આ જે અગિયાર એકાદશ વ્રત છે એમાં મેં એક અન્ય વ્રત ઉમેરી દીધું છે, અનિંદા વ્રત.
આપણે જેને જિહ્વા કહીએ છીએ, એમાં બહુ મોટી તાકાત રહેલી છે. આપણે જો એ શક્તિનો સદુપયોગ કરીએ, તો એનાથી આપણી પ્રજ્ઞા સ્થિર થવામાં બહુ મોટી મદદ મળી શકે તેમ છે. જિહ્વાનું એક કામ છે સ્વાદ. અને એની જે બીજી શક્તિ છે તે છે શબ્દશક્તિ.
શબ્દમાં ખૂબ શક્તિ રહેલી છે. શંકરાચાર્યે તો કહ્યું છે કે – केषां अमोघ वचनम्। કોનું વચન અમોઘ હોય છે ? અમોઘ એટલે વ્યર્થ ન જનાર. તો શંકરાચાર્ય કહે છે – ये के च सत्य-मौन-शम-शीला: (ગુરુબોધસાર) – કે જે સત્યનિષ્ઠ છે, મૌનનિષ્ઠ છે, શમનિષ્ઠ છે – તેની વાણી અમોઘ હોય છે. અમોઘ વચન જેવું વાણી દ્વારા બહાર પ્રકટ થયું કે તેને વાસ્તવમાં યથાર્થરૂપે પ્રગટવું જ પડશે. सा वै देवी वाक् – એ જે બોલે છે, તે થાય જ છે.
પરંતુ આજે તો આપણે લગભગ શબ્દશક્તિને ગુમાવી જ બેઠાં છીએ. આપણા દેશમાં ગાંધીજીની પહેલાં ઘણા બધા મોટા આગેવાન નેતાઓ એવા હતા કે તેમના બોલાયેલા શબ્દોનો સીધો અર્થ લોકો સમજી શકતા નહોતા. એટલું જ નહીં, એનો અવળો જ અર્થ ગ્રહણ કરી લેતા. એ વખતે જાણે એક રિવાજ પડી ગયેલો કે મનમાં અંદર એક વાત રાખવી અને બહાર બીજી વાતો કરવી. યુક્તિપૂર્વક ભાષા પ્રયોજીને લોકોને જે કાંઈ કહેવું છે તે કહી પણ શકાય અને એના પર કાનૂનનો પ્રહાર પણ ન થાય. એ વખતના નેતાઓ પોતાની વાણીમાં આ પ્રકારની તરકીબ લાવવા માટે કવાયત કરતા હતા. કેમ કે આ વસ્તુને કૌશલ્ય માનવામાં આવતું હતું.
પરંતુ ગાંધીજીએ ઋજુ વાણીનું પ્રચલન શરૂ કર્યું. જે વાત આપણા મનમાં હોય, એ જ વાત લોકોને કહેવાથી લોકશક્તિ જન્મી શકે છે. બાકી દાવપેચવાળી ભાષાથી કંઈ વળવાનું નથી. વાણીના ઉપયોગ સમયે તમારો ઇરાદો ષડ્યંત્ર રચવાનો છે, કેટલાક લોકો દ્વારા કેટલુંક કામ કરાવવા માંગો છો, લોકોને બાઈપાસ કરીને તમે કેટલુંક કામ કરાવવા માગતા હો તો આવી પ્રપંચયુક્ત ભાષા કામમાં આવી શકે છે. પરંતુ લોકોનું ઉત્થાન તો એમના હૃદયને સ્પર્શે તેવી સંયમિત વાણી દ્વારા જ થઈ શકે.
જેવી રીતે અસ્વાદ વ્રત છે, એવી રીતે વાક્-સંયમ વ્રતની પણ જરૂર છે. ઘણાં વર્ષો પહેલાં આ અંગે મારું ધ્યાન ગયેલું કે અનિંદાનું વ્રત અત્યંત જરૂરી છે. આમ તો અનિંદા એ અહિંસાનું જ મહત્ત્વપૂર્ણ અંગ છે તેમ છતાં એની એટલી બધી આવશ્યકતા છે કે મને લાગે છે અનિંદાનું એક સ્વતંત્ર વ્રત જ હોવું જોઈએ. અનિંદા વ્રતમાં કોઈની પણ નિંદા ન કરવી તે કંઈ નવી વાત નથી. “વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે નિંદા ન કરે કેની રે.” આ પંક્તિ તરફ જ્યારે મારું મનન ચાલ્યું તો સમજાયું કે નિંદા કરવાથી જગત આખાનો કચરો આપણા મનમાં ઠલવાય છે. દરેકમાં કોઈક ને કોઈક દોષ તો હોય છે. આપણે જો સૌના દોષો જ જોતા રહીશું તો આપણું હૃદય સૌના દોષોને ભેગા કરશે. અને આ એક બહુ મોટો દુર્ગુણ બની જશે. વળી, એ પણ ધ્યાનમાં સતત રહેવું જોઈએ કે ભલે આપણે બહારથી તો નિંદા કરતા નથી પણ મનની ભીતરમાં જો એ ચીજ પડેલી હશે, તો પણ તેનો અર્થ સરવાનો નથી.
