શિવાની ઘેર જવા આમ તો ઑફિસમાંથી દસેક મિનિટ વહેલી જ નીકળી જતી. પણ આજે એ ક્રમ તૂટ્યો હતો. દસેક મિનિટ પહેલાં સોર્ટિંગ ઑફિસનો રનર એક અરજંટ ફાઈલ લઈને તેની પાસે આવ્યો હતો. ફાઈલ તેને સુપરત કરતાં તેણે બોસનું ફરમાન તેને સંભળાવ્યું હતું – ‘બોસે કહ્યું છે શિવાનીને કે’જો, આ ફાઈલ ક્લિઅર કરીને ઘેર જાય.
શિવાની સમસમીને રહી ગઈ. પણ, શું થાય ? બોસનો આદેશ હતો. ક્પ્યુટર ચાલુ કર્યું અને કી-બોર્ડ પર આંગળીઓ ટપ ટપ કૂદકા મારવા લાગી, પણ તેનું ધ્યાન તો ઑફિસ-ક્લૉકના કાંટા તરફ ચોંટેલું રહ્યું .. સમયની ચુસ્ત કટોકટી વચ્ચે કામ પૂરું કર્યું ત્યારે તેની ઑફિસનો સ્ટાફ ચાલ્યો ગયો હતો.
બહાર આવી ત્યારે ફૂટપાથ પર લોકોની આછોતરી અવરજવર હતી. રોઝ્બેરી એવેન્યુને બન્ને તરફથી ઘેરી વળીને ઊભેલી ઊંચી ઊંચી ઇમારતો, ફ્લેટ્સ અને ઑફિસ-બ્લોક્સના પડખામાંથી પસાર થતી ફૂટપાથ પર થઈને એ બસ-સ્ટન્ડ સુધી પહોંચતી, ત્યારે ડબલ-ડૅકરમાં તેને એકાદ બારી પાસે બેસવાની આસાનીથી સીટ મળી જતી. બસમાં ચડનારાંઓમાં એ સાવ એકલી હોય તેવું પણ ભાગ્યે જા બનતું.
બસ આગળ વધવા માંડે અને ગ્રેઈઝ ઈન રોડ અને તેને સમાંતર નૅશનલ રેલના પાટાઓ ફટાફટ પસાર થઈ જાય, ફેરિંગડન રૉડ અને તેની રોનક, બધું દૂર દૂર સરકતું જાય અને કિંગ્ઝ્ક્રોસ વિસ્તારની ઝાકઝમાળ ખૂલવા લાગે. ઊંચી અને વિશાળ બિલ્ડિંગો, સરિયામ સાફસુથરી હાઇ-સ્ટ્રીટ્ની ભભક અને જમણી તરફ અડધો કિલોમિટર જગ્યા રોકીને કોઈ તપસ્વીની જેમ ઊભેલો “ટાઇમ્સ’’નો વિશાળ કૉમ્પ્લેક્સ, છૂટાં છવાયાં કેફિટીરિઆ અને રેસ્ટોરેંટોની ભીડભાડ જોઈને શિવાની રોમાંચિંત થઈ ઊઠતી.
પણ આજે શિવાનીનું મન કશાંયમાં લાગતું નહોતું. બધું રસહીન જણાતું હતું. એક બગાસું ખાઈ લેતાં તેણે રિસ્ટવૉચમાં જોયું. સાડા દસ !! ફાળ પડી શિવાનીને. ઑફિસમાંથી નીકળતાં ખાસું મોડું થઈ ગયું હતું, અને 10:40ની એક્સપ્રેસ ચૂકી જવાની ધાસ્તીએ તેને ડરાવી દીધી. બોસને શી પડી હોય? હું મારી ટ્રેન ચૂકી જાઉં, ઘેર મોડી પહોંચું કે ટ્રાફિકમાં અટવાઈ પડું તેની ચિંતા બોસને થોડી જ રાખવાની હોય? શિવાની ટ્રેન ચૂકી જશે તો બીજી ટ્રેન માટે આટલી રાતે કલાક સુધી સ્ટેશનના બાંકડા પર ખોડાઈ રહેવું પડશે; બોસને એવી ચિંતા ન રહેતી. બોસ એવું કેરિંગ નેચર પણ ધરાવતા નહોતા. હીમ વર્ષાવતો વિન્ટરનો આ ઠંડોગાર રાત્રિસમય હોવા છતાં ટ્રેન ચૂકી જવાના ડરે તેના શરીરે પરસેવો વળી ગયો. હેન્કિથી કપાળ પર બાઝેલાં પ્રસ્વેદબિંદુઓ લૂછતાં લૂછતાં એ ફરીથી વિચારોના ચગડોળે ઘમરોળાવા લાગી –
બે દિવસ પહેલાં તવિસ્તોક સ્ક્વૅરમાં 30 નંબરના રુટની બસ પર ત્રાસવાદીઓએ કરેલા આત્મઘાતી બોઁબ-બ્લાસ્ટથી લંડન શહેર ખળભળી ઉઠ્યું હતું. સારવાર માટે અસંખ્ય લોકોને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમાંના કેટલાક મૃત્યુ પામવાની અણી પર હતા અને ઘાયલ થયેલાઓનો આંક પણ મોટો હતો. જાહેર સ્થળોએ અને રાજમાર્ગોમાં પાકો પોલીસ બંદોબસ્ત તહેનાતમાં હતો. બે દિવસ પછી તંગદિલીનું વાતાવરણ હટી જતાં શિવાની કામે આવી હતી. બોસે તેની પીઠ થાબડવાને બદલે મોડા છૂટવાની આકરી સજા ફટકારી હતી- ફાઇલ ક્લિઅર થઈ ગયા પછી જ ઑફિસ છોડવી !
