“એ ય આઘો ખસ, ક્યાં સવાર સવારમાં આ લપ વળગી ?” સવારમાં તાજા ગરમા ગરમ ગાંઠિયા લેવા માટે ફરસાણવાળાને ત્યાં ભીડ હતી. અને આ જે કહેવામાં આવ્યું હતું તે ભીખાને ઉદેશીને કહેવામાં આવ્યું હતું. ભીખો ભિખારી નહોતો પણ સંજોગોએ તેના આવા હાલ કરી મુક્યા હતા. સવારે કોઈને રામ વસે અને પચાસ ગ્રામ ગાંઠિયા જો ભીખાને મળી જાય તો તે બીજા દિવસની સવાર સુધી ખેંચી નાખતો. પણ હમણાં ત્રણ દિવસથી ભીખાનાં રામ પણ રિસાણા હોય તેમ ત્રણ દી’થી મોમાં અન્નનો દાણો નહોતો ગયો, એટલે આજે ભીખામાં ભૂખની તલપાપડ વધારે હતી.
ભીખાને ઉદ્દેશીને કહેવાયેલા શબ્દો સાંભળી, વળી કોઈક બોલ્યું, “કે તેને ક્યાં કોરોનામાં સંભાળ રાખવાની ખબર પડે છે, દોડ્યો આવે છે નજીક.” હકીકતમાં ત્યાં ઊભેલામાંથી કોઈ ભીખાની પાસે જાય એમ નહોતા, તો પછી હાથ મેળવવાની, ભેટવાની કે પાસે ઊભા રહેવાની વાત જ ઊભી થતી નહોતી. વળી જોવાની ખૂબી એ હતી કે જે લોકો આ ચર્ચા કરતા હતા, એ લોકો તો જલદી ગરમ ગરમ ગાંઠિયા લેવા માટે લગોલગ લાઈનમાં ઊભા હતા, કોરોનાને ભૂલીને.
અજય એક મોલનો માલિક હતો. તે રોજ અહીંથી પસાર થતો અને ભીખાવાળું દૃશ્ય જોતો હતો. આજે તેને ઊભા રહેવાનું મન થયું. તેને લાગ્યું કે લોકો દ્વારા એક ગરીબ, અસહાય માણસની ભૂખની ઉપેક્ષા અને લાગણીનું હનન થાય છે. તે ભીખા પાસે આવ્યો, પ્રેમથી જોયું અને ભીખાને સો ગ્રામ ગાંઠિયા લઈ તેને ખાવા માટે આપ્યા. ભીખો તો ત્રણ દી’નો ભૂખ્યો હતો. તરત જ ગાંઠિયા ખાવા લાગ્યો. અજય શાંતિથી આ બધું જોઈ રહ્યો હતો. વળી કોઇકે કહ્યું, “અજયભાઈ આનું તો આ રોજનું છે. ખોટી ટેવ ન પાડતા.” અજયે વાત પર ધ્યાન આપ્યા વગર ભીખાને પૂછ્યું, “હજી વધારે જોઈએ છે?” ભીખાએ નમસ્તે કરી ના પાડી. ભીખો સો ગ્રામ ગાંઠિયા ખાઈને તૃપ્ત થઈ ગયો હતો.
આ સિલસિલો થોડો સમય ચાલ્યો. પછી અજયે વિચાર્યું. ભીખો કાઈ મોટી ઉંમરનો નથી. કાંઈક ભણ્યો પણ હશે? જો તેને મદદ કરવામાં આવે તો કંઈક બને પણ ખરો. આમ તેને ભીખ માગતા જ્યાં, ત્યાં આથડવું ન પડે. ભીખાની સાથે વાત કરી. ભીખો થોડુંક લખતા વાંચતા શીખ્યો હતો. માબાપ ગુજરી ગયાં એટલે સગાં સંબંધીઓએ જે કંઈ માલ મિલ્કત હતી તે પડાવી લેવા ઘરમાંથી કાઢી રસ્તે રખડતો કરી દીધો હતો. અને આવી લઘરવઘર દશામાં કામ પણ કોણ આપે. એટલે ભીખો, ભીખ માગીને પેટ ભરતો હતો.
ભીખાની વાત સાંભળી. અજયે ભીખાને રહેવાની વ્યવસ્થા કરી આપી. પોતાનાં મોલમાં કામ પર રાખીને નાનું નાનું કામ સોંપવાનું ચાલુ કર્યું. ભીખાને તો અજય શેઠ દેવ સમાન હતા. પૂરી નિષ્ઠાથી અને લગનથી કામ કરતો. ક્યાંક કંઈ ખોટું થાય કે નુકસાન થાય એવું લાગે એટલે અજયનું ધ્યાન દોરતો. અજયનો પણ વિશ્વાસ ભીખા ઉપર વધતો જતો હતો. અજય, વધારે ને વધારે જવાબદારીવાળું કામ પણ ભીખાને સોપતો જતો હતો.
મોલમાં જે જૂના કામ કરતા માણસો હતા, તે અકળાતા હતા. કે થોડા સમયથી આવેલો આ ભીખો, શેઠનો માનીતો થઈ ગયો. કામ તો આપણે પણ કરીએ છીએ. ધૂંધવાટ વધતો ગયો. આ ચણભણાટ અને મોલમાં કામ કરતા માણસોની અકળામણ અજય સુધી પહોંચી ગઈ હતી. પણ અજય શાંત રહ્યો તેને ભીખા ઉપર અને ભીખાની નિષ્ઠા ઉપર સંપૂર્ણ ભરોસો હતો. ભીખાને પણ વાતની ખબર પડી.
ભીખો, અજય પાસે ગયો. “ભીખા, કંઈ કામ છે?” ભીખો મૂંગો ઊભો રહ્યો. ભીખો, પોતે દોષિત હોય એવી લાગણી અનુભવવા લાગ્યો હતો, કે અજય શેઠનાં કામમાં મારા લીધે ગરબડ ઊભી થઈ અને મોલમાં કામ કરતા માણસો નારાજ થઈ ગયા. હવે અજયશેઠનું કામકાજ મારા લીધે બગડશે.
ભીખાને શાંત જોઈ અજયે કહ્યું. “ભીખા આમાં તારો કોઈ દોષ નથી. તું તો નિષ્પૃહી માણસ છો. તને સમજવામાં બીજા લોકોએ ભૂલ કરી છે. હું બધું સંભાળી લઈશ તું તારે તારું કામ કર્યે જા. મોલમાં કામ કરતા માણસોની ચિંતા કરવી રહેવા દે.”
તે દિવસે અજયે મોલનાં કર્મચારીઓની મિટિંગ બોલાવી. ભીખાને હાજર નહોતો રાખ્યો, એમ સમજીને કે ભીખો પોતા વિષેની વાત સાંભળીને નાનપ ના અનુભવે. અજયે મોલમાં કામ કરતા માણસોને ભીખા વિશેની આખી વાત કરી. ભીખાની સૂઝની, કાર્યદક્ષતાની, ઇમાનદારીની અને વિશેષ તો કામની લગનીની વાત કરી. અજયે પૂછ્યું, “તમે તમારા નિયત કામનાં કલાકથી વધારે કામ કરો છો? કામ બાકી રહી ગયું હોય તો એ પૂરું કરવા વધારાનો સમય આપીને રોકાવ છો?” “નહીં ને” “તો ભીખાના તો કામનાં કલાક નક્કી જ નથી. એ ચોવીસ કલાક મોલમાં હાજર હોય છે. અજયશેઠના બિઝનેસ સિવાય બીજું કંઈ તેને દેખાતું જ નથી.” “છે, આ વાતનો કોઈ જવાબ તમારી પાસે? તમે ભીખાને તમારી રીતે જોયો અને તેનું મૂલ્યાંકન કર્યું. પણ આ વાત ક્યારે ય તમે વિચારી કે અમલમાં મૂકી છે?”
મોલનાં કર્મચારીઓ પાસે તેનો કોઈ જવાબ નહોતો. કારણ કે બધા નિયત સમયમાં સોંપેલ કામ જ કરતા હતા. જ્યારે ભીખાને તો અજયશેઠ દેવ અને મોલ તેનું મંદિર હતું એ જ તેની દુનિયા હતી. મોલનાં કર્મચારીઓને તે દિવસે ભીખો સમજાણો અને ભીખાને પ્રેમથી મોલનાં કુટુંબનાં સભ્ય તરીકે સ્વીકારી લીધો. બધાંએ કહ્યું, “ભીખા, તું અમારો જ નહીં પણ આ મોલનો હીરો છે.”
અજયના મુખ ઉપર પોતાના નિર્ણયના પરિણામના સંતોષનું સ્મિત હતું અને ભીખાને સ્વજનો, જીવન જીવવાનું ભાથું મળ્યાનો આનંદ હતો.
ભાવનગર, ગુજરાત
e.mail : nkt7848@gmail.com