વિદ્યાયાત્રાના કેટલાક અંશ ફરીથી પ્રકાશિત કરું છું :
૫ : અધ્યાપનકાળના કેટલાક બનાવો
ઉપલેટા કપડવણજ બોડેલી અને અમદાવાદ એમ સઘળાં અધ્યાપનસ્થળો દરમ્યાનના કેટલાક બનાવો મને બહુ યાદ રહી ગયા છે :
ઉપલેટામાં ૧૯૬૪માં હું પ્રોફેસરપદે હતો. કારકિર્દીનો એ શુભારમ્ભ હતો.
પહેલા વર્ષે અમે કેટલાક અધ્યાપકો નવા ને અમારા પ્રિન્સિપાલ પણ નવા. પ્રોફેસર હોવાથી હું પ્રિન્સિપાલ પછીનો ફર્સ્ટ આસિસ્ટન્ટ. તે મને કહે, ટાઇમટેબલ બનાવી દો. મને કેમ આવડે? મેં બીજા બેએક મિત્રોની મદદ મેળવીને બનાવેલું.
અમે કેટલાક અધ્યાપકો ‘ભવાન ગોકળની ચાલ’-માં ઉપલા માળે રહેતા’તા અને ‘પ્રિન્સિપાલ-નિવાસ’ નીચે ગ્રાઉન્ડફ્લોર પર હતો. રશ્મીતાના પત્રો ત્યારે હું કૉલેજના સરનામે મંગાવતો તે લેવા અને આમે ય કૉલેજના કામે મારે અવારનવાર નીચે એમને ત્યાં જવું પડતું’તું. કેમ કે એમને વાતે વાતે મદદની જરૂર પડતી. એમનાં પત્ની મિલનસાર. મને કહે, તમારે સાહેબને નાનીમોટી હૅલ્પ કરતા રહેવું. પછી હસીને કહેતાં, લૉ આ તમારો પ્રેમપત્ર, આજે જ આવ્યો. એમ લૅણાદૅણીનો પણ મીઠો સમ્બન્ધ ઊભો થયેલો.
પણ એ સમ્બન્ધ વિકસે એ પહેલાં બીજે વર્ષે તેઓ અમદાવાદ ચાલી ગયેલા. મેં જ્યારે સાંભળેલું કે તેમનું મૃત્યુ અ-સહજ હતું, મન ખિન્ન થઇ ગયેલું.
પ્રિન્સિપાલ બદલાઇ ગયેલા ને તેથી એકડો નવેસર ઘૂંટવાનો વારો આવેલો. કેમ કે એ તો કારણ વગરના ચીકણા હતા. વળી, સાહેબગીરીના શોખીન તે વાતે વાતે અમને બધાને મૅમા આપે. લખ્યું હોય : બે દિવસમાં ખુલાસાવાર જવાબ કરજો : એમણે મને પણ મૅમો આપેલો. કારણ શું? એ કે – તમે રવિવારે ધોરાજીના વિદ્યાર્થીને ત્યાં ગયા તે ઠીક ન કર્યું. વિદ્યાર્થીની બીહેવીયર સારી નથી. હું એકલો તો ગયો ન્હૉતો, બેત્રણ બીજા અધ્યાપકો પણ હતા ! અને વિદ્યાર્થી તો બાપડો એના ખેતરે અમને મગફળી ને ગૉળ ખાવા લઇ ગયેલો. મને યાદ છે, એણે સૌરાષ્ટ્રની ઢબના અડદિયા પણ ખવરાવેલા. આખો વખત મૅમાનું કાગળિયું જોયા કરું. મન મારું બેચૅન થઇ ગયેલું.
પરન્તુ સદ્ભાગ્યે એ વર્ષે બે નવા અધ્યાપકમિત્રો જોડાયેલા – પૂરા કાઠિયાવાડી જણ. મને ક્હૅ, એમાં શું ! મામાને સીધો કરશું. જો કે એ વાતે હું વળી ફફડતો’તો.