નિંદા ન કરવી એ સૌથી કપરું કામ છે. નિંદા ન તો કોઈની પાછળ કરવાની છે કે ન તો સામે કરવાની છે. આમાં નિંદા કરનાર અને સાંભળનાર આ બંને દોષી સાબિત થાય છે. સમૂહજીવનમાં જ્યારે આપણે એકસાથે રહીએ છીએ, એકસાથે કામ કરીએ છીએ, ત્યારે અનેક પ્રસંગો એવા આવે છે કે જેમાં મતભેદ ઊભા થઈ શકે. આવા પ્રસંગોમાં પણ આપણે તો ‘નિંદા ન કરે કેની રે’ – આપણા સપનામાં પણ કોઈ માટેની નિંદા ન હોવી જોઈએ. મનુષ્યને મનન કરનારો કહ્યો છે, ‘मन्यते इति मानव:।’ આપણે મનન જરૂર કરીએ પણ નિંદા ન કરીએ.
અનિંદા વ્રતનો અર્થ કેવળ વાણીમાં નિંદા ન કરવી એટલો સીમિત નથી. અને એનાથી કામ પણ પાર પડતું નથી. પણ હૃદયશુદ્ધિ અને શબ્દશક્તિનું કામ ત્યારે સાર્થક થતું જશે, જ્યારે આપણું મન ગુણગ્રહણ કરવા લાગશે. આ વિષય ઘણો સૂક્ષ્મ છે – આપણે કોઈના દોષ ન જોતાં, કેવળ ગુણ જ ગુણ જોતાં શીખવું પડશે.
એક પ્રકારથી ગુણોપાસના કરવાની છે. આ ગુણોપાસના એ ભક્તિની પૂર્તિ જ છે. ઈશ્વર ગુણમય છે. ઈશ્વર સત્ય, પ્રેમ, કરુણા વગેરે અનેક મંગળ ગુણોથી સંપન્ન છે. બીજા શબ્દોમાં કહીએ તો આ બધા ગુણોની પરિપૂર્ણતા જ ઈશ્વર છે. આપણી સામે આખા દિવસમાં જે કોઈ મનુષ્ય આવે છે, એમાંથી ગુણદર્શન કરતા રહેવાનું છે. આપણને એ મનુષ્યમાં રહેલા દોષોનું દર્શન થાય છે તો સમજવું કે આપણને ‘માયા’નું દર્શન થયું છે, ઈશ્વરનું દર્શન થતું નથી. વળી, આપણને કોઈ માણસમાં ગુણ-દોષ બંનેનાં દર્શન થાય છે તો ઈશ્વર અને માયા – આ બંનેનાં થોડાં થોડાં દર્શન કહી શકાય, પણ તેને સ્વચ્છ દર્શન ના કહી શકાય. સ્વચ્છ દર્શન તો ત્યારે થયેલું ગણાય જ્યારે આપણે દરેકમાં ગુણનાં જ દર્શન કરી શકતા હોઈએ. દરેક મનુષ્યમાં ઈશ્વરનો એક એક અંશ તેના એક-એક ગુણના રૂપમાં રહેલો હોય છે. જેવી રીતે બદામના બીજ ઉપર જે છાલ દેખાય છે તે દોષ છે. આપણે માયાના આવરણને ભેદીને ભીતરી તત્ત્વના સ્વચ્છ સુંદર દર્શન કરતા શીખવું પડશે. અને આવી આદત પડવાથી આપણને જુદા જુદા ગુણોના દર્શન થવા લાગશે અને પછી ઈશ્વરનું સમગ્ર દર્શન થશે. આના માટે આપણે હંમેશાં ગુણગ્રહણ, ગુણચર્ચા અને ગુણ સ્મરણ કરતા રહેવું જોઈએ. સાથે સાથે દોષ ગ્રહણ, દોષચર્ચા અને દોષ સ્મરણ ક્યારે ય ન કરવાં જોઈએ. માટે જ અનિંદા વ્રતની અત્યંત આવશ્યકતા પ્રતીત થાય છે.
