‘આશી ! આશી !’ બોલતો વિવાન ઘરમાં પ્રવેશ્યો. લિવિંગ-રૂમમાં બેઠેલી આહનાએ કહ્યું, ‘આશી શાવર લે છે.’ ‘ઓહ!’ એણે મોબાઇલમાં ટાઇમ જોઈને આહનાને ઝટપટ કહ્યું; ‘ગોલ્ડિંગ અગિયાર વાગે આવશે. વિક્ટરનો રૂમ ખાલી કરી રાખજે. ફ્લૉર ટુ સીલિંગ.’
દીવાલ પરના ફોટામાંથી પરમાનંદે બાજુના કમળાના ફોટા તરફ જોયું. ‘સાંભળ્યું? હું સાળાવેલીઓ જોડે બે શબ્દ પણ બોલતો ત્યારે તું મારી સામે ડોળા કાઢતી હતી !’
વિક્ટરને ફીડ કરાવતી આશી બોલીઃ ‘અત્યારે ભલે ગયો. વિવાન ગોલ્ડિંગની સાથે જ આવશે.’ બેબી બૉયના રૂમના ફોટાઓનું આલ્બમ લઈને આવેલા ગોલ્ડિંગની પાછળ જ વિવાન આવ્યો. કલર, ડિઝાઇન, અને ડૅકૉરેશન જેવી એકસો એક ઝીણીઝીણી બાબતોની ગોલ્ડિંગે ફોટાઓ બતાવી બતાવીને છણાવટ કરી. કલરની બાબતમાં ખાસ્સી ચર્ચા થઈ. અંતે રૂમના સમગ્ર પરિવેશને નેવી બ્લ્યૂ રંગ આપવાનું ગોલ્ડિંગનું સૂચન વિવાને સ્વીકાર્યું. આશી અને આહનાને પણ એ રંગની પસંદગી ગમી.
પરમાનંદ હીરજીના ત્રણ દેશોમાં ફેલાયેલા પરિવારમાં સૌથી નાના પુત્ર કિરાત પરમાનંદનું સેવન કિંગ્ઝ, લંડનનું ઘર વિક્ટરના જન્મ પછી આનંદ અને આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું. ગોલ્ડિંગના હાથે એ રોનકમાં વધારો થયો હતો. બેબી બેડિંગ, રગ્ઝ, વૉડ્રૉબ, વૉલ ડેકૉર, ફર્નિચર, કર્ટન, કુલ લાઇટિંગ, મ્યૂઝિક, ટૉયઝ … એક દિવસ ગોલ્ડિંગ આવીને રૂમના જુદા જુદા ઍંગલથી ફોટાઓ લઈ ગયો. આલ્બમને સમૃદ્ધ કરીને એશિયન કૉમ્યુનિટીને બતાવવા.
વિક્ટરના જન્મના બીજા દિવસથી સૉશ્યલ નેટવર્ક પર એના લૅટેસ્ટ ફોટા; વીડિયો મોકલવાનો સિલસિલો એક વરસ ચાલ્યા પછી પણ પરમાનંદ હીરજીના વિશાળ પરિવારને વિક્ટરને જોયાનો ધરવ થતો ન હતો. આંખ માનતી ન હતી; તૃપ્ત થતી ન હતી. આખરે ભાઈઓ અને બહેનોના પરિવારોએ પોતપોતાની પ્રવૃત્તિઓમાં બાંધછોડ કરીને વિક્ટરનો પહેલો જન્મ દિવસ લંડનમાં સાથે મળીને ઉજવવાનું નક્કી કર્યું.
લંડનમાં રહેતાં અને લંડનની બહાર રહેતાં દરેક પરિવારે કિડ્ઝ વૅઅર્સના ડિઝાઇનર અને હૉલસેલર વિવાનનો સંપર્ક કર્યો. વિક્ટરને આપવાની ગિફ્ટ વિશે એનો અભિપ્રાય જાણવા. એણે એની કારકિર્દીની શરૂઆત આર્ગોસના બેબી ક્લોધિંગ સેકશનથી કરી હતી. ભાઈ ચિત્રેશને ત્યાં રહીને ભણતી નીલા, વૅકેશન જૉબ દરમિયાન વિવાનને ત્યાં જ મળી હતી. કેન્યા નિવાસી નીલાની મોટી બહેન કનકે ગિફ્ટની પસંદગી વિવાન પર જ છોડી.
