એક વાર ભૂચર, નભચર, જળચર જીવોની સભા મળી હતી. બહુ બધી ચર્ચાઓ કરવાની હતી. ચર્ચાઓ ચાલી, સૌ પોતપોતાની વાત પોતપોતાની ભાષામાં બોલતા હતા. કોઈ શું કહે છે, એ સમજાતું ન હતું. ગોકીરા, દેકારા, હોકારા, પડકારા થતા હતા. ન મુદ્દો સમજાય, ન વિષય. આ સભામાં શિયાળ હાજર હતું. એ એક ન્યૂઝ ચેનલ વતી મિટિંગનો રિપોર્ટ આપવાનું હતું. હોકારા, પડકારા, ગોકીરા-દેકારા વચ્ચે કાંઈ ન સમજાય તેનો વાંધો નથી. અહેવાલ તો એમેય લખી નખાય. શિયાળને પૂરો કૉન્ફિડન્સ હતો. પણ સમય તો પસાર કરવો પડેને ? એણે સમય પસાર કરવા નિરીક્ષણ કરવાનું રાખ્યું. મીડિયા પર્સન પાસે જ્યારે બીજું કાંઈ કરવાનું ન હોય, ત્યારે એ નિરીક્ષણો કરે. ઘણાં નિરીક્ષણો કામનાં હોય, ઘણાં જ્ઞાનવર્ધક હોય અને ઘણાં મનોરંજક હોય. આમ શિયાળ નિરીક્ષણો કરતું હતું. એનું ધ્યાન ગયું કે સભામાં ઘણાં બધાં પશુપંખીઓનાં અંગો વાંકાં હતાં. હાથીની સૂંઢ, પોપટની ચાંચ, કૂતરાની પૂંછડી, બગલાની ડોક, ભેંસનાં શીંગડાં, વાઘના નખ, ઊંટનાં તો અઢારેય અંગ વાંકાં હતાં.
શિયાળે આ નોંધ્યું અને બીજા દિવસે મિટિંગના અહેવાલ સાથે પોતાનાં આ વિશિષ્ટ નિરીક્ષણો પણ રજૂ કર્યાં. એનો બૉસ તો ખુશ થઈ ગયો. નિરીક્ષણો બાબતે એને ખાસ બિરદાવવામાં આવ્યું. એને માટે નિરીક્ષણ-પત્રકારની ખાસ જગ્યા બનાવવામાં આવી. લો, વટ પડી ગયો.
એમ તો સજીવ જગતમાં બીજા ય નિરીક્ષણકારો હતા. બધા બહુ જ બુદ્ધિ ચલાવીને જ્ઞાનવર્ધક નિરીક્ષણો કરતા. પણ શિયાળભાઈનાં નિરીક્ષણો જ્ઞાન આપે કે ન આપે ગમ્મત આપતાં, એટલે શિયાળનો વટ ઘણો.
પણ એમ શિયાળનો વટ પડે તે બીજાને કેમ ગમે ? શિયાળનાં નિરીક્ષણોના પ્રસારણ સામે કોઈ-કોઈ લોકોએ વિરોધ નોંધાવ્યા, કોઈ- કોઈને બહુ ખોટું લાગ્યું, કોઈ-કોઈને આ સમગ્ર નિરીક્ષણ ભેદભાવપ્રેરક અને પૂર્વગ્રહપૂર્ણ લાગ્યું. એના ય દેકારા થયા પછી બધું થાળે પડી ગયું.
