પરદુ:ખભંજક રાજા વિક્રમનું અવસાન થયું, એના બીજા દિવસે આ ઘટના બની : ગોધૂલિનો સમય છે. શિવ અને પાર્વતી કૈલાસ શિખર પર બેઠાં છે. પણ કોણ જાણે કેમ પાર્વતી આજે ઉદાસ છે. એટલે શિવ પાર્વતીને પૂછે છે : ‘હે દેવી, તમે કેમ ઉદાસ છો?’ પાર્વતી કહે છે : ‘તમે તો અંતર્યામી છો. તમે બધું જ જાણો છો. તો પણ મને પૂછી રહ્યા છો કે હું કેમ ઉદાસ છું. એ બરાબર નથી.’ શિવ કહે છે : ‘પ્રિય, હું અંતર્યામી છું પણ મને જ્યારે અંતર્યામી બનાવવામાં આવ્યો, ત્યારે મારા પર એક શરત મૂકવામાં આવી હતી, જેની કદાચ તમને ખબર નહીં હોય.’ ‘એ કઈ શરત?’ પાર્વતી શિવને જિજ્ઞાસાવશ થઈને પૂછે છે. શિવ કહે છે : ‘અમે અંતર્યામીઓ બધ્ધુ જ જાણીએ પણ અમારી પત્નીના મનની વાત ન જાણી શકીએ?’ ‘એવું કેમ, પ્રભુ?’ પાર્વતી પૂછે છે. શિવ કહે છે : ‘અમારો ગૃહસંસાર સારી રીતે ચાલે એ માટે અમને આ પ્રકારના અંતર્યામી બનાવવામાં આવ્યા છે.’ શિવની વાત સાંભળતાં જ પાર્વતી મલકવાનો પ્રયાસ કરે છે પણ મલકી શકતાં નથી. એટલે શિવ કહે છે : પ્રિય, તમારું જે કંઈ દુ:ખ હોય તે મને કહો. હું એ દુ:ખ દુર કરવાનો પ્રયાસ કરીશ.’ પાર્વતી કહે છે : ‘હે દેવાધિદેવ, પૃથ્વીલોકમાં વસતા એક ભોદિયા માણસનું દુ:ખ જોઈને હું ઉદાસ થઈ ગઈ છું. એનું દુ:ખ કોઈ દૂર કરી શકે એમ નથી.’ શિવ કહે છે : ‘કોણ છે એ ભોદિયો? એવું તે શું બન્યું છે એના જીવનમાં કે એના કારણે હે તમે ઉદાસ થઈ ગયાં છો? મને એ ભોદિયાની વાત કરો. ન કરો તો તમને ગણપતિના સોગન.’ પાર્વતી કહે છે : ‘તમે ગણપતિના સોગન આપ્યા છે એટલે હવે મારે ભોદિયાની કથા તમને કહેવી પડશે. પણ, હે પ્રભુ, હવે પછી મને આવા સોગન ન આપતા.’ શિવ કહે છે : ‘તમારી ઉદાસીને હું જોઈ શકતો ન હતો એટલે મેં તમને આવા સોગન આપ્યા છે.’ પાર્વતી ફરી એક વાર મલકવાનો પ્રયાસ કરે છે પણ મલકી શકતાં નથી.
પછી પાર્વતીએ શિવને જે ભોદિયાની વારતા કહી એ નીચે પ્રમાણે છે :
‘પૃથ્વીલોકમાં એક નાનકડું ગામડું છે. એ ગામમાં એક માણસ વસે છે. એનું નામ છે ભોદિયો. એ જાતનો સુથાર છે. આમ તો એ વિશ્વકર્માનો પુત્ર છે પણ ગરીબ જીવન જીવી રહ્યો છે. નાનપણમાં એની મા મરી ગયેલી. ત્યાર પછી એના બાપે બીજું લગન કરેલું. એની ઓરમાન મા એને અવારનવાર કહ્યા કરતી કે અલ્યા ભોદિયા, પરણે તો રાજકુંવરીને પરણજે. બીજી કોઈને નહીં. એ ઓરમાન માને પણ એક દીકરો હતો. એને એ સ્ત્રી ખૂબ જ પ્રેમથી રાખતી. એને એ પાણી માગે ત્યારે દૂધ આપતી અને દૂધ માગે ત્યારે ઘી. પણ, એ છોકરો જરા મંદબુદ્ધિનો હતો. એટલે નાતવાળા એને કોઈ કન્યા આપતા ન હતા. જો કે, એ લોકો ઘણી વાર ભોદિયાનું માગું લઈને આવતા પણ ભોદિયાની ઓરમાન મા એમને કહી દેતી : મારો છોકરો તો રાજકુંવરીને પરણશે. નાતમાં નહીં પરણે. હા, તમારી છોકરીને પરણાવવી હોય તો મારા છોકરા હાર્યે પરણાવો. પણ, નાતવાળા ના પાડીને જતા રહેતા.
હવે આ ભોદિયો આમ જુઓ તો ખૂબ રૂપાળો અને જેટલો રૂપાળો એટલો જ બુદ્ધિશાળી. એને વારતાઓ કહેવાનો ભારે શોખ. ગામનું કોઈ પણ માણસ એને કોઈ પણ કૂટપ્રશ્ન પૂછે તો એ એનો જવાબ વારતા કહીને આપતો. એ વારતાઓ કેહતી વખતે એની આસપાસ જે કંઈ હોય એ બધ્ધાંને પાત્રો બનાવી દેતો. ક્યારેક તો શ્રોતાઓ અને પાત્રો બન્ને એક થઈ જતા. જે વારતામાં હોય એ પાત્રો થઈ જતાં અને વાર્તાની બહાર હોય એ શ્રોતા થઈ જતાં. એટલું જ નહીં, એ વારતા કહેવા બેસતો ત્યારે માણસ તો ઠીક, પશુઓ, પંખીઓ, વનસ્પતિઓ, પુષ્પો, ફૂલો, વૃક્ષો અને ઝાડવાં, છોડવા, વેલા, પથ્થરો બધાં જ સાંભળવા આવી જતાં.
હવે બન્યું એવું કે ભોદિયો જે રાજ્યમાં રહેતો હતો હતો એ રાજ્યના રાજાને એક રાજકુંવરી હતી. યુવાન. ષોડષી. એ પણ રૂપ રૂપના અંબાર. એ રાજકુંવરીને જ્યારે ખબર પડી કે એના રાજ્યમાં એક ભોદિયો નામનો માણસ રહે છે અને એ વારતાઓ કહેવામાં માહેર છે ત્યારે એ એના પિતાજી પાસે ગઈ અને કહેવા લાગી : બાપુજી, મેં સાભળ્યું છે કે આપણા રાજ્યમાં એક ભોદિયો નામનો યુવાન વસે છે અને એ વારતાઓ કહેવામાં ખૂબ પ્રવીણ છે. મારે એની પાસેથી વારતાઓ સાંભળવી છે. તમે એને બોલાવશો? રાજાએ કહ્યું : દીકરી, તું માગ માગે તે આપું. તું કહે તો આકાશમાંથી તારા તોડી લાવું, તું કહે તો આકાશમાંથી ચાંદો તોડી લાવું, તું કહે તો આકાશમાંથી સૂરજ પણ તોડી લાવું. પણ કૃપા કરીને તું કોઈ વાર્તાકારને મારા મહેલમાં બોલાવવાનું ના કહીશ. હું વાર્તાકારોને