બાળવાર્તા :
એક મોટું જંગલ હતું. જંગલનો રાજા કોણ તો કહે સિંહ. એક વાર એક શહેરમાંથી એક મધમાખી આ જંગલમાં આવી. ઘડીક આમ ઊડે, ઘડીક તેમ ઊડે. એમ કરતાં કરતાં એ આ સિંહ પાસે આવી, ને બોલી, ‘ઓ સિંહભાઈ, તમને વંદન. તમને વાંધો ન હોય તો મને તમારી મિત્ર બનાવશો? જો કે તમે આવડા મોટા, ને હું સાવ નાનકડી.’
સિંહ કહે, ‘મિત્રતામાં નાનુંમોટું એવું કાંઈ ન હોય. આજથી તું મારી મિત્ર. જા મોજ કર મોજ.’ ને મધમાખી તો એવી ખુશ થઈ કે ન પૂછો વાત. એ કહે, ‘ઓ વનરાજા, તમે રહો તાજામાજા ને સાજા. ધન્યવાદ. હું તમારા માથે બેસું?’
તો સિંહ કહે, ‘તું મધ ભેગું કરે છે ને? મધ હોય મીઠું એટલે તારામાં પણ મીઠાશ આવી ગઈ. તું તો છે મધ જેવી મીઠી. આજથી હું તારું નવું નામ રાખું છું. મેં દીઠી મધમાખી. એનું નામ મીઠી મધમાખી. આવ બેસ મારા માથે, આવી જા મારી સાથે.’ મધમાખી તો હરખભેર ઝપ દઈને બેસી ગઈ સિંહના માથે. સિંહને પણ મજા પડી, એણે પૂંછડી હલાવી ‘ઘૂમ ઘૂમ ઘૂમ’ મધમાખી તો આ જોઈ આનંદમાં ઠેકડા મારવા લાગી ‘છૂમ છૂમ છૂમ ..’
બાજુમાં હતું એક શિયાળ. એ બેઠું બેઠું આ બધું જોઈ રહ્યું હતું. એ બોલ્યું, ‘ઓ વનરાજા, આવડીક નાનકડી મધમાખીને પણ તમે દોસ્ત બનાવી એ તમે બહુ સારું કર્યું. હું થયું રાજી. જુઓ કેવી ખુશ થઈ આ જોઈને વનરાજી!’
સિંહ કહે, ‘કોઈ કાળું છે કે ધોળું, કદમાં નાનું છે કે મોટું, એવું બધું ન જોવાય. રૂપ ન જોવાય, ગુણ જોવાય ગુણ.’ શિયાળ કહે, ‘કંઈ ઘઉંની કે ચોખાની ગૂણ? એ તો મારાથી અર્ધી ય ન ઉપડે, હો!’
સિંહ ખડખડાટ હસી પડ્યો, ‘અરે મારા ભોળા શિયાળ, એ અનાજની, વસ્તુ ભરવાની ગૂણ નહીં. ગુણ એટલે ખૂબી, કોઈની સારી આવડત. આ મીઠી મધમાખી કદમાં તો છે સાવ નાની, પણ એનું દિલ કેવડું મોટું ને મજાનું છે! ડાહી છે આ મધમાખી, એટલે મેં એને મિત્ર તરીકે રાખી.’
મધમાખી કહે, ‘વનરાજા, હું આપીશ તમને મધ ચાખીચાખી, ને આ શિયાળને ય ચખાડીશ.’ શિયાળ કહે, ‘વાહ મધમાખી, હું તો મધની ભરી લઈશ મોટી શીશી આખેઆખી. આભાર.’ એક કીડીએ આ બધું જોયું. ખુશ થઈ એણે તાળી પાડી.
મધમાખી કહે, ‘આવ કીડી, બેસી જા મારા માથે.’ સિંહ કહે, ‘ઊભા રહો, હું કહું એમ કરો તો તમને બધાને વધુ મજા આવશે.’ ને બધાએ એમ કર્યું. સિંહના માથે શિયાળ, શિયાળ ઉપર મધમાખી ને મધમાખીના માથે બેઠી કીડી. કીડી બોલી, ‘કોઈને મારા માથે બેસવું હોય તો છૂટ છે હો!’
બાજુમાં હતું એક ઊંચું ઝાડ. એ ઝાડ બહુ કિંમતી હતું. એની નીચે હતી સરસ મજાની માટી. કીડીની આ વાત સાંભળી એ હસી પડી. માટીની એક નાનકડી કણી ઊડીને પ્રેમથી કીડી ઉપર બેસી ગઈ. કીડી કહે, ‘આમાં તો મને બહુ મજા પડી ગઈ. મને તો લાગે છે ઠંડુંઠંડું. એમ થાય છે કે હું નાચવા મંડું.’ બધાંએ ભેગાં મળી ખૂબ મસ્તી કરી, આનંદ કર્યો.
એક દિવસની વાત છે. શહેરમાંથી એક માણસ જંગલમાં આવ્યો, એના હાથમાં બંધુક હતી. એની પાસે કુહાડી પણ હતી. તે છાનોમાનો એક જગ્યાએ સંતાઈને બેસી ગયો, પછી ધીરેથી બોલ્યો, ‘અરે ઓ સિંહલા, આજ તારી ખેર નથી. પહેલાં હું તને મારીશ, પછી કુહાડીથી આ ઊંચા ઝાડને કાપી નાખીશ. તમને બેયને બજારમાં વેચી નાખીશ એટલે મને ઘણા બધા પૈસા મળશે.’
સિંહ તો એયને લહેરથી ઝાડ નીચે આરામ કરતો હતો. એને ખબર નહીં કે કોઈ માણસ પોતાનો શિકાર કરવા આવ્યો છે. એ શિકારીએ લાગ જોઈ બંધુકમાંથી ગોળી છોડવાની તૈયારી કરી ત્યાં જ પેલી મધમાખી ફટ દઈને આવી. એણે આખી વાત કાનોકાન સાંભળી લીધી હતી. એણે સપ દઈને માર્યો એ શિકારીના હાથે ડંખ. ‘વોય મા, વોય માડી’ કરતો શિકારી રાડો પાડવા લાગ્યો ને મધમાખી તો ઉપરાછાપરી ડંખ ઉપર ડંખ મારવા જ માંડી. પછી એ બોલી,
‘ચાલને આ માણસનાં નાક-કાન કેવાં છે એ જોતી આવું.’ એ પહેલાં એના નાકમાં ઘુસી, પછી કાનમાં, એણે ત્યાં પહેલાં ગણગણ કર્યું ને પછી એમાં ય ડંખ માર્યો. શિકારીના હાથમાંથી બંધુક પડી ગઈ. આ શોરબકોર જોઈ સિંહ સફાળો જાગ્યો. આ જોઈ શિકારી બંધુક ને કુહાડી લીધા વગર મુઠ્ઠી વાળીને જાય ભાગ્યો. મધમાખીએ માંડીને આખી વાત કરી કે શિકારી શું કામ જંગલમાં આવ્યો હતો?
જંગલની બાજુમાં એક નદી રહેતી ને વહેતી હતી ને ખળખળ કરતી ગીતો ગાતી ઘણુંબધું મજાનું કહેતી હતી. સિંહની ગર્જના ને આ બધો અવાજ સાંભળી હાથીભાઈ ત્યાં ધમધમ કરતાં દોડી આવ્યા. સિંહે બંધુકને મોઢામાં પકડી લીધી, પછી કહ્યું, ‘વાહ મીઠી મધમાખી. તેં મારો જીવ બચાવ્યો. ધન્યવાદ. તું નાની પણ તારું કામ બહુ મોટું. ચાલ, આપણે આ બંધુકને નદીમાં નાખી દઈએ.’
હાથીભાઈએ પોતાની સૂંઢ ઊંચી કરી કહ્યું, ‘વાહ માખી, તે બહુ સારું કામ કર્યું. સિંહને ને ઝાડને બચાવ્યાં. ને સિંહરાજા, ઊભા રહો, બંધુક નદીમાં નથી નાખવી. વળી કોઈક નદીમાંથી બંધુક ગોતી કોઈના ઉપર ગોળી ચલાવી કોઈને મારી નાખે તો?’ હાથીએ તો બંધુક ઉપર પોતાનો જાડોપાડો પગ વારંવાર મૂક્યો, અણીદાર દાંત ભરાવ્યા ને બંધુકના કરી નાખ્યા બે કટકા! શિયાળ ક્યાંકથી દીવાસળી વગેરે ગોતી આવ્યું ને સૌએ ભેગાં મળી બંધુક સળગાવી નાખી.
હાથી, મધમાખી. શિયાળ, કીડી ને સિંહ .. બધાં ગોળ કુંડાળું કરી બેસી ગયાં. કીડી કહે, ‘ચાલો આપણે બધાં નાચીએ.’ સૌએ એની વાત માની લીધી. સૌ ભેગાં મળી આનંદથી નાચવાં લાગ્યાં. નદીય રાજીની રેડ!
૦ ૦ ૦ – – – ૦ ૦ ૦
આ બાળવાર્તા ‘ગુજરાત સમાચાર’ સમાચારપત્રની ૦૧. ૦૪. ૨૦૨૩ની ‘ઝગમગ’ પૂર્તિમાં પ્રકાશિત થઈ હતી.
૧, જલારામનગર, નરસંગ ટેકરી, પોરબંદર. ગુજરાત. ભારત. 360 575
ઈ-મેઈલ: durgeshoza65@gmail.com