સૌજન્ય : "દિવ્ય ભાસ્કર", 31 અૉગસ્ટ 2017
સૌજન્ય : "દિવ્ય ભાસ્કર", 31 અૉગસ્ટ 2017
સોવિયત સંઘે ગાંધીવિચારોમાં માનતા ચો મન સિકને બદલે કઠપૂતળી નેતા કિમ ઇલ સંગને સપોર્ટ કરીને ઉત્તર કોરિયાની ઘોર ખોદી
દક્ષિણ કોરિયામાં આવેલી ચો મન સિકની પ્રતિમા, જે આજે પણ એક-અખંડ કોરિયાના સ્વપ્નની પ્રતીક છે
ઇતિહાસ અનેક ‘જો અને તો’ની વચ્ચે ઝોલા ખાતો હોય છે.
આજે ઉત્તર કોરિયાના તુંડમિજાજી સરમુખત્યાર કિમ જોંગ ઉનને કારણે પરમાણુ યુદ્ધથી માંડીને વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે એક સવાલ જરૂર થાય છે કે ઉત્તર કોરિયાની ગાદી પર એક જ પરિવારનું સામંતી સામ્રાજ્ય ન હોત, તો ઇતિહાસની સાથે સાથે વર્તમાન પણ જુદો હોત. સંસ્થાનવાદમાંથી આઝાદ થયેલાં બધાં રાષ્ટ્રો ભારત જેવાં સદ્્ભાગી નહોતાં કે તેમને ગાંધી-નેહરુ-સરદાર જેવા નેતા મળે. ગાંધીજીએ આઝાદી માટેનો આંદોલન કરવાનો જુસ્સો જગાડવાની સાથે સાથે રચનાત્મક કાર્યક્રમો થકી દેશમાં સામાજિક અને રાજકીય સુધારાની દિશાદોરી આપી હતી. નેહરુએ ભારતને સંકુચિત નહીં, પરંતુ સર્વસમાવેશક બનાવવા તથા દેશમાં લોકતાંત્રિક રાજ્યવ્યવસ્થા સ્થાપવા માટે નેતૃત્વ પૂરું પાડ્યું તો સરદારસાહેબે ભારતને એક-અખંડ બનાવીને મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું. ઉત્તર કોરિયાના એટલા કમભાગ્ય કે તેને એક સારો અને સર્વમાન્ય નેતા જરૂર મળ્યો હતો, પરંતુ સત્તા અને પ્રભુત્વના કાવાદાવામાં તેણે શહીદી વહોરવી પડી હતી. આ નેતા એટલે ચો મન સિક.
ચો મન સિકનો કોરિયાના ગાંધી તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે. ચો મન સિક સંપૂર્ણપણે ગાંધીવિચારોને સમર્પિત નહોતા, છતાં તેમના પર ગાંધીજીના વિચારોનો ખૂબ જ પ્રભાવ હતો. ચો મન સિકનો જન્મ ઉત્તર કોરિયાની હાલની રાજધાની પ્યોંગયોંગમાં 1 ફેબ્રુઆરી, 1883ના રોજ થયો હતો. યુવાની ફૂટતાં જરા આડે રસ્તે ચડી ગયેલા ચો મન સિક પછી ખ્રિસ્તી ધર્મ અને ધર્મગ્રંથોના સંપર્કમાં આવતાં તેમના જીવનનો માર્ગ બદલાઈ ગયો. તેઓ 1908થી 1913 દરમિયાન જાપાનમાં ભણવા ગયા. એ દરમિયાન પહેલા વિશ્વયુદ્ધમાં જાપાને કોરિયા પર કબજો જમાવી દીધો હતો. કોરિયામાં જાપાની સામ્રાજ્યથી આઝાદીનું આંદોલન વેગ પકડતું જતું હતું. જાપાનમાં અભ્યાસ દરમિયાન ચો મન સિકે સંસ્થાનવાદ વિરુદ્ધ ગાંધીજીના અહિંસક આંદોલન અંગે વાંચ્યું-જાણ્યું અને ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયા. સ્વદેશ પાછા ફરીને તેમણે શિક્ષકની નોકરી સ્વીકારી અને આગળ જતાં આચાર્ય પદ મેળવ્યું હતું, સાથે સાથે તેઓ આઝાદી આંદોલનમાં સક્રિય પણ બન્યા હતા. આંદોલનમાં સક્રિયતાને કારણે તેમણે આચાર્યપદ ગુમાવવું પડ્યું હતું અને 1919માં આઝાદી આંદોલનમાં જોડાવા બદલ તેમને એક વર્ષની જેલ થઈ હતી. 1922માં તેમણે કોરિયન પ્રોડક્ટ પ્રમોશન સોસાયટીની સ્થાપના કરીને જાપાન વિરુદ્ધ અહિંસક લોકઆંદોલન જગાવ્યું હતું. તેમણે જાપાની વસ્તુઓના બહિષ્કારની સાથે સાથે કોરિયન બનાવટની વસ્તુઓ જ વાપરવા લોકોને જાગૃત કર્યા હતા. આ આંદોલનને કારણે તેઓ સમગ્ર કોરિયામાં લોકનેતા તરીકે ઊભરી આવ્યા હતા.
