
પ્રીતમ લખલાણી
આખો દિવસ સારિકા સરપ્રાઈઝમાં શું સમાચાર, આપવાની છે તેની અવનવી અટકળ પર વિચારતાં કૌશલ્યા અને અવિનાશને એ પણ ખબર ન રહી કે ક્યારે સાંજ પડી ગઈ. ઘડિયાળમાં છના ટકોરા પડયા ન પડ્યા અને ડ્રાઈવ-વેમાં કૅબ આવીને ઊભી!
દીકરીના આગમનથી હરખાતાં કૌશલ્યાદેવી પગમાં ચંપલ પહેર્યાં વગર છેક કૅબ લગી દોડી ગયાં. સારિકાના હાથમાંથી બેગ લઈ લીઘી.
દીકરી અને મામ, હજી ડ્રાઈવ-વેમાં વાતો કરતાં હતાં ત્યાં તો અવિનાશજીએ ઘરની બહાર આવી વૉલેટમાંથી પચાસ ડોલરની નોટ કાઢીને કૅબ ડ્રાઈવરના હાથમાં મૂકતા કહ્યું, ‘Keep the change’.
‘દીકરા, કેમ છે?’
‘ડેડ, I am so happy.’
‘That’s good, તારી મમ્મીને હું કેટલા મહિનાથી રોજ કહી કહીને થાક્યો, પણ તેણે મારા માટે પૂરણપોળી ન બનાવી, જ્યારે પણ હું કહું કે દેવી, આજ પૂરણપોળી બનાવો, તો તે તરત જ કહેશે કે, તમારે જરૂર નથી! પણ આજ તું આવવાની છો એટલે તેણે તારા માટે ઝટ દઈને બનાવી નાખી!’
સારિકા અવિનાશજીની સામે ડાઈનિંગ ટેબલ પર બેઠી એટલે કૌશલ્યાએ પૂછ્યું, ‘બેટા, સારિકા, ભૂખ લાગી છે ને?’
‘Yes, Mom, very much!’
‘તો પહી કોની વાટ જુએ છે? ચાલો આપણે સીઘા જ જમવા જ બેસી જઈએ! બઘી જ રસોઈ તૈયાર છે!’
અવિનાશે …. કૌશલ્યાદેવીના સૂરમાં તાલ મિલાવતાં કહ્યું, ‘હા…હા…બસ, બેસી જ જઈએ. સારિકા તને જ નહીં હો, મને પણ ક્યારની ભૂખ લાગી’.
‘ડેડી, તમને તો ભૂખ લાગી જ હશે! કદાચ તમે તો જમી કરીને બેઠા હો અને તમારી સામે જ પૂરણપોળી મૂકી દઈએ તો તમને ફરી પાછી ભૂખ લાગી જ જાય!’
‘દીકરી, તારી વાત સાવ સાચી છે! જિંદગીમાં મને ફકત ત્રણ જ વસ્તુ વહાલી છે. એક તારી મમ્મી, બીજી તું અને ત્રીજી પૂરણપોળી.’
હરખજમણની મજા માણતાં અવિનાશજીએ સારિકાને કહ્યું, ‘બેટા, કાલથી અમે બંને જણા અવનવા વિચારોમાં ગોથાં ખાઈએ છીએ’, અને પછી અવિનાશજીએ પોતાના અને કૌશલ્યાના મનના તરંગોની વાત છૂટી મૂકી.
‘Please Dad, stop It, No લગ્ન! No રેસિડેન્સી at ટેમ્પા!’
‘તો પછી શું સરપ્રાઈઝ છે અમારા બંને માટે!’ ખુશખુશાલ હૈયે કૌશલ્યાદેવીએ પૂછી નાંખ્યું!
‘મામ, હું પ્રેગનન્ટ છું! મમ્મી બનવાની છું!’
સારિકાની વાત સાંભળી, કૌશલ્યાદેવી અને અવિનાશજીનો કોળિયો હાથમાં જ રહી ગયો!
બંને જણા એક્મેકના મોઢા સામું જોવા માંડ્યા. મામ અને ડેડમાંથી હવે કોણ પ્રથમ તેની સાથે વાર્તાલાપ કરે છે, તે જોવા સારિકા શાંત ચિતે વિચારતી બેઠી.