થોડા વખત પછી વાઘને વિચાર આવ્યો. જો આપણે આટલા બધા જીવો વાંકાં અંગવાળા હોઈએ તો ભેગા થઈને કંઈક કરીએ તો કેવું ? વાઘે પોપટને વાત કરી, પોપટે ભેંસને કહ્યું, ભેંસે બગલાને કહ્યું, બગલાએ કૂતરાને કહ્યું, કૂતરાએ હાથીને વાત પહોંચાડી, હાથીએ ઊંટને જણાવ્યું. ઊંટે સૂચવ્યું, ‘એક વાર આપણે બધાં મિટિંગ કરીએ’. આ સૂચન બધા સુધી એ જ માર્ગે પાછું પહોંચ્યું. બધાં સંમત થયાં અને વાંકાં અંગોવાળાં પશુઓની એક મિટિંગ મળી. આ મિટિંગમાં પહેલો વિરોધ ભેંસે નોંધાવ્યો, ‘શિયાળે આપણને વાંકાં અંગવાળાં કહીને આપણી ટીકા કરી છે. આપણે વિરોધ નોંધાવવો જોઈએ.’
‘વિરોધ તો કર્યોને આપણે !’ વાઘે કહ્યું.
‘હજી જોરદાર વિરોધ કરવો જોઈએ’, કૂતરાએ કહ્યુંઃ ‘આખા જંગલમાં હું ફરી વળું.’
‘તમે બધાં કહો તો હું એને પાઠ ભણાવી દઉં. આ સૂંઢ વાંકી કરીને …’ હાથીએ ઉશ્કેરાટથી કહ્યું.
ભૂચરો કાંઈ કેટલુંય બોલ્યાં. શિયાળ હાજર હોત તો એને આખા દિવસની સ્ટોરી મળી રહેત. પણ આ ખાનગી મિટિંગ હતી. વાંકાં અંગવાળાં પશુઓ જ હાજર હતાં. આ બધી વાતો થતી હતી, ત્યારે ઊંટ મોઢું ફુલાવી, હોઠ લંબાવીને ઊઠ-બેસ કરતું હતું. જેટલી વાર એ ઊઠે કે બેસે એટલી વાર મિટિંગ ખળભળી ઊઠે, પણ ઊંટ તો વાંકાં અંગવાળાં પશુઓનું શિરમોર. એની ઊઠબેઠ તો ચલાવી જ લેવી જોઈએ.
ચર્ચાઓ થતી હતી, ત્યારે બગલો અને પોપટ બંને મૌન હતા. બગલો એના ધ્યાનમાં બેઠેલો, પોપટ એના ચિંતનમાં. જો કે બે ય બધી વાતો સાંભળતા હતા.
ઉશ્કેરાટ શાંત થયો એટલે બગલાએ પોપટને કહ્યું, ‘તમે કંઈક કહો પોપટજી, મને બોલવાનું નહીં ફાવે’. પોપટને તો જોઈતું’તું ને બગલે કીધું ! એ બોલ્યો, ‘જુઓ ભાઈઓ અને ભગિનીઓ, આપણને શિયાળે કશું કહ્યું એમાં આટલું ખોટું લગાડવાનું ન હોય. એણે સત્ય નિરીક્ષણ કર્યું છે.’
‘એટલે? સત્ય નિરીક્ષણ કર્યું એટલે ? આવું ખોટું લાગે તેવું કહેવાનું ? મીડિયામાં ?’
‘મીડિયા પર્સન તો મીડિયામાં જ કહેને ?’ બગલો ધીરેથી બોલ્યો.
‘ખબર છે અમને, તમે અને શિયાળ તો હમનિવાલા છો.’
‘એ ખોટી વાત છે,’ બગલો બોલ્યો : ‘એ દિવસે તો અમે બંનેએ સહકાર કરેલો. એનું ભોજનપાત્ર મેં લીધેલું. કારણ કે એ મને અનુકૂળ હતું. મારું ભોજનપાત્ર એમને આપેલું, કારણ કે એમને અનુકૂળ હતું. આ તો પરસ્પર સહાય હતી. અમે એક પાત્રમાં નહોતા જમ્યા, વાનગીઓ ય જુદી-જુદી હતી મિત્રો,’ બગલાએ સ્પષ્ટ જણાવ્યું.
‘તો ય તમે સાથે બેસીને જમ્યા કે નહીં?’ ભેંસે સવાલ કર્યો.
‘અમને બંનેને ભૂખ લાગી હતી, પણ સાથે જમવાથી શું છે?’ બગલાએે દલીલ કરી.