જાપાન બીજું વિશ્વયુદ્ધ હારી ગયું અને તેણે 1945માં કોરિયાને પોતાના શાસનમાંથી મુક્ત કર્યું ત્યારે પ્રોવિઝનલ પીપલ્સ કમિટીની રચના કરીને દેશના વડા તરીકે નેતૃત્વ પૂરું પાડ્યું હતું. જો કે, આંતરારાષ્ટ્રીય રાજકારણે કોરિયાનો ખેલ બગાડ્યો હતો. ‘મિત્ર રાષ્ટ્રો’ એવા અમેરિકા અને સોવિયત સંઘ કોરિયાને બે ભાગમાં – ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયામાં વહેંચીને એક એક ભાગનો વહીવટી સંભાળી લેવા ઉત્સુક હતા અને સંયુક્ત રાષ્ટ્ર પણ એ માટે તૈયાર હતું. જો કે, ચો મન સિકને ગાંધીજીની જેમ જ પોતાના દેશના ભાગલા મંજૂર નહોતા. ચો મન સિકના વતન એવા ઉત્તર કોરિયાનો વહીવટ સોવિયત સંઘને સોંપાયો હતો. ખ્રિસ્તી ધર્મમાં અપાર શ્રદ્ધા ધરાવનારા, ગાંધીજીના વિચારોથી પ્રભાવિત, સામ્યવાદીઓની રીતભાતોને પસંદ નહીં કરનારા અને કોરિયાની એકતાના હિમાયતી એવા સિક સર્વોચ્ચ અને લોકમાન્ય નેતા હોવા છતાં સોવિયત સંઘે તેમને સાઇડલાઇન કર્યા અને પોતાના હાથની કઠપૂતળી બનીને રહે એવા યુવા અને તોફાની નેતા કિમ ઇલ સંગને પ્રમોટ કર્યા અને ઉત્તર કોરિયાના લમણે એક સરમુખત્યાર લખાઈ ગયો.
આ સરમુખત્યાર સંગ ગાંધીજી અને ગાંધી વિચારો અંગે શું માનતા હતા, તેની ઝલક પણ બી.બી.સી.ના અહેવાલમાં બતાવાઈ છે. કિમ અલ સંગને ગાંધીજીના વિચારોમાં બિલકુલ શ્રદ્ધા નહોતી, તેમણે પોતાના પુસ્તક ‘વિથ ધ સેંચ્યુરી’માં લખ્યું છે, ‘જિલિનમાં થોડા દિવસના નિવાસ દરમિયાન ગાંધીનો પત્ર વાંચીને મેં પાર્ક સો સિમ સમક્ષ અહિંસાના સિદ્ધાંતની ટીકા કરી હતી. જિલિનમાં રહેનારા એકેય કોરિયન યુવાને ગાંધીની વિચારધારાને સ્વીકારી નહીં. કોઈ એટલું મૂર્ખ તો નહોતું જ કે જે એવી કલ્પના કરે કે અહિંસાના માર્ગે ચાલીશું તો જાપાન ચાંદીની તાસક પર અમને આઝાદી આપી દેશે.’
