અમેરિકાના પ્રસિદ્ધ વાર્તાકાર ઓ’ હેન્રી[વિલિયમ સિડની પોર્ટર]ની એક ખૂબ જાણીતી વાર્તા એટલે ‘After Twenty Years’ / વીસ વર્ષ બાદ. દુનિયાભરના વાચકોએ માણેલી અને વખાણેલી આ વાર્તા મૂળ તો ઓ’હેન્રીના ઈ.સ. ૧૯૦૬માં પ્રકાશિત થયેલા વાર્તાસંગ્રહ ‘The Four Million’માં સૌ પ્રથમ છપાઈ હતી. ઓ’હેન્રીની વાર્તાઓમાં સામાન્ય રીતે એકબીજા સાથે લાગણીસંબંધથી બંધાયેલા બે પાત્રોને વિકટ પરિસ્થિતિમાંથી પસાર થતા બતાવાય છે અને વાર્તાને અંતે જેને ઓ’હેન્રીની સિગ્નેચર સ્ટાઈલ કહી શકો એવો જોરદાર ‘ટ્વીસ્ટ’ પણ આવે! આ ‘આફ્ટર ટ્વેન્ટી યર્સ’ પણ એવી જ વાર્તા છે.
•••••
એ વિશાળ સડક પર પોલીસમેન ગર્વીલી ડાંફો ભરતો ચાલ્યો જતો હતો. તેનું આમ ડાંફો ભરતા ચાલવું એ તદ્દન સ્વાભાવિક હતું અને એમાં ડંફાશનો અંશ માત્ર પણ નહોતો કારણ કે એને એને એ રીતે ચાલતો જોનાર પણ અત્યારે ક્યાં હતા? આમ તો અત્યારે રાતનાં માંડ દસ વાગ્યા હતા પણ સુસવાટાભેર વાતા કાતિલ પવન અને વરસાદનાં જોરે લોકોને વહેલા ઘરભેગા થવા મજબૂર કરી દીધા હતા. એટલે, હાથમાં પકડેલા દંડૂકાને છટાભેર ફેરવતા લોકવિહોણી અને સાવ સૂમસામ થઇ ગયેલી સડક પર રાત્રે ચાલ્યે જતો આ પડછંદ પોલીસમેન જાણે શાંતિ અને સલામતીના મૂર્તિમંત દેવદૂત સમો ભાસતો હતો.
આમ તો આ વિસ્તારમાં વહેલા જ પાટિયાં પડી જતાં છતાં ક્યારેક એકાદ સિગરેટની દુકાન અથવા આખી રાત ખુલ્લી રહેતી વીશીમાં ઝબુકતી બત્તીઓનો ઝાંખો ઝાંખો પ્રકાશ જોવા મળી જાય. એકાદ બ્લોકની વચ્ચે આવેલી સડક પરથી પસાર થતા પોલીસમેની ઝડપી ડાંફોમાં અચાનક ઝોલ પડ્યો. એણે હાર્ડવેરની બંધ દુકાનનાં દરવાજા આગળ અંધારામાં હોઠ વચ્ચે ચેતવ્યા વગરની સિગરેટ દાબીને ઊભેલા એક માણસને જોયો. જ્યારે પોલીસમેન એની નજીક ગયો ત્યારે એ માણસ બોલી ઉઠ્યો, “કશી ચિંતા જેવું નથી, સાહેબ મારા!” પોલીસઅધિકારીને ધરપત થાય એટલે એણે આગળ કહ્યું, “હું તો અહીં મારા મિત્રની રાહ જોતો ઊભો છું. વીસેક વર્ષ પહેલા અમે એકબીજાને અહીં મળવાનું વચન આપ્યું હતું. તમને ગમ્મત જેવું લાગ્યું હશે, ખરું ને? સહેજ વિસ્તારથી કહું તો તમને આખી વાત સમજાશે … વાત એમ છે કે આ દુકાનની જગ્યાએ અહીં વીસ વર્ષ પહેલા એક વીશી હતી – ‘બીગ જો બ્રેડી’ એનું નામ.”
