આજે હોળી છે; સૌ કોઈને કોઈ રંગ લઈને એક બીજા સાથે હોળી રમવા થનગની રહ્યા છે; પણ એક વાતનો સૌને રંજ છે કે છેલ્લાં પંદર વર્ષથી અમૂખલભાઈ અને મીનાબહેનનું ઘર હોળીનાં બે દિવસ બંધ હોય છે, એમ આજે પણ ઘર અંદરથી બંધ છે. દર વર્ષની જેમ આ હોળીમાં પણ અમૂલખભાઈ અને મીનાબહેને બે દિવસ ઘરમાં પુરાઈને પોતાની જાતને કેદ કરી દીધી છે; નથી હોળી રમવા આવતાં કે નથી કોઈ સાથે વાત કરતાં. સોસાયટીવાળા અમૂલખભાઈ અને મીનાબહેનનાં ગૃહકેદનું કારણ જાણે છે, એટલે તેમને કોઈ દુઃખ કે અસુવિધા ન થાય તેનું ધ્યાન રાખે છે. તેમ જ તેમના ઘર પાસે પણ કોઈ હોળી રમીને ધમાલ કરતાં નથી.
અમૂલખભાઈ અને મીનાબહેને સોસાયટીમાં આજથી બાવીસ વર્ષ પહેલાં મકાન ખરીદ્યું હતું. મળતાવડા સ્વભાવ અને મદદ કરવાની ટેવથી સોસાયટીમાં બધાંની સાથે હળીમળી ગયાં હતાં. વળી બંને હોળી રમવાનાં અને લોકોને હોળી રમાડવાનાં ભારે શોખીન હતા. હોળીનાં દિવસે તો તેનું ઘર સપ્તરંગોથી ભરાઈ જતું આખી સોસાયટીનો ભોજન સમારંભ પણ તેને ત્યાં જ હોય. પંદર વર્ષ પહેલાં આવો જ હોળીનો તહેવાર હતો; બધા હોળી રમવામાં મશગૂલ હતા ને કોઈક વાહન અમૂલખભાઈનાં પાંચ વર્ષના નીરવને ઠોકર મારી જતું રહ્યું; માથામાં અને શરીર પર ઠેકઠેકાણે ખૂબ જ ઈજાઓ થઇ હતી. તરત જ હોસ્પિટલ લઈ ગયા પણ વિધિનો ક્રૂર પંજો ફરી વળ્યો; નીરવને ન બચાવી શકાયો. ત્યારથી અમૂલખભાઈ અને મીનાબહેન હોળીનાં બે દિવસ પોતાની જાતને ઘરમાં કેદ કરી દેતાં હતાં. લોકોથી, સમાજથી અલિપ્ત થઇ પોતાના દુઃખને બંને સહન કરી લેતાં હતાં.
સોસાયટીમાં એક યુવાન ચાર મહિનાથી રહેવા આવ્યો હતો. નામ પણ નીરવ હતું. તેણે જોયું કે અમૂલખકાકા અને કાકી ક્યાં ય બહુ ભળતાં નથી, કામથી કામ રાખે છે. નીરવને અમૂલખકાકામાં રસ પડ્યો; તેણે માહિતી મેળવી અને સમજી ગયો કે કાકા તેના મૃતપુત્ર નીરવનાં શોકમાંથી હજી બહાર આવ્યા નથી, બાકી માહિતી મળી એ પ્રમાણે માણસ ઉમદા છે.
નીરવે વિચાર્યું હું અનાથ છું અને અનાથાશ્રમમાં મોટો થયો છું. મારી ઉપર ક્યાં માબાપની છત્રછાયા છે. નીરવે મનમાં એક સંકલ્પ કર્યો કે આ હોળીમાં અમૂલખકાકા અને કાકીનું પુત્રવિયોગનું દુઃખ દૂર કરવા પ્રયત્ન કરીશ. નીરવના મનમાં પ્રશ્ન ઊભો થયો કે મારા નિર્ણયથી કાકાકાકીના મનને ઠેશ તો નહીં પહોચે ને? વળી, મનમાં પ્રશ્ન થયો પ્રયત્ન કરવામાં શું વાંધો છે ? હું કાકાકાકીનું મન ન દુભાય તેનું પૂરતું ધ્યાન રાખીશ. કાકાકાકી મારી વાત પર ધ્યાન આપે, તેવી વંદન કરીને વિનંતી કરીશ. મને ઈશ્વરે જ આ તક આપી છે. મારે ખરા મનથી પ્રયત્ન કરવો જોઈએ. અંતે નીરવે પોતાનો નિર્ણય અમલમાં મુકવાનું નક્કી કરી અમૂલખભાઈ ઘરે ગયો.
“કાકા, બારણું ખોલો.”
“કોણ છે?”
“હું, નીરવ.”
અમૂલખભાઈએ મીનાબહેન સામે જોયું. બંને નીરવ નામ સાંભળી ચમકી ગયા. આ પહેલાં આવો અનુભવ ક્યારે ય થયો નહોતો. અમે નામ તો બરોબર સાંભળ્યું છેને; નીરવ, નીરવ અહીંયા ક્યાંથી હોય? નીરવને તો મૃત્યુ પામ્યા પંદર વર્ષ થઈ ગયાં.અમને નીરવના નામનો ભાસ થયો છે. અમૂલખભાઈએ બારણું ન ખોલ્યું.