સોવિયત સંઘના ઇશારે પહેલાં તો સિકને નજરકેદ કરાયા, પરંતુ આગળ જતાં સંગે પોતાની સરકાર ઊથલાવી દેવાના કાવતરાનો આરોપ લગાવીને ઑક્ટોબર-1950માં છાનાછપના મૃત્યુદંડ આપી દેવાયો હતો. કહેવાય છે કે મૃત્યુદંડ આપતા પહેલાં અધિકારીઓએ તેમને પાછલા બારણે ભાગી જવાની સલાહ અને મદદ કરવાની ખાતરી આપી હોવા છતાં તેમણે પોતાના અન્ય સાથીઓની સાથે જેલમાં જ સબડવાનું અને દેશ માટે મૃત્યુને ગળે લગાડવાનું પસંદ કર્યું હતું. ચો મન સિકના મોત બાદ સરકારની ધોંશ વધતાં ખ્રિસ્તીઓએ ધીમે ધીમે ઉત્તર કોરિયામાંથી પલાયન શરૂ કર્યું હતું અને તેઓ મોટા ભાગે દક્ષિણ કોરિયામાં સ્થાયી થયા હતા. મૂળ વતન એવું ઉત્તર કોરિયાએ તો ચો મન સિકની કદર ન કરી, પરંતુ દક્ષિણ કોરિયાએ તેમના દેશની આઝાદીના યોગદાનની કદર કરીને ઈ.સ. 1970માં દેશના સર્વોચ્ચ પુરસ્કાર ‘ઓર્ડર ઑફ મેરીટ ફોર નેશનલ ફાઉન્ડેશન’થી નવાજ્યા હતા. દક્ષિણ કોરિયામાં ચો મન સિકની વિશાળ પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે. હવે તો ઉત્તર કોરિયામાં પણ એક નાનકડું સંગ્રહાલય તૈયાર કરાયું છે, જેમાં ચો મન સિક દ્વારા વપરાશમાં લેવાયેલી વસ્તુઓ તથા દસ્તાવેજો સાચવવામાં આવે છે.
ગાંધીવિચારોમાં માનનારા ચો મન સિક ઉત્તર કોરિયાના શાસક બન્યા હોત તો આ દેશની આવી હાલત ન હોત.
(‘દિવ્ય ભાસ્કર’ની 30મી ઑગસ્ટ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-બિનસંપાદિત)
http://samaysanket.blogspot.co.uk/2017/08/NKoria.ChoManSik.html
એમાં તમારી આવનારી પેઢીનું ભવિષ્ય છે. આઝાદીનો આપણને ભય લાગે છે, કારણ કે આઝાદ નાગરિકે પોતાના નિર્ણયો પોતે લેવાના હોય છે એટલે સ્વાભાવિકપણે લેવાયેલા નિર્ણયના પરિણામની જવાબદારી પણ નિર્ણય લેનારની હોય છે. આપણને પરિણામનો ભય લાગે છે એટલે ધર્મના, ધર્મગુરુઓના કે નેતાના ખોળામાં લપાઈ જવું ગમે છે. આ ભાગેડુપણું છે, શરણાગતિ છે, નામર્દાઈ (સ્ત્રીવાચકો માફ કરે) છે. આપણી પોતાની જગ્યા (પ્રાઇવેટ સ્પેસ) જાળવી રાખવામાં મર્દાનગી છે અને એમાં જ ઉજ્જ્વળ ભવિષ્ય છે. જો એમ ન હોત તો ગુલામી સામે માનવસમાજે આટલો લાંબો સંઘર્ષ ન કર્યો હોત. ગુલામી તો ગળથૂથીમાં સાવ મફત મળે છે, આઝાદી રળવી પડે છે
મુખ્ય ન્યાયમૂર્તિ જે. એસ. ખેહરના નેતૃત્વમાં સર્વોચ્ચ અદાલતે દેશ પર બે દિવસમાં બે ઉપકાર કર્યા છે. તલાક! તલાક! તલાક! એમ મુસ્લિમ પુરુષ મનમાની રીતે ઉપરાઉપર ત્રણ વાર તલાક બોલીને મુસ્લિમ સ્ત્રીને રઝળાવી મૂકતો હતો અને રંજાડતો હતો એનો હવે અંત આવ્યો છે. હવે બીજા ચુકાદામાં દેશપ્રેમ! દેશપ્રેમ! દેશપ્રેમ! એમ શાસકો મનમાની રીતે ત્રણ વાર દેશપ્રેમ બોલીને દેશના નાગરિકોને રંજાડવા માગતા હતા એનો અંત આવ્યો છે. સર્વોચ્ચ અદાલતની નવ જજોની બંધારણીય બેન્ચે એક અવાજમાં કહ્યું છે કે દેશના નાગરિકની અંગત જિંદગીમાં દખલગીરી કરવાનો કોઈને અધિકાર નથી અને એમાં રાજ્ય કહેતા શાસકોનો પણ સમાવેશ થાય છે. કોઈ મતભિન્નતા નહીં કે કોઈ અલગ અર્થઘટનો નહીં. ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડે ત્રણ જજો વતી ૨૬૫ પાનાંનો ચુકાદો લખ્યો છે અને બીજા છ જજોએ પોતપોતાના ચુકાદા લખ્યા છે. આટલા ટૂંકા સમયમાં અંદાજે ૬૦૦ પાનાંમાં લખાયેલા સાત ચુકાદાઓનું પરીક્ષણ શક્ય નથી, પરંતુ એનાં જે તારણો પ્રકાશિત થયાં છે એમાં કોઈ જગ્યાએ નવ જજો વચ્ચે તસુભાર પણ મતભેદ જોવા મળતો નથી.
