અધ્યાપનકાળના કેટલાક બનાવો (2)
જો કે મને મારી નાખવા લગીની ઘટનાઓ પણ ઘટી છે.
એ જ ઉપલેટામાં જી.ઍસ.ને બહુ જ ફિશપૉન્ડ મળેલાં. જનરલ સૅક્રેટરીઓ એ જમાનામાં તો નાના રાજકારણી ગણાય. પણ વિદ્યાર્થીઓ જી.ઍસ.ની મશ્કરી કરવામાં પાછીપાની ન કરે. એને મળેલાં ફિશપૉન્ડમાં એવું કશું અજૂગતું ન્હૉતું. બધાંનાંની તારવણી મેં કરેલી. મને કહે – તમે પાસ કર્યાં જ કેમ. મેં કહ્યું – એ તો જે હોય એ સ્વીકારવાનાં હોય છે ને ભલામાણસ, એની મજા લેવાની હોય.
પણ એટલી સાદી વાત એ માન્યો નહીં, મને ક્હૅ – હું તમને જોઇ લઇશ, જોઉં છું કે ધોરાજી છરકીને કેવા જાવ છો ગુજરાત. ટ્રેન પર મળશું.
એ ધોરાજીનો હતો. અમે વૅકેશન માટે ‘ગુજરાત’ જતાં’તાં, ટ્રેન ધોરાજી સ્ટેશને પાંચ મિનિટ થોભે. મેં અને રશ્મીતાએ એક સહપ્રવાસી સરદારજીને કહી રાખેલું – હૅલ્પ કરના, પ્લીઝ … એ તો આવ્યો. ઝપાઝપી થયેલી પણ લાંબી ચાલે એ પહેલાં એને ઊતરી જવું પડેલું કેમ કે ટ્રેન ચાલુ થઇ ગયેલી. મારું શર્ટ ચોળાઇ ગયેલું.
આ વાર્તા ઉત્તરાર્ધે સુખાન્ત હતી. એ રીતે કે વૅકેશન માણીને અમે પાછાં ફરતાં’તાં ત્યારે ધોરાજીના એ જ સ્ટેશને એણે અમારી ભરપૂર માફી માગેલી – સાએબ, મોટી ભૂલ થૈ ગૈ. વીસરી જજો.
મેં માફી આપેલી એનો પ્રતાપ હશે કે શું મોટી ઉમ્મરે એણે સક્રિય રાજકારણી તરીકે નામ કાઢેલું. આજે પણ જો મળી જાય તો મને ગમી જાય, હું એને ભેટું. પણ એટલું બધું તો કદી બનતું નથી હોતું.
કપડવણજના પ્રિન્સિપાલ પણ ઑલ્ડ-સ્કૂલ ડિસિપ્લિનરી હતા. અંગ્રેજ પ્રોફેસરો પાસે ભણેલા. જો કે મૅમા ન્હૉતા આપતા. પણ સવારે સાત વાગે શરૂ થનારી કૉલેજનાં પગથિયે છ-પિસ્તાલિસે ઊભા જ હોય. વિદ્યાર્થી કે અધ્યાપક મૉડો આવે એ એમને પાલવે જ નહીં. એ તો સારી વાત હતી. પણ કહે – નાતાલની રજાઓ નહીં આપું, એ આપણો તહેવાર નથી, આ વખતથી બંધ.
ત્યારે પણ હું ફર્સ્ટ આસિસ્ટન્ટ તે એમની જોડે રૂડો સમ્બન્ધ હતો. એમના વિજ્ઞાનવિષયક લેખો તેઓ ‘સંસ્કૃતિ’-માં છપાવતા. મને ક્હે, મારું ગુજરાતી જોઈ જજો. હું પ્રેમથી જોઈ દેતો. મેં કહ્યું, સાહેબ, ક્રિસ્ટમસબ્રેક ઑફિશ્યલ છે, આ રજાઓ યુનિવર્સિટીએ આપેલી છે. ક્હૅ, ભલે એમ હોય. ન જ માન્યા. હડતાલ પડી. રજિસ્ટ્રારનો એમના પર ફોન આવ્યો. રજાઓ આપવી પડી.
મને તે દિવસથી આગ્રહ, સદાગ્રહ અને દુરાગ્રહના ભેદ સમજાઇ ગયેલા.
અમારા પહેલા દીકરાના જન્મના સમાચાર આપવા, ફોન એમને ત્યાં તે વધાઇ આપવા, મારે ત્યાં જાતે આવેલા. પણ જ્યારે મેં કહ્યું, મારે રશ્મીતાને મળવા ડભોઇ જવું છે, રજા જોઈએ છે. તો ક્હૅ, તમારે ત્યાં જઈને શું કામ છે, બે દિવસ વીતી ગયા છે, ડિલિવરી તો સક્સેસફુલ થઇ છે ! મારે એમને કેમ સમજાવવું કે ‘આવી જોઇ દયિત ઉચરો લોચને કોણ જેવો’ કહેવાને ઝંખતી સદ્યપ્રસૂતાની આતુરતા શી હોય …
બોડેલીમાં હું કયા નસીબે પ્રિન્સિપાલ થયો, ભગવાન જાણે. પણ એ સાડાપાંચ વર્ષના ગાળા દરમ્યાન ‘નવનિર્માણ’ આંદોલન પણ શરૂ થયેલું. તે ઘણી જ ઝંઝટભરી મુશ્કેલીઓમાં મુકાયેલો. ટોળાં આવે ને કૉલેજ બંધ કરાવીને છોડે. છેલ્લે તો તદ્દન બંધ કરવાની વાત આવેલી. મેં કહેલું – એવી જરૂર નથી, વિદ્યાર્થીઓ કૉલેજ પૂરી થાય પછી આંદોલનમાં જરૂર જોડાશે. પણ કોઇ માનવા તૈયાર નહીં.
હું સ્કૂટર પર જતો’તો ને સામાવાળો જાણીજોઇને અથડાયો. મને પિત્તળની મૂઠથી માર્યો. એની પન્ચ મારા સદ્ભાગ્યે ગળા પર કે છાતી પર ન લાગી, નહિતર હું કદાચ જીવ્યો જ ન હોત. પણ ગાલ પર ખૂબ વાગેલું, આંખ સૂજી ગયેલી. હું એક મહિના લગી પથારીવશ હતો. બોડેલીમાં રૂ-નો વેપાર, જિનમાં ઢગલાબંધ રૂ ખડકાયાં હોય. કહે કે – કૉલેજ બંધ નહીં કરો તો જિન બાળી નાખશું.
મૅનેજમૅન્ટે મને મનાવ્યો કે નમાવ્યો. એક અદનો પ્રિન્સિપાલ શું કરી શકે? સમજાય એવું છે.
= = =
(ક્રમશ:)
(November 26, 2021: Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર