
પ્રીતમ લખલાણી
દરવાજો ખુલતાં જ ઊર્મિ ક્ષણ માટે ડઘાઈ ગઈ, ‘અરે! મહેક, તું અને આ સમયે આટલી મોડી રાત્રે મારા દ્વારે!’ આમ કહી, ક્ષણ માટે તે વિચારના વમળમાં ખોવાઈ ગઈ. ‘શું થયું હશે?’ કયા કારણસર, આટલાં વરસો બાદ તેને આ મોડી રાત્રે મારા ઘરનું બંઘ દ્વાર ખખડાવવું પડયું હશે?’ વગેરે સવાલો તેના હોઠે આવી ચડ્યા. મહેકને પૂછવા ઊર્મિ હોઠ ખોલે તે પહેલાં જ મહેકે જ ઊર્મિને પૂછી નાખ્યું, ‘શું ઊર્મિ, મને આમ બારોબાર જ કાઢી મૂકીશ કે પછી થોડીક વાર માટે ઘરમાં આવવાનું પણ નહીં કહે?’
‘Sure, come in, મહેક ખુશીથી અંદર આવ, અને નિરાંતે બેસ.’
આટલી મોડી રાત્રે, અચાનક આમ અણધાર્યુ ઘરે કોનું આગમન થયું હશે! તે જાણવા ઉપર પોતાના બેડરૂમમાં નિરાંતે કૉલેજના હોમવર્કમાં ડૂબેલા આકાશ અને ચિરાગ પુસ્તકો બંઘ કરી સડસડાટ દાદરા ઉતરી લીવિંગ રૂમમાં આવી પહોંચ્યા!
કાઊચમાં બેઠેલા મહેકે આંખેથી ચશ્માં ઉતાર્યાં, પળ માટે આશ્ચર્યમાં ડૂબી ગયો. ‘અરે! બંને બાળકો કેવડા મોટાં થઈ ગયાં.’ મનોમન હરખાતાં, ખુશાલી વ્યકત કરવા તેનાથી બાળકોને પુછાઈ જવાયું, ‘Hi Kids, How are you?’
‘You are shut up, and get out from our’s House!’
‘Please, આકાશ, Comedown!’
અને ત્યાં જ ચિરાગ, બરાડી ઊઠ્યો, “મામ્મ, તમને હજી આ માણસ પ્રત્યે કેમ આટલી લાગણી-હમદર્દી છે? અરે! તમે આ નફટ માણસને ઘરમાં જ કેમ આવવા દીઘો!’
‘બેટા, જરા ધીરજ રાખ.’
‘મામ્મ, મને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે, તમે આટલી જલદી, બાર વરસ પહેલાંની તે મેઘલી રાત ભૂલી જશો! આ એ જ વ્યકિત છે જે આવતીકાલે આપણું શું થશે એનો કોઈ વિચાર કર્યા વગર આપણી જીવનનૌકાને એક તોફાની રાત્રે મઝ ધારે મૂકી ચાલી નીકળ્યો હતો.’
‘મામ્મ, તમને એ રાત બરોબર યાદ હશે, બહાર ધોધમાર વરસાદ વરસતો હતો. પવન પોતાનું અસલીરૂપ બતાવતો ગાંડોતુર થઈ સિત્તેર એંસી માઈલની સ્પીડમાં ચૉમેર ફૂંકાઈ રહ્યો હતો. આકાશ ચારેબાજુથી વીજળીના ધૂમધડાકાથી ગરજતું હતું, આવા વખતે, આપણે ત્રણે જણા એકમેકને વળગીને, આ માણસની રાહ જોતાં, સાંજના છ વાગ્યાથી રાતના સાડા અગિયાર વાગ્યા લગી ડાઈનિંગ ટેબલ પર ભૂખ્યા બેઠાં હતાં. અચાનક આપણા ફોનની ઘંટડી રણકી ઊઠી. તમે ઘ્રુજતા હાથે ફોન ઉપાડયો. ફોન ઉપાડતાં પહેલાં તમારા મન પર એકાદ ક્ષણ માટે કેવા ભયંકર વિચારો ફરી વળ્યા હશે તે વિશે હું અત્યારે વિચારું છું તો મારું હૃદય ધ્રૂજી ઊઠે છે.’