આ હકીકત પર વારંવાર જોર મૂકવાનું કારણ એ છે કે ગુરુવારનો દિવસ ભારતીય નાગરિકો માટે ઉજાણીનો દિવસ હતો. મારા ઘરે મીઠાઈ બની છે. તમારે ત્યાં ન બની હોય તો રવિવારે રંધાવો. મુક્તિ-આઝાદી-સ્વતંત્રતા-સ્વરાજ કરતાં મૂલ્યવાન જણસ આ જગતમાં બીજી એકે નથી એ ગાંઠે બાંધી લો. એમાં તમારી આવનારી પેઢીનું ભવિષ્ય છે. આઝાદીનો આપણને ભય લાગે છે, કારણ કે આઝાદ નાગરિકે પોતાના નિર્ણયો પોતે લેવાના હોય છે એટલે સ્વાભાવિકપણે લેવાયેલા નિર્ણયના પરિણામની જવાબદારી પણ નિર્ણય લેનારની હોય છે. આપણને પરિણામનો ભય લાગે છે એટલે ધર્મના, ધર્મગુરુઓના કે નેતાના ખોળામાં લપાઈ જવું ગમે છે. આ ભાગેડુપણું છે, શરણાગતિ છે, નામર્દાઈ (સ્ત્રીવાચકો માફ કરે) છે. આપણી પોતાની જગ્યા (પ્રાઇવેટ સ્પેસ) જાળવી રાખવામાં મર્દાનગી છે અને એમાં જ ઉજ્જવળ ભવિષ્ય છે. જો એમ ન હોત તો ગુલામી સામે માનવસમાજે આટલો લાંબો સંઘર્ષ ન કર્યો હોત. ગુલામી તો ગળથૂથીમાં સાવ મફત મળે છે, આઝાદી રળવી પડે છે.
કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી એ પછીથી એ દેશપ્રેમ! દેશપ્રેમ! દેશપ્રેમ! એમ ત્રણ વાર બોલીને ભારતના નાગરિકોની ખાનગીપણા પર તરાપ મારી રહી છે. આવા તાનાશાહી વલણને પડકારનારી બે ડઝન પિટિશન્સ સર્વોચ્ચ અદાલતમાં આવી હતી, જેને અદાલતે બંધારણીય ફુલબેન્ચ રચીને એકસાથે સાંભળી હતી. સરકારે સર્વોચ્ચ અદાલતમાં દલીલ કરી હતી કે નાગરિકનો ખાનગીપણાનો અધિકાર મૂળભૂત અધિકાર ન ગણાય, વધુમાં વધુ કૉમન લૉનો હિસ્સો કહી શકાય. આ કૉમન લૉ શું છે એ ટૂંકમાં સમજી લઈએ. જગતમાં બે પ્રકારની કાનૂની વ્યવસ્થા છે. એક કૉમન લૉ, જે બ્રિટન અને બ્રિટિશ સંસ્થાનોમાં પ્રચલિત છે અને બીજી રોમન લૉ, જે અન્ય દેશોમાં પ્રચલિત છે. મુસ્લિમ દેશોમાં ઇસ્લામિક લૉ પ્રચલિત છે એની વાત જવા દઈએ. કૉમન લૉ રિવાજ, રૂઢિ, નવા યુગની નવી જરૂરિયાત અને એને આધારે વખતોવખત આપવામાં આવેલા ચુકાદાઓના આધારે છેલ્લાં ૩૦૦ વર્ષમાં ક્રમશ: વિકસ્યો છે. રોમન લૉમાં રિવાજ-પરંપરા અને પૂર્વ ચુકાદાઓને લક્ષમાં લીધા વિના ઘડવામાં આવેલા કાયદાઓ છે. એમાં કૉમન લૉ જેવું ઉત્ક્રાન્તિ (ઇવલુશન)નું તત્ત્વ નથી. ભારતના બંધારણમાં કૉમન લૉનાં તત્ત્વો છે, કારણ કે ભારત બ્રિટિશ સંસ્થાન હતું અને એ રીતે કાયદાઓ વિકસ્યા હતા અને એ સાથે ભારતના બંધારણમાં રોમન લૉનાં તત્ત્વો પણ છે, કારણ કે ભારતનું બંધારણ વિદ્વાનો દ્વારા બેસીને ઘડવામાં આવ્યું છે.