સારું હતું કે સામે ઑઇલમિલ હતી ને પિલાતી મગફળીની સોડમ રાતદિવસ આવ્યા કરતી’તી. મોટી બારીમાંથી ચન્દ્ર જોઉં એટલે મન પ્રસન્ન થઇ જતું. બાજુમાં વેપારી રહેતા’તા. ક્હૅતા – સુમનભાઇ, આ તેલનો ડબ્બો હાલ ત્રીસમાં મળે છે ઇ એક દી ત્રન્સોમાં મળતો થૈ જસે. એમને ક્યાં ખબર હતી કે ડબ્બો તો ઉત્તરોત્તર વધીને ચાર આંકડાનો થઇ જવાનો’તો !
ચાલની બાજુમાં મગફળીનો ખુલ્લો ભંડાર હતો. એ તરફ ભીંતે કોટે કોટે ચાલતા જવાય ને ત્યાં બેસીને મગફળી જેટલી ખાવી હોય એટલી ખવાય. ઘરે લઇ જવાની ચોખ્ખી મનાઇ. રસ્તા પર થોડે આઘે એક ફાફડાવાળો હતો. ગરમાગરમ ઉતારતો હોય. કાચી મગફળીથી મારું માથું ચડતું ને ફાફડા જોડેનાં મરચાં હું કદીક જ ખાઇ શકતો.
ત્યારે ઉપલેટામાં એક ભારે ભડ વકીલ હતા. ગામ આખાના પ્રશ્નો જાણે ને ઉકેલે. લોક પણ એમની પાસે દોડ્યું જાય. અધિકારીઓ એમનાથી બીવે. એક રવિવારે મારે ત્યાં અમે મિત્રો ફાફડાભોજન કરતા’તા, અમારામાંથી કોઇએ બારીમાંથી જોયું તો વકીલ જતા’તા. મને ક્હૅ, વકીલ જાય છે, બોલાવો બોલાવો. મેં બોલાવ્યા. એ આવ્યા. વકીલ પૂછે, પ્રિન્સિપાલને ફાફડા ખાવા – ? આમ હોય કૈં? બોલાવો એમને !
બોલાવ્યા તો વકીલનું નામ સાંભળીને પ્રિન્સિપાલ ઝટ આવ્યા. બેઠા. ફાફડો ખાતા’તા એ દરમ્યાન મહા સંકટકારક બનાવ શરૂ થયો.
વકીલે સ-સ્મિત પ્રિન્સિપાલના ખિસ્સાની પેન કાઢી, ખોલી ને ઊંધી કરીને શાહીને ફ્લોર પર ઢોળી દીધી – ક્હૅ, આજ પછી કોઇને મૅમા આપસો ને સાયેબ, તો ઉપલેટે રહૅવાસે નૈં, હમજ્યા ! સોપો પડી ગયો. પ્રિન્સિપાલ મૉં ચડાવીને જતા રહ્યા. વકીલ પણ – તમે લોકો નિરાંત રાખો, હું બેઠો છું, કહીને નીકળી ગયા. મિત્રો પણ વેરવિખેર થઇ ગયા. હું ને રશ્મીતા શિયાવિયા. અમને થાય, આ શું બની ગયું આપણે ત્યાં.
શાઇ તો મેં લૂછી નાખેલી પણ બીજે દિવસે સવારે અમને બધાને તાજા મૅમા મળેલા. લખેલું, પ્રિન્સિપાલનું અપમાન કરવાનું પૂર્વાયોજન, મુખ્ય જવાબદાર છે, સુમન શાહ, પગલાં લેવાશે. કૉપી ઍડમિનિસ્ટરને ફોરવર્ડ કરેલી.
ત્યારે કૉલેજ ઉપલેટા મ્યુનિસિપાલિટી ચલાવે પણ અનેક કારણોસર સુપરસીડ થયેલી એટલે ઍડમિનિસ્ટ્રેટ ફાઇનલ ઑથોરિટી હતા. પગલાં તો એ કે – છૂટા કરવામાં આવશે. કેમ કે પ્રિન્સિપાલે હઠ પકડેલી – કાં આ બધા નહીં, કાં હું નહીં.
