
પ્રીતમ લખલાણી
આજે મઘર્સ ડે હોવાથી નિર્મીશના સ્મરણમાં બાની અગણિત યાદો તાજી થઈ આવી. બાની મીઠી મઘુર યાદોમાં ખોવાયેલા નિર્મીશને, બાએ જીવનમાં કરેલા ઉપકારનું ઋણ અદા કરવા, બાની છબી પાસે ગુલાબનાં બે ફૂલ મૂકવાનું મન થઈ આવતાં, તેણે ફલોરિસમાંથી બે સુંદર મજાના લાલ ગુલાબ ખરીદી, ઘરે જવા, તે પોતાના રોજના બસ સ્ટોપ પર આવીને ઊભો. આજે રવિવાર હોવાથી ફિલાડેલફિયાના ડાઉન ટાઉનમાં ચકલાં ઊડતાં હતાં. વીક ડેઈસની માફક આજે બસસ્ટોપ પર ખાસ ભીડ ન હતી. બે વ્યકિતઓ, આસપાસમાં વાતોના ગપાટા મારતી સિગરેટના ઊંડા કસ ખેંચતી, પોતાની બસ આવવાની રાહ જોતી ઊભી હતી. નિર્મીશ હજી બસસ્ટોપે આવીને ઊભો ન ઊભો, ત્યા જ એક બસ આવીને ઊભી. નિર્મીશ કે પેલી બે વ્યકિતમાંથી કોઈ બસમાં ચઢ્યું નહીં, એટલે બસ ડ્રાઈવરે બસને આગળ જવા માટે હાંકી મૂકી. બરાબર એ જ વખતે, ફિલાડેલફિયા મીડ ટાઉન ટાવરના સામેના પુલ પરથી બસને જોઈ, હડી કાઢતી, બસ ડ્રાઈવરનું ઘ્યાન તેના તરફ ખેંચવા હવામાં હાથ હલાવતી, એક બાઈ બસસ્ટોપ પર ઊભેલ બસને પકડવા આવી રહી હતી. બિચારી બાઈનાં નસીબ બે ડગલાં પાછળ હશે. બસસ્ટોપ પર ઊભેલા નિર્મીશ કે પેલી બે વ્યકિતનું કે પછી બસડ્રાઈવરનું ઘ્યાન તેના તરફ ગયું નહીં. બાઈ બિચારી હાંફતી બસસ્ટોપ પર આવી ચઢી, પણ બસ ત્યાંથી આગળ જવા થોડેક દૂર નીકળી ગઈ હતી.
બસ છૂટી જતાં, બાઈ દુઃખી મને બસસ્ટોપના બાંકડે બેસી ઘ્રુસકે ઘ્રુસકે રડવા લાગી. બસસ્ટોપ પર ઊભેલી વ્યકિતનું ઘ્યાન તેના તરફ ગયું. તેમના ચહેરાના હાવ ભાવ કહી રહ્યાં હતાં કે બાઈ કેમ રડી રહી છે. તેણીના પ્રત્યે મનમાં ઘણી સહાનુભૂતિ થઈ આવી, પરંતુ આ તેનો કોઈ અંગત પ્રશ્ન હશે. તેમ સમજી તેઓ ગુપચૂપ બસની રાહ જોતા ઊભા હતા. થોડા સમય પહેલા અમરેલીથી અમેરિકામાં આવી ચઢેલા, નિર્મીશને આમ ચૂપચાપ બસસ્ટોપ પર એક બાઈને રડતી જોઈ ઊભા રહેવું અસહ્ય લાગતા, તેણે આ દેશના રીતિરિવાજની કોઈ દરકાર કર્યા વગર, બાઈ પાસે જઈને હિંમત કરીને ઘીમેથી પૂછી નાખ્યું, ‘મેડમ, તમને કોઈ તકલીફ છે? જો તમને, તમારી તકલીફ કહેવા જેવી જણાતી હોય તો, ખુશીથી તમે મને કહી શકો છો, જો તમને મદદ કરવા જેવું આવશ્યક જણાશે તો, જરૂર હું માનવતાના નાતે તમારા દુઃખમાં સહભાગી થવાની કોશિશ કરીશ.’
આંખેથી આંસુ લુછતા બાઈ બોલી, ‘સર, હમણા બે મિનિટ પહેલા જે બસ બસસ્ટોપ પર આવીને ચાલી ગઈ. તે મારા માટે બહુ જ મહત્ત્વની હતી, આ પ્રમાણે જણાવીને તે ફરી પાછી ઘ્રૂસકે ઘ્રૂસકે રડવા લાગી.’ બાઈને આશ્વાસન આપતા નિર્મીશે કહ્યું, ‘મેડમ, બસ છૂટી ગઇ એ બાબતમાં તમે આટલાં દુઃખી, અકારણે શા માટે થાવ છો? તમારે જ્યાં આગળ જવું છે, તે માટે હમણાં થોડી જ વારમાં બીજી બસ આવી ચઢશે?’
