“અલકા, હું તો તારી ભાભી સ્મિતાથી થાકી ગઈ.” રમાબહેને દીકરી અલકા પાસે હૈયા વરાળ ઠાલવી. અલકા થોડા દિવસ પિયર રહેવા આવી હતી. અને મમ્મીના સ્વભાવથી પરિચિત હતી.
“શું! થયું, મમ્મી? તમારું તો આ રોજનું થયું. ભાભી તો અત્યારે ઓફિસે ગયાં છે. તો તમને ક્યાં તકલીફ પડી. મમ્મી, ભાભી જેવી વહુ ન મળે. તને તેના ગુણ નથી દેખાતા, એકલા વાંક જ દેખાય છે અને એ પણ તારા ધારી લીધેલા વાંક છે.”
“હવે બહુ ચીબાવલી થા માં. ભાભી એ શું બે શબ્દ માખણના નણંદને કહ્યા ને તેને ગાડે બેસી ગઈ. તને ખબર છે. તારી ભાભી નોકરી શું કામ કરે છે? ઘરનું અને આ ઘરડાનું કામ ન કરવું પડે ને એટલે. બાકી અરુણ તો કહે જ છે, સ્મિતા તારે નોકરી કરવાની શું જરૂર છે. મને સારો પગાર મળે છે. ઘરે મમ્મી, પપ્પાની સેવા સાથે ખાઈ પીને લહેર કર. પણ માને ઈ બીજા. મારે આખો દિવસ કેટલું કામ કરવું પડે છે.”
“મમ્મી, તમને કહીશને તો નહીં ગમે. ભાભી પરણીને આવ્યાં પછી ક્યાં ય ફરવા કે હનીમૂનમાં નથી ગયાં. અરે! પિયર પણ ન છૂટકે બે … ત્રણ … દિવસ માટે ગયાં છે. આટલું ભણ્યાં પછી જો તેનો કોઈ ઉપયોગ જ ન હોય તો દીકરીઓને ભણાવવી જ શું કામ જોઈએ. ભાભી નોકરી કરે છે તો સારું છે ને. ઘરની આર્થિક સદ્ધરતા વધે છે. છોકરાઓને સારું શિક્ષણ આપી શકાય, તમારું સારી રીતે ધ્યાન રાખી શકાય. મમ્મી, તમે શું કામ, કામ કરો છો ? દરેક કામની કામવાળી છે, પણ તમને કામવાળીનું કામ ગમતું નથી, એટલે એ કામ તમે ફરી કરે છો. એમાં ભાભી ક્યાં વાંકમાં આવ્યાં.”
“મમ્મી આપણે એક કામ કરીએ. તમે હમણાંથી ક્યાં ય દેવદર્શને ગયાં નથી. આપણે ભાડે ગાડી કરી અઠવાડિયું દેવદર્શન માટે જઈએ. ત્યાંથી મારા ઘરે જઈએ. તમે ઘણા સમયથી મારે ઘરે રહેવા આવ્યાં નથી. અમારું સંયુક્ત કુટુંબ છે. તમને મજા આવશે. અને સ્મિતા ભાભીની તારી ફરિયાદનો નિવેડો પણ આવી જશે.”
“તારી ભાભી ને ભાઈ માનશે, એ બંનેને મને ઘરમાં ગોંધી રાખવી છે.”
“હું ભાઈ સાથે વાત કરી લઈશ. ભાઈ મારી વાત ચોક્કસ માનશે.”
પ્રોગ્રામ પ્રમાણે ભાડૂતી ગાડી આવી ગઈ. રમાબહેન અને અલકાનો સામાન ગાડીમાં ગોઠવાઈ ગયો.
“ચાલને, અલકા, મોડું થાય છે.”
“આવું છું, જરા ભાભીને મળતી આવું.”… રમાબહેનને ન ગમ્યું.
“હા, જા, .. મળી આવ, થોડું માખણ મારા માટે પણ લેતી આવજે.” અલકા હસતી હસતી સ્મિતાને મળવા ગઈ.
“લો, ભાભી, આ મારા તરફથી સરપ્રાઈઝ ગિફ્ટ . ગોવામાં રિસોર્ટનું અઠવાડિયાનું હનીમૂન પેકેજનું બુકીંગ અને ગોવાની એર ટિકિટ. તમે અને ભાઈ ફરી આવો. મમ્મીની ફરિયાદનો હું નિવેડો લાવી દઈશ ચિંતા ન કરતાં.”
સ્મિતા, ભાવવિભોર થઈ વહાલથી અલકાને ભેટી પડી …”અલકાબહેન તમે મારી નણંદ નહીં … બહેન … છો.”
બંનેની આંખમાં હર્ષનાં આંસુ હતાં ….
ભાવનગર, ગુજરાત
e.mail : nkt7848@gmail.com