ઉમેશભાઈ આમ તો રોજ સવારે છ વાગે ઊઠી જતા, અને નિત્યક્રમ પતાવીને ઓફિસે જતા; પણ આજનો દિવસ તેમને માટે ખાસ દિવસ હતો. આજે ઉમેશભાઈ સવારે ચાર વાગે ઊઠીને નિત્યક્રમ પતાવી, છ વાગે નીચે ડ્રોઈંગરૂમમાં આવ્યા. આજે ઓફિસે નહીં પણ બહારગામ, વારાણસી જવાનો પ્રોગ્રામ હતો. આજનો દિવસ તેમણે વારાણસી જવા માટે રિઝર્વ રાખ્યો હતો. આજના દિવસે આ સિવાય કોઈ કામ કરવાના નહોતા.
વિમળાબહેનને ખબર હતી કે આજે ઉમેશભાઈ વારાણસી જવા માટે છ વાગે તૈયાર થઈને ડ્રોઈંગ રૂમમાં આવશે.
ઉમેશભાઈએ વિમળાબહેન સામે જોઇને પૂછ્યું, “કેમ, વિમળા, શું સમસ્યા છે? તારો ચહેરો કહી રહ્યો છે કે તારે કંઈક પૂછવું છે?”
“તમારું અનુમાન સાચું છે. મને તમારી ઉપર પૂરતો ભરોસો અને વિશ્વાસ છે પણ આજે જિજ્ઞાસાવસ એક સવાલ પૂછવાનું મન થાય છે. તમે નારાજ ન થાવ તો પૂછું?”
“અરે! એમાં નારાજ થવાની શું વાત છે. મને ખબર હતી કે તું એક દિવસ મારી આજના દિવસે વારાણસી જવા વિશે જરૂર પૂછીશ. હું, તું સામેથી એ વાત પૂછે તેની રાહ જોતો હતો. તારા પ્રશ્નના જવાબ માટે તારે મારી સાથે વારાણસી આવવું પડશે. તું જલદીથી તૈયાર થઈ જા. આપણે વારાણસી દશ વાગ્યા પહેલાં પહોંચવું પડશે.”
વિમળાબહેન જાણતાં હતાં કે એવી કોઈ વાત જરૂર હશે; જે વાત ઉમેશ મને બતાવીને સમજાવવા માંગતો હશે. વિમળાબહેન ફટાફટ તૈયાર થઈ ગયાં અને ઉમેશભાઈ સાથે કારમાં વારાણસી જવા માટે નીકળી ગયાં.
સાડા નવ વાગે ઉમેશભાઈની કાર વારાણસીમાં એક સોસાયટી વિસ્તારમાં એક નાના એવા ટેનામેન્ટ પાસે જઈને ઊભી રહી. ટેનામેન્ટ વન બેડરૂમ, હોલ અને કિચનવાળું હતી. ટેનામેન્ટ બહાર નેમપ્લેટ હતી, જેમાં ફક્ત ‘જમનાબા વિલા’ લખેલું હતું. ટેનામેન્ટને ફરતી કમ્પાઉન્ડ વોલ હતી અને આંગણામાં નાનો એવો બગીચો હતો. વિમળાબહેન નામ વાંચીને આશ્ચર્ય પામી ગયાં. આ નામ ક્યારે ય તેમણે ઉમેશભાઈના મોઢેથી સાંભળ્યું નહોતું કે તે વિશે કોઈની સાથે ચર્ચા કરતા કે વાત કરતા સાંભળ્યા નહોતા. પણ ત્યારે વિમળાબહેને કંઈ પૂછ્યું નહીં એમ માનીને કે જે હકીકત હશે એ ઉમેશ કહેશે.
વિમળાબહેન ઉમેશભાઈ સાથે ડ્રોઈંગરૂમમાં દાખલ થયાં. ડ્રોઈંગરૂમમાં એક મંદિર હતું અને મંદિરમાં ફૂલ સાઇઝનો એક જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી સ્રીનો ફોટો હતો. થાળમાં મોંઘો ગુલાબનો હાર હતો. બાજુમાં મોટી દિવીમાં દિવો હતો. ડ્રોઈંગરૂમમાં થોડાક માણસો સફેદ વસ્ત્ર પહેરીને બેઠા હતા. સામાન્ય રીતે ઉમેશભાઈ સફેદ વસ્ત્ર નહોતા પહેરતા. તેમને સફેદ વસ્ત્રો પહેરવા બહુ ગમતા નહીં, પણ આજે એકદમ સાદા સફેદ વસ્ત્રો પહેર્યા હતા. વિમળાબહેનને સવારે નવાઈ તો લાગી હતી ત્યારે પણ તેમણે ઉમેશભાઈને કંઈ પૂછ્યું નહોતું.