જ્વૅલરીનો બિઝનેસ કરતા ગોકુલને પત્ની આહનાએ કહી દીધું હતું કે મારી (કઝિન) બહેનને છોકરી થઈ હોત તો તારી મદદ લેત.
વિક્ટરના પહેલા જન્મ દિવસે કિરાતના ઘરે પરમાનંદ હીરજીના કુટુંબનો મેળો થયો. ટાંઝાનિયા નિવાસી વડીલ બંધુ અતુલે યાદ કર્યું કે પંદર વરસ પહેલાં એના પુત્ર દક્ષના લગ્ન પ્રસંગે આખું કુટુંબ ભેગું થયું હતું. અતુલની પત્ની દત્તાએ સ્પષ્ટતા કરી હતીઃ ‘કનકબહેન આવી શક્યાં ન હતાં.’
ઇલ્ફર્ડથી વિવાન-નીલા એક બ્રાહ્મણને લઈને આવ્યાં. ચિત્રેશની વહુ મેઘનાએ હૅન્ડ-બેગમાંથી કુળદેવીનો મઢાવેલો ફોટો કાઢીને બાહ્મણને આપ્યો. પૂજા-પાઠ થયાં. આરતી થઈ. દેવ-દેવીઓની છબીઓની સમક્ષ વિક્ટરને પગે લગાડવામાં આવ્યો. બ્રાહ્મણે મંત્રો બોલીને વિક્ટરને આશીર્વાદ આપ્યા. કિરાત-આશી બ્રાહ્મણને પગે લાગ્યાં. બ્રાહ્મણે વિક્ટરને ભાઈ મળે એવા આશીર્વાદ આપ્યા. પછી વિકટર કાકાઓ-કાકીઓ, અને ફુઈઓના હાથમાં ફરતો રહ્યો.
વિક્ટરને તેડતાં અતુલે કહ્યું; ‘આનો ફોટો જોઈને મેં દત્તાને તરત કહ્યું હતું કે આની આંખો સિનાત્રા જેવી થશે.’ દત્તાએ ફોડ પાડ્યોઃ ‘અતુલના જમાનામાં સિનાત્રા નામનો હૉલિવૂડનો હીરો હતો. એ એની બ્લ્યૂ આંખ માટે બહુ ફૅમસ હતો.’
‘પહેલાં ખબર હોત તો વિક્ટરનું નામ સિનાત્રા સૂચવત!’ વિવાને હસતાં કહ્યું.
વિક્ટરને ધારીને નિહાળતાં કનકે કિરાતને વાંસે ધબ્બો મારીને કહ્યું; ‘લ્યા, તેં તો આપણા કુટુંબમાં ચીલો પાડ્યો. આવો ઊજળો વાન, માથાના ઘટ્ટ વાળ, રૂડી-રૂપાળી બ્લ્યૂ આંખ … લાંબો પણ ખાસ્સો થવાનો ..’
કિરાતે હસતાં ઉમેર્યું, ‘નાકમાં એણે આપણા ખાનદાનની છાપ સાચવી છે’.
મેઘનાએ વિક્ટરને ખોળામાં લેતાં કહ્યું; ‘કેમ ભાઈ, બહુ રાહ જોવડાવી?’ પછી સહુ તરફ એક નજર ફેરવીને બોલીઃ ‘મને બહુ ચિંતા થતી હતી. આશીને વાર લાગી એટલે. આપણે ત્યાં વહુવારુઓના ખોળા ત્રણ વરસમાં ભરાતા આવ્યા છે.’
‘મને પણ થતું હતું કે કાલીમાના આશીર્વાદની અવધિ પૂરી થઈ કે શું?’ ચિત્રેશે વહુના સૂરમાં સૂર પૂરાવ્યો.
કનક બોલીઃ ‘વિક્ટરના પગલે હવે સહુ સારા વાનાં થઈ ગયા. ફ્લૅટ્સ બાંધવાનો કૉન્ટ્રાક્ટ કિરાતને બ્રાઇટનમાં મળ્યો ઈ મેં સાંભળ્યું ત્યારથી મને થાતું’તું કે આશી બીચારી એકલી એકલી કેવી સોરવાતી હશે!’
‘આહના પણ આપી આપીને કેટલી કંપની આપે?’ મેઘનાએ બે બહેનોના આત્મીય સંબંધોને યાદ કર્યા.