મોદી સરકારે કૉમન લૉનો આશરો લઈને એવી દલીલ કરી હતી કે બંધારણ ઘડનારાઓએ ખાનગીપણાને મૂળભૂત અધિકાર તરીકે એક જગ્યાએ બેસીને બંધારણમાં આમેજ કરીને સીલ અને સિક્કા માર્યા નથી, જે રીતે રોમન લૉમાં કરવામાં આવે છે. આવી બેહૂદી દલીલ કરતાં ભારત સરકારના ભૂતપૂર્વ ઍટર્ની જનરલ મુકુલ રોહતગી શરમ અનુભવતા હતા એટલે તેમણે બીજી મુદત માટે ઍટર્ની જનરલ તરીકે ચાલુ રહેવાની ના પાડી દીધી હતી. તેમની જગ્યાએ કે. કે. વેણુગોપાલ આવ્યા હતા, જેમણે કૉમન લૉની દલીલ કરી હતી. તેમણે એવી પણ દલીલ કરી હતી કે ભારત વિકાસશીલ દેશ છે એટલે વધારે પડતી આઝાદી વિકાસના માર્ગમાં અવરોધક અને હાનિકારક છે. શાબાશ! ૧૯૭૦ના દાયકામાં ઇન્દિરા ગાંધીની સરકારે પણ આવી જ દલીલ કરી હતી. એ જ તાનાશાહી અને એ જ ગુમાન. કેન્દ્ર સરકારે ત્રીજી દલીલ એવી કરી હતી કે ખાનગીપણાનો અધિકાર અબાધિત ન હોઈ શકે. ભલા ભાઈ, આવી તો માગણી બે ડઝન પિટિશનરોમાંથી કોઈએ કરી જ નહોતી.
સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારની આ દલીલો માન્ય રાખી નથી. ખાનગીપણાના અધિકારને નાગરિકના મૂળભૂત અધિકાર તરીકે માન્ય રાખ્યો છે. આ ચુકાદો નવ જજોની ફુલ બંધારણીય બેન્ચે સર્વાનુમતે આપેલો છે એટલે હવે અપીલો માટે કોઈ જગ્યા રહેતી નથી. એટલે તો સરકારે કહેવું પડ્યું છે કે સર્વોચ્ચ અદાલતમાં કેન્દ્ર સરકારની ભૂમિકાનો વિજય થયો છે. વિજય થયો છે કે પરાજય એ તો તમારી સામે છે. મિયાં પડ્યા તો પણ ટંગડી ઊંચી એવો ઘાટ છે. સર્વોચ્ચ અદાલતે ફોડ પાડીને કહ્યું છે કે ખાનગીપણું નાગરિકનો મૂળભૂત અધિકાર છે. ખાનગીપણાનો અધિકાર અબાધિત (ઍબ્સોલ્યુટ) ન હોઈ શકે એવી કેન્દ્ર સરકારની દલીલ માન્ય રાખતાં સર્વોચ્ચ અદાલતે એનાથી પણ વધારે મહત્ત્વની વાત એ કહી છે કે એને બાધિત કરવા માટે કાયદાઓ છે અને માત્ર કાયદાઓ જ નાગરિકને તેના મૂળભૂત અધિકારોથી બાધિત કરી શકે. આનો અર્થ એ થયો કે કાયદાની બહાર જઈને કે કાયદો હાથમાં લઈને કોઈ કોમવાદી સાંઢને કોઈના ઘરમાં ડોકિયાં કરવાનો અધિકાર નથી. કોણે શું ખાવું અને શું ન ખાવું એ નક્કી કરવાનો અધિકાર નથી.
