ભારતમાં મીડિયા ત્રણ પ્રકારનાં છે. એક છે ગોદી ટી.વી. ચેનલો જે ચોવીસે કલાક સરકારનો બચાવ કરવાનું અને અથવા દર્શકોનું ધ્યાન બીજે ભટકાવવાનું કામ કરે છે. વર્તમાન શાસકોને માફક ન આવે એવું ભારતમાં કે દુનિયામાં કાંઈ પણ થાય ત્યારે તેઓ કૂદી પડશે. આવી ગોદી ચેનલો ભક્તોને બહુ ભાવે છે. ભક્ત રાતના જમીને, મોઢામાં ગુટકો ઓરીને, ટી.વી. સામે બેસી જશે. બરાબર નવ વાગે પ્રાઈમ ટાઈમમાં ડાકલાં વાગવાનું શરૂ થાય અને સવા નવ વાગ્યા સુધીમાં તો ભક્ત ધૂણવા લાગ્યો હોય. સાડા નવ વાગે મોબાઈલ હાથમાં લઈને ‘દેશના દુશ્મનોને’ ગાળો આપવાનું શરૂ કરશે. પાછો, ભલો તો ખરો જ! સવારે ઊઠીને ગૂડ મોર્નિંગના મેસેજમાં, ‘સકળ સંસાર’નું ભલું થાય એવી શુભેછા વ્યક્ત કરશે.
બીજા પ્રકારના મીડિયા પ્રિન્ટ મીડિયા છે. તેમાં ભાટાઈ પ્રમાણમાં ઓછી જોવા મળશે. એટલા માટે નહીં કે તે બહુ જવાબદાર છે, પણ એટલા માટે કે તેમની મજબૂરી છે. ધૂણાવવાનું કામ જેટલું અસરકારક ટી.વી. ચેનલો કરે છે, એટલું અસરકારક છાપેલો શબ્દ નથી કરી શકતો. આને કારણે જેનાં હિત ખાતર ભક્તોને ધૂણાવવામાં આવે છે, એ હિત ધરાવનારાઓ ગોદી ચેનલોને પોષે છે, પ્રિન્ટ મીડિયાને નથી પોષતા. જો હાથમાં જોઈએ એટલું કાંઈ ન આવતું હોય તો ભૂંડા શા માટે થવું? સંયમનું પહેલું કારણ આ છે.
સંયમનું બીજું કારણ એ છે કે અખબારો-સામયિકો વિવિધ ભારતીય પ્રદેશોમાંથી અને વિવિધ ભારતીય ભાષાઓમાં પ્રકાશિત થાય છે અને તેમાં તેમને ગેર-બી.જે.પી. શાસકોના હિતોનું ધ્યાન રાખવું પડે છે. કેટલાંક રાજ્યોમાં દર પાંચ વર્ષે સરકારો બદલાતી રહે છે એટલે ભવિષ્યનો પણ વિચાર કરવો પડે. આ સિવાય પ્રદેશવાર વાચકોની અલાયદી તાસીર હોય છે. ‘ગુજરાત મિત્ર’નો વાચક ‘ફૂલછાબ’ના વાચક કરતાં થોડો જુદો પડે છે. વાચકોનો પોતાની પસંદગીના અખબાર-સામયિક સાથે એક પ્રકારનો ભાવનાત્મક સંબંધ હોય છે અને ખાસ પ્રકારની અપેક્ષા હોય છે. એ દૃષ્ટિએ ટી.વી. ચેનલો ચહેરા વિનાનું માધ્યમ છે. ટી.વી. ચેનલો પણ ચહેરો વિકસાવી શકે જેમ બી.બી.સી. અને અલ-ઝઝીરા ચહેરો ધરાવે છે, પણ એને માટે સ્વતંત્ર બનવું પડે અને પ્રાઈમ ટાઈમનાં ડાકલાં બંધ કરવાં પડે. હમીદ અન્સારી જ્યારે દેશના ઉપ-રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમના ખાતામાં આવતી રાજ્યસભા ચેનલે સાંસ્કૃતિક-સામાજિક વિમર્શનો ચહેરો વિકસાવ્યો હતો. ટૂંકમાં અખબારો અને વાચકોનો મળીને એક પરિવાર બનતો હોવાથી અખબારો એક હદથી વધારે લૂગડાં ઊતારી શકતાં નથી. ટી.વી. ચેનલોવાળાઓ આવી કોઈ પારિવારિકતા નડતી નથી એટલે તે ગમે તે હદે નીચે ઊતરી શકે છે.
