
પ્રીતમ લખલાણી
લીલાં પર્ણોની પથારીમાં આળસ મરડતા ચકાને ચકીએ આશ્લેષમાં લેતાં કહ્યું, ‘રાજા, આપણી જિંદગી તો, આ જંગલમાં સુખદુઃખે વીતી ગઈ, પણ આપણે હવે પાંખ ફફડાવવાનું શીખતાં બચ્ચાંના ભવિષ્યનું પણ કંઈ વિચારવું જોઈએ. આજે નગરનો નાગરિક દિવસે દિવસે કેટલી પ્રગતિ સાઘી રહ્યો છે. જેમ આપણે એક વૃક્ષ પરથી બીજાં વૃક્ષ પર જઈએ છીએ એટલી સરળતાથી માણસ ફકત ચંદ્રલોક્માં જ નહીં, પણ બીજા ગ્રહો પર હડિયાટ્ટી કરવા માંડ્યો છે.’
‘ચકી રાણી, તમારી વાત બિલકુલ સાચી છે? ખરેખર! હું મારી જાત પર બહુ જ શરમિંદો છું કે, મને આજ લગી કયારે ય આ બાબતનો વિચાર ન આવ્યો! આવતી કાલે, સૂર્ય ઊગે તે પહેલાં આપણે આ વૃક્ષમાંથી માળો સંકેલી લઈ કોઈ એક નગર તરફ જવા ઊડાન કરીશું.’
વહેલી સવારથી જંગલથી નગરની શોઘમાં આભમાં ઊડતા સવારનો સૂર્ય બપોરના ટાણે માથે આવી ચૂકયો હતો. ઉડાન કરતાં બચ્ચાં ક્યારનાં એકધારી ભૂખ તરસની ફરિયાદ કર્યે રાખતાં હતાં. ચકો અને ચકી, બચ્ચાંને આશ્વાસન આપતાં કહેતાં હતાં કે, ‘દીકરા, જરા ઘીરજ રાખો, હમણાં નગર આવી જશે.’
આભમાં ઊડતાં ચકીની નજર, એકાએક થોડેક દૂર મિલની ચિમનીમાંથી ધુમાડાના ગોટેગોટા વચ્ચે નાની મોટી ઊંચી ઈમારતો નજરે ચઢતા, તેણે ચકાને કહ્યું, ‘રાજા, પેલા ધુમાડા વચ્ચે ઝાંખી પાંખી ઊંચી ઈમારતો નજરે ચડે છે, ત્યાં આગળ કદાચ એકાદ નગરની સંભાવના હોઈ એવું મને લાગે છે.’
ચકીએ જણાવ્યા મુજબ, પરિવારે દૂર દેખાતાં ઊંચાં મકાનો અને ધુમાડા કાઢતી ચિમની તરફ ઉડાન શરૂ કર્યું, થોડુંક તે તરફ ઉડાન કરતાં ચકીની નજરમાં એક નગર ચડી આવ્યું. ‘નાથ, મને તો આ નગર જ આપણા ભાગ્યનું દ્વાર લાગે છે. જુઓ તો ખરા, નગરનાં તમામ નાનાં મોટાં મકાનોના આંગણામાં સુંદર મજાની રંગબેરંગીન રંગોળી પૂરેલી છે. નગરનું કોઈ દ્વાર લીલા તોરણ વિના નજરે ચડતું નથી. આંગણાં તુલસીકયારાથી કેવાં રૂપાળાં ભાસે છે. વળી તુલસીક્યારાના કોડિયાં કહી રહ્યાં છે કે, સવાર સાંજ ત્યાં દીપ પ્રગટ્યા હશે! તમે માનો ન માનો મને તો આ નગર સ્વર્ગ જેટલું જ રુડું રૂપાળું લાગે છે. મને નથી લાગતું કે આનાથી વિશેષ કોઈ સુંદર નગર આગળ ઉડાન કરતાં આપણને કયાં ય જોવા મળે. જો બઘાની ઈચ્છા હોય તો આપણે પાંખ સંકેલી આ નગરમાં કોઈ એકાદ વૃક્ષમાં માળો બાંઘવા ઉતરાણ કરીએ. બિચારા બચ્ચાં કયાં લગી આમ નગરની આશામાં ભૂખ તરસથી ટળવળતાં રહેશે.’