કાઠિયાવાડી બન્ને બળિયા મિત્રો બાતમી મેળવી લાવ્યા – આપણને બધાને છૂટા કરવાની નોટીસો ટાઇપ થઇ ગઇ છે. પણ બન્ને કહે – ગભરાશો નહીં, અમે બિલકુલ એની વાંહે લાગેલા છીએ.
વાત એમ હતી કે ઍડમિનિસ્ટ્રેટરની દીકરી કૉલેજમાં ભણતી’તી, રશ્મીતા એને જાણે. એને કાને વાત નાખી એટલે, વગેરે લાંબી વાર્તા છે પણ ટૂંકમાં કહું કે, ઍડમિનિસ્ટ્રેટરના ઘરે અમને સૌને બોલાવાયા. મીટિન્ગ ગોઠવાણી. અમે પાથરણા પર નીચે બેઠેલા. એઓ ખુરશી પર.
બધાને એક પછી એક ખુલાસા કરવા કહ્યું. છેલ્લો સવાલ મને કરવામાં આવ્યો : તમારા ઘરે પ્રિન્સિપાલ જેવા પ્રિન્સિપાલ જોડે આવો અઘટિત બનાવ બન્યો, તમારે શું કહેવાનું છે? મેં કહ્યું – સર, જે થયું તે ખોટું થયું છે. મારે ત્યાં થયું એ માટે હું ખરેખર દિલગીર છું. પણ એક વાત નક્કી કહું કે એ માત્ર અકસ્માત હતો.
ત્યાં પેલા મિત્રોએ કહ્યું – અમને છૂટા કરાતા હોય તો ભલે કરો, પણ સાહેબ, પ્રિન્સિપાલે બીજી કૉલેજમાં ઑર્ડર મેળવેલો છે, એમના વતનમાં, આપડી કૉલેજ છોડી જવાના છે. ઍડમિનિસ્ટ્રેટરે કહ્યું, એમ છે? ભલે. તમે જઇ શકો છો.
એમણે પૂરેપૂરી માહિતી મેળવીને ખાતરી કરેલી ને અમારી નોટિસો રદ કરેલી. મને કહેવામાં આવેલું – તમને પ્રિન્સિપાલ બનાવીએ. પણ મારે બનવું ન્હૉતું. પ્રોફેસર રહેવું’તું. કપડવણજ અને ડાકોરના બે-બે ઑર્ડર છેક ફેબ્રુઆરીથી મારા હાથમાં હતા. મારે તો વહેલી તકે ‘ગુજરાત’ જવું’તું. કોઈ અમદાવાદ તરફ જાય તો એ લોકો ક્હૅતા – ગુજરાત જવાના, નૈં…
ડાકોરને બદલે હું કપડવણજ ગયો. કપડવણજમાં પહેલી વાર કામૂની નવલકથા ‘આઉટસાઇડર’ વાંચી ને નાયક મ્યરસોંને એમ કહેતાં સાંભળ્યો કે – આરબની હત્યા કરવાનો પોતાનો આશય ન્હૉતો, એ તો તડકાને કારણે થયેલું – બીકૉઝ ઑફ ધ સન. ત્યારે મને ઉપલેટાવાળો પ્રિન્સિપાલના અપમાનનો બનાવ યાદ આવી ગયેલો. મારે પણ એવું જ કંઇક કહેવું હતું કે – એવો મારો ઇરાદો ન્હૉતો, એ તો ફાફડાને કારણે બનેલું …
જો કે એ બુઝુર્ગ મનુષ્યની છબિ જ્યારે જ્યારે ચિત્તમાં જાગે છે ત્યારે ત્યારે મને દિલસોજી થાય છે ને એમ પણ થાય છે કે એમ ન થયું હોત તો સારું થાત.
(ક્રમશ:)
= = =
(November 24, 2021: Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર