !!! હાક … થુ …. કરતી માર્ગરેટ પણ બહાર નીકળી ગઈ ! એમના વર્તાવથી ત્યાં હાજર રહેલા સહુ કોઈ અવાક થઈ ગયાં !
.. ત્યાં પ્રવેશનાર એક સુકલકડી અશ્વેત હતો !!!
રંગભેદની નીતિના બે પ્રચંડ સક્રિય સમર્થકો માટે કદાચ અલગતાવાદનો મુદ્દો અગ્રતાક્રમમાં સહુથી વધુ પ્રબળ દાવેદાર હતો.
જેઇનની વ્હીલચેર તરત જ આવનારની પાસે દોડી જ ગઈ …
એની નસોમાં કૃષ્ણદાસના વહેતા થયેલા ભેદભાવરહિતના નવા પાણીએ નવી પેઢીમાં સમજદારીની નવી કેડી જ કંડારી !!
બે રંગભેદીઓ પલાયન થયા હતાં.
'કેડી … કેડી … કેડી ….'ના શોર વચ્ચે, જેઇન કૃષ્ણદાસને વળગી.
વિશ્વ બદલાયું હતું …..
જેઇન માંડ માંડ બોલી શકી : 'થેંક્યુ'.
•
… 2 …
ઉકેલ …..?
ખુશાલની વાતે રઘુની ઊંઘ જ ઊડી ગઈ.
'એક ઉપાય છે' રઘુએ વિચાર્યું. …. જાતતપાસનો.
તપાસમાં તે દિવસે માને એક શેઠની કારમાં બેસીને એણે જાતે જ્યારે જતાં જોઈ, ત્યારે તો રઘુ અવાક જ થઈ ગયો ……
છેવટે છાપાવાળા જ્ગદીશચન્દ્રની પારખુ નજર એની મદદે આવી.
***
રઘુ દિવસે છાપાંની ફેરી કરતો અને રાતે સ્ટેશને ચાય વેચતો. લખમી લોકોનાં ઘરકામ કરતી. તોયે એમને પૈસે ખેંચ રહેતી. તેથી નછૂટકે સાંજે બે કલાક સરલાની સાથે બનીઠનીને લખમી પણ ધંધે જવા જ માંડી, …. રઘુની જાણબહાર …
***
ધંધેથી આવીને લખમીએ સ્નાન કરીને, સ્વચ્છ લૂગડું પહેરીને દીવો કર્યો પછી કમાણી ભગવાન આગળ મૂકીને દિલથી ક્ષમા માગી. પછી કમાણીના પૈસા લઈને રાશન ખરીદવા એ દુકાને દોડી. રઘુ હજી ઘરે આવ્યો ન હતો.
***
ઝૂંપડીમાં ખામોશી હતી. ખાતી વખતે રઘુએ કહ્યું, 'છાપખાને સાંજે એક સફાઈ કામદારની નોકરી પડી છે, રોજના બસો રૂપિયા છે, તું જશે, મા?'
લખમી તરત બોલી ઊઠી, 'હા, હા, કેમ નહીં ..?'
મા માની ગઈ એનો રઘુએ મનમાં હાશકારો કર્યો.
'હાશ, ગંદવાડથી તો છૂટી …' લખમી બબડી.
બે સફળતા ઝૂંપડીમાં મનોમન હરખાતી હતી … એકમેકથી અલગ, અજાણ ….
***
રઘુનાં ખભે મૂકીને જગદીશે ચલાવેલ બંદૂકની ગોળી ધારેલા નિશાન પર વાગી હતી …..
બીજે દિવસથી છાપખાને લખમીનું નિજી સફાઈકામ વધ્યું ….!
છતાં ચૂપ જ રહી …. રઘુના ભણતર કાજે !!
….. બિચારી.
•
… 3 …
વેદના
શ્રીમતી : 'આ શીરો કેમ બધેબધ મુક્યો? પાથરણું ય ઘીવાળું કર્યું.'
'મેં નથી મુક્યો ….' મેં કહ્યું.
શ્રીમતી : 'તમે નથી મુક્યો? મેં પણ નથી મુક્યો, અહીં ત્રીજું તો કોઈ આવ્યું નથી …'
સવાલ વાજબી હતો.
'…. નક્કી, બલ્લુ ….' …. અને એ વિચારે અમારી આંખો હરખભીની જ થઈ !!!
નાનકડા બ્લ્લુને પૂછવાથી કદાચ 'એનાથી કશુક ખોટું થયું છે' એવી આછેરી ભાવના એનામાં જન્મી જાય તો? એવું તો હું કદાપિ ઇચ્છતો જ ન હતો.
***
સવારે દાદીને પૂજા કરતી બલ્લુ એકીટશે જોતો. ક્યારેક સવાલો પણ પૂછતો.
આજે પૂછે કે "બધા ભગવાન એક જ વાટકીમાં કેમ જમે?'
……. એટલે પ્રસાદની મુકેલી એક જ વાટકીમાંથી બધા ફોટા આગળ ચપટી શીરો બાલકૃષ્ણ ઉર્ફે બલ્લુએ જ મુક્યો હતો એમ માનવાને કારણ મળ્યું !!!
***
‘પરંતુ ….. 'દાદા, તમે ક્યારે મરી જવાના?' એમ નાસમજ બલ્લુ પાસે મને કહેવડાવનાર બલ્લુની જનેતા સુધી આજના આનંદની વાત મારે પહોંચાડવી કે કેમ ?’ એ મથામણ હતી.
***
'વહુ, સૌને ગર્વ થાય એવું મહાન કામ બલ્લુએ આજે કર્યું. પણ તારે શી લેવાદેવા? તારા આજ પર્યંતના અસંખ્ય અક્ષમ્ય અપરાધો, વેદનાઓ તો હું ભૂલી ગયો છું. પરંતુ મારા પૌત્રમાં અમારી વિરુદ્ધ અકારણ ઝેર ભરવા બદલ તો તને માફી કદાપિ નહીં જ મળે. જન્મોજન્મ ….' ડાયરીમાં મેં છેલ્લો ફકરો લખ્યો.
સ્મૃિતપટે અનુભવો ઉપસી જ આવ્યા ….. ધિક્કાર શબ્દ વામણો બન્યો. ……
•
… 4 …
સંકલ્પ
તે દિવસ પણ હું મારી જગાએ પહોચ્યો. ઝાડેથી ઝોળી, લાકડી પાડયાં. પછી જમણો પગ ઉપર સુધી વાળીને બાંધી દીધો. થેલીમાંથી ઝોળી, લૂંગી કાઢયાં. બાંધેલો પગ ઢંકાતી લૂંગી પહેરી દીધી. પગરખાં અને થેલી ઝોળીમાં મૂકયાં. ઝોળી ખભે ભેરવી અને હું રસ્તા ઉપર આવ્યો.
'માઈ, દયા કરો … ભગવાન તમારું ભલું કરશે …' કહેતો હું ફરતો હતો. સમયાંતરે મારી ભરાતી હથેળી ગંજીના ગજવે ઠલવાતી હતી. …. ઠક ઠક કરતો હું આગળ જતો હતો. ત્યાં જ …. એક બેકાબૂ મોટરકાર પૂરપાટ ધસી આવી. લાકડી અને ઝોળી ફંગોળાયાં. કમાણી રસ્તે વેરાઈ ગઈ. હું હવામાં ઉછળી નીચે પડ્યો ! …. પાછળથી આવતી બીજી કાર મને વધુ કચડી ગઈ !!
એક મહિને હું જ્યારે ભાનમાં આવ્યો ત્યારે મારા બંને પગ ન હતા !!
બેકારીની નિરાશાએ જ મને ખોટું કરવા પ્રેર્યો હતો, જેની સજા મને મળી.
'વિક્લાંગી સહાય' મેળવવા હું જરા પણ લાયક નથી તેથી હું વિનમ્રતાથી એનો અસ્વીકાર કરું છું. હું ફક્ત મહેનતથી જ કમાઈશ.
અત્યાર સુધી મેં છુપાવેલી એક બીજી વાત પણ કહું?
હું એક ગ્રેજ્યુએટ છું અને કોઈ પણ નિરાશા મને હવે વિકલાંગ નહીં જ બનાવે. કદાપિ નહીં …..
… મારો આ સંકલ્પ સરકારી અફસરને જણાવી હું ખૂબ હળવો થયો.
નિરાશા એ જ તો મોટી વિકલાંગતા છે.
e.mail : gunvantvaidya@outlook.com