શિવાનીથી બારી પર મૂઠી પછાડાઈ ગઈ.
આજે 10:40ની એક્સ્પ્રેસ ચૂકી જવાશે તો પપ્પાની દાંટ ખાવી પડશે. પપ્પા અવારનવાર ઠપકો આપે છે – ‘શિવાની બેટા, તેં આવી શિફ્ટવાળી જૉબ શા માટે લીધી? આ જોબ તું કેમ છોડી દેતી નથી?’ પણ પપ્પાને કેમ સમજાવું કે મેં આ નોકરી શા માટે લીધી છે? બે વર્ષ પહેલાં પપ્પાએ ટપાલખાતાની નોકરીમાંથી નિવૃત્તિ લીધી, નાની બહેન ઈશિતાએ આ વર્ષે જ યુનિ જોઈન કરી છે, નાનો ભાઈ તો હજી “ઓ-લેવલ્સ” સુધીયે પહોંચ્યો નથી અને મમ્મી છ મહિના પહેલાં પરૅલિસિસના અટૅકથી પથારીવશ છે. એકલા પપ્પાના પૅન્શનમાંથી ઘર થોડું જ ચાલે? પૅન્શનની આછીપાતળી આવકમાંથી ઘર ચલાવવું, વહેવાર સાચવવો, નાના મોટા પ્રસંગો ઉકેલવા – કેટલું વસમું લાગતું હશે પપ્પાને? શિવાની ઘરની આ નબળી પરિસ્થિતિથી જ્ઞાત હતી અને એટલે જ પપ્પાની થોડી નારાજગી વહોરીને તેણે “રોયલ મેલ’’માં ક્લેરિકલ ઑફિસરની જોબ લીધી હતી, અને હવે નોકરીમાં એ સ્થિર પણ થઈ ગઈ હતી. પગાર, બૉનસ અને નાઈટ અલાઉન્સથી ઘર ચાલે છે. ટ્રેન અને બસના સમય જાણી લીધા પછી લેટ શિફ્ટથી પણ એ ટેવાઈ ગઈ છે. પણ શિવાનીના પપ્પા આ નોકરીથી અને ખાસ કરીને રાતની પાળીથી હજુ પણ નારાજ રહે છે.
ગઈ કાલથી શહેરનો અલર્ટ હટાવી લેવાયો છે, પણ લોકોનો ફફડાટ હજુ ઓસર્યો નથી. ગાય ફોક્સના ફટાકડાના અવાજમાં લોકોને બોઁબ બ્લાસ્ટના ધડાકા સંભળાય છે. ચોવીસે કલાક એમનાં તનમન પર આતંકવાદનો ઓછાયો છવાયેલો રહે છે. થોડાં વર્ષોથી આતંકવાદ વકર્યો છે અને તેણે લંડનવાસીઓની નિંદર હરામ કરી નાખી છે. એશિયન છોકરીઓને ગોરા છોકરા યુનિમાં સતાવે છે, મોટાં મકાનોની લિફ્ટમાં હિન્દુ છોકરીઓ ઉપર બળાત્કારના કિસ્સાઓની ગુસપુસ મોટી ઉંમરની સ્ત્રીઓ કરે છે. મુસ્લિમ ગુંડાઓ છરાથી છોકરીઓનાં કપડાં ચીરી નાખે છે, અને શીખ છોકરાઓ નવરાત્રિના ગરબા વખતે સરેઆમ છોકરીઓની છેડતીઓ કરે છે, અરે ઉપાડી પણ જાય છે. ફજેતીની બીકમાં કોઈ પોલીસમાં જતું નથી. કેટલાંક પોતાના વતન ચાલ્યા જાય છે. શિવાની રોજ આવા કિસ્સાઓ છાપાંઓમાં વાંચતી, સાવચેત રહેતી અને ભાગ્યે જ એકલી બહાર નીકળતી. પણ આ નોકરીને કારણે કોઈ કોઈ વાર ઘેર પહોંચવામાં મોડું થઈ જતું. પણ આજે તો ખાસું મોડું થઈ ગયું હતું.
