૧૧મી સપ્ટેમ્બર વિનોબાજીનો જન્મદિન. ટાગોરના એક ગીતને વિનોબાએ પોતાના જન્મ સાથે સાંકળ્યું. આ અવસરે તેનો રસાસ્વાદ લઈએ.
કબે આમિ બાહિર
કબે આમિ બાહિર હલેમ તોમારિ ગાન ગેયે –
સે તો આજકે નય સે આજકે નય.
ભૂલે ગેછિ કબે થેકે આસછિ તોમાય ચેયે –
સે તો આજકે નય સે આજકે નય.
ઝરના જેન બાહિરે જાય, જાને ના સે કાહારે ચાય,
તેમનિ કરે ધેયે અલેમ જીવનધારા બેયે –
સે તો આજકે નય સે આજકે નય.
કતઈ નામે ડેકેછિ જે, કતઈ છવિ એંકેછિ જે
કોન આનન્દે ચલેછિ તારા ઠિકાના ના પેયે
સે તો આજકે નય સે આજકે નય.
પુષ્પ જેમન આલોર લાગિ ના જેને રાત કાટાય જાગિ
તેમનિ તોમાર આશાય આમાર હૃદય આછે છેયે
સે તો આજકે નય સે આજકે નય
સારાંશ
તારાં ગીત ગાતાં ગાતાં ક્યારનો નીકળ્યો છું હું,
આજની તે વાત નથી, આજની નથી.
ભૂલી ગયો છું ક્યારથી તને જોતો જોતો આવી રહ્યો છું.
આજની તે વાત નથી, આજની નથી.
જેમ ઝરણું વહેતું ચાલ્યું જાય છે, કોને ચાહે છે નથી જાણતું
એવી રીતે દોડતો ચાલ્યો આવું છું જીવનના સ્રોતને પ્રવાહિત
કરતો કરતો,
આજની તે વાત નથી, આજની નથી.
કેટલાં નામોથી પોકાર્યો છે. કેટલી રેખાઓથી તારું સ્વરૂપ સજાવ્યું છે
જાણ્યા વગર કોઈ આનંદમાં ફરતો રહ્યો છું
આજની તે વાત નથી, આજની નથી.
પુષ્પ જેમ પ્રકાશને માટે જાણ્યા વગર જાગીને રાત વિતાવે છે
એ જ રીતે મારા હૃદયને ઢાંકી રાખ્યું છે તારી પ્રતીક્ષામાં.
આજની તે વાત નથી, આજની નથી.
•
વિનોબા
कुबे आमि बाहिर हलेम तोमारि गान गेये
से तो आँजके नय से आँजके नय।।
(पूजा गीत – 33)
તમારાં ગીતો ગાતો ક્યારથી નીકળ્યો છું હું
આજની વાત નથી આ વાત, આજની નથી.
•
‘મારી એક શોધ ચાલી રહી છે. લોકો જાણે છે અને મને’ (વિનોબા) ને પણ દેખાય છે કે ૧૨ વર્ષથી આ યાત્રા (ભૂદાનયાત્રા) ચાલી રહી છે છતાં વિચારતાં એવું સ્પષ્ટ જણાય છે કે ૧૨ વર્ષ પહેલાં તો ભૂદાનની પદયાત્રા શરૂ થઈ, પરંતુ જ્યારથી હું (વિનોબા) કૉલેજમાં હતો ત્યારે પણ આજના જેટલું જ આઠ-દસ માઈલ રોજ ચાલતો હતો. જો તેવી ટેવ પડી ન હોત તો ૧૨ વર્ષ પહેલાં પદયાત્રા શરૂ કરવાની હિંમત થાત નહીં. જેટલું વાંચતો, એનાથી વધારે ચાલતો હતો. આ રીતે આ શોધ લગભગ કૉલેજના દિવસોથી જ ચાલી રહી છે. પછી વિચારું છું કે ચાલવાનો અભ્યાસ તો થયો, પણ સંસારમાં ખૂંપી ગયો હોત તો કદાચ આ પદયાત્રા શરૂ થઈ ન હોત. નાનપણથી મનમાં એ સંકલ્પ ઊઠતો હતો કે કોઈક વખત એવો આવશે જ્યારે હું (વિનોબા) પરિવ્રાજક બનીશ. જરા વધારે વિચારીએ તો છેક નાની ઉંમરમાં આ પ્રકારનો સંકલ્પ કેવી રીતે ઊગ્યો? તો સમજાયું કે आजके नय, आजके नय (આજનો નથી, આજનો નથી) બહુ જૂની શોધ છે.
નદી નીકળી પડી છે. એને ખબર નથી તે ક્યાં જશે. એવું પણ કહી શકીએ કે એ આવેગ છે. તે વહેતી રહે છે અને ધીમે ધીમે પોતાનું સ્થાન મેળવી લે છે. છેવટે ક્યાંક ને ક્યાંક સાગરમાં ભળી જાય છે. ખબર નથી પડતી કે તે સાગરની શોધમાં નીકળી પડી છે. એના નીકળવામાં એક પ્રેરણા હતી, જે એને પણ ખબર નહોતી.
સારાંશ, જેટલી પ્રેરણા હોય છે, બધી પરમાત્માથી પ્રેરિત હોય છે. તે (પ્રેરણા) ત્યાં સુધી ચાલે છે, જ્યાં સુધી પરમાત્મામાં પહોંચી જતી નથી. એટલે અનાદિકાળથી આ શોધ ચાલી રહી છે. આ જન્મનું આપણને યાદ આવે છે તો કંઈક ખબર પડે છે, પણ જે ખબર પડે છે તે બરાબર નથી. મૂળ વાત એ છે કે તમે, હું અને બધા આપણે બધા જ અનાદિ કાળથી એક શોધ માટે નીકળેલા છીએ. કેટલાક લોકો જાણે છે કે કોઈ શોધ માટે નીકળ્યા છીએ. કેટલાક લોકો એ પણ જાણે છે કે કઈ શોધ માટે નીકળ્યા છીએ. કેટલાક લોકો જાણતા નથી. એટલે કે જાણે કે ન જાણે પણ એક વસ્તુની શોધ તો ચાલી જ રહી છે.
પરમાત્મા એક ચુંબક છે. તે બધાને ખેંચે છે. કોઈ ગમે તે રીતની પ્રેરણા લઈને નીકળે, છેવટે ખેંચાઈને એ જ પરમાત્માની પાસે પહોંચી જશે. મારો (વિનોબા) એ ખેંચાણ પર જ વધારે વિશ્વાસ છે. દુનિયામાં પરમાત્માની શક્તિ કામ કરી રહી છે, જે બધાને પોતાની પાસે ખેંચે છે. એનાથી કોઈ છુટકારો નથી. એવી શ્રદ્ધા સાથે હું ફરી રહ્યો છું. એટલે રસ્તામાં જે કોઈ મળે છે, હું એનો હાથ પકડી લઉં છું. સમજું છું કે આ અમારો અનાદિકાળનો સાથી છે. ભલે, મારો પરિચય એની સાથે હમણાં જ થયો હોય, પણ છે તે અમારો જૂનો મિત્ર.
आज के नय, आजके नय।
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 સપ્ટેમ્બર 2023; પૃ. 04 તેમ જ 23