‘યગમેન, તારી વાત તદ્દન સાચી છે. મારે જ્યાં જવું છે, ત્યાં જવા માટે જરૂર બીજી બસ આવશે, પણ આ એક બસ છૂટી જતા મારો આજનો દિવસ રોળાઈ ગયો. મને બસ છૂટી જવાનો કોઈ અફસોસ નથી. આજે મારા એકના એક વહાલસોયા પુત્રની ત્રીજી પૂણ્યતિથિ છે. લગભગ આજથી ત્રણ વર્ષ પૂર્વે, ઈરાકમાં તેણે અમેરિકન આર્મ્સફૉર્સમાં શાંતિ દૂત તરીકેની ફરજ અદા કરતા, દુ:શ્મનો હાથે શહીદી વહોરી લીઘીતી. કુદરત પણ મારી સાથે કેવી ક્રૂર મજાક કરી રહી છે! મને ખબર પડતી નથી હજી તે મને કેટલા રૂપ દેખાડશે? આજથી નવ વર્ષ પહેલાં આતંકવાદીઓએ સપ્ટેમ્બર ઈલેવનના રોજ ન્યૂયોર્કના ટ્વીન ટાવર પર હુમલો કર્યો, ત્યારે તેમાં ફસાયેલા નિદોષ નાગરિકોને બચાવવા, ફાયર બિગ્રેડમાં સેવા કરતા, મેં મારા પતિને ખોઈ દીઘા. છેલ્લા કેટલા મહિનાથી અમેરિકાની આર્થિક સ્થિતિ બગડી રહી છે. તેના વિશે હું તમારા જેવા યુવાનોને શું કહું. તમે તો તેની વર્તમાન પરિસ્થિતિથી પરિચિત હશો! અમેરિકાની ઘણી નામાંકિત કમ્પનીઓએ પોતાના બજેટને પહોંચી વળવા, ઘણા મજદૂર કામદારોને છૂટા કરી દીઘા છે, તેની અસર મારા જેવી નિરાઘારને પણ થઈ છે. હું છેલ્લાં પાંત્રીસ વર્ષથી અહીંની એક પ્રતિષ્ઠિત મોટર કમ્પનીમાં કામ કરતી હતી. કમ્પનીએ તેના બજેટમાં મોટો કાપ મૂકતા, મારા જેવા પંદર હજાર કામદારોને મેનેજમેન્ટે દુઃખી મને છૂટા કરવા પડ્યા છે.’
આજે દીકરાની પૂણ્યતિથિએ તેની કબર પર બે ફૂલ ચઢાવી શકું, એટલી પણ મારી આર્થિક સ્થિતિ નથી. આ વાત મેં મારા ચર્ચના એક પાદરીને ગઈ કાલે સાંજે ફોન પર કરી. તેમણે મને આશ્વાસનના બે શબ્દ કહેતા કહ્યું, ‘બાર્બરા, તમે આટલાં દુઃખી ન થાઓ, ભલે તમે તમારા લાડલા પુત્ર ડેનની કબર પર આ પૂણ્યતિથિએ બે ફૂલ ન ચઢાવી શકો તો કંઈ નહીં. આવતી કાલે સવારે આપણે કબ્રસ્તાનમાં જઈ તેની કબર પાસે સાચા હ્રદયથી, પ્રભુ તેના આત્માને શાંતિ બક્ષે એવી તનમનથી પ્રાર્થના અચૂક કરીશું. મારી દૃષ્ટિએ, બાર્બરા, પ્રાર્થનાનું મહત્ત્વ, કબર પર ચઢાવેલા ફૂલથી કંઈ ઓછુ નથી હોતું.’
‘પાદરી માઈકલ ચેપલ મને, સવારે અગિયાર વાગ્યે, જ્યાં આગળ મારા પુત્રની કબર છે તે હિલહેવન મેમોરિયલ કબ્રસ્તાનમાં આવી જવાનું જણાવ્યું હતું. આ બસ, છૂટી જતાં, હવે હું પાદરીને આપેલા સમયે કબ્રસ્તાનમાં પહોંચી નહીં શકું. બસના ટાઈમ ટેબલ મુજબ બીજી બસ બપોરના સાડાબાર વાગ્યાની છે! જો હવે હું બીજી બસ લઈને કબ્રસ્તાન જઈશ તો, લગભગ દોઢ તો જરૂર વાગી જશે. મને નથી લાગતું કે પાદરી માઈકલ મારી રાહ જોતા, બપોરના દોઢ બે વાગ્યા લગી ત્યાં આગળ બેસી રહે. તે આજે ઘણા કામમાં હતા.’ મેં જ્યારે ફોન પર તેમને મારી પરિસ્થિતિ અને મનની વ્યથા વિશે જણાવ્યું ત્યારે તેમણે મને કહ્યું, ‘બાર્બરા, ભલે હું ઘણો કામમાં છું, પરંતુ તમે એની બિલકુલ ચિંતા ન કરો. જે યુવાન જગતની શાંતિ, કલ્યાણ માટે ચિર નિદ્રામાં પોઢી ગયો હોય, તેના માટે શું મારા રોજિંદા કાર્ય્રકમમાંથી પ્રાર્થના જેટલો સમય તો જરૂર કાઢી શકું.’