એક વાત આ પણ સમજી લેવી જોઈએ કે જ્યારે આપણને કોઈનો દોષ દેખાય છે, તો તે આપણો જ દોષ છે. વળી આપણે એ દોષની નિંદા કરીએ છીએ તો તે બીજો દોષ થઈ જાય છે અને તેની પાછળ પાછળ તેના દોષોની ચર્ચા કર્યા કરતા રહેવી અથવા નિંદા કરતા રહેવી એ વળી ત્રીજો દોષ થઈ જાય છે. આમ એક પછી એક દોષના થર ચઢવા લાગે છે જેને લીધે ગુણદર્શન થતું નથી. અને ઈશ્વરનો લોપ થઈ જાય છે.
જેવી રીતે આપણે બીજાના દોષો જોવાના નથી, એવી રીતે આપણે આપણા પોતાના પણ જોવા ન જોઈએ. આપણે આપણા ગુણોનાં દર્શન કરીએ. જેવી રીતે રેતીમાં રહેલી શર્કરાના કણ કીડી વીણી લે છે એવી રીતે આપણે પણ સત્યનું ક્યાંક અલ્પ દર્શન થયું, તો તે ગ્રહણ કરી લઈએ, ક્યાંક પ્રેમનું, ક્યાંક કરુણાનું દર્શન થયું, તો ક્યાંક એવા બીજા કોઈ પણ ગુણ દેખાયા તો તેને ગ્રહણ કરીશું તો ધીરે ધીરે આપણું હૃદય ગુણસંપન્ન થવા લાગશે. અને પછી ધીમે ધીમે ભગવાનનું પરિપૂર્ણ દર્શન થઈ શકશે.
પરંતુ આજે તો એવી સ્થિતિ છે કે આપણને ગુણોનું દર્શન જ થતું નથી, કેવળ દોષ જ દેખાય છે. હકીકતમાં તો આપણી સામે જે દોષ આવે છે તે વાસ્તવમાં હોય જ છે એવું પણ હોતું નથી. જ્યાં સુધી માણસના હૃદયમાં પ્રવેશ થતો નથી, ત્યાં સુધી બધું ખરાબ જ ખરાબ દેખાયા કરે છે. કેમ કે આપણને તે માણસના હેતુ અંગે કંઈ જ ખબર નથી હોતી. હવે જ્યારે આપણે તેનો વાસ્તવિક હેતુ જાણતા નથી, તો પછી સાચી વાસ્તવિકતાની ખબર કેવી રીતે થાય ? કાયદા કાનૂનમાં પણ ગુનેગારને શંકાનો લાભ અપાયો છે. જેને ‘બેનિફિટ ઓફ ડાઉટ’ કહે છે. જ્યાં સુધી હેતુનું દર્શન થતું નથી ત્યાં સુધી એને અપરાધી કહી શકાતું નથી. માટે જ આપણને જે દોષ દેખાય છે તે હકીકતમાં હોય જ છે એવું હોતું નથી. આપણે દોષોના પરીક્ષક ન બનીએ. એ કામ તો ઈશ્વરનું છે. આપણે જ્યારે દોષોનું પરીક્ષણ કરીએ છીએ ત્યારે આપણા હૃદયમાં દોષોનો સંઘરો થવા લાગે છે જેને લીધે પરમેશ્વરનાં દર્શન થતાં નથી. જેમ ભક્તિ વગર પરમેશ્વરની શોધ અને પરમેશ્વરનું દર્શન ન થાય એમ ગુણદર્શન વગર, ગુણવિકાસ વગર ભક્તિ પણ ન થઈ શકે.
મેં મારા માટે આધ્યાત્મિક સાધનાની એક કસોટી માની છે કે જ્યારે સર્વત્ર ગુણદર્શન થવા લાગશે અને એક એવી સ્થિતિ આવશે કે માણસમાં દેખાતા દોષ ગુણની છાયાની જેમ આવે છે ત્યારે એની કોઈ પણ અસર ચિત્ત પર નહીં થાય, ત્યારે સમજવું કે આધ્યાત્મિક સાધના સધાઈ ગઈ છે.
ગુણગ્રહણ એટલે સામેવાળામાં રહેલા ગુણનું દર્શન થવું, ત્યારબાદ એ ગુણનો સ્વીકાર કરીને આપણા હૃદયમાં સ્થાન આપવું. ત્યારબાદ એ ગુણનો વિકાસ કરવો. આમ, સામેવાળામાં રહેલા ગુણને આપણી હૃદયભૂમિમાં વાવવો જોઈએ. જેવી રીતે ખેડૂત ખેતરમાં એક બીજ વાવે છે, તો તે ચારગણો, શતગણો થઈ જાય છે એવી રીતે આપણી મનોભૂમિ જો શુદ્ધ હશે તો તેમાં ગુણ વાવવાથી તે ગુણ શતગુણિત થઈને વિકસશે. આને ગુણવિકાસ કહીશું. પ્રથમ ગુણદર્શન, પછી ગુણગ્રહણ અને પછી ગુણવિકાસ. આ ભક્તિની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં સર્વત્ર છુપાયેલા પરમેશ્વરની હસ્તિનું દર્શન થાય છે.
આમ દરેકેદરેક માણસમાં કાંઈક ને કાંઈક ગુણ-દોષ રહેલા હોય છે. અહીં માટી, પત્થર અને અનેક ધાતુઓના કણ પડ્યા છે, હવે અહીં લોહચુંબક લાવીએ તો તે શું કરશે ? એ અહીં પડેલા લોખંડના કણોને પોતાની તરફ ખેંચી લેશે. બરાબર એવી રીતે સજ્જન વ્યક્તિ દરેકમાં રહેલી સજ્જનતાને ખેંચી લેશે. આ દુનિયામાં એક પણ માણસ એવો જોવા નહીં મળે કે જેનામાં એક પણ ગુણ ન હોય, પછી તે ભલેને ગમે તેટલો મોટો દુર્જન કેમ ન હોય ! એવી જ રીતે આ દુનિયામાં કોઈ એવો સજ્જન જોવા નહીં મળે જેમાં એક પણ દોષ ન હોય, સર્વદોષરહિત તો ફક્ત પરમાત્મા જ હોઈ શકે અને સર્વદોષસંપન્ન શેતાન જ હોય ! ટૂંકમાં, દરેક માણસમાં કોઈ ને કોઈ ગુણ અને કોઈ ને કોઈ દોષ હોય જ.
જેવી રીતે ઘર દરવાજા અને દીવાલો વગર બની શકે નહીં, તેવી રીતે માણસમાં રહેલા ગુણ એ દરવાજા છે અને દોષ તે દીવાલ છે. ઘરમાં પ્રવેશતી વખતે દરવાજાનો ઉપયોગ કરીએ તો જ ઘરમાં પ્રવેશ કરી શકાય. દીવાલ દ્વારા અંદર જવા ઇચ્છીશું તો કેવળ માથું અફળાશે. લોકહૃદય પ્રવેશ માટે લોકોમાં રહેલા દોષો મારફત જવાથી માથું ભટકાશે પણ એના બદલે એમનામાં રહેલાં ગુણો દ્વારા સંપર્ક સાધીશું તો લોકહૃદયમાં સીધો પ્રવેશ થાય છે. એટલા માટે આપણે પણ લોહચુંબક જેવી ગુણચુંબક વૃત્તિ કેળવીએ.
અસમના માધવદેવનું પ્રસિદ્ધ વાક્ય છે.
अधमें केवले दोष लवय,
मध्यमे गुणदोष लवे करिया विचार
उत्तमे केवल गुण लवय
उत्तमोत्तमे अल्प गुर करय विस्तार
માધવદેવે માણસના ચાર વર્ગ બતાવ્યા છે. પહેલો વર્ગ અધમ. અધમ એટલે કે જે કેવળ દોષ ગ્રહણ કરે છે. દુનિયાભરના દોષોને જ ખેંચે છે. આ દુનિયા આ પ્રકારના માણસોને ચતુર કહે છે પણ માધવદેવ અધમ કહે છે. બીજો વર્ગ મધ્યમ છે. મધ્યમ વર્ગના માણસ ગુણ-દોષ બંને જોઈ વિવેક કરે છે. એને રાજનીતિ ધુરંધર કહે છે. ધુરંધર એટલે શ્રેષ્ઠ. પણ માધવદેવ તેમને શ્રેષ્ઠ માનતા નથી. પછીનો વર્ગ છે ઉત્તમ મનુષ્યનો. ઉત્તમ મનુષ્ય એ છે કે જે કેવળ ગુણ ખેંચી લે છે. આવા માણસને આ દુનિયા ભોળો માને છે પરંતુ આવા માણસોના સંપર્કમાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે આપણું પરિવર્તન થઈ જાય છે. વૈષ્ણવોની આ જ તો બહુ મોટી તાકાત છે. માધવદેવ ચોથો વર્ગ બતાવે છે, ઉત્તમોત્તમ વર્ગ. ઉત્તમોત્તમ વર્ગના માણસો એ હોય છે કે જેઓ અલ્પગુણોનો વિસ્તાર કરે છે. આ પ્રકારના માણસોનું હૃદય શીતળ હોય છે. હૃદયની શીતલતા એ મૈત્રી માટેનું સર્વોત્તમ સાધન છે. એના દ્વારા દુનિયા આખી સાથે મૈત્રી સાધી શકાય છે.