ઉમેશભાઈએ વિમળાબહેનને કહ્યું, “અત્યારે દશ વાગ્યા છે આપણે જમના બાની પૂજા કરી લઈએ પછી તારે જે જાણવું હોય તે વિશે વાત કરશું.” બંને જમનાબાનાં ફોટા પાસે ગયા; જમનાબાને ફૂલસાઇઝનો અસલી ગુલાબનો હાર પહેરાવ્યો, પૂજા કરી વંદન કર્યાં. ત્યાં હાજર લોકોને પ્રસાદ પીરસવાની સૂચના આપી દીધી.
બધું કામકાજ પૂર્ણ કરી. બાનો પ્રસાદ લઈને ઉમેશભાઈ અને વિમળાબહેન ડ્રોઈંગરૂમમાં જમનાબાના ફોટા સામે બેઠા.
“વિમળા, તને સવાલ છે ને? આ જમનાબા કોણ છે? હું આજના દિવસે અહીંયા વારાણસી આવીને તેમની પૂજા શું કામ કરું છું? તો, સાંભળ…….”
“હું જ્યારે પાંચ વરસનો હતો ત્યારે મમ્મીપપ્પા સાથે વારાણસી ભોલેનાથના દર્શન કરવા ગયો હતો. વારાણસીમાં ઘણાં મંદિરો છે, એટલે પપ્પાની ઈચ્છા એવી હતી કે મુખ્ય મુખ્ય મંદિરે દર્શન કરીએ; પણ મમ્મી તો જે મંદિર રસ્તામાં આવે તેમાં દર્શન કરવા પહોંચી જતી હતી. એક મોટા મંદિરમાં હું આમથી તેમ આંટા મારતો હતો અને રસ્તો ભૂલી મંદિરમાં અટવાઈ ગયો. મને કોઈ રસ્તો જડતો નહોતો કે કંઈ સૂઝ પડતી નહોતી. મમ્મીપપ્પા તો મને બહાર શોધતાં હતાં. હું રડતો રડતો મંદિરના એક ખૂણામાં ઊભો હતો, ત્યાં ગુંડા જેવી બે વ્યક્તિ આવીને મને ઢસડીને લઈ જતી હતી. મેં બૂમાબૂમ કરી મૂકી એટલે જમનાબા દોડીને આવ્યાં. એ પણ દર્શન કરવા આવ્યાં હતાં.”
“જમનાબાએ કહ્યું, `છોડી દ્યો એ છોકરાને, શું કામ તેને પકડ્યો છે?` એટલે એ ગુંડાએ કહ્યું, `તમે તમારું કામ કરોને, શું કામ બીજાના ઝમેલામાં પડો છો. આ છોકરો અમારા સંબંધીનો છોકરો છે. તેને પાછો તેના ઘરે લઈ જવા માટે પકડ્યો છે.` મેં હિંમત કરી કહ્યું, `આ લોકોને હું ઓળખતો નથી. મારું અપહરણ કરવાની દાનતથી મને પકડી જાય છે.`
ગુસ્સા સાથે જમનાબા અમારી પાસે આવ્યાં અને બંને ગુંડાને મારીને ભગાડી દીધા. પછી મને પૂછ્યું, `કે બેટા, તારા મમ્મીપપ્પા ક્યાં છે? તું કેમ તેમનાથી વિખૂટો પડી ગયો? ક્યાંનો રહેવાસી છો?` વગેરે વગેરે પ્રશ્ન પૂછ્યાં. પછી મમ્મીપપ્પાની રાહ જોતા મંદિર બંધ થાય ત્યાં સુધી મારી પાસે મંદિરે બેઠાં. પણ મમ્મીપપ્પા તો મને બહાર શોધતાં હતાં એ ફરી મંદિરમાં શોધવા ન આવ્યાં.
જમનાબાએ વિચાર્યું કે જો અત્યારે મને પોલીસ સ્ટેશને જઈને પોલીસને સોંપશે તો એ ગુંડાઓ જો બહાર ધ્યાન રાખતા હશે તો ફરીથી મને પોલીસ સ્ટેશનેથી પોલીસને અષ્ટમ પષ્ટમ સમજાવી કે બીજા કોઈ રસ્તા લઈને કે પોલીસ સાથે વાટાઘાટ કરી ઉપાડી જશે એટલે મને તેમના ઘરે લઈ ગયાં.
હું ખૂબ ડરી ગયો હતો. બીકથી ધ્રૂજતો હતો. મને ખૂબ જ તાવ ચડી ગયો. જમનાબા માથે ભીનાં પોતાં મૂકીને મારી પાસે આખી રાત બેસી રહ્યાં. બીજે દિવસે સવારે મને પોલીસ સ્ટેશને લઈ ગયાં. ત્યાં પપ્પાએ મારા ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી એટલે મમ્મીપપ્પાને પોલીસ સ્ટેશને બોલાવી મને સોંપી દીધો.