‘હવે હું તેમને શું દોષ દઉં? તેમને પણ મારા જેવાં કેટલા ય દુઃખીઓના મનને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરાવવાની હશે! વળી આજે તો મઘર્સ ડે છે. તેમણે પણ તેમનો થોડો સમય તેમના પરિવારને ફાળ્વાનો હશે!’
બાર્બરાની વ્યથા સાંભળી, નિર્મીશની આંખ ભરાઈ આવી. આંખો લૂછતા તે ગત ડિસેમ્બરમાં મૃત્યુ પામેલાં બાના સ્મરણમાં ડૂબી ગયો. બા જે ક્ષણે છેલ્લા શ્વાસ લેતા હતાં ત્યારે તેમણે મને તેમની પથારી પાસે બોલાવીને એક શિખામણ આપી હતી કે, ‘દીકરા, નિર્મીશ, મારી પાછળ કોઈ ઘાર્મિક વિઘિ કે કોઈ ક્રિયાકાંડ ન કરતો. તને તો ખબર છે મને આ બઘી અંઘ શ્રદ્ધામાં બહુ વિશ્વાસ નથી. તું મારી એક વાત હંમેશાં યાદ રાખજે. જિંદગીમાં જ્યારે પણ હું તને યાદ આવું ત્યારે તું તારાથી બને તો દુઃખિયાનાં બે આંસુ લુછવાનો પ્રયત્ન જરૂર કરજે. જે દિવસે તું કોઈ પણ દુઃખી માણસની વ્યથાને તારી પીડા સમજીશ, તે દિવસે મારો આત્મા, દીકરા, જયાં પણ હશે ત્યાંથી તને આશીર્વાદ આપશે!’
બાના સ્મરણમાંથી જાગેલા નિર્મીશે, બાની છબી પાસે મૂકવા લીઘેલા બે ગુલાબ બાર્બરાના હાથમા’ મૂકતાં કહ્યું, ‘મેડમ, તમે બઘી ચિંતા ઈશ્વરને ખોળે મૂકી, ખુશીથી બીજી બસ લઈને કબ્રસ્તાન જાવ જો પ્રભુની ઈચ્છા હશે તો પાદરી કદાચ તમારી રાહ જોતા ત્યાં બેઠા હશે. અને કદાચ જો તેઓ ચાલ્યા ગયા હોય તો, તમે બિલકુલ દુઃખી ન થતા, ‘આ બે ગુલાબ, હું તમને તમારા વહાલસોયા પુત્રની કબર પર ચઢાવવા ભેટ આપું છું. તમે ખુશીથી તમારા પુત્રની કબર પર મૂકી દેજો.’
‘ફૂલો તો ઈશ્વરનું એક બીજુ સ્વરૂપ છે, આથી વિશેષ તો હું તમને શું કહું. ફૂલનાં મૌનમાં વિશ્વના તમામ ઘર્મ ગ્રંથોની પ્રાર્થના સમાયેલ છે. આ ગુલાબનું સ્મિત, તમારા પુત્રના આત્માને શાંતિ બક્ષે એવી મારી પ્રભુને સાચા હ્રદયથી પ્રાર્થના.’
ગુલાબને હાથમાં લેતાં બાર્બરાનો ચહેરો, હાથના રાતા ગુલાબ સમો ખીલી ઊઠ્યો. નિર્મીશે મનની ખુશી સાથે આકાશ સામે જોયું. બાની ઈચ્છા, આજ મઘર્સ ડે જેવા પવિત્ર દિવસે પૂર્ણ કરવા ઈશ્વરે તેને જે તક આપી તે બદલ તેણે તેનો આભાર વ્યકત કર્યો.
પ્રસન્ન મને નિર્મીશે ઘેર આવી, ઘરનો દરવાજો ખોલ્યો. અચાનક તેની નજર દીવાનખાનાની દીવાલ પર રોજ જેનું સ્મિત નીરખી દિવસની શરૂઆત કરતો હતો, તે મોનાલિસાની છબી પર અટવાઈ ગઈ. મનોમન હસતા નિર્મીશે, બાજુની ભીંતે આજે મઘર્સ ડે હોવાથી, બાના આશીવાર્દ લેવા બે હાથ જોડી, બાની ઘીર ગંભીર છબી પર નજર કરી. તેનો ચહેરો મનોમન પતંગિયાની જેમ થનગની ઊઠ્યો.
બાનો ઘીર ગંભીર ફોટો, મરક મરક હોઠોમાં હસતો, દીકરાને આશીવાર્દ આપી રહ્યો છે એવી એને મનોમન પ્રતીતિ થઈ આવી. નિર્મીશે બાના ફોટાને વંદન કરતા, બાજુની ભીંતે હસતી મોનાલિસાની છબીને કહ્યું, ‘હે મોના, I am really very sorry, but this is truth, આજ બાના નિર્મળ સ્મિત પાસે, તું માન કે ન માન પણ મને તારું સ્મિત ફકત ચૌદ કેરેટનું લાગેછે!’
e.mail : preetam.lakhlani@gmail.com