
હીરુભાઈ એમ. પટેલ
ગાંધીજીના આદર્શોનો આપણે વિચાર કરીએ છીએ ત્યારે સહજ રીતે આપણી સમક્ષ રાષ્ટ્રીય એકતા, કોમી એખલાસ, હરિજનોનો અને દલિતોનો ઉદ્ધાર, સત્ય, અહિંસા અને અસહકાર, એ બધા તેમના આદર્શો ખડા થઈ જાય છે. સરદાર વલ્લભભાઈના જીવનના કોઈ પણ અભ્યાસીને એ વાતની પ્રતીતિ થયા વગર ન રહે કે જ્યારથી સરદાર ગાંધીજી સાથે જોડાયા ત્યારથી તેમના જીવનના અંત સુધી તેમણે ગાંધીજીના ઉપરોક્ત આદર્શોનું નિષ્ઠા અને વફાદારીપૂર્વક પાલન કર્યું.
સત્ય અને અહિંસા એ ગાંધીજીના પાયાના આદર્શો હતા. ગાંધીજીની સંમતિ પામેલી સત્યાગ્રહની કેટલીક લડતો સરદારશ્રીના નેતૃત્વ નીચે લડાઈ. સત્યના આગ્રહવાળી આ લડતો અહિંસક રહે તેની ચીવટ સરદારે હંમેશાં રાખી. બારડોલીની ઐતિહાસિક લડત દરમ્યાન સત્યાગ્રહીઓને સરદારે કહેલા નીચેના શબ્દો સૂચક છે. “તમે તોફાન ન કરો …. આ વખતે સરકારનો પિત્તો ઊછળ્યો છે. છો ને લોઢું ગરમ થાય, પણ હથોડાને તો ઠંડું જ રહેવું જોઈએ. હથોડો ગરમ થાય તો પોતાનો જ હાથો બાળે …. તમે ઠંડા પડી રહો ….”
ભારતને આઝાદી મળ્યા બાદ દેશી રજવાડાંઓનું વિલીનીકરણ કરવામાં સરદારે ગાંધીજીના રાષ્ટ્રિય એકતાના આદર્શને અમલમાં મૂક્યો એટલું જ નહીં પરંતુ ગાંધીજીએ પ્રબોધેલા અહિંસા-ભાવથી એકંદરે કામ લીધું. લોહીનું ટીપું પણ રેડ્યા વગર સરદારે કાબેલિયતથી સેંકડો રજવાડાં ભારતના નકશા ઉપરથી દૂર કર્યા, હૈદરાબાદના એક જ કિસ્સામાં સરદારને બળનો ઉપયોગ કરવો પડ્યો હતો અને તે પણ ત્યારે જ કે જ્યારે પ્રજાની અને ભારત સરકારની લાંબાગાળા સુધી જાળવેલી ધીરજ ખૂટી પડી હતી.
“ઉત્તરમાં જવું કે દક્ષિણમાં”, એવી આદર્શોની દિશા ગાંધીજી પાસેથી સરદારે જાણી લીધી હતી. એક વખત દિશા જાણી લીધા બાદ લક્ષ્ય-સ્થાને પહોંચી જવાના અનેક રસ્તાઓ શોધવાની શક્તિ સરદાર પાસે હતી. ગાંધીજીના આદર્શોને વ્યાવહારિક અમલ કરવાનું કામ સરદારનું હતું.
બારડોલીની લડત વિશે એક વાર ચર્ચા દરમ્યાન ગાંધીજીએ કહેલું કે બારડોલીએ વ્યાવહારિક અહિંસા સાધી છે. ચર્ચા કરનાર ભાઈએ પૂછયું : “પણ સરદારે આધ્યાત્મિક અહિંસા કેમ બારડોલી આગળ ન મૂકી?” ગાંધીજીએ કહ્યું : “કારણ, સરદાર વ્યવહારકુશળ છે.” વલ્લભભાઈએ હસતાં અને હસાવતાં કહ્યું – “આધ્યાત્મિક અહિંસા? મને એ આવડતી હોય તો ને!”