હૃદયશુદ્ધિ અને શબ્દશક્તિનું કામ ત્યારે સાર્થક થશે જ્યારે ગુણગ્રહણ થશે. બીજાના દોષ જોવા એ અત્યંત નિમ્ન ભૂમિકા છે. આ એક એવી ભૂમિકા છે જે મોટાભાગે સમાજશાસ્ત્રજ્ઞોની હોય છે કે ગુણ અને દોષ બંનેનું દર્શન હોવું જોઈએ, જ્યારે સમ્યક્ દર્શન હોય તો જ સુધાર થાય છે. સમાજશાસ્ત્રજ્ઞો જો ફક્ત દોષ જ જોયા કરશે તો તેઓ પોલીસવાળાઓની ભૂમિકાએ આવી જશે. પરંતુ સમાજ-વ્યવસ્થાપકોની પદ્ધતિ ગુણો અને દોષો બંનેનું દર્શન કરવાની છે. પરંતુ આનાથી પણ આગળ એક નૈતિક ભૂમિકા રહેલી છે. આ ભૂમિકામાં કોઈનો પણ દોષ દેખાયો તો તે દોષને એકદમ ઓછો કરીને જોશે અને કોઈનો ગુણ દેખાશે તો તે જેટલો દેખાય છે એનાથી વધુ મોટો માનશે.
પોતાના ખુદના દોષ જેટલા દેખાયા, એને એનાથી વધારે માનવું અને ગુણ જેટલા દેખાયા, એનાથી પોતાની જાતને ઓછી માનવી. – આ એક નીતિશાસ્ત્રીય પદ્ધતિ છે, જે ગાંધીજીએ આપણને શીખવાડી છે. તુલસીદાસજીએ પણ परदोष रेणुसम કહ્યું છે. મેં એક વાર ગાંધીજીને પૂછેલું કે ‘આનો સત્યનિષ્ઠા સાથે કેવી રીતે મેળ પડે ?’ તો એમણે સુંદર સમજાવ્યું કે જેવી રીતે નકશામાં એક ઈંચ લખ્યું હોય તો એના અર્થ દસ માઈલ થશે. હવે તે હશે તો એક જ ઈંચ પણ આપણે માનવું પડશે દસ માઈલ. આવી જ રીતે આ પણ છે. આપણી આંખ પણ આવી વિચિત્ર છે કે તે બીજાના નાના નાના દોષને મોટા મોટા કરીને જુએ છે અને પોતાના નાના અમથા ગુણને નાનો હોવા છતાં બહુ મોટો કરીને જુએ છે. આમ આપણે સ્કેલ બદલીને તેને અનુસાર થોડું – વધારે કરતા રહીશું તો સત્ય હાથમાં આવશે. ગાંધીજીએ આપેલ આ ઉદાહરણથી મને ઘણો આનંદ થયેલો જેને હું ક્યારે ય ભૂલ્યો નથી.
આ પછી મને એક વિચાર સૂઝ્યો કે આપણે આપણા પોતાના દોષોને પણ નાના નાના સમજવા અને બીજાના દોષોને પણ નાના નાના સમજવા. એવી રીતે પોતાના ગુણોને પણ મોટા સમજવા અને બીજાના ગુણોને પણ મોટા સમજવા. ધીરે ધીરે ગુણોને વધારતા જવા અને દોષોને ઘટાડતા જવા. આમ પોતાના અને બીજાઓમાં રહેલા ગુણોનાં ગુણગાન કરતા રહીએ. આમ બીજાના ગુણોને વધારતા રહેવું અને બીજાના દોષોને પોતાની પર આરોપિત કરી પોતાના દોષોને વધારતા રહેવું – એ મહાત્માનું લક્ષણ છે. જ્યારે બીજાના દોષ જેવા છે એવા જોવા, એ અલ્પાત્માનું લક્ષણ છે. આપણે ન તો અલ્પાત્મા છીએ કે ન તો મહાત્મા છીએ, આપણે તો આત્મા છીએ. આ ભૂમિકાએ રહીને ગુણગાન કરીશું, જે વાણી માટે ધર્મ છે.
(સંકલિત)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 સપ્ટેમ્બર 2023; પૃ. 01-03