બેચાર ક્ષણ ખામોશ રહી, આખરે કૌશલ્યાએ વાતની શરૂઆત કરી. ‘દીકરા, જે થઈ ગયું તેને આપણે ઈશ્વર ઈચ્છા એમ સમજી લઈએ, પણ તને એક વાત કહી દઉં. આપણા ઇન્ડિયન સમાજના કાને આ વાત જાય તે પહેલાં જ અમે તારા લગ્ન; તું જેના થકી મા થવાની છો તે છોકરા જોડે, I mean તારા boyfriend સાથે કરી દઈએ.’
પ્લેટમાં ફોર્કનો ઘા કરતી, સારિકા ગુસ્સામાં બરાડી ઊઠી, ‘મામ, who car’s about your Indian society! હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું. મને તમારા ભારતીય સમાજની બિલકુલ ચિંતા નથી!
ક્યારના ય શાંત ચિતે મા દીકરીની વાત સાંભળતા, અવિનાશજીએ આખરે હોઠ ખોલ્યા, ‘દીકરા, તારી વાત આમ જોવા જઈએ તો સાવ ચાચી છે. તારી અંગત જિંદગીમાં બીજાને દખલ દેવાનો શો અઘિકાર! પણ દીકરા, તારો બાપ હોવાને નાતે તો તને બેચાર અંગત સવાલ પૂછી શકું કે નહીં?’
‘Sure ડેડ, હું તમને અથવા મામને સવાલ પૂછવાની કયાં ના પાડું છું? મને વાંઘો છે જેની સામેનો તે આપણા રૂઢિચુસ્ત સમાજનો!’
‘તો સાંભળ, દીકરા, તું મને તારા બૉય ફેન્ડ વિશે જરા વિગતવાર વાત કહીશ, તે કોણ છે? શું કરે છે? તારી સાથે તે રેસિડેન્સી કરે છે કે પછી!’
‘ડેડી, હું તમને સાચું કહું, હું જેનાથી પ્રેગનન્ટ થઈ છું. તેની સાથે મારે કોઈ જાતનો સંબંઘ નથી. નથી એ મારો બૉયફેન્ડ કે પછી કોઈ ખાસ મિત્ર!’
સારિકાનો જવાબ સાંભળી, કૌશલ્યાબહેન પાછા ઉતાવળે જ વચમાં બોલી બેઠાં, “સારિકા, જીવનમાં ભૂલ તો થઈ જાય! જો ખરેખર! આ ભૂલ જ હોય તો, ભલે આપણે ધર્મે જૈન હોવા છતાં, હું તને કહું છું કે તું જેમ બને તેમ જલદીથી એબોર્શન કરાવી નાખ!’
‘અરે! મામ, જો મારે ઍબોશન જ કરાવી નાંખવું હોત તો, મેં ક્યારનું કરાવી નાખ્યું હોત. શું મારે તમને આ બાબતની કોઈ જાણ કરવાની જરૂર હોત ખરી?’
‘કૌશલ્યા, મહેરબાની કરીને તું જરા બે પાંચ મિનિટ શાંત રહીશ? મને સારિકા જોડે શાંત ચિત્તે વાત કરવા દે!’
‘લ્યો ત્યારે, તમે બાપ દીકરી પડો ઊંડી ખાઈમાં!’
‘સારિકા, દીકરા, જો એ તારો બૉય ફેન્ડ કે અંગત મિત્ર ન હોય તો પછી આ બઘું એકાએક થયું કેવી રીતે?’
‘ડેડ, તમને તો ખબર છે. હું નાની હતી ત્યાંરથી આફ્રિકન અમેરિકન અભિનેતા ડેન્ઝલ વોશિંગ્ટનની ફેન છું. મેં જ્યારે યુવાનીમાં કદમ મુક્યો તે દિવસથી મારા મનમાં એક જ ઈચ્છા હતી કે મારી જિંદગીમાં અભિનેતા ડેન્ઝલ વોશિગ્ટન આવે તો મારી જિંદગી ધન્ય ધન્ય થઈ જાય. આ તો થઈ એક સ્વપ્નની, ફેન્ટસીની વાત વાસ્તવિક જિંદગીમાં આ વાત તો કોઈ કાળે બની શકે નહીં, ખરુંને?