ફરીથી બારણું ખખડ્યું, “કાકા, હું નીરવ છું અને તમારી સોસાયટીમાં રહું છું.”
“અમે આ હોળીના બે દિવસ બહાર નથી નીકળતાં; તારે અમારું શું કામ છે? કોઈ કામ હોય તો બે દિવસ પછી આવજે.”
“કાકા, બારણું ખોલો તો ખરા; હું તમને કોઈ તકલીફ કે મુશ્કેલી ઊભી નહીં કરું; ફક્ત પાંચ મિનિટ માટે તમારું બારણું ખોલો, મારે તમારાં દર્શન કરવાં છે.”
અમૂલખભાઈએ ભારે હૃદયે બારણું ખોલ્યું. નિરવ હાથમાં લાલરંગ લઈને ઊભો હતો. અમૂલખભાઈના ચહેરા ઉપર ગુસ્સો આવી ગયો. બારણું બંધ કરવા હાથ લંબાવ્યો.
“કાકા, મારી એક વાત સાંભળો; પછી તમે યોગ્ય લાગે તો મને ધક્કો મારી બારણું બંધ કરી દેજો. હું ચાલ્યો જઈશ.”
“કાકા, હું અનાથ છું. અનાથાશ્રમમાં મોટો થયો છું. મારાં માતાપિતા કોણ છે, એ મને ખબર નથી. અનાથાલયે મને ઉછેરી ભણાવી-ગણાવી મોટો કર્યો છે. મને સારી કંપનીમાં જોબ પણ મળી ગઈ છે; પગાર પણ સારો છે. હું અનાથાશ્રમનું ઋણ ભૂલ્યો નથી. શહેરમાં જોબ મળવાથી ચાર મહિના પહેલાં આ સોસાયટીમાં રહેવા આવ્યો છું. મેં તમારી વિશે વાત જાણી. મારા મનમાં વિચાર આવ્યો કે અમૂલખકાકાને તેના દીકરા નીરવનાં મૃત્યુનું દુઃખ છે; મારે માતાપિતાની છત્ર છાયા નથી. હું અમૂલખકાકાના નીરવને પાછો તો ન લાવી શકું પણ નીરવ બની માતાપિતાની છત્રછાયા તો મેળવી શકું. આ વિનંતી લઈ તમારી પાસે આવ્યો છું. આ બાબતે તમને જે યોગ્ય લાગે તે કહો. હું આજ પછી તમારી પાસે વિનંતી લઈને ક્યારે ય નહીં આવું.” નીરવની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.
નીરવે કહ્યું, “કાકા મારા હાથમાં લાલ રંગ છે. લાલરંગ ગુસ્સાનું પ્રતીક છે સાથે સાથે પ્રેમ અને શુભદાનું પણ પ્રતીક છે. મેં મારી વાત આપણે જણાવી દીધી. હું નિર્ણય આપની ઉપર છોડું છું.તમારો જે કંઈ નિર્ણય હશે, એ મને માન્ય છે.”
અમૂલખભાઈ અને મીનાબહેનની આંખો ચોધાર આસુથી વહી રહી હતી. નીરવના હાથના ખોબામાં રહેલા લાલરંગમાં આસું ભળી રહ્યાં હતાં. અમૂલખભાઈએ પોતાનાં આસું અને લાલરંગ મેળવી જમણા હાથના અંગૂઠાથી નીરવના કપાળમાં તિલક કર્યું. મીનાબહેને પણ તિલક કરી દુઃખણાં લીધાં. નીરવે બંનેનાં ગાલ પર હળવેથી આંગળાંથી લાલરંગ લગાડી પગે લાગી કહ્યું, “આજથી હું આપ બંનેને મારા માતાપિતાનું સ્થાન આપું છું. સદા ય તમારી સાથે રહીશ, એવું વચન આપું છું.”
સોસાયટીનાં બધાં લોકો અમૂખલભાઈને ઘરે એકઠા થઈ ગયાં હતાં. બનતા બનાવનાં સાક્ષી બનીને ઊભા હતાં. બધાંની આંખમાંથી ખુશીનાં આસુંઓ વહી રહ્યાં હતાં.
અમૂલખભાઈ, મીનાબહેન અને નીરવ બહાર આવ્યાં. બધાં એ ત્રણેયને હર્ષનાદ અને તાળીઓથી વધાવી લીધાં.
અમૂલખભાઈએ કહ્યું, “આજે મને મારો નીરવ પાછો મળી ગયો છે. આજે પહેલાંની જેવી જ હોળીનું આયોજન કરો. વિવિધ રંગોને ગુલાલ ઉડાડો. રંગની છોળોથી સોસાયટીને રંગી નાખો. ભોજન સમારંભનું આયોજન પણ અહીં જ કરો. પહેલાં જેવો જ ઉત્સવ મનાવો. આજે અમે બહુ જ ખુશ છીએ. તમને બધાંને અમારી ખુશીમાં ભાગીદાર થવાનું આમંત્રણ આપું છું.”
આખી સોસાયટી હિલોળે ચડી ગઈ. અમૂલખભાઈ, મીનાબહેન અને નીરવની ખુશીમાં સામેલ થઈ સપ્ત રંગે રંગાઈ ગઈ.
ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com