મમ્મીપપ્પાએ જમનાબાનો ખૂબ ખૂબ આભાર માન્યો અને અમે દિલ્હી પાછા આવતા રહ્યાં. હું મારા અભ્યાસમાં વ્યસ્ત થઈ ગયો. સમય પસાર થતો ગયો. મેં પપ્પાનો બિઝનેસ સંભાળી લીધો. વચ્ચે વચ્ચે સમય મળે હું જમનાબાને વારાણસી મળવા જતો રહેતો. સરકારી નોકરીમાંથી નિવૃત્તિ પછી મેં જમનાબાને મારી સાથે રહેવા માટે ખૂબ આગ્રહ કર્યો, પણ ન માન્યાં. જમનાબા પ્રાથમિક શાળામાં શિક્ષિકા હતાં. લગ્ન નહોતા કર્યાં. કુટુંબ જેવું કંઈ હતું નહીં પણ એકલા સ્વમાનથી જીવતા હતાં. તેમને સ્વમાનથી જીવવું ગમતું હતું એટલે જિંદગીભર એકલા જ જીવ્યાં.
છેલ્લે જમનાબાનો એક દિવસ ફોન આવ્યો કે તું તાત્કાલિક મળવા આવી જા. હું તુરત જ વારાણસી આવ્યો; જાણે જમના મારી જ રાહ જોતા હોય એમ મને એક કવર આપીને મારા ખોળામાં અંતિમ શ્વાસ લીધાં. મેં અગ્નિ સંસ્કાર સાથે બધી જ ધાર્મિક વિધિ કરી અને જમનાબાએ આપેલ કવર ખોલ્યું તો તેમાંથી એક કાગળ નીકળ્યો, જેમાં લખ્યું હતું.
“બેટા, ઉમેશ.
“માતાપિતા સંતાનો માટે મિલ્કત છોડી જાય છે પણ હું આ વસિયતથી તને એક જવાબદારી સોંપતી જાવ છું. આ મકાન તારું જ છે. તું અહીંયા નહીં રહી શકે જ્યારે હું તો અહીંયા જ રહેવાની છું એટલે દરરોજ મકાનની સાફસૂફી થાય તેની અને મારી પુણ્યતિથિને દિવસે તારે આવીને મને હાર ચડાવીને દિવો કરવાનો; આખો દિવસ મારી સાથે પસાર કરવાનો. મને ખાતરી છે કે બેટા, તું આટલું જરૂર કરીશ.”
“જમનાબાના…આશીર્વાદ.”
જમનાબાના વસિયતનામાને આશીર્વાદ સમજી હું છેલ્લા પાંચ વરસથી નિયમિત અહીંયા આવું છું. સોસાયટીના લોકો સાથે પ્રસાદ લઈને આખો દિવસ જમનાબાના ફોટા પાસે બેસું છું અને જમનાબાની હાજરીની અનુભૂતિ કરું છું.
“તને એમ થશે કે આવી સામાન્ય વાત મેં તને કેમ ન કરી. તો હું તને વાત કરવા યોગ્ય સમયની રાહ જોતો હતો. મેં જો આ વાત તને પહેલાં કરી હોત; તું એ વાતને તું સામાન્ય વાત સમજત. મને ખબર હતી કે એક દિવસ તું મને મારા ચોક્કસ દિવસે વારાણસી આવવા માટેનું કારણ જરૂર પૂછીશ. આજે એ દિવસ આવીને ઊભો રહ્યો.”
“હા ઉમેશ, તમારી વાત સાચી છે. આજે મને જમનાબાનું વ્યક્તિત્વ સમજાયું તેમ જ તમારા જીવનમાં જમનાબાનું સ્થાન શું છે એ સમજાઈ ગયું.”
વિમળાબહેન ઊભા થયાં. જમનાબાના ફોટાને પગે લાગીને કહ્યું, “બા, તમારા વસિયતનામામાં સહભાગી થવા હું પણ આપની પુણ્યતિથિ પર ઉમેશ સાથે આવીશ. તમારી સાથે રહીને તમારી હાજરીની અનુભૂતિ કરીશ.”
ઉમેશભાઈને જમનાબાના ફોટામાં જમનાબાના મુખ પર આનંદની રેખા અંકિત થતી દેખાઈ. જાણે કહેતા હોય, હા દીકરા, મેં તો એક રાતનો ઉજાગરો કર્યો હતો પણ તેં તો મારા વસિયતનામાને સંપૂર્ણ પણે સ્વીકારી લીધું.
ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848gmail.com