ગુજરાતમાં માંસાહાર વેચતી લારીઓને લઈને હમણાં ઘણી ચર્ચા થઇ. એક પછી એક ચાર શહેરોમાં કેવી રીતે તેનાં વેચાણ પર પ્રતિબંધ મુકાયા અને કેવી રીતે મુખ્ય મંત્રીએ આખી વાતને ફેરવી તોળી એ તો ખેર એક જુદો જ વિષય છે, પણ એમાંથી જન્મેલો પ્રશ્ન એ છે કે એક રાષ્ટ્ર તરીકે, આપણે કેટલા શાકાહારી અને માંસાહારી છીએ? તે પહેલાં ગુજરાતની વાત.
એક પ્રચલિત માન્યતા એવી છે કે ભારતમાં ગુજરાતીઓ સૌથી વધુ શાકાહારી છે. એ માન્યતા જ છે, હકીકત નથી. ભારત સરકારના ૨૦૧૪ના સેમ્પલ રજીસ્ટ્રેશન સર્વેના આંકડા મુજબ, ગુજરાતમાં ૬૧ ટકા લોકો શાકાહારી છે, અને બાકીના ૩૯ ટકા માંસાહારી છે. ગુજરાતમાં મુસ્લિમો ૯ ટકા છે. જેનો અર્થ એ થયો કે ૩૦ ટકા હિંદુઓ પણ માંસાહારી છે.
ઇન ફેક્ટ, ગુજરાત કરતાં વધુ શાકાહારીઓ રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં છે. સર્વે મુજબ, રાજસ્થાનમાં ૭૫ ટકા, હરિયાણામાં ૭૦ ટકા અને પંજાબમાં ૬૭ ટકા લોકો શાકાહારી છે. સૌથી ઓછા શાકાહારીઓ તેલંગાણા (૧.૩ ટકા), બંગાળ (૧.૪ ટકા) અને આંધ્ર પ્રદેશ (૧.૭ ટકા)માં છે.
ગુજરાતમાં શાકાહારીઓનું પ્રમાણ કેમ વધુ છે? કારણ કે હિંદુ પરંપરાના વિભિન્ન પંથોનો પ્રભાવ સૌથી વધુ ગુજરાતી સમાજ પર છે. જેમ કે – જૈન, વૈષ્ણવ, બ્રાહ્મણ, સ્વામીનારાયણ. જૂના સમયથી ગુજરાતમાં ૩૦ વર્ષ શાસન કરનાર કુમારપાળ જેવા જૈન રાજા (તેમણે રાજસ્થાન પર પણ શાસન કર્યું હતું) અને આચાર્ય હેમચંદ્રાચાર્ય જેવા સાધુઓની અસર બહુ રહી છે અને પછી વૈષ્ણવ સંપ્રદાયનો પણ પ્રભાવ પડ્યો. ગાંધીજીની જીવન અને વૈચારિક શૈલી પર જૈન સંપ્રદાયની મોટી અસર હતી.
શાકાહારને આપણે ધર્મ સાથે જોડીને કેમ જોઈએ છીએ? હકીકતમાં, તમામ પ્રકારના આહારનો સંબંધ ધર્મ સાથે છે, કારણ કે ધર્મ સંસ્કૃતિ પહેચાનનું અગત્યનું પરિબળ છે, અને આહારથી માણસની પહેચાન થાય છે.
વિશ્વમાં 8 ટકા લોકો જ શાકાહારી છે, બાકીનું ૯૨ ટકા વિશ્વ માંસાહારી છે. સૌથી વધુ, 31 ટકા, શાકાહારી લોકો ભારતમાં છે. વૈજ્ઞાનિક અને ઐતિહાસિક દૃષ્ટિએ, માણસો જીવતા રહેવા માટે ખાય છે. માણસ જ્યારે જંગલમાં રહેતો હતો, ત્યારે તે વનસ્પતિ અને પ્રાણીઓનો આહાર કરતો હતો. કૃષિ ક્રાંતિ પછી તે અનાજ પેદા કરતો થયો, પછી તેના આહારમાં શાકાહારનો ઉમેરો થયો.
આહાર સાથે ધર્મનો સંબંધ શરૂ થયો હતો સ્વાસ્થ્યનાં કારણોસર, તેને ઈશ્વરની ભક્તિ સાથે સંબંધ ન હતો. માણસ જ્યારે ભણેલો-ગણેલો ન હતો અને વિજ્ઞાનનો વિકાસ થયો ન હતો, ત્યારે નુકસાનકારક આહારથી દૂર રહેવા માટે તેમાં ધાર્મિક નિયમો ઉમેરવામાં આવ્યા હતા. એ તે વખતનું 'ડાયેટ વિજ્ઞાન' હતું. મોટા ભાગની પ્રજા ધાર્મિક નિયમોના બહાને અમુક આહારથી દૂર રહેતી હતી.
જો કે, બીજા ઘણા બધા ધાર્મિક નિયમોની જેમ, આહાર પણ ધીમે-ધીમે ધાર્મિક માન્યતાઓનો વિષય બની ગયો. વિશ્વના તમામ ધર્મોમાં આહારને લઈને ચોક્કસ રિવાજો અને માન્યતાઓ છે. આજે પણ, માંસાહારની છૂટ આપતા ધર્મોમાં પણ ઘણી ચીજો વર્જ્ય ગણાય છે.