ગોકુલે એનું મંતવ્ય રજૂ કર્યું; ‘પહેલું સંતાન મોટે ભાગે મા જેવું હોય છે. અતુલભાઈનું મોં બા જેવું લાગતું નથી? વિક્ટરે તો આશીની આખેઆખી આંખ જ લઈ લીધી છે.’ આશીની આંખ તરફ જોઈને સહુ હસ્યા. આશી પણ નજર ઝૂકાવીને હસી.
ચિત્રેશે એના ભણતરને યાદ કર્યું; ‘ વારસાગત લક્ષણોમાં આંખનો રંગ પ્રાધાન્યતા ધરાવે છે.’
નીલા વિક્ટરને ચૂમી ભરીને બોલીઃ ‘મેં આશીને પહેલી વાર જોઈ ત્યારે જ વિવાનને કહ્યું હતું કે કિરાત ખાટી ગયો છે. આશીની આંખ ઐશ્વર્યા રાય જેવી છે.’
કિરાત શરમિંદું હસ્યો. આહના આશી સામે જોઈ, હસીને બોલીઃ ‘એટલે તો મેં મારા વિશાલને ગોરી મડમડી સાથે પરણાવવાનું નક્કી કર્યું છે.’
‘સાંભળ્યું? આહના વહુએ કહ્યું ઈ?’ પરમાનંદે કમળાને પૂછ્યું. કમળાએ અતુલ તરફ સૂચક નજરે જોયું. એ નજરમાં પરમાનંદે સાંભળ્યું; ‘સાંભળ્યું, સાંભળ્યું શું કર્યા કરો છો? અતુલનું કરતી વખતે સાંભળ્યું હોત તો આખ્ખું કુટુંબ મજાનું દેશમાં બેઠું હોત!’
આફ્રિકા નિવાસી અમૃતલાલને એની એકની એક દીકરી દત્તા માટે એના બાલગોઠિયા પરમાનંદનો અતુલ એવા સારા મુહૂર્તમાં યાદ આવ્યો હતો કે બે દાયકામાં પરમાનંદનું આખ્ખું કુટુંબ એન.આર.આઇ. થઈ ગયું. પરમાનંદના ચાર દીકરા અને બે દીકરીઓમાંથી કોઈ દેશમાં પરણ્યું નહીં. નસીબના પણ બળિયા એવા કે પરદેશથી સામેથી માગાં આવતાં ગયાં અને એક પછી એક પરણીને વિદેશની વાટે જતાં રહ્યાં. પરમાનંદને કમળા કહેતીઃ ‘આપણા બુઢાપામાં સંભાળ રાખવા એક છોકરાને તો દેશમાં પરણાવો’. પરમાનંદ તાડૂકતાઃ ‘હું માગું કરવા જાઉં છું?’ નીલાએ પણ લંડનમાં છોકરો શોધી લીધો ત્યારથી જીવ્યા ત્યાં સુધી કમળા પરમાનંદને કાયમ કહેતીઃ ‘અતુલને આફ્રિકા પરણાવ્યો એ જ તમારી મોટી ભૂલ હતી.’
દેશના છોકરા-છોકરી પરદેશ પરણે એ કાંઈ નવી નવાઈની વાત નથી. પરમાનંદના અતુલ પછી દીકરી કનક પણ પરદેશમાં પરણી ત્યારથી દેશના લોકોને અચરજભર્યા એક સવાલનો જવાબ મળતો ન હતો. નીલા પરણી ત્યાં સુધી આ પ્રશ્ન અનુત્તર જ રહ્યો હતો. સવાલ સાદો હતોઃ પરદેશના લોકો પરમાનંદ હીરજીના સંતાનોમાં એવું તે શું ભાળી ગયા છે કે દશ ગામમાંથી બીજે ક્યાં ય જોવા ખાતર પણ જોયા વિના સીધી એને ત્યાં જ દોટ મેલે છે? ગૂઢતા સવાલમાં જેટલી હતી તેટલી વંશમાં હતી, વેલામાં હતી.
દશ ગામમાં સૌથી વધારે વયોવૃદ્ધ તરીકે ઓળખાતા નાનુદાદાને લોકો પૂછતાં ત્યારે એ કહેતા કે મારા દાદાએ પણ આ કુટુંબને આવું જ જોયું છે. એટલે હીરજી વીરજી, વીરજી દેવજી … નાનુદાદા કહેતાઃ ‘હા ભાઈ, હા.’
