આઠ નવ વર્ષનો દીકરો સોહમ્ મારધાડની ફિલ્મો જોઈને ઉત્તેજિત થતો અને વીડિયો ગેમ્સમાં ધનાધન ગોળીઓ વરસાવીને સામા માણસને મારી નાખીને વધારે પોઈંટ્સ મેળવીને ખુશ થતો. આ બધું જોઈને રાગિણી બહુ અકળાતી. પોતાની અકળામણ પતિ પર ઠાલવતાં એ સંજયને કહેતી, “તમે જ એની ટેવ બગાડો છો. આવી મારામારીની ગેમ્સમાંથી એ શું સારું શીખે છે? એ જે માગે એ વસ્તુના ખડકલા કરીને આજે, ભલે, તમે ખુશ થાવ, પણ કાલે ઊઠીને પસ્તાવાનો વારો આવશે.”
“ઑફિસેથી સાંજે થાકીને ઘરે આવીએ કે તારું લેક્ચર ચાલુ થઈ જાય. આ બધી નિર્દોષ રમતો છે. બે ઘડી રમીને ભૂલી જશે. એ કંઈ કોઈનું ખૂન કરવા થોડો જવાનો છે?”
રાગિણીને બરાબર ખ્યાલ હતો કે પોતે પતિ-પત્ની નોકરી-ધંધાની હાયવોયમાં દીકરાને સમય નથી આપી શકતાં, એ ગુનાહિત ભાવને ઢાંકવા સંજય દીકરાના મોઢામાંથી નીકળે એ ચીજ લાવીને એને રાજી કરતો. સોહમ્ સ્કૂલેથી આવે ત્યારે ઘરમાં જમનાબાઈ જ હોય. એ પોતાનાં કામમાં હોય ને સોહમ્ ટેસથી વીડિયો ગેમ રમે. એને કોઈ રોકટોક કરનારું ન હોય. રાગિણી ઘણી વખત સંજય પાસે મનમાં ઘોળાતી વાત કરતી,
“સંજય, બા-બાપુજીને આ નાના ઘરમાં ગુંગળામણ થાય છે તેથી અહીં આવીને રહેવા તૈયાર નથી થતાં. બાકી એ લોકો જો આપણી સાથે રહેતાં હોત તો સોહમ્ની જરા ય ચિંતા ન રહેત.”
“આમ તો એમને ય મૂડી કરતાં વ્યાજ વધારે વહાલું છે, એટલે જ તો મોટે ભાગે શનિ-રવિમાં અહીં આવે છે કે જેથી સોહમ્ સાથે રહી શકાય, પણ બાપુજી કહેતાં હતાં કે, હમાણાંથી સોહમ્ને અમારી વાર્તાઓમાં બહુ રસ નથી પડતો.”
“હા, બા પણ મને કહેતાં હતાં કે, રામાયણ, મહાભારત કે પંચતંત્રની વાતો એ પહેલાં કેવો ધ્યાનથી સાંભળતો! એને બદલે હવે શરૂ કરીએ ત્યાં એ ઊઠીને ભાગી જાય છે. સાચું કહું, સંજય, મને તો એની ચિંતા થવા લાગી છે.”
સોહમ્નો જન્મદિવસ નજીક આવતો હતો. એ થોડો સંવેદનશીલ બને ને બીજા લોકો કેવા અભાવમાં જીવે છે એ સમજે એવી રીતે આ જન્મદિવસની ઉજવણી કરવી જોઈએ, એવો પ્રસ્તાવ બાએ મૂક્યો. ચારે જણ સંમત થયાં. સોહમ્ને સમજાવવાનું બીડું સંજયે ઝડપ્યું.
“જો સોહમ્, આપણી પાસે તો કેટલી બધી ચીજ-વસ્તુ છે, પણ કેટલા બધા લોકો પાસે તો ઘર પણ નથી હોતું. તારી જેવડા નાના છોકરાઓને ફૂટપાથ પર સૂવું પડે છે. આટલી બધી ઠંડીમાં એ લોકો પાસે ઓઢવા માટે ય કંઈ નથી હોતું. તારા બર્થ-ડેના દિવસે આપણે એમને માટે બ્લેન્કેટ અને બિસ્કિટ લઈને જઈએ તો?”
સોહમ્ને વિચાર ગમી ગયો. અત્યાર સુધી કદી ન જોયેલી એક દુનિયા જોવાની વાતથી એ ઉત્સાહમાં આવી ગયો. એના જન્મદિવસે ગાડીની ડીકીમાં ધાબળા અને બિસ્કિટનાં પેકેટ મૂકીને બધાં પહોંચ્યાં ઝૂંપડપટ્ટીમાં. સોહમ્ના હાથે બાળકોને બ્લેન્કેટ અને બિસ્કિટ આપવાનું નક્કી થયું હતું. હજી ત્યાં પહોંચીને સંજય પાર્કિંગની જગ્યા શોધે ત્યાં તો એક હટ્ટોકટ્ટો માણસ આવ્યો.