‘મામ્મ, આ એ જ ડૉકટર છે, જેણે તમને એક લોફરની જેમ બેફિકરથી ખુલ્લા શબ્દોમાં કહી દીઘું હતું કે, ‘ઊર્મિ, આપણે કયારેક પતિપત્ની હતાં, તે તું એક સ્વપ્ન હતું એમ સમજજે. આપણે આ ભવે કયારે ય એકમેકને મળ્યા જ ન હતાં. એમ માની તું મને ભૂલી જાજે. આ ઘર અને આ બે બાળકો તને સોંપી હું મારી નર્સ ડાયેના સાથે નવેસરથી ઘરસંસાર માંડું છું. મને ખાતરી છે. તને કયારે ય મારી પાસેથી બે-પાંચ ડોલરની કોઈ આશા ભૂતકાળમાં પણ ન હતી અને ભવિષ્યમાં પણ નહીં હોય. તું પણ એક શકિતશાળી વ્યકિતની જેમ પોતાના પગ પર ઊભી રહી શકે એવી કાબેલ ડૉકટર છે. હવે મારે તને આથી વિશેષ ખાસ કંઈ કહેવાનું રહેતું નથી. થોડા દિવસ બાદ તને, મારા વકીલ તરફથી આપણા ડિવોર્સ પેપર મળશે. મને આશા છે તું મને તારા જીવનથી રાજી ખુશીથી છૂટો કરી, મને એક નવી ડગર તરફ ડગ માંડવા છૂટો કરીશ, અને પછી Good Luck,કહી એને ફોન મૂકી દીઘો કેમ ખરુંને?’
‘Sorry, ચિરાગ, મારી એ બહુ જ મોટી ભૂલ હતી. આજ મને મારી ભૂલ સમજાઈ છે. બસ, આજ તેનું પ્રાયશ્ચિત કરવા માટે જ આટલી મોડી રાતે આવ્યો છું.’ આટલું કહેતાં, મહેકનું માથું શરમથી ઝૂકી ગયું.
‘What, Sorry! અને એ પણ લગભગ પૂરાં બાર વર્ષ બાદ, અરે! જે ઉંમર અમારા નાના હાથને, તમારા હાથની જરૂર હતી ત્યારે તમે અમારા ભાવિનો કોઈ વિચાર કર્યા વગર અમને અંઘકારને દરિયે એકલા મૂકીને ચાલ્યા ગયા. આ વીતેલાં, બાર વર્ષમાં અમે તમને કયારે ય યાદ ન આવ્યાં, અને આજે અચાનક તમને અમારા પ્રત્યે આટલો બધો પ્રેમ કયાંથી ઊભરાઈ ગયો? તમને તો સ્વપ્ને ય ખબર નહીં હોય કે વીતેલાં દસ વર્ષમાં અમારો પ્રત્યેક દિવસ કેમ વીત્યો હશે? તમે, ફુરસદે, આ વાત પર વિચારવાને બદલે જરા કલ્પના તો કરી જોજો. અરે! તમે ઘરમાં બેઠા હશો અને તમને ઘર યાદ આવશે? બસ, તમે કાન ખોલીને સાંભળી લ્યો, આજે અમે તમારા સહારા વિના ચાલતાં તો શું, પણ દોડતાં શીખી ગયા છીએ. હવે અમને તમારી ટેકણ લાકડીની કે કોઈ હમદર્દીની જરૂર નથી!, અને ભવિષ્યમાં પણ અમને તમારી કોઈ જરૂર નહીં પડે! આથી વિશેશ હું તમને કશું કહેવા માગતો નથી. તમે જે દરવાજેથી આવ્યા છો ત્યાંથી જ પાછા ચાલ્યા જાવ.’