આ કુળમાં બાળક સમાન વિશેષતા સાથે જન્મતું. ગોળ મોં. નાનું નાક. મોટી આંખ. પાંખાં વાળ. શામળો વાન. લોકચર્ચાનું કેન્દ્ર આંખ હતી. મોટી, બહાર નીકળતી આંખ લોકભોગ્ય ટીખળનો પણ વિષય બનતી. ફૂલેલી આંખ. પાંપણ વિનાની આંખ. દેવ-દેવીઓની મૂર્તિઓને હોય છે તેવી કોડા જડેલી આંખ. દેડકા જેવી આંખ. મત્સ્ય-અવતારી પરિવાર. ‘ઊંઘ આવે ત્યારે આંખ પર રૂમાલ ઢાંકીને સૂવો છો?’ નિશાળમાં વિદ્યાર્થીઓ પરમાનંદ હીરજીના સંતાનોને પૂછતા.
કુટુંબની દીકરીનું બાળક જોઈને, વેપાર-ધંધામાં પ્રવીણ ગામ લોકો એકબીજાને કહેતાઃ ‘ભલે પ્રેસ બદલાયું પણ પરમાનંદ હીરજીની પ્રિન્ટ વરતાયા વિના રહે નહીં’. અતુલ, ચિત્રેશ, અને ગોકુલના દરેક સંતાનને જોઈને ગામનું દરેક કહેતું કે પરગ્રહની છોકરીઓની સાથે દીકરાઓને પરણાવવામાં આવશે તો પણ પરમાનંદ હીરજીની છાપમાં કાનોમાતરનો ફેર નહીં પડે. બીબું ઢળ્યું ઈ ઢળ્યું.
લોકવાયકા પણ એટલા જ રસથી યાદ કરાતી. એક વાયકા એવી હતી કે પરમાનંદના પૂર્વજોની નસલમાં પેઢી દર પેઢી એક પુત્ર જ જીવતો રહેતો હતો. કલકત્તા – ઢાકામાં વેપાર ખેડતા કોઈ પૂર્વજે કાલી માતાને પ્રસન્ન કર્યા હતા. (હીરજીબાપાની હયાતી સુધી દેશમાં એનું રહેણાક ‘ઢાકાવાળાની ડેલી’ તરીકે ઓળખાતું હતું.) સદી ઉપરાંત વતનથી દૂર રહેવા છતાં દર વરસે દેશમાં આવીને કુળદેવીને ચૂંદડી ચડાવવાનો શિરસ્તો આ કુટુંબે જાળવી રાખ્યો હતો. શિરસ્તા સાથે સંકળાયેલી, નાનપણમાં સાંભળેલી એક વાત નાનુદાદા ઘણી વાર કહેતા. પરમાનંદના દાદાના એક કાકાનું નામ કાલીચરણ હતું. એ બંગાળણને પરણ્યો હતો. એ પણ એની સ્ત્રી અને એક બાળક સાથે કુળદેવીને પગે લાગવા આવ્યો હતો. હીરજીબાપા વતનમાં કાયમી થયા તે પહેલાં પરિવારમાંથી કોઈ એક વ્યક્તિ (દીકરો કે દીકરાની વહુ) આવીને માતાજીની સમક્ષ માથું નમાવી જતી. પરમાનંદના ચારેય દીકરાઓએ પરદેશમાં વસવાટ કર્યો તે પછી પણ વડદાદાઓના વખતથી ચાલી આવતી આ પરંપરા ચાલુ રાખી હતી.
ત્રીજી કે પાંચમી પેઢીએ પણ લોહી બોલ્યા વિના રહેતું નથી એવું ક્યાંક વાંચ્યું હતું તે મેઘનાને, કુટુંબ વતી કુળદેવીની પૂજા કરવા દેશ જતી વખતે યાદ આવ્યું. માતાજીના સ્થાનકે ચૂંદડી ચડાવી, નૈવેદ ધરીને મેઘનાએ પૂજારીને હીરજી વીરજીના કુટુંબની કોઈ હયાત વરિષ્ઠ વ્યક્તિ વિશે પૂછપરછ કરી. પૂજારીએ સૂચવ્યા પ્રમાણે એ જયાનંદબાપાને ઘરે ગઈ ત્યારે જયાનંદ બે હાથે ફોનનું રિસીવર ઝાલીને ફોનની સામે જોઈને બેઠા હતા. એમનો બીબાંઢાળ નાનો, કરચળિયાળો વૃદ્ધ ચહેરો, ઊપસેલા ડોળા, વાળ વિનાનું ચળકતું ગોળ માથું, તેના કારણે પહોળા લાગતા કાન; મેઘના જોઈ રહી. ફોનમાં કંઈ નહીં સંભળાયું હોય એટલે એમણે ફરી ફોનનું ચક્કરડું ઘૂમાવ્યું. આ દૃશ્ય જોઈને મેઘનાને એનો દીકરો રિત્વિક યાદ આવ્યો. એ સાથે હોત તો ધીરેથી બોલતઃ ‘ ઈટી ફોન કરતો હોય એવું લાગે છે ને!’