ફિલાડેલ્ફિયામાં હું જે ઍપાર્ટમેન્ટ કૉમ્પ્લેકસમાં રહું છું ત્યાં ત્રણેક મહિના પહેલાં રોજ સવાર-સાંજ એક આફ્રિકન અમેરિકન ચોગાન સાફ્સફાઈ કરવા માટે આવતો. સવારે હૉસ્પિટલ જતાં અને સાંજે ઘરે પાછા ફરતાં મારી નજર રોજ તેની સાથે ટકરાતી.
આ આફ્રિકન અમેરિકનમાં મને મારાં સ્વપ્નના રાજકુંવર ડેન્ઝલ વૉશિગ્ટનની મૂર્તિ અંકિત થતી દેખાઈ. ડેડ, હું શું તમને કહું; આ અલી છ ફૂટ લાંબો, મજબૂત, ભરાવદાર શરીરવાળો યુવાન. પેલા ડનલોપ ટાયરની કોમરશિયલ ચમકતા રૂપકડા મૉડેલ સમો લાગતો હતો!
જ્યારે પણ મારી નજર તેના પર જતી ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે ભલે આ યુવાન મારી જિંદગીમાં સદા માટે ન આવી શકે તો કાંઈ નહીં, પરંતુ જો બે ચાર દિવસ પણ તેની સાથે જીવવા મળે તો મારું આખું જીવન ધન્ય થઈ જાય.
એક સાંજે હૉસ્પિટલથી ઘેર પાછી ફરી રહી હતી, ત્યારે અલી મારા આંગણામાં લૉન કાપી રહ્યો હતો. મેં હિંમત કરીને સામે ચાલીને અલીને હાય હલ્લો કર્યું. તેની સાથે થોડીક હળવી વાતો કરતાં જ મેં તેને પૂછી લીધું કે આવતા વીક-એન્ડમાં તું શું કરે છે? જો તું કાંઈ કરતો ન હો તો મને ન્યૂયોર્ક ફરવા જવા માટે સાથ આપ. ઈશ્વર ઈચ્છાથી અલીએ કોઈ પણ જાતની આનાકાની કર્યા વગર મારું આમંત્રણ સ્વીકારી લીધું.
હું અને અલી મોજમજાથી આખું વીક-એન્ડ ન્યૂયોર્કની ગલીઓમાં હાથમાં હાથ નાખીને રખડ્યાં, મેનહટનની નાની મોટી રેસ્ટોરન્ટમાં ખાધું પીધું અને મનગમતા બારમાં સાંજે નાચગાન સાથે શરાબની મસ્તીમાં ઝુમ્યાં. મોડી રાત્રે જ્યારે આંખો ઘેરાવા માંડતી ત્યારે હૉટેલમાં આવી એક બેડમાં એક્મેકની હૂંફમાં સવારના સૂર્યનો ઈંતજાર કરતાં સૂઈ જતાં. વીકએન્ડ પૂર્ણ થતાં પાછા ન્યૂયોર્કથી ફિલાડેલ્ફિયા આવી અમે અમારી જિંદગીમાં ગોઠવાઈ ગયાં. ત્યાર બાદ મેં અલીને ફરી કયારે ય મળવાની કોશિશ કરી નથી! કારણ કે હું મનથી તેને ચાહતી ન હતી મને ફકત તેના શરીરનું જ આકર્ષણ હતું.
‘ડેડ, હું તમને એક ખાસ વાત કહેવા માગું છું, હું એક સ્વતંત્ર અમેરિકન સ્ત્રીની સીંગલ મધર્સની જિંદગી જીવવા ઈચ્છું છું. વર્તમાનમાં મારે લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી. આવનારા મારાં બાળકને હું મારી રીતે ઊછેરીશ. ભવિષ્યમાં જો મને ક્યારેક જીવનમાં એકલતા જણાશે, તો હું મારી રીતે મારું પાત્ર શોધી લઈશ અને મારે માટે એ કાંઈ જરૂરી નથી કે મારે ઇન્ડિયન છોકરા સાથે જ લગ્ન કરવા!’
‘સાંભળ, કૌશલ્યા, જેવી પ્રભુની ઈચ્છા! સારિકા સિવાય આપણી જિંદગીમાં બીજું કોણ છે? ભલે આપણે તેના લગ્નનો લ્હાવો ન લઈ શક્યા તો કંઈ નહીં, પરંતુ તેનું બેબીશાવર તો આપણે ધામધૂમથી કરશું!’
e.mail : preetam.lakhlani@gmail.com