જાહેર જીવનમાં શુદ્ધિના આદર્શના ગાંધીજી ભારે આગ્રહી હતા. જાહેર જીવનની આવી શુદ્ધિની રખેવાળી કરવાનું કામ સરદારે ડગલે ને પગલે બજાવેલું છે. સરદારના પત્રવ્યવહારના ગ્રંથોમાં જાહેર જીવનની શુદ્ધિ અંગેની સરદારની જાગૃતિનાં ઘણાં ઉદાહરણો મળે છે. જાહેર નાણાંના એકેએક પૈસાનો કરકસરભર્યો સદ્ઉપયોગ થાય, એનો ચોખ્ખો હિસાબ પ્રજા આગળ રજૂ થાય એ માટેની સરદારની ખેવના ગુજરાતના પૂરનિવારણ માટે એમણે ઉપાડેલા ભગીરથ કાર્યમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે.
ભારતનાં ગામડાંઓ તરફનો ગાંધીજીનો સ્નેહભાવ સરદારના વ્યક્તિત્વમાં બરાબર વણાઈ ગયો હતો. આમ બનવું સ્વાભાવિક પણ હતું – વલ્લભભાઈ ગામડામાંથી આવતા હતા અને એમનું હાડ ખેડૂતનું હતું. સને 1929માં બેંગ્લોર સાયન્સ ઇન્સ્ટિટયુટના વિદ્યાર્થીઓ સમક્ષ જાણે ગાંધીવાણી બોલતા હોય એમ સરદારે કહેલું : “તમે ભારે કેળવણી લ્યો છો તેથી તમારા ગરીબ ભાઈઓને ન ભૂલશો. તેમના પરસેવાના પૈસાથી તમને કેળવણી મળે છે … વિજ્ઞાનનો આટલો અભ્યાસ કરો છો તો જોજો કે તમારા વિજ્ઞાનના અભ્યાસના પરિણામે ખેડૂતોને એક ડૂંડાને બદલે બે ડૂંડા મળે …”
વચનપાલનની બાબતમાં સરદાર ગાંધીજી જેટલા જ આગ્રહી હતા. 1928માં કલકત્તા કાઁગ્રેસ દરમ્યાન ગાંધીજીએ ખુલ્લા અધિવેશનને સંબોધતાં ગ્લાનિની લાગણી સાથે ડેલિગેટોને કહ્યું હતું કે જો “તમે તમારા શબ્દો પાળવા તૈયાર નહીં હો તો સ્વરાજ ક્યાંથી મળશે? સ્વરાજ એ એક કપરી ચીજ છે. શબ્દોની છેતરામણીથી એ હાંસલ નહીં થાય.” વચનપાલન માટે સરદાર પણ આટલા જ આગ્રહી હતા.
બંધારણનો મુસદ્દો ઘડાતો હતો ત્યારે ડો. આંબેડકરે એવું સૂચન કર્યું કે દેશી રજવાડાંઓને આપવાનાં સાલિયાણાં વગેરે બાબત તેમ જ સનંદી અમલદારોને આપેલી ખાતરીઓની જે બાંહેધરીઓ આપવામાં આવી હતી તે બંધારણમાં અંકિત કરવાની જરૂર નથી. સરદારે જણાવ્યું કે તેઓ પોતે તેમ જ સમગ્ર કેબિનેટ આ બાબતમાં વચનબદ્ધ છે અને સરકાર આ બાબતમાં પાછીપાની કરશે તો પોતાને સરકારમાંથી રાજીનામું આપવું પડશે. પરિણામે આ બાંહેધરીઓ બંધારણમાં અંકિત થઈ. આ બતાવી આપે છે કે સરદાર વચનપાલનના કેટલા આગ્રહી હતા.
ગાંધીજીના આદર્શો સાથે વલ્લભભાઈનું જીવન તાણાવાણાની જેમ વણાયેલું હતું. રામ તરફ હનુમાનને જેવો પૂજ્યભાવ હતો તેવો આદરભાવ સરદારને ગાંધીજી તરફ હતો. સરદાર ગાંધીજીના જમણા હાથ સમા હતા. બારડોલીની લડત પૂરી થયા બાદ વિજય માટે અભિનંદનના સંદેશાઓ ઉપર સંદેશાઓ સરદાર ઉપર આવી રહ્યા હતા ત્યારે સરદારે જવાબમાં કહેલું: “બાપુનો સંદેશો ભાંગ્યોતૂટ્યો પણ લોકોને પહોંચાડનાર કેટલા ઓછા છે ? બાકી કોણ આપણે? આપણે કર્યું શું ? બાપુએ નાહકના ચઢાવી માર્યા!”
વલ્લભભાઈના આ લાક્ષણિક ઉત્તરમાં ગાંધીજીના આદર્શો પ્રત્યેની સરદારની ભક્તિ અને નમ્રતા જોઈ શકાય છે.
-2-
સરદાર ઓછું બોલવામાં, પણ નક્કર કામ કરવામાં માનતા હતા. એમની વૃત્તિ સેવાભાવી હતી પરંતુ એમની નજર વ્યાવહારિક પરિણામો ઉપર મંડાયેલી હતી. ગાંધીજીની સંગીન કામ કરવાની પદ્ધતિ સાથે સરદારના વ્યક્તિત્વનો મેળ બરાબર પડી ગયો અને તેથી સરદારનો જીવનપલટો શક્ય બન્યો. સરદારે પોતે જ કહ્યું છે કે “1916 સુધી તો ચાલુ રાજકારણથી હું કંટાળેલો. ગાંધીજીની સાથે પણ મને સંબંધ ન હતો. આશ્રમમાં ઘઉંમાંથી કાંકરા વીણાવે છે અને હાથે દળાવે છે એટલું જ હું તેમને વિશે જાણતો હતો. પણ ગુજરાત સભાનું પ્રમુખપદ લેવા જ્યારે તેમને કહેવામાં આવ્યું ત્યારે તેમણે જે શરતોએ પ્રમુખપદ લીધું તેથી મારી ખાતરી થઈ કે હવે કાંઈક સાચું કામ થવાનું. હિંદ સ્વરાજ્યને માટે કાઁગ્રેસ અને મુસ્લિમ લીગે કરેલ માગણીનો મુસદ્દો તેમણે દસ લીટીનો ઘડેલો હતો અને તેની ઉપર લાખો સહી લેવાની હતી. એ દસ લીટીમાં મને સેંકડો પાનાંના લખાતા મેમોરેન્ડમ કરતાં વધારે જોર લાગ્યું અને ત્યારથી હું તેમના વધારે સમાગમમાં આવતો ગયો.”
ખેડા સત્યાગ્રહ દરમ્યાન શાંત અહિંસક લડત લડવાના પાઠ ગાંધીજી પાસેથી સરદાર શીખ્યા. પછી તો નાગપુર અને બોરસદની લડાઈનું નેતૃત્વ સરદારને સોંપાયું. એમાં સરદારે દાખવેલી સંગઠનશક્તિ હેરત પમાડે તેવી હતી. સરદારની રચનાત્મક શક્તિના ઉત્તમ નમૂના જેવું કાર્ય 1927ના ગુજરાતના પ્રલયનિવારણ કાર્યને ગણી શકાય. પ્રલયનિવારણ કાર્યમાં સરદારે નીમેલી પ્રાંતિક સમિતિની સહાય સરકારી અમલદારોને લેવી પડી. એટલું જ નહીં, દુકાળ ફંડમાંથી સરદારે માગેલા એક કરોડ રૂપિયા તે વખતની મુંબઈ સરકારને કાઢી આપવા પડ્યા. વિદેશી સરકારના નાણાસચિવે સરદારનું અને પ્રાંતિક સમિતિનું પૂરનિવારણ કાર્ય જોઈને જાહેરમાં કબૂલેલું કે “ગાંધીજીની ગાદી વલ્લભભાઈએ સાચવી છે.” ગાંધીજી અને સરદારના કાર્યમાં આવો અભેદભાવ એક વિદેશી અમલદારે જોયો હતો.
સરદારની કાર્યશક્તિમાં અને આદર્શ નિષ્ઠામાં ગાંધીજીને એટલો બધો વિશ્વાસ બેસી ગયો હતો કે બારડોલી જેવા મહત્ત્વના સત્યાગ્રહની સંપૂર્ણ જવાબદારી એમણે સરદાર ઉપર છોડી હતી. બ્રિટિશ સરકાર સામે આકરી લડત ચાલતી હતી ત્યારે ગાંધીજીએ એમાં એક પણ વખત દખલગીરી કરી નહોતી, જે બતાવી આપે છે કે ગાંધીજીને સરદારની આદર્શનિષ્ઠામાં પરમ વિશ્વાસ હતો. પરિણામે ગાંધીજીની ઘણી બધી યોજનાઓને મૂર્તિમંત સ્વરૂપો આપવાનું શ્રેય સરદારને જાય છે.
ગાંધીજીના સરદાર શિષ્ય હતા. શિક્ષક અને શિષ્યના સ્વભાવમાં કેટલુંક સામ્ય હતું, તો કેટલુંક જુદાપણું પણ હતું. ગાંધીજી સ્વભાવથી સત્યસાધક, સરદાર સ્વભાવથી વીર યોદ્ધા જણાય. ગાંધીજી ટીકાને સાંખી લે, સરદાર ટીકાને સાંખે નહીં; જો કે, સરદાર પાસે વીરોચિત ક્ષમા ખરી.
સરદાર ગાંધીજીના શિષ્ય ખરા અને તેમના આદર્શોને સંપૂર્ણ રીતે વરેલા પણ ખરા, પરંતુ પોતાનું વ્યક્તિત્વ જાળવી રાખીને ગાંધીજીનું શિષ્યપણું અને તેમના આદર્શોનું પાલન તેમણે સ્વીકાર્યું હતું. મહાદેવભાઈ દેસાઈએ સાચું જ કહ્યું છે કે “ગાંધીજી જેવા શિક્ષકના શિષ્ય થઈ જે વ્યક્તિત્વ ગુમાવી બેસે તે પોતાને અને ગાંધીજીને બંનેને લજવે છે. વલ્લભભાઈએ પોતાનું વ્યક્તિત્વ કાયમ રાખીને પોતાને અને પોતાના શિક્ષક ગાંધીજીને શોભાવ્યા.”
સરદાર ગાંધીજીના શિષ્ય ખરા, પરંતુ અંધ ભક્ત નહોતા. ગાંધીજીને સરદારે આપેલા સંપૂર્ણ ટેકાની ટીકા કરતા રાજાજી જેવાને પણ આ વાત સ્વીકારવી પડી હતી. માનવસ્વભાવની ઊંડી સમજ ધરાવતા ચતુર નિરીક્ષક રાજાજીએ કહ્યું છે કે ” સરદાર એક વિશિષ્ટ વ્યક્તિ છે. એમની નજર તેજીલી અને સાફ છે. એ બધું જોઈ શકે છે. પરંતુ ગાંધીજીની આંખે બધું જોવાના પ્રયત્નોમાં પોતાની દૃષ્ટિ ઝાંખી થવા દે છે.” સરદારે પોતે પણ ગાંધીજીને ગુરુ અને માર્ગદર્શક ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે “ગાંધીજી ભારતમાં આવ્યા ત્યારથી લગભગ હું તેમની સાથે રહ્યો છું અને હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી આ સંબંધ જળવાઈ રહેશે.” આમ છતાં સરદારે એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આંધળું અનુકરણ કરતા નથી. “મારા કામથી હું ગાંધીજીને દૂર રાખું છું – આપણે જો ગાંધીજી તરફ જ નેતૃત્વ માટે મીટ માંડી બેસીશું અને એમના માર્ગદર્શનની રાહ જોતાં બેસી રહીશું તો સ્વતંત્ર રીતે વિચાર કરવાની અને કામ કરવાની આપણી શક્તિઓ આપણે ગુમાવી બેસીશું. જો આપણે સતત બીજાની મદદ ઉપર આશ્રય રાખીએ તો કોઈપણ સિદ્ધિ હાંસલ કરવાની આશા કેવી રીતે રાખી શકીએ?”