રહી વાત આધાર કાર્ડના વપરાશની અને નવી ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીના ઉપયોગ-દુરુપયોગની તો એનો નિર્ણય પાંચ જજોની બંધારણીય બેન્ચ હવે પછી બધા પક્ષકારોને સાંભળીને લેશે. કહેવાની જરૂર નથી કે પાંચ જજોની બેન્ચ ખાનગીપણાનો અધિકાર એ નાગરિકનો મૂળભૂત અધિકાર છે એવા નવ જજોના ચુકાદાના પ્રકાશમાં જ લેવાની છે અને મોટા ભાગે તો એમાં એ જ જજો હશે જે નવ જજોની ફુલ બંધારણીય બેન્ચમાં હતા. આમ આધાર કાર્ડનો અને બીજા ડિવાઇસિસનો આશરો લઈને તમારી અંગત વિગતોનું જાળું રચવાની અને બીજાને પહોંચતી કરવાની પ્રવૃત્તિ પર અંકુશો આવશે. સર્વોચ્ચ અદાલતના ખાનગીપણાને લગતા ચુકાદા પછી ૨૦૧૩ના સમલિંગી સબંધો વિશેના સર્વોચ્ચ અદાલતના બે જજોનો પછાત ચુકાદો આપોઆપ નિરસ્ત થશે.
સર્વોચ્ચ અદાલતનો આ ચુકાદો ૧૯૭૬માં ઇમર્જન્સીના દિવસોમાં એડીએમ જબલપુરના કેસમાં સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેન્ચે આપેલા ચુકાદાને પણ નિરસ્ત કરે છે. એ સમયે સર્વોચ્ચ અદાલતના પાંચ જજોની બંધારણીય બેન્ચમાંના ચાર જજો પાણીમાં બેસી ગયા હતા. એકમાત્ર ન્યાયમૂર્તિ એચ. આર. ખન્નાએ નાગરિકના મૂળભૂત અધિકારોના પડખે ઊભા રહેવાની હિમંત બતાવી હતી. જે ન્યાયમૂર્તિઓ પાણીમાં બેસી ગયા હતા એમાં એક ન્યાયમૂર્તિ વાય. વી. ચન્દ્રચૂડ પણ હતા. આજે ૩૯ વર્ષ પછી તેમના ૫૭ વર્ષના પુત્ર ધનંજય ચન્દ્રચૂડે પિતાના ચુકાદાને સુધારીને પિતૃતર્પણ કર્યું છે. ઇમર્જન્સીના દિવસોમાં અને અત્યારમાં ફરક એ છે કે ત્યારે જજો ડરેલા હતા, પરંતુ જય પ્રકાશ નારાયણની આગેવાનીમાં નાગરિક સમાજ સક્રિય અને શક્તિશાળી હતો. આજે નાગરિક સમાજ નેતૃત્વહીન અને અશક્ત છે, પરંતુ (ઍટ લીસ્ટ અત્યારે, સર્વોચ્ચ અદાલતમાં) જજો નિર્ભયી છે.
ટૂંકમાં સર્વોચ્ચ અદાલતનો ચુકાદો મીઠાઈ રાંધવી પડે એવો છે. એમાં લોકતંત્રનો વિજય થયો છે અને તાનાશાહીનો પરાજય થયો છે. કાયદો હાથમાં લઈને આતંક મચાવનારા બાવડાબાજ દેશપ્રેમીઓની ચરબી ઉતારનારો છે અને અદના નાગરિકને ધર્મ, જ્ઞાતિ કે લિંગને જોયા વિના રક્ષણ આપનારો છે. આમાં કાયદાના રાજનો વિજય છે. ખાટલે મોટી ખોડ એ છે કે કાયદાના રાજને બચાવી શકે એવું સક્ષમ ન્યાયતંત્ર ક્યાં છે? ચુકાદો આવે અને ન્યાય મળે એ પહેલાં તો અદનો નાગરિક બધું ગુમાવી બેસે છે. લકવાગ્રસ્ત ન્યાયતંત્રને કારણે ભારતમાં આમ આદમી હારીને જીતે છે અથવા જીતીને હારે છે. અદનો નાગરિક ખરેખર ક્યારે ય ન જીતે એ માટે ન્યાયતંત્રને ચુસ્ત દુરસ્ત કરવામાં નથી આવતું. આપણા કાન ફાડી નાખે એ હદે ભારતના શાસકવર્ગ વચ્ચે સંપેલી ભેદી ચુપકીદી છે. એટલે તો નાગરિક સમાજના બુલંદ હસ્તક્ષેપની જરૂર છે. ઊહાપોહ કરીને અને રસ્તા પર ઊતરીને એમ બન્ને રીતે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, ’સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 27 અૉગસ્ટ 2017