‘ઊર્મિ, ચિરાગ અને આકાશને શાંત પાડતાં બોલી, ‘દીકરા, તમે મને તો નિરાંતે મહેક જોડે થોડીક વાત કરવા દો! તમે જરા શાંત થઈ, જરા ઘીરજ રાખો. દીકરા, ઈશ્વરની ઈચ્છા હોય છે તે પ્રમાણે જ હંમેશાં થતું આવ્યું છે. તેમની ઈચ્છા પાસે આપણું શું ચાલે! આપણા ભાગ્યમાં આપણે જેટલું દુઃખ ભોગવવાનું હતું તે ભોગવ્યા સિવાય કોઈ છૂટકો જ ન હતો! માની લ્યો દીકરા, કદાચ આપણા કર્મનું જ આ એક ફળ હશે? પછી રડીને કે હસીને, આપણને ભાગ્યમાં મળેલી ક્ષણને આપણે ભોગવવી જ પડે, જાઓ બેટા, તમે બંને ઉપર જઈ, મન પરથી આ ખોટી ચિંતા દૂર કરીને તમે તમારા હોમવર્કમાં ઘ્યાન આપો. મને નિરાંતે મહેક જોડે થોડીવાતો કરવા દો. વરસો બાદ આજ આટલી મોડી રાતે, તે મારા ઘરનો દરવાજો શોધતો આવ્યો છે?’
**********************
‘મહેક, આટલી મોડી રાત્રે, આમ કોઈ ફોન કે કોઈ જાણ કર્યા વગર, તારે મારો દરવાજો ખખડાવો પડ્યો. કોઈ કારણ? જો તને યોગ્ય લાગે તો જ મને કહે! આ તો તારી અંગત બાબત છે. મારે તને આ સવાલ ન પૂછવો જોઈએ, છતાં અકારણે પૂછાઈ જવાયું?’
‘ઊર્મિ, તને શું કહું? અત્યારે હું કેવી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છું. તુ માનીશ હું કશું વિચારી પણ શકતો નથી! હું તો પાગલ થઈ ગયો છું! મને કંઈ ખબર પડતી નથી. મારી જીવનકથાની વ્યથા હું કયાંથી શરૂ કરું! જે વાત કરવાને મને આજે તારા સિવાય કોઈ વિશેષ યોગ્ય પાત્ર ન જણાતાં, આટલી મોડી રાત્રે, મુઠ્ઠી એક આશા સાથે તારે દ્વારે આવ્યો છું.’
‘ઊર્મિ, Please, forgive me, I am very sorry! હું મારાં કર્યાં પર આજે ઘણો પસ્તાઉં છું. મહેરબાની કરીને તું બઘું ભૂલીને માફ કરી દે.’ આંખે આવેલાં જળજળિયાં લૂંછતાં મહેકે વાતની શરૂઆત કરી.
‘જે મેઘલી વરસતી રાતે, હું તને તેમ જ બંને બાળકોને ઈશ્વરને ભરોસે મૂકી, મારી રૂપવતી નર્સ ડાયેના સાથે ચાલી નીકળ્યો હતો, તે જ ડાયેનાએ, આજથી બે અઠવાડિયાં પહેલાં મને ડિવોર્સ આપી, મારા જ ગ્રુપમાં પ્રેક્ટિસ કરતાં એક વૃદ્ધ ડૉકટર વિલિયમ સ્મિથ જોડે લગ્ન કરી લીધાં. બંને મારે સહારે મૂકી, તે તેની જોડે કાયમ માટે શિકાગો ચાલી ગઈ છે.’