પ્લૅટ્ફોર્મ પર ભીડ હતી. ભીડમાંથી માર્ગ કરી એ પ્લૅટફોર્મ સુધી આવી પણ ટ્રેન પ્લૅટફોર્મ પરથી સરકી રહી હતી.
‘ઓહ ગોડ! આજે આ શું થવા બેઠું છે?’ ધૂંધવાઈ ઊઠતાં શિવાની મનમાં બબડી, ‘બોસની અવળચંડાઈનું જ આ પરિણામ! છેલ્લી ઘડીએ ફાઈલ ન મોકલી હોત તો આટલું હેરાન ન થવું પડત!’
એસ્કલેટર પાસે જ એક ટી-સ્ટોલ હતો. શિવાનીએ કૉફીનો ઓર્ડર દીધો. કૉફીનો ડિસ્પોઝલ કપ લઈ તે બેસવાની જગ્યા શોધવા આમતેમ જોવા લાગી. ટી-સ્ટોલની પાસે જ એક ખાલી બાંકડો હતો. એ તરફ જવા એ પગ ઉપાડવા જતી હતી ત્યાં ટી-સ્ટોલના કાઉન્ટર પાસે ઊભેલો કોઈ લફંગા જેવો લાગતો માણસ તેના તરફ જોઈને બોલ્યો, ‘યંગ લેડી, યુ વિલ હેવ ટુ વેઈટ લોંગ ફોર નેક્સ્ટ ટ્રેન.’ કહી તેણે ખભા ઉલાળ્યા અને સ્ટોલની પછીતમાં અદૃશ્ય થઈ ગયો.
પ્લૅટફોર્મ સૂમસામ હતું. લોકોની ભીડ શમી ગઈ હતી. ટ્રેન ગયા પછી તેનો નકશો જ બદલાઈ ગયો હતો. ચકલીઓ તરફ કોઈએ પથરો ફેંક્યો હોય અને બધી ચકલીઓ એકીસાથે ઊડી જાય તેમ લોકો પ્લૅટફોર્મ ખાલી કરી ગયા હતા.
શિવાનીના શરીરમાંથી ઠંડીનું એક લખલખું પસાર થઈ ગયું. એ વિચારી રહી હતી – પેલો લફંગો મને કેવી વિચિત્ર નજરે નિહાળતો સલાહ આપી રહ્યો હતો ? કોણ હશે એ શયતાન? આતંકવાદી તો નહીં હોય? શું એ જાણી ગયો હશે કે હું હિન્દુ છું ? આમે ય મારો પહેરવેશ, મારી બોલવાની તરેહ અને વર્તણૂક મારા ધર્મ અને જાતિની ચાડી ખાધા વિના થોડાં જ રહેશે? હું હિન્દુ છોકરી છું એની ગંધ આવતાં એ નીચ …. એ આગળ વિચારી ના શકી.
શિવાનીએ બેગમાંથી પાણીની બૉટલ કાઢી. બોટલમાં પાણીનું ટીપુંયે બચ્યું નહોતું. તેને થયું – ચાલ, ટી-સ્ટોલમાંથી જ મિનરલ વૉટરનો એક શીશો લઈ આવું. અને મોબાઈલમાંથી ઘેર પણ જણાવી દઉં. – દસ ચાલીસની એક્સપ્રેસ ચૂકી ગઈ છું.
મોબાઈલ જોડ્યો. ટ્રેન ચૂક્યાની હકીકત પપ્પાને જણાવી તો એ બૂમાબૂમ કરવા લાગ્યા. હું પપ્પાને અપસેટ કરવા નહોતી માગતી એટલે મેં ફોન કાપી નાખ્યો. મારી જગ્યા તરફ પાછી વળતી હતી ત્યારે ટી-સ્ટોલ વાળો છોકરો મને કહેવા લાગ્યો, ‘મૅડમ, યુ શુડ નોટ ટ્રાવેલ એટ ધીસ ટાઇમ. ઇટ્સ નોટ સૅઈફ.’ હું તેને પૂછું છું – ‘વ્હાય?’ એ કહે છે, ‘ધ વર્લ્ડ હેઝ ચૅન્જડ!’
મારું ભેજું ફાટફાટ થવા લાગ્યું. મેં ચાલતી પકડી.
– નો, વર્લ્ડ હેઝ નોટ ચૅન્જડ એટોલ! પાછલા દસ વર્ષોમાં શું બદલાયું છે? શિવાની પોતાની જાતને જ સવાલતી રહી – શું લોકો રડતાં નથી? એક બીજાંને પ્રેમ-નફરત કરતાં નથી ? બાળકો જન્મતાં નથી ? લોકો મૃત્યુ પામતા નથી ? ને ખીલતાં ફૂલો કરમાતાં નથી ? ના, કાંઈ જ નથી બદલાયું.
પોતાના બાંકડા પાસે આવી ત્યારે તેને લાગ્યું કે અત્યારે તો આ ટી-સ્ટોલ પાસે બેસી રહેવામાં જ સલામતી છે. પણ આ સ્ટોલ બંધ થઈ જશે ત્યારે? સ્ટોલવાળા છોકરાઓને પૂછી લેવાનો વિચાર આવતાં એ પાછી ઊઠી. ને પૂછી આવી. સ્ટોલ મોડે સુધી ખૂલો રહે છે, એ જાણ્યા પછી તેને થોડી રાહત થઈ. ગુડ.
શિવાનીએ આસપાસ જોયું – પ્લૅટફોર્મ ભેંકાર થઈ ગયું હતું. રાતને કોઈએ જકડી રાખી હોય તેમ આગળ વધવાનું નામ નહોતી લેતી. ટ્રેમ્પ જેવો લાગતો એક આદમી સામેના બાંકડા પર સિગારેટના કશ ખેંચી રહ્યો હતો. તેના પગની આસપાસ તેનો પાલતુ કુત્તો કૂદાકૂદ કરે છે. ઘડીક અટકે છે, ઘડીક ડોક ઊંચી કરીને કશુંક સૂંઘે છે અને પછી ઝનૂનથી બંને કાન ફફડાવી પેલા માણસના પગ પાસે આળોટવા લાગે છે.
એ જ વખતે શિવાનીની નજર બાજુના બાંકડા તરફ વળી અને તે બાંકડા પર બેઠેલી એક ઓરત પર સ્થિર થઈ ગઈ. તેના હાથમાં ચામડાની બેગ છે. તેણે શ્યામ વસ્ત્રો પહેર્યાં છે અને તેનું મોં કાળા બુરખાથી ઢંકાયેલું છે. અને બુરખામાંથી બે ચમકતી આંખો તેને ટીકી રહી છે. શિવાની વિમાસે છે, હમણાં સુધી તો એ અહીં નહોતી, અને હતી તો અત્યાર સુધી મારું ધ્યાના તેના તરફ કેમ નહીં ગયું હોય ? અચાનક ક્યાંથી ટપકી પડી ? અને તેણે મારી પાસેનો જ બાંકડો કેમ પસંદ કર્યો હશે ? થોડી વાર પહેલાં ટી-સ્ટોલ પાસે મને ભેટી ગયો હતો એ લફંગો અને આ ભેદી ઓરત ત્રાસવાદી અને એકબીજા સાથે ભળેલાં તો નહીં હોય ? એ લોકોનો ઈરાદો શો હશે ? આ ઓરતના હાથમાં બેગ છે, એમાં ટાઇમ-બોમ્બ તો નહીં છુપાવ્યો હોય ? શિવાનીના દિમાગમાં સવાલો પર સવાલોના ઢગ ખડકાવા લાગ્યા હતા. અને પેલો ટાઇમ-બોમ્બ ફૂટ્યો તો? એવી કલ્પના કરતાં શિવાની પવનના ઝાપટે ધ્રૂજતા વૃક્ષનાં પર્ણોની જેમ હચમચી ગઈ.
અરે ! મને આવા નૅગેટિવ વિચારો કેમ આવે છે? એ બાઈ તો બિચારી એની જગ્યાએ શાંતિથી બેઠી છે. પણ મન પાછું જુદી દિશામાં દોડવા લાગ્યું –
શિવાની … શિવાની … શિવાની, એ બાઈ શાંતિથી બેઠી છે અને ત્રાસવાદીઓ સાથે ભળેલી હોય એવું પણ નથી લાગતું છતાં વિશ્વાસ કેમ નથી બેસતો ? એ બુરખામાં કોઈ આતંક્વાદી ચહેરો નહીં છુપાયો હોય તેની શી ખાતરી ? વળી આ ઓરત લાગે છેયે બેવડા બાંધાની ! કોઈ પુરુષે બુરખો પહેરી લીધો હોય તો પણ કેમ ખબર પડે ?