સરદારે પોતાનું વ્યક્તિત્વ જાળવીને ગાંધીજીનું શિષ્યપણું સ્વીકાર્યું હતું એમ કહીએ છીએ તેનો અર્થ એવો નથી કે સરદારની કાર્યપદ્ધતિ ગાંધીજીની કાર્યશૈલીથી વિરોધી એવા પ્રકારની હતી. ગાંધીજી અને સરદાર વચ્ચે, અલબત્ત, માનવસહજ મત-ભેદોના મુદ્દાઓ ઊભા થયા હતા. પરંતુ ગાંધીજીની ઈચ્છાને સરદારે હંમેશાં અનિવાર્ય આજ્ઞા સમજી શિરોધાર્ય કરી હતી. ૧૯૩૯ના રાજકોટના સત્યાગ્રહમાં રાજકોટમાં દેશી રાજ્ય વિરુદ્ધ પ્રજાકીય આગેવાનોની લડતમાં ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ સર મોરિસ ગ્વાયરનો ચુકાદો પ્રજાકીય નેતાઓની તરફેણમાં આવ્યો હતો. છતાં એ ચુકાદાનો લાભ જતો કરીને રાજકોટ સત્યાગ્રહને સમેટી લેવાનો ગાંધીજીએ નિર્ણય કર્યો ત્યારે રાજકોટ સત્યાગ્રહના માર્ગદર્શક સરદારે એક પણ શબ્દ બોલ્યા વિના એ નિર્ણય સ્વીકારી લીધો.
ગાંધીજી તરફના સરદારના આદરભાવના આવાં તો ઘણાં ઉદાહરણો આપી શકાય.
ભારતીય પ્રજાસત્તાકના બંધારણમાંથી લઘુમતીઓ માટેના અલગ મતાધિકાર નાબૂદ કરી સરદારે એક રીતે લઘુમતીઓની અનન્ય સેવા કરી છે. અને તેમને લઘુમતીની લાગણીમાંથી ઉદ્દભવતી લઘુતાગ્રંથિમાંથી પણ મુક્ત કર્યા છે. સરદાર કહેતા કે મુસ્લિમો વિશ્વાસ રાખે, હું તેમનો સાચો મિત્ર છું.
અંતમાં મને લાગે છે કે ગાંધીજીના આદર્શો તરફ સરદારને પરમનિષ્ઠા હતી છતાં પોતાની મર્યાદાઓથી તેઓ અજાણ ન હતા. ઊલટ પક્ષે મર્યાદાનું આવું જ્ઞાન સરદારની તાકાત બન્યું હતું. તે વિષેનો એક કિસ્સો ટાંકી, તેમને મારી હૃદયપૂર્વક અંજલિ અર્પું છું.
એક દિવસ ગાંધીજી પાસે એક ભાઈએ આવીને સરદાર સામે ફરિયાદ કરતાં કહ્યું : “બાપુ, આપ જે સિદ્ધાંત પ્રમાણે અસહકારની લડત ચલાવો છો, એ પ્રમાણે સરદાર ઘણીવાર વર્તતા નથી. વળી આપના અહિંસાના સિદ્ધાંત અનુસાર શત્રુ પ્રત્યે પણ સમભાવ, પ્રેમ બતાવવો જોઈએ, એમ તેઓ માનતા હોય એમ લાગતું નથી. આ બાબતમાં આપ એમને કેમ કશું કહેતા નથી ?”
બાપુએ આ વાત એક દિવસ સરદાર આગળ રજૂ કરતાં કહ્યું : “વલ્લભભાઈ, તમારી સામે ફરિયાદ આવી છે. બોલો, તમારે આ બાબતમાં શું કહેવું છે?”
“જુઓ બાપુ, તમે રહ્યા હંસ ને હું રહ્યો કાગડો ! કાગડો હંસની ચાલે ચાલવા જાય, તો હંસની ચાલ તો આવડે જ નહીં, પણ પોતાની ચાલ પણ ભૂલી જાય. એટલે અમને અમારી રીતે જ કામ કરવા દો.”
ગાંધીજી સરદારનો રદિયો સાંભળીને ખડખડાટ હસી પડ્યા.
10-11 જુલાઈ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 359-360