તેટલામાં બાપાના દીકરાના દીકરાની વહુ આવી. એણે બાપાના હાથમાંથી રિસીવર લઈ, ક્રૅડલ પર ગોઠવ્યું. આ જોઈને મેઘના બોલીઃ ‘ફોન કરી લેવા દ્યો. અમને ઉતાવળ નથી.’ વહુએ કહ્યું, ‘ફોન શોભાનો છે. ખાલી ડબલું છે. જાગતા હોય ત્યારે વચ્ચેવચ્ચે ફોન હલાવ્યા કરવાની એને આદત છે.’ વહુની વાત સાંભળીને મેઘનાને અચરજ થયું. ‘કોને ફોન કરે છે, દાદા?’ બાપાની પાસે પાટ પર બેસતાં વહુ બોલીઃ ‘કોને ખબર? પહેલાં પૂછતાં ત્યારે એવી વ્યક્તિઓના નામ કહેતા જે વરસો પહેલાં મરી ગઈ છે!’ પછી વહુએ બાપાના કાનમાં ઘાંટો પાડીને કહ્યું; ‘દાદા, પરમાનંદકાકાના દીકરાના વહુ લંડનથી તમને મળવા આવ્યાં છે.’ ઘડપણના કારણે ભમ્મર વિનાની વધુ બહાર ધસી આવેલી આંખે જયાનંદે મેઘના સામે જોયું. પછીની અર્ધી કલાક ઘાંટા પાડીને બાપાને સમજાવવામાં ગઈ. વિક્ટરનો ફોટો જોયો ન જોયો કરીને એ મંદ સ્વરે બોલ્યાઃ ‘ચુન્નિ બહુ રૂપાળી હતી. ગામ જોવા આવતું’તું.’
હરખચંદના કુટુંબમાં ચુન્નિફૂઈ પરણ્યા હતાં. દોઢસો વરસ જૂના ઘરમાં મેઘના પ્રવેશી ત્યારે ઘરમાં એક વૃદ્ધા હિંડોળે બેઠી હતી. એની વાત પરથી જાણવા મળ્યું કે એનો પરિવાર વરસોથી અમદાવાદ રહે છે. આ જૂનું ખખડધજ મકાન વેચવાનું નક્કી થયું છે એટલે એ આવી હતી. એ સન્નારીએ કહ્યું કે જૂના સામાનની સાથે જૂના ફોટાઓ પણ ભંગારમાં આપી દીધા છે. સદ્ભાગ્યે અમારા વડીલોના બે ફોટા સાચવ્યા છે. આટલું કહીને એણે એક પેટી ઉઘાડીને બે ફોટા બહાર કાઢ્યાઃ ‘મારા બાપુજીના દાદા-દાદીના આ ફોટા છે.’ ફોટાની નીચે ચિત્રકારે એનાથી સારા થઈ શક્યા હશે એવા અક્ષરોમાં નામ લખ્યા હતાઃ વખતચંદ હરખચંદ. અને બીજા ફોટામાંઃ ચુન્નિબાઈ વખતચંદ. બીજો ફોટો જોતાં મેઘનાનો ઉત્સાહ ઠરીને ઠીકરું થઈ ગયો. ચિત્રકારે દોરેલા ચિત્રમાં ચુન્નિફૂઈ હાથમાં માળા લઈ, આંખ મીંચી, પલાંઠી વાળીને બેઠાં હતાં.