‘ઊર્મિ, આ મારી બાજુમાં શાંત ચિત્તે બેઠો છે તે ડેવિડ છે અને આ જે મારો ખોળો છોડવા રાજી નથી તે ક્રિસ છે. ડેવિડ સાત વર્ષનો છે અને આ ક્રિસે ગયા માર્ચમાં ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે.’
ઊર્મિએ, બંને બાળકોને પોતાની પાસે બોલાવી વહાલથી બંનેના ગાલે તેમ જ કપાળે હેતભરી ચુમ્મી આપી. હ્રદય સરખા ચાંપી, આકાશ અને ચિરાગને સાદ પાડી લિવિંગ રૂમમાં બોલાવ્યા.
‘બેટા, આ છે ડેવિડ અને આ છે ક્રિસ. તમે તેને ઉપર લઈ જાવ. ઊર્મિના બોલ સામે કશો, વિરોધ કે અણગમો પ્રગટ કર્યા વગર બંને બાળકોને રૂમ દેખાડવા ઉપર આકાશ અને ચિરાગ પોતાની સાથે લઈ ગયા.
*************************
‘મહેક, તેં કંઈ ખાધું પીધું કે નહીં, કે પછી ભૂખ્યો જ આવી ચડયો છે આટલી મોડી સાંજે.’
‘ભૂખ તો થોડીક લાગી છે, પણ ઊર્મિ, તારે કોઈ માથાઝીંક કરવાની જરૂર નથી. ફ્રીઝમાં દૂઘ તો હશે જ ને? તો પછી બે ગ્લાસ દૂઘના પીઈને આરામથી સૂઈ જઈશ.’
‘અરે, એમ કંઈ ખાધાપીધા વગર ખાલી દૂઘ પીઈને કંઈ થોડું સૂઈ જવાય છે. હું હમણાં જ પુરીને બટેટાની સુક્કી ભાજી તારે માટે બનાવી નાખું છું. પુરીશાક બનાવતાં કેટલી વાર? બસ, તું હાથપગ મોં ધોઈશ ત્યાં લગીમાં તો તૈયાર પણ થઈ જશે. વળી બાળકો પણ ભૂખ્યાં થયાં હશે!’
‘તું ક્રિસ અને ડેવિડની ચિંતા જરા ય ન કરીશ એ બંનેને મેં મેકડોનાલ્ડમાં ડિનર ખવડાવી દીઘું છે અને મેં પણ તેમની સાથે એપલ પાઈ ખાઘી છે.’
‘ઠીક છે, મહેક તું ઉપર જઈને તારાં કપડાં બદલી આવ. તું જે દિવસે અહીંથી ગયો છે, તે પછી તારા કલોઝેટને કોઈ અડકયું પણ નથી. તેં જે રીતે મૂકયો હતો તેવો જ અમે ફકત મારા બેડરૂમમાંથી ગેસ્ટ રુમમાં શિફટ કરીને ગોઠવી દીઘો છે. તારો નાઈટ ડ્રેસ ગેસ્ટ રૂમના કલોઝેટમાં હેંગર પર લટકી રહ્યો છે. તારી રાહ જોતો!’
દસ વર્ષ બાદ આજે નિરાંતે ઊર્મિના હાથનું સ્વાદિષ્ટ ભારતીય ભોજન ડાઈનિંગ ટેબલ પર લેતાં, મહેક ભસ્મીભૂત થયેલા ઘરને ભૂતકાળના ખડેરમાંથી સ્મૃતિને વીણીવીણીને ઈંટો ભેગી કરી, ફરી તૂટેલફૂટેલ ઘરને બનાવવા માંડયો.
‘Sorry, ઊર્મિ, હું તને અને બંને બાળકોને એકલાં નિરાઘાર મૂકી, ડાયેનાના રૂપ પાછળ કેમ પાગલ થઈ ગયો? આજે હું એ વીતેલા ભૂતકાળ પર વિચારી પણ શકતો નથી. એ મેઘલી રાતને યાદ કરું છું તો મારું હ્રદય ફફડી ઊઠે છે.’