આ પ્રમાણે જણાવી, ચકીએ ફરી ચકાને કહ્યું, ‘રાજા, જુઓ તો ખરા, પહેલા આંગણામાં બે ચાર ધેધૂર વૃક્ષોના છાંયડે એક રળિયામણો કૂવો દેખાય છે. એક વૃક્ષની ડાળે પાણીથી ફાંટ ફાંટ છકાતી છીબ પણ ટીંગાય છે. આપણે બસ હવે અહીંયા જ ઊતરાણ કરી નાંખીએ. પેલી દેખાતી છીબમાંથી ધરાઈને પાણી પીએ, કૂવે હાથ પગ ધોઈ આસપાસના આંગણામાંથી તણખલાં વીણી પેલા ધેધૂર વૃક્ષની ટગલી ડાળીએ માળો બાંઘી બચ્ચાંને નિરાંતે આરામ કરતા મૂકી, આપણે નગરમાં સાંજની ખીચડી માટે ચોખા અને મગના દાણા ચણવા જઈશું!’
સાંજ ઢળતાં, ચકીએ ચકા અને બચ્ચાંની થાળીમાં ખીચડી પીરસી. સપરિવારે ધરાઈને પેટ ભરીને ખીચડી ખાઘી. બચ્ચાંને પરીઓની વાર્તા કહેતાં, ચકો અને ચકી પથારીમાં સુવડાવવાની તૈયારી કરતાં હતાં, બરાબર એ જ વખતે આખું નગર રંગબેરંગીન લાઈટોથી ઝળહળી ઊઠ્યું. માળેથી નગરના પ્રત્યેક આંગણામાં પ્રગટેલાં દીપનાં ટમટમતાં કોડિયાં જોઈ પરિવાર ખુશ થતું હતું ત્યાં જ આજ દીપાવલીની સાંજ હોવાથી આખું નગર ફટાકડાની આતશબાજીથી ક્ષણ વારમાં ધણધણી ઊઠ્યું. બચ્ચાં બિચારાં બીકનાં માર્યા માની ગોદમા ભરાઈ ગયાં. આવનારી બીજી ક્ષણે, એમનું શું થશે એ બીકે તરફડતાં, મનોમન પ્રભુને સવાર વહેલી પાડવાની પ્રાર્થના કરવા માંડ્યાં!
પરોઢ થતાં ચકીએ ચકાને કહ્યું, ‘સ્વામી, તમે મને માફ કરી દેજો. જંગલમાં હતાં ત્યારે મને લાગતું હતુ કે, નગરમાં જઈ વસવાટ કરી, બચ્ચાંને જીવનની સાચી કેળવણી આપી બાકીનું જીવન રાજીખુશીથી વૃક્ષની લીલી ડાળે ટહુકા વેરતા પ્રભુ ભજનમાં પૂર્ણ કરીશું. આ મારી એક મોટી ભૂલ હતી. ગઈ કાલની રાતના અનુભવ બાદ મને ખાતરી થઈ કે ભલા ડુંગરા તો દૂરથી જ રળિયામણા લાગે. મને નથી લાગતું કે આપણે બાળકોને જંગલ કરતાં ખાસ કોઈ વિશેશ કેળવણી આ નગરની સંસ્કૃતિમાં આપી શકીએ. તમે નહીં માનો, જંગલમાં હતાં ત્યારે આપણે જે નગરને સુખશાંતિનો એક વિસામો સમજતાં હતા, તે નગર તો મને અહીં આવ્યા બાદ સમજાણું કે, આ તો આતંકવાદનો ડેરો છે.’
e.mail : preetam.lakhlani@gmail.com