‘તો પણ, તો પણ ન ચાલે’, કૂતરો બોલ્યો.
‘તમે ય કૂતરાભાઈ, ઉકરડે ખાવા જાઓ ત્યારે કેટલાં બધાં સાથે હોય છે. ગાયો, કૂકડીઓ, બકરીઓ, ઉંદરડીઓ … હીહીહી, બધી જ અમારી જાતની’, ભેંસે કહ્યું.
‘મા, હું એ બધાંને ભસું છું.’ કૂતરાએ કહ્યું.
‘તો ય નથી જતી. તો તમે હમનિવાલા નહીં?’ બગલો બોલ્યો.
‘ને પાછી બધીય …’ ભેંસે વળી ઠઠ્ઠો કર્યો. કૂતરો ખિજાયો, જોરથી ભસવા માંડ્યો, દેકારો વધી પડ્યો.
વાઘે હુંકાર કર્યો. ‘વ્યક્તિગત વાતો બંધ કરો’.
વાઘના હુંકારથી વળી ધમાલ થવા જતી જ હતી, ત્યાં ભેંસે કહ્યું, ‘વાઘભાઈને શબ્દોની થોડી તંગી છે. એમની વાત બરાબર છે.’
‘ઓકે-ઓકે, શાંતિ-શાંતિ,’ પોપટે કહ્યું. બધાં શાંત થઈ ગયાં.
‘વ્યક્તિગત સંબંધો અને ક્ષમતાઓની મર્યાદાઓની વાતો માટે આપણે બીજી મિટિંગ ગોઠવીશું. અત્યારે આજનો પ્રશ્ન ચર્ચીએ તો કેવું ?’ પોપટે પેલી ચર્ચાનું સમાપન કરાવ્યું.
ઊંટ જરા આમતેમ ડોલ્યું. એ સ્થિર થયું, પછી મિટિંગ આગળ ચાલી.
‘તો વિચારો ભાઈઓ, ભગિનીઓ, શિયાળે આપણા વર્ગની ટીકા કરી, થોડી હાંસી ઉડાવી. આપણો વિરોધ કર્યો. એણે સત્ય નિરીક્ષણ કર્યું. આપણને ન ગમ્યું. જે થયું તે થયંુ. હવે આગળ શું કરવાનું?’ પોપટે દોર સંભાળી લીધો.
‘શું કરાય? કંઈ ન કરાય, રહેવા દોને!’ ઊંટ બોલ્યું.
‘કંઈક તો કરાય. તમે કહો તો હું મારી રીતથી આ પ્રશ્ન ઉકેલું,’ વાઘે પ્રસ્તાવ મૂક્યો.
‘એમ તો મને ય આવડે-મારી રીત, પણ તમારી રીતની બધાંને ખબર છે, બીક લાગે એવી છે,’ ભેંસે કહ્યું.
‘એવું કરી શકીએ’, કૂતરો બોલ્યો, ‘આપણે આપણા જૂથને વિસ્તારીએ, સમસ્ત ક્ષેત્રમાં.’
‘એ તો કઈ રીતે થાય? પ્રભુ પરમાત્માએ આપણને આટલાંને જ આવાં બનાવ્યાં છે,’ બગલો નિરાશ થઈને બોલ્યો.
‘વાંકા અંગ આપણાં, આપણી સંખ્યા ઓછી, કબૂલ. પણ આ ક્ષેત્રમાં વાંકી રીતવાળાં કેટલાં છે, ખબર છે? એ બધાંને આપણે આપણી સાથે ભેળવી શકીએ.’ કૂતરો બોલ્યો.
‘દાખલા તરીકે?’ ઊંટે સવાલ કર્યો. એની દૃષ્ટિએ તો એના સિવાય બધાં સીધાં જ હતાં.
‘દાખલા તરીકે, કાગને, વાંકી નજરે જુએ, કરચલો વાંકી ચાલ ચાલે. કીડીઓ વાંકીચૂકી રસ્તો કાઢે, માછલી પાણીમાં પૂંછડી હલાવતી આખેઆખી વાંકીચૂંકી થતી ફર્યાં કરે. અરે, વિચારવા બેસો તો …’ કૂતરાએ વિવરણ કર્યું.