કુળદેવીનો પ્રસાદ આપવા માટે મેઘના આહનાને ઘરે પહોંચી ત્યારે એ બહાર જવા નીકળતી હતી. મેઘનાને જોઈને એણે કહ્યું, ‘વિશાલની સ્કૂલમાં પેઅરન્ટ્સની મિટિંગ છે. તું બેસ. ટીવી જો. કલાકમાં આવી જઈશ.’ મેઘના રિમોટ હાથમાં લઈને ટીવી ઑન કરવા જતી હતી ત્યાં ડાઈનિંગ-ટેબલ પર પડેલો આહનાનો મોબાઇલ રણક્યો. મેઘનાએ વિચાર્યું કે એ ભૂલી ગઈ નથી. પેઅરન્ટ્સ મિટમાં મોબાઇલ સ્વિચ્ડ ઑફ રાખવાનો હોય છે એટલે એ અહીં મૂકતી ગઈ લાગે છે. એણે ફોનની રિંગ વાગવા દીધી. આહના આવીને ભલે મિસ્ડ-કૉલ જુએ. રિંગ અટકી ગઈ. વળી પાંચ મિનિટ પછી રિંગ સતત ચાલુ રહી. ‘ક્યાંક ગોકુલભાઈનો ફોન ન હોય!’ એવું વિચારતી મેઘનાએ ફોન લીધો. એ ‘હૅલો’ કહે તે પહેલાં અધીરો અવાજ આવ્યોઃ
‘આહના! બહુ વાર લગાડી?’ પુરુષનો અવાજ.
‘તમે કોણ બોલો છો?’ ફોન પર ગોકુલ ન જણાતા મેઘનાએ પૂછ્યું.
‘આહના નથી, ઘરમાં?’
‘ના.’
‘બહાર ગઈ છે?’
‘હા.’
‘એને કહેજો કે કે.કે.નો ફોન હતો.’
‘એ તો કહીશ. પણ તમારું નામ તો કહો.’
‘આહનાને કે.કે. કહેજો ને!’
‘પણ કે.કે.—‘ મેઘના મોહક હસીને મધુરું બોલીઃ ‘મારે નામ જાણવું હોય તો?’
‘ઓહ! એવું છે? હું કિસન કુમાર છું. લિપિકાનો ભાઈ.’
લિપિકા આહનાની જીગરી દોસ્ત હતી તેની લંડન સ્થિત ત્રણ ભાઈઓ અને એક બહેનની જેમ મેઘનાને પણ ખબર હતી. કૉલેજ સુધી સાથે ભણવાને કારણે એ બંનેની મૈત્રી ગાઢ બની હતી. આહના વારંવાર લિપિકાને મળવા વૅમ્બ્લી જતી અને ગોકુલને જ્વૅલરીના બિઝનેસના કારણે લંડનની બહાર જવાનું થતું ત્યારે ક્યારેક ક્યારેક એક-બે દિવસ પણ લિપિકાના ઘરે રોકાતી હતી.
‘ગુડ. બાય ધ વૅ, તમે ગુજરાતી ફાંકડું બોલો છો.’
‘થૅન્ક્સ ફૉર કૉમ્પ્લિમન્ટસ. બિઝનેસના લીધે મારો એક પગ મુંબઈ અને બીજો વૅમ્બ્લી રહે છે. બંને સ્થળે અમારે ગુજરાતી પડોશ છે. આ બધું તો ઠીક પણ તમે તમારી ઓળખાણ આપી નહીં.’
‘હું મેઘના. આહનાની દેરાણી.’
‘વાઉ!’ કે.કે. હસ્યોઃ ‘આહનાને કેટલી દેરાણી છે? ક્યારેક વૅમ્બ્લી આવો.’
‘આવીશ. ( સ્વગતઃ આમેય મામાને ઘેર હું ઘણા વખતથી ગઈ નથી.) અત્યારે તો બાય બાય કહું.’
‘બહુ મજા આવી, તમારી સાથે વાત કરવાની. બાય બાય!’
બંનેના ‘બાય બાય’ના પગલે થોડા દિવસો પસાર થયા પછી એક ઘટના બનીઃ
બ્રાઇટનથી (વાંચોઃ ચિત્રેશના ઘરેથી) કિરાત આવ્યો ત્યારે આશી વિક્ટરને ખોળામાં રાખીને મોબાઇલ જોતી હતી. કિરાતને જોઈને એ બોલીઃ ‘ રોજ કરતાં આજે મોડા છો. મારો ફોન સાયલન્ટ મોડમાં હતો. જોતી’તી કે કોઈનો ફોન તો આવ્યો નથીને!’ એ ઊઠીને કિરાત પાસે આવીઃ ‘વિકીને જરા સાચવો. હું ચા બનાવી લાવું.’ કિરાતે આશી સામે જોઈને ઘૂરકતા ડોળે પૂછ્યું; ‘ રહેવા દે. પહેલાં કહે કે કે.કે. કોણ છે?’
(‘સંવેદન’, ફેબ્રુઆરી, ૨૦૧૫; પૃ. 20-25)
e.mail : sdv006@gmail.com