ડરની એક કંપારી તેના શરીરમાંથી પસાર થઈ ગઈ. દિલમાં સમર્પિત ભાવ ઊઠતાં એ પોતાના મન સાથે સંવાદી – એ મારા પર હુમલો કરશે તો હું તેને સાફ સાફ કહી દઈશ, મારી મા ! તારે જે જોઈતું હોય તે મારી પાસેથી લઈ જા; પણ મને જવા દે.
એવામાં પ્લૅટફોર્મની લાઈટો એકાએક ઝબકી ઊઠી. સાથે ટ્રેનના આગમનના ધ્વનિએ સૂમસામ પ્લૅટફોર્મને ચેતનરસથી ભરી દીધું. શિવાનીના વિચારોની શૃંખલા પણ તૂટી અને એ સહસા બાંકડા પરથી ઊભી થઈ ગઈ. હવે ડરવાનું કોઈ કારણ નહોતું. એ દોડીને એક ડબ્બામાં ચઢી ગઈ. ડબ્બામાં દાખલ થયા પછી તેણે પાછળ જોયું. પેલી ઓરત પણ તેની પાછળ પાછળ તેના જ ડબ્બામાં ચડી રહી હતી ! આજે, આ ચૂડેલ મારો પીછો છોડવાની નથી ! એ મનમાં બડબડી.
શિવાની જગ્યા શોધવા લાગી. ડબ્બાની એકા તરફની વિન્ડો સીટમાં એક વૅસ્ટ ઈન્ડિયન છોકરી પોતાની છાતી પર કોઇ ચોપાનિયું રાખીને સૂતી હતી. શિવાનીએ તેની સામેની સીટમાં જગ્યા લીધી તો પેલી ચૂડેલ પણ એ તરફ આવતી જણાઈ. અને એ પણ શિવાનીની સામેની સીટ પર પેલી વૅસ્ટ ઈન્ડિયન છોકરીની બાજુમાં ગોઠવાઈ ગઈ.
બે-એક મિનિટ પછી ટ્રેનનો ધક્કો આવ્યો અને ટ્રેન પ્લૅટ્ફોર્મ પરથી આસ્તે આસ્તે સરકવા લગી. શિવાનીએ ત્રાંસી નજર કરી પેલી બાનુ તરફ જોયું. હજી પણ એ તેને જ તાકી રહી હતી. શિવાનીએ અાંખો બંધ કરી લીધી. પેલી વેસ્ટ ઈન્ડિયન છોકરી તો ઘોરે છે અને આ ડબ્બામાં અમારા ત્રણ સિવાય બીજું કોઈ નથી, હવે એ કોઈ પણ ક્ષણે મારા પર હુમલો કરશે. બેગમાં છુપાવી રાખેલા હથિયાર વડે મારી કત્લ કરી છૂમંતર થઈ જશે ….. શું કરું ? શિવાનીને ચાલતી ટ્રેનમાંથી બહાર કૂદી પડવાનો વિચાર આવ્યો, પણ બીજી જ ક્ષણે એ વિચારને દાબી દેતાં તેણે આંખો બંધ કરી સીટ પર લંબાવી દીધું.
ભય, અને તંદ્રાના ભારણમાં કેટલાં સ્ટેશનો પસાર થઈ ગયાં તેની સરત પણ ન રહી. લુટન સ્ટેશન આવતાં ટ્રેનની ગતિ ધીમી પડવા લાગી ત્યારે પેલી ઓરતનો અવાજ કાને પડતાં તેની આંખો સહસા ખૂલી ગઈ – બહેનજી … ! બહેનજી … ! બુરખાવાળી ઓરત શિવાની પાસે આવીને કહેતી હતી, ‘સચ મૂચ મુઝે બહોત ડર લગ રહા થા. અલ્લાહ કા શુકર હૈ કિ આપ કા સાથ થા. અબ મેરા સ્ટેશન આ ગયા હૈ. આપ કા બહોત બહોત શુકરિયા.’ કહી એ ઊતરી ગઈ.
શિવાની દિંગ્મૂઢ બનીને જોઈ રહી.
***
e.mail : vallabh324@aol.com