‘હાઆઆઆ, તો એમને ય જૂથમાં સામેલ કરીએ, ચાલો,’ બગલો ઉત્સાહિત થયો. એ બહાને માછલીઓ સાથે સંબંધો સુધરશે, કરચલા સાથે ય સારાસારી રહેશે, એ વાતે એનું ધ્યાન તૂટી ગયું.
વાઘ બોલ્યો, ‘સૌએ પોતપોતાની આવડતથી પાર્ટીમાં સભ્યો વધારવાના.’
‘જે વધારે લાવે એને ઇન્સેિન્ટવ મળે?’ હાથીએ પૂછ્યું. ‘મળશે મળશે. પાંચ લાડવા વધારે મળશે.’ ભેંસ ટોળમાં બોલી, હાથીએ જોરથી સૂંઢ ઉછાળી. બધાં આઘાં ખસી ગયા, ઊંટ સિવાય. આમે ય તે એને ઊઠવા-બેસવાની મુશ્કેલી.
‘પાર્ટીના સભ્યો વધારવાના, ઇન્સેિન્ટવ મળશે’. વાઘે મુખ્ય નેતા તરીકે જાહેરાત કરી.
આ જાહેરાત સાંભળીને સમૂહસ્વર ગુંજ્યો. દેકારો નહીં, માત્ર સમૂહઘોષ. બધાં એક જ શબ્દ બોલ્યાં : ‘ઓ.કે’. ઇન્સેિન્ટવની વાત હોય ત્યારે બધે જ આવું થાય.
મિટિંગ વિખરાઈ. સૌ કામે લાગ્યાં. જંગલ, વગડો, સીમ, પાદર, ગામ, શહેર, ગલીઓ, ગૂંચીઓ, જળમાં, સ્થળમાં જૂથ વિસ્તરી ગયું. આમે ય તે સકળસૃષ્ટિમાં સૌનું કંઈક ને કંઈક વાંકું હોય જ. આવો ભાઈઓ, આવો ભગિનીઓ, સૌ એક થઈએ.
ફરી પાર્ટીની સામાન્ય સભા મળી. સૌ ભૂચરો, જળચરો, નભચરો ભેગાં થયાં. ચર્ચાઓ થઈ, પ્રસ્તાવો મુકાયા, નિર્ણયો થયા, ઠરાવો થયા, નિમણૂકો થઈ.
પાર્ટીના પ્રવક્તા તરીકે શિયાળની નિમણૂક થઈ. એના જેવો અનુભવ બીજા કોનો? મીડિયા ચેનલ છોડીને શિયાળે પાર્ટીનું પ્રવક્તાપદ સ્વીકાર્યું. એમાં સહાયક તરીકે કાગડાની નિમણૂક થઈ.
રંગેચંગે પાર્ટીના શ્રીગણેશ થયા. ઉજવણી કરી કરીને સૌનાં ધ્યાનમાં આવ્યું, વાંદરાને પાર્ટીમાં કોઈએ જોડ્યો નહીં.
‘રહેવા દોને, એ અળવીતરી જાત. કેટલું બનાવે, કેટલું બગાડે?’
સર્વસંમતિ એમાં પણ સધાઈ.
આ ઉપરાંત, બીજી એક વાતે પણ સર્વસંમતિ છે. મનુષ્યને પણ પાર્ટીમાં ન લેવો કારણ? એ તો સીધોસટાક ઊભે છે, ફરે છે, ચાલે છે. વાંકાજીવ પાર્ટીમાં એ ક્યાંથી હોય?
લે, કર્ય વાત. સીધાસટાક મનુષ્ય જેવું વાંકું કોઈ નથી. ખબર નથી કોઈને ? ખબર છે, તો ય નહીં કે પછી એટલે જ નહીં?
સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2015; પૃ. 17-18