“કાયકો આયે હો બાબુ? હમ ઈધરકા ડોન હૈ. સબસે પહેલે હમકો પૂછના મંગતા હૈ. ચલો દિખાઓ. ડીકીમેં ક્યા હૈ?”
સંજય ડીકી ખોલીને એને બતાવવા જાય ત્યાં આજુબાજુમાંથી દસ-પંદર માણસો અને વીસ-પચીસ છોકરાઓ દોડતાં આવી પહોંચ્યાં. ગાડીની આસપાસ જાણે મધમાખીનું ઝૂંડ વળગ્યું હોય એવું લાગતું હતું. સંજય ધાબળાને હાથ લગાડવા જાય ત્યાં જ બાજુમાં ઊભેલા માણસે દસેક ધાબળાની થપ્પી ખેંચી કાઢી. બીજા બે-ત્રણે ઝૂંટાઝૂટ કરવાનું શરૂ કર્યું.
“બધાને મળશે, શાંતિ રાખો.” સંજયની સમજાવવાની કોશિશ સાવ નિષ્ફળ ગઈ. એ ડીકી બંધ કરવા ગયો પણ બે-ચાર જણે ડીકીનો દરવાજો એટલા બળપૂર્વક પકડી રાખ્યો કે એ બંધ જ ન કરી શક્યો. સ્ત્રીઓ અને બાળકોએ બિસ્કિટ ખૂંચવવા જતાં પેકેટ ફાડી નાખ્યું ને બિસ્કિટ રસ્તા પર પડ્યાં. આવું થશે એવી કોઈએ કલ્પના નહોતી કરી. બા-બાપુજી સ્તબ્ધ થઈ ગયાં હતાં. રાગિણીની આંખોમાં આંસુ આવી ગયાં. બાનો હાથ દબાવતાં એ બોલી,
“બા, આપણે તો શું વિચારીને આવ્યાં હતાં ને અહીં તો …”
હવે તો એકબીજાને ધક્કા મારવાનું, તમાચા મારવાનું અને ગાળાગાળી કરવાનું ચાલુ થઈ ગયું હતું. સોહમ્ અચાનક ગાડીનો દરવાજો ખોલીને સંજય પાસે પહોંચી ગયો. રાગિણીથી ચીસ નીકળી ગઈ, સોહમ્, ત્યાં નહીં જા. કોઈ મારી દેશે. તને વાગી જશે. પાછો આવ. પણ બહાર ચાલી રહેલા હોંકારા-પડકારામાં કાને પડ્યું કંઈ સંભળાય એમ નહોતું. સંજયે સોહમ્ને જોયો એ ભેગો પોતાની પાસે ખેંચી લીધો. એને લાગ્યું કે, સોહમ્ આ બધું જોઈને ગભરાઈ ગયો હશે, પણ દીકરાના ચહેરા પર એનું ધ્યાન ગયું તો એને તો આ ઢીસૂમ ઢીસૂમ જોવાની બહુ મજા આવતી હોય એવું લાગ્યું.
એક ધાબળા માટે ઝઘડી રહેલા બે માણસમાંથી એકે બીજાને એવો ધક્કો માર્યો કે, પાસે પડેલા પથ્થર પર પેલાનું માથું અફળાયું ને લોહી વહેવા લાગ્યું. હવે અહીં ઊભા રહેવું જોખમી હતું. સંજયે મહામહેનતે ડીકી બંધ કરી ને સોહમ્ને છાતીએ વળગાડીને ગાડી મારી મૂકી. ગાડીમાં દિગ્મૂઢ થયેલાં ચારેય ચૂપચાપ બેઠાં હતાં ત્યાં સોહમે ખુશ થઈને કહ્યું, આજના હેપ્પી બર્થ ડેમાં બહુ મજા આવી. આજે તો રિયલ ફાઈટ અને રિયલ બ્લડ જોવા મળ્યું. પછી પાછળ ફરીને દાદી તરફ જોઈને કહ્યું, “થેંક યૂ દાદી, તમે આઈડિયા આપ્યો તો આપણે અહીં આવ્યાં ને મને આ લાઈવ શો જોવા મળ્યો. અત્યાર સુધી હું વીડિયો ગેમમાં જોતો હતો એ તો બધું ખોટું ખોટું.”
જવાબમાં શું કહેવું એ દાદીને સૂઝતું નહોતું. એમને સમજાતું નહોતું કે, પૌત્રના થેંક યૂના જવાબમાં એમણે ‘મોસ્ટ વેલકમ’ એમ બોલવું જોઈએ કે નહીં? હકીકતમાં સોહમ્ને સંવેદનશીલ બનાવવાના નિષ્ફળ પ્રયત્ન બદલ એ પસ્તાતાં હતાં.
(અરુણેંદ્રનાથ વર્માની હિંદી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 ઑક્ટોબર 2023; પૃ. 24