“હા, પાંચેક વર્ષ પહેલા સુધી હતી.” પોલીસમેન બોલ્યો, “પછી એને તોડી પાડવામાં આવી.”
પેલા દરવાજા આગળ ઊભેલા માણસે હવે દિવાસળી વડે સિગરેટ ચેતવી. સિગરેટના અંગારનાં અજવાસમાં એનો ચોખંડી જડબાવાળો ચહેરો, અણિયારી આંખો અને ખાસ તો એની જમણી ભ્રમર પાસે પડેલા ઘાનું સફેદ નિશાન દેખાઈ રહ્યું હતું. એની ટાઈપીનનો ટાંકેલો હીરો પણ એટલા પ્રકાશમાં ઝળકી ઉઠ્યો હતો.
“બરાબર વીસ વર્ષ પહેલાની આવી રાત્રે મેં જિમ્મી વેલ્સ સાથે ‘બીગ જો બ્રેડી’ સાથે ખાણું લીધું હતું, જિમ્મી વેલ્સ, મારો જીગરજાન દોસ્ત અને દુનિયાના સારા માણસોમાંનો એક! અમારા બન્નેનો ન્યુ યોર્કમાં સગા ભાઈઓની જેમ સાથે ઉછેર થયો હતો. એ વખતે હું અઢારનો, અને જિમ્મી વીસનો. બીજે દિવસે સવારે મારે પશ્ચિમના રાજ્યો તરફ કારકિર્દી અર્થે નીકળી જવાનું હતું. જિમ્મી ન્યુ યોર્ક છોડીને બીજે કશે જવા તૈયાર નહોતો, એના માટે તો ન્યુ યોર્ક જ એની દુનિયા હતી. એટલે, અમે ખાણીપીણીની મિજબાની પછી એ રાત્રે નક્કી કર્યું કે આપણે જેવી પણ પરિસ્થિતિમાં હોઈએ અને જ્યાં પણ હોઈએ પણ આપણે વીસ વર્ષ પછી આ જ તારીખે અને સમયે આ જ સ્થળે અચૂક મળીશું. અમે વિચાર્યું હતું કે આટલાં વર્ષોમાં તો કેમેય કરીને અમે અમારી કારકિર્દી બનાવી લઈશું અને ઠરીઠામ થયા હોઈશું.” પેલો માણસ આટલું બોલીને અટક્યો.
“તમારી વાત તો ખૂબ રસપ્રદ છે,” પોલીસમેને કહ્યું, “મારે મતે તો મળવા માટેનો તો આ તો ખૂબ લાંબો સમયગાળો કહી શકાય. પણ એ તો કહો કે તમે આ સમયગાળા દરમ્યાન એકબીજાનાં સંપર્કમાં હતા કે?”
“હા, થોડાક સમય પૂરતા અમે પત્રાચારથી એકબીજાનાં સંપર્કમાં હતા. પણ એકાદ કે બે વર્ષ પછી એ પણ છૂટી ગયો. તમને ખબર છે કે પશ્ચિમના રાજ્યો કેટલા વિશાળ છે, અને એ વિશાળતામાં હું મારી કારકિર્દી બનાવવાની આંટીઘૂંટીઓમાં ખોવાઈ ગયો હતો. પણ મને એક વાતની ખબર હતી કે જો જિમ્મી જીવતો હશે તો એ ચોક્કસ અહીં આવશે જ કારણ કે વચનપાલનની બાબતમાં એનો જોટો જડે એમ નથી. એ ક્યારે ય કશું ભૂલે નહિ અને પોતાનું બોલ્યું ફોક ઠેરવે નહિ. એના ખાતર હું હજાર માઈલ દૂરથી અહીં આવ્યો છું. જોજો ને, એ હમણાં આવી ચડશે.”
પછી એણે પોતાની અફલાતૂન દેખાતી કાંડા ઘડિયાળમાં સમય જોયો. એ ઘડિયાળનાં ચંદાની કોરે નાના-શા હીરા જડેલા હતા.
“દસ વાગવામાં ત્રણ મિનિટની વાર છે.” એણે કહ્યું. “અમે બરાબર દસના ટકોરે અહીંની વીશીના દરવાજેથી છૂટા પડ્યા હતા.”
“પશ્ચિમમાં તમે કારકિર્દી સારી બનાવી હશે, ખરું ને?” પોલીસમેને સવાલ કર્યો.
“કેમ નહિ, જરૂરથી! મને થાય છે કે જિમ્મીએ પણ એ બાબતમાં મારી સરખામણીએ અડધી મંજિલ કાપી હોય. એ ઘણો મહેનતુ, ખંતીલો અને સારો માણસ હતો. મારે તો મારી કારકિર્દી જમાવવા ભલભલા ભેજાબાજોને હંફાવવા પડ્યા હતા. અહીં ન્યુ યોર્કમાં તો બીબાંઢાળ જિંદગી જીવાઈ જાય પણ પશ્ચિમમાં તો ડગલે ને પગલે આફતો અને પડકારોનો સામનો કરવો પડે છે.”
પોલીસમેને દંડૂકો ઘુમાવીને એક-બે ડગ ભર્યા.
“ચાલો, હવે મારે આગળ જવું પડશે. આશા રાખું કે તમારો દોસ્ત હવે આવી ચડે. ધારો કે એ વેળાસર નહિ આવે તો શું કરશો?”
“અડધોએક કલાક તો મારે એની રાહ જોવી જોઈએ. સાહેબ મારા, જો એ આ દુનિયામાં હયાત હશે તો કેમેય કરીને એટલા સમયમાં તો આવી જ જશે.”
“એ આવજો!” કહીને પોલીસમેને પેલા માણસની વિદાય લીધી અને બીજી સડક પર રોન મારવા નીકળી ગયો.
હવે કાતિલ પવને વધારે જોર પકડ્યું અને ઝરમર ઝરમર વરસાદ વરસવો શરૂ થયો. એટલે સડક પર ટહેલતા એકલદોકલ રાહદારીઓ પણ કોટના કોલર ઊંચા કરીને ખિસ્સામાં હાથ ઘાલીને વેગીલી ચાલે આઘાપાછા થવા લાગ્યા. અને આવામાં જે અહીં હજાર માઈલનું અંતર કાપીને જવાનીના પોતાના યારદોસ્તારને મળવા આમ આવી ચડ્યો હતો એવા પેલા હાર્ડવેરની દુકાનનાં બંધ દરવાજા આગળ ઊભેલા આદમીએ સિગરેટ ચેતવીને દોસ્તારની રાહ જોવા માંડી.
એણે વીસેક મિનીટ રાહ જોઈ હશે ત્યાં તો છેક કાનને ઢાંકે એટલે સુધી કોલર ચડાવી દીધેલો લાંબો ડાગલો પહેરેલો એક ઊંચોસરખો માણસ સડકની બીજી બાજુએથી એની પાસે જઈ ચડ્યો.
“બોબ, તું જ છે ને?” એણે સાશંક સવાલ કર્યો.
“કોણ, જિમ્મી, તું?” રાહ જોઈ રહેલા માણસે ઉત્સાહથી ઉછળીને કહ્યું.
“ભલા ભગવાન!” આ નવા આગંતુકે પેલા માણસના બન્ને હાથને ઉમળકાથી પોતાનાં હાથમાં દબાવ્યા. “વાહ, બોબ! મને ખબર હતી કે તું હયાત હોઈશ તો ચોક્કસ આવીશ. ઓહ! વીસ વર્ષ જેટલો લાંબો અંતરાલ! કાશ આપણા નસીબમાં વધુ સમય જોડે રહેવાનું લખાયું હોત! ખેર, પશ્ચિમમાં કેવું રહ્યું, બોબ?”
“જોરદાર હોં! પશ્ચિમે મને મોં માંગ્યું બધું જ આપ્યું છે. પણ યાર જિમ્મી, તું ઘણો જ બદલાઈ ગયો છે આટલાં વર્ષોમાં. મેં કદી વિચાર્યું પણ નહોતું કે આટલાં વર્ષોમાં તારી ઉંચાઈ આમ બે-ત્રણ ઇંચ વધી જશે.”
“હા દોસ્ત, વીસ વર્ષ બાદ મારી ઊંચાઈ થોડીક વધી છે ખરી.”
“બાકી ન્યુ યોર્કમાં કેવું ચાલે છે, જિમ્મી?”
“ચાલે છે. હું અહીં શહેર સુધરાઈમાં જોડાયો છું. અરે બોબ, ચાલ ને તને એવી એક જગ્યાએ લઇ જઉં જ્યાં જઈને આપણે નિરાંતે મનભરીને વાતો કરી કરીએ.”
પછી બન્ને જણા એકમેકનો હાથ પકડીને ચાલવા માંડ્યા. અને પશ્ચિમમાં મળેલી સફળતાથી પોરસાતા બોબે પોતાની સંઘર્ષકથા કહેવાનું શરૂ કર્યું અને ડગલામાં ખૂંપેલા બીજાએ રસભેર કાન માંડી રાખ્યા.
આમ ચાલતા ચાલતા તેઓ વીજળીના દીવાથી ઝળહળતી એક દવાની દુકાન સુધી આવી ચડ્યા. દીવાની રોશનીમાં બન્ને એકબીજાનો ચહેરો જોવા એકમેક તરફ ફર્યા.
અચાનક બોબે ઝાટકો મારીને પોતાનો હાથ પેલા ઊંચા માણસના હાથમાંથી છોડાવી લીધો અને બોલ્યો, “તું જિમ્મી નથી! વીસ વર્ષ ભલે ઘણો લાંબો સમયગાળો હોય પણ એમાં કંઈ કોઈનું અણિયાળું નાક સાવ ચીબું ના થઇ જાય!” પેલા ઊંચા ‘જિમ્મી’એ કહ્યું, “… પણ ક્યારેક સારો માણસ ખરાબ ચોક્કસ બની જાય. તારી ધરપકડ કરવામાં આવી છે, બોબ. શિકાગો પોલીસ તરફથી અમને તાર દ્વારા તારા અહીં આવવા વિશે બાતમી મળી હતી. અને હા, આપણે પોલીસ સ્ટેશન જઈએ એ પહેલા તારે માટે અમારા પહેરગીર વેલ્સે એક ચિઠ્ઠી મોકલાવી છે. અહીં બારી પાસે અજવાળામાં ઊભો રહીને વાંચી લે.”
બોબે ચિઠ્ઠી ખોલીને વાંચવા માંડી પણ ચિઠ્ઠી પૂરી વંચાવા આવી ત્યારે એનો હાથ ધ્રુજવા માંડ્યો. ચિઠ્ઠીમાં લખ્યું હતું : ‘બોબ : હું આપણી નક્કી કરેલી જગ્યાએ તને મળવા આવ્યો હતો. તે સિગરેટ ચેતવી એ વખતે તારો ચહેરો જોઇને હું ચોંકી ઊઠ્યો કે આ તો શિકાગોનો એ બદનામ ગુનેગાર છે જેની શોધખોળ ચાલે છે. તારી ધરપકડ કરવાની હામ મારામાં નહોતી એટલે મેં સાદા વેશમાં રહેલા બીજા પોલીસમેનને આ કામ માટે મોકલ્યો. જિમ્મી.’
(સંપૂર્ણ)
https://ishanbhavsar.blogspot.com/2023/01/after-twenty-years.html?m=1&fbclid=IwAR3InObV61Wot3cd2m4eewGCaJdv8j4Ed0NfM5-ViFT2Sky1lsjiBlVTY4E
Sunday, January 8, 2023
સૌજન્ય : ઈશાનભાઈ ભાવસારની ફેઈસબૂક દીવાલેથી સાદર