‘મહેક, હવે એ બઘી ભૂતકાળની કબરો ખોદી, મુડદા ઉખાડવાથી શું મળવાનું છે? ચાલ આપણે એમ માની લઈએ કે વીતેલો કાળ એક ગોઝારું સ્વપ્ન હતું. આપણા કર્મનું કોઈ ફળ હશે કે જે આપણે આ ભવે ભોગવવું પડ્યું. ખેર! તું એ બઘું ભૂલી જા. મારે માટે તો દિવસનો ભૂલ્યો સાંજે ઘરે પાછો ફર્યો છે એ જ વિશેશ મહત્ત્વનું છે. તું જ મને કહે કે આજે તને મારા હાથની જરૂર છે. ત્યારે હું તને કંઈ રીતે તરછોડી દઉં?’
‘ખેર, તું ક્રિસ અને ડેવિડની જરા ય ચિંતા ન કરીશ. જયાં સુઘી આ ખોળિયામાં જીવ છે, ત્યાં લગી તેમને હું મારા આકાશ અને ચિરાગની જેમ પોતાના સમજીને, એક માનો પ્રેમ આપીશ. લગભગ અત્યારે રાત્રિના સાડાબાર થવા આવ્યા છે. હમણાં ઑફિસમાં બહુ જ કામ રહે છે. ઑફિસમાં મારો પાર્ટનર ડૉ. પંકજ રાણા વેકેશન પર છે. ચાલ ત્યારે હું સૂવા જાઉં છું.
***********************
ઊર્મિએ નાઈટ ડ્રેસ બદલી, ડીમ લાઈટ કરી. નિરાંતનો શ્વાસ લેતી બેડ પર પડી ત્યાં જ મહેકે બેડરૂમ પર ટકોરો માર્યો. ઊર્મિએ નાઈટ ડ્રેસ પર બાજુમાં પડેલો ગાઉન ચડાવી. દરવાજો ખોલ્યો. મહેકે, વરસો જૂની આદત મુજબ, ઘીમેથી ઊર્મિના ખભા પર હાથ મૂકતાં બોલ્યો, May I coming, Honey!’
હળવેકથી મહેકના હાથને, ખભા પરથી હટાવતાં, ઊર્મિએ કહ્યું, ‘ડૉ. મહેક મહેતા, બેડરૂમના રૂપાળા સંબંઘ તો આપણા, જે દિવસે તું મને તેમ જ બાળકોને ઈશ્વરના ભરોસે મૂકી ડાયેના સાથે ચાલ્યો ગયો હતો તે ક્ષણે જ પૂર્ણ થઈ ગયા હતા.
‘આ બેડરૂમ ડૉ. મહેક, હવે આપણો નહીં પણ ફકત મારો છે! બાળકોની સામે મારે તને કશું કહેવું ન હતું એટલે હું મૌનમાં રહી, મહેક, તું જરા ઘ્યાનથી સાંભળી લે. એકવાર સ્ત્રીનાં હ્રદયનું દ્વાર તેના પ્રિયજન માટે બંઘ થાય છે તે પછી કયારે ય પાછું ઉઘડતું નથી. ભલે પછી એ પ્રિયજન ઈશ્વર હોય તો પણ શું? હવે તારું સ્થાન મારા હ્રદયમાં અને આ ઘરમાં ફકત એક ગેસ્ટથી વિશેષ કંઈ નથી. હું મારો બેડરૂમ કયારે ય મારા ગેસ્ટ સાથે વાપરી ન શકું.
આ પ્રમાણે કહી, ઊર્મિએ મહેકના હાથમાં તકિયો ને એક બ્લેંકેટ પકડાવી ગેસ્ટરૂમમાં જવા ઈશારો કરી દીઘો.
*******************************
E.mail : preetam.lakhlani@gmail.com