પ્રિન્ટ મીડિયાનાં સંયમનું ત્રીજું કારણ એ છે કે લખાણ, મુદ્રણ અને પ્રકાશનને લગતા કાયદાઓ તેને નડે છે. જ્યારથી મુદ્રણકળા વિકસી, મુદ્રણયંત્રો આવ્યાં અને અખબારો અને સામયિકો પ્રકાશિત થતાં થયાં એમ તેને લગતાં કાયદાઓ ઘડાવા લાગ્યા, જે બધા અંકુશ અને નિયમનને લગતા છે. આ કાયદાઓ અખબારોને બેફામ બનતા અટકાવે છે. ટી.વી. ન્યુઝ ચેનલો હજુ નવી ઘટના છે એટલે તેના નિયમનને લગતા કાયદાઓ કાં તો છે જ નહીં, અને છે તો નિર્બળ છે. ટી.વી. ન્યુઝ ચેનલોએ પોતાનો અલગ ચોકો કર્યો છે અને તેના માલિકો આત્માનુશાસકના રૂપાળા નામે સરકારને કાયદાઓ ઘડવા દેતા નથી. શાસકોને પણ બેફામ ટી.વી. ચેનલોને અંકુશમાં રાખવામાં રસ નથી, કારણ કે તે તેમને માટે કામ કરે છે. વાચકો કે દર્શકોને કોઈ કાન પકડીને ઘટનાઓનું અર્થઘટન કરી બતાવે કે માર્ગદર્શન કરે એવા લોકો કરતાં ધૂણાવનારાઓનો શાસકોને વધુ ખપ છે. બીજું ટી.વી. ચેનલોના માલિકો ઉદ્યોગગૃહોના માલિકો પણ છે અને તેમનાં સાસકો સાથે હિતસંબંધ છે. તેઓ નિયમનને લગતા કાયદાઓ ઘડવા દેતા નથી અને શાસકોને ઘડવા પણ નથી. આમ એક પ્રકારની મિલીભગત છે.
બધી જ ટી.વી. ન્યુઝ ચેનલો કોર્પોરેટ કંપનીઓની માલિકીની છે એવું નથી. કેટલાક અખબારી જૂથોની માલિકીની ચેનલો પણ છે. એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ કે અખબારીજૂથોના માલિકો બેવડાં ધોરણો અપનાવે છે. જેમ કે ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ ઠાવકું પત્રકારત્વ કરશે અને તેની માલિકીની ટી.વી. ન્યુઝ ચેનલ ‘ટાઈમ્સ નાઉ’ ભક્તોને ધૂણાવવાનું કામ કરશે. એવું જ ઇન્ડિયા ટુડે જૂથનું. ‘ઇન્ડિયા ટુડે’ સામયિક, તેની અંગ્રેજી ટી.વી. ચેનલ ‘ઇન્ડિયા ટુડે લાઈવ’ અને હિન્દી ચેનલ ‘આજ તક’માં જમીન આસમાનનો ફરક નજરે પડશે. એક જગ્યાએ સ્વસ્થતા નજરે પડશે, બીજી જગ્યાએ પ્રમાણમાં ઓછું બેજવાબદારપણું અને ત્રીજી જગ્યાએ બેફામપણું નજરે પડશે. હવે તેઓ એક નવી તરકીબ અપનાવવા લાગ્યા છે. પ્રાઈમ ટાઈમ સિવાયના દિવસમાં ભાગમાં ઓછા મહત્ત્વના સ્લોટમાં ઘડા ભરીભરીને ડહાપણ રેડવામાં આવે છે અને પ્રાઈમ ટાઈમમાં ઘડા ભરીને ગાંડપણ. અમારા ગામમાં નાટક મંડળીઓ આવતી જેમાં એક કલાકાર આજે રાજા ભરથરી બન્યો હોય એ બીજા દિવસે કંસ કે રાવણ બને. અહીં તો થોડા કલાકોમાં રામ રાવણ બની જાય. વેશ પણ બદલવાનો નહીં, માત્ર ભાષા અને અવાજ બદલાઈ જાય.
ત્રીજા પ્રકારના મીડિયા ડિજીટલ છે. એ હમણાં પાંચેક વરસ થયાં અસ્તિત્વમાં આવ્યા છે. એમાં પણ હવે કોર્પોરેટ કંપનીઓએ પગપેસારો કર્યો છે. આમાં ખર્ચો ઓછો હોવાથી સ્વતંત્ર પત્રકારત્વ માટે ઘણી સંભાવના ઊઘડી અને તેનો લાભ લેવામાં આવી રહ્યો છે. સત્ય અને સમાજ માટે પ્રતિબદ્ધતા ધરાવનારા પત્રકારોએ મળીને ડિજીટલ મીડિયા શરૂ કર્યા છે. એમાં ગંભીર વિવેચન કરતા લેખો વાંચવા મળશે, ગોકીરા વિનાની અર્થગર્ભ ચર્ચા સાંભળવા મળશે, જે તે વિષયોમાંના નિષ્ણાતો સાથેની મુલાકાતો જોવા મળશે, પુસ્તકોનાં પરીક્ષણો અને લેખકો સાથેની ચર્ચા જોવા મળશે. ટૂંકમાં તમારે તમારા યુગને અને તેના પ્રશ્નોને સમજવા હોય તો અત્યારે ભારતમાં ‘ધ વાયર’, ‘ધ સ્ક્રોલ’ અને ‘ધ પ્રિન્ટ’ ઉત્તમ માધ્યમ છે. આ ત્રણેય હવે હિન્દી ભાષામાં પણ ઉપલબ્ધ છે. આ સિવાય ભારતીય ભાષાઓમાં પણ બીજા આવાં માધ્યમો હશે.
ટૂંકમાં, બીજાના ધૂણાવ્યે ધૂણવું ન હોય તો વિકલ્પો છે. ખબર પડશે કે દેશમાં અને દુનિયામાં શું ચાલી રહ્યું છે. વાયદાઓ અને વાસ્તવિકતાઓ વચ્ચેનો ફરક સમજાશે. પગ જમીન ઉપર રહેશે. નીરક્ષીર વિવેક દ્વારા સંતાનોને યોગ્ય માર્ગદર્શન આપી શકાશે.
પણ હા, ધૂણવામાં નશાનો અનુભવ થતો હોય તો વાત જુદી છે. પ્રાઈમ ટાઈમમાં માવા સાથે ડાકલાં ફ્રી.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 નવેમ્બર 2021