ભારતમાં શાકાહાર પ્રત્યેના અનુરાગનું કારણ સ્વાસ્થ્યનું વધુ છે. હિંદુ પરંપરામાં સાત્વિક અને તામસિક આહારનો તફાવત છે. જે સાત્વિક છે તે તન-મનને શુદ્ધ રાખે છે, જે તામસિક છે તે નકારાત્મક ગુણો પેદા કરે છે. પ્રાચીન ભારતમાં લેક્ટો-વેજીટેરિયન આહારની ધારણા વિકસી હતી. લેક્ટો-વેજીટેરિયન એટલે દૂધાહાર, જેમાં માંસ-ઈંડા સિવાયનો દૂધમાંથી બનેલો આહાર હોય, જેમ કે દૂધ, ચીઝ, દહીં, માખણ, ઘી, ક્રીમ વગેરે. મહાત્મા ગાંધી દૂધાહારના હિમાયતી હતા. તેમણે આહારને ઇન્દ્રિયવાસના સાથે જોડ્યો હતો. તેમની આત્મકથામાં તે લખે છે;
“બ્રહ્મચર્યનું પાલન કરવું હોય તો સ્વાદેદ્રિય ઉપર કાબૂ મેળવવો જ જોઈએ. જો સ્વાદને જિતાય તો બ્રહ્મચર્ય અતિશય સહેલું છે એ મેં જાતે અનુભવ્યું. તેથી મારા ખોરાકના પ્રયોગો કેવળ અન્નાહારની દૃષ્ટિએ નહીં, પણ બ્રહ્મચર્યની દૃષ્ટિએ થવા લાગ્યા. ખોરાક ઓછો, સાદો, મસાલા વિનાનો, ને કુદરતી સ્થિતિમાં ખાવો જોઈએ એ મેં પ્રયોગો કરી અનુભવ્યું. જ્યારે હું સૂકાં અને લીલાં વનપક ફળ ઉપર જ રહેતો ત્યારે જે નિર્વિકારપણું અનુભવતો તે મેં ખોરાકમાં ફેરફાર કર્યા પછી નથી અનુભવ્યું. ફળાહારને સમયે બ્રહ્મચર્ય સહજ હતું.”
બીજું, આહાર માત્ર પેટ ભરવા પૂરતી સીમિત ચીજ નથી. માણસ સંગઠિત સ્વરૂપે રહેતો થયો, એટલે તેણે તેની સામાજિક ઓળખો બનાવી. જેમાં ધર્મ, આહાર અને પહેરવેશ પ્રમુખ પ્રતિકો છે. એક માણસે બીજા માણસને ‘આપણાવાળો’ ગણવો હોય, તો તે ક્યા ધર્મ-ઈશ્વરમાં માને છે, શું ખાય છે અને કેવો વેશ પહેરે છે તેની નોંધ લેવી પડે. જેમ અલગ-અલગ લોકો અલગ-અલગ રીતે ઘરો બનાવે છે, અલગ-અલગ વસ્ત્રો બનાવે છે અને અલગ-અલગ ઓજારો બનાવે છે, તેવી જ રીતે અલગ-અલગ આહાર પણ બનાવે છે. એટલે એક સરખા આહારવાળા લોકો એક થઈને તેમની સામાજિક ઓળખ નક્કી કરે.
એટલા માટે આહારની એક મજબૂત પારિવારિક પરંપરા પણ હોય છે. કેવો આહાર ખાવો, કેવી રીતે ખાવો, કેવી રીતે તૈયાર કરવો તેના રિવાજો, કાયદાઓ અને પરંપરાઓ પરિવારમાં હોય છે અને દરેક સભ્ય તેને અનુસરે છે. પારિવારિક લગાવનું એ અગત્યનું પરિબળ છે. આપણે કોણ છીએ તે આપણો આહાર નક્કી કરે છે. આપણે કેવી ભૌગોલિક પરિસ્થિતિમાં રહીએ છીએ, તે પણ આપણા આહારથી નક્કી થાય છે.
જ્યારે આ નાની-નાની પારિવારિક પરંપરાઓ વિશાળ સામાજિક પરંપરાઓનો હિસ્સો બની જાય, ત્યારે આહાર એક સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખનું રૂપ લઇ લે છે. શાકાહાર ભારત માટે વિશેષ છે, કારણ કે હિંદુ પરંપરા, બૌદ્ધ પરંપરા અને જૈન પરંપરામાંથી અહિંસાનો એક શક્તિશાળી વિચાર જન્મ્યો હતો. આહાર, વસ્ત્રોની ફેશનની જેમ, દેખાદેખીનું કારણ પણ છે. તમે જે સમૂહમાં રહેતા હો, તેની જીવન શૈલી અપનાવી લો. બાકી, ઇડરમાં લોકો ઈડલી ન ખાતા હોત, અને પ્રાંતિજમાં પંજાબી ફૂડ ન હોત.
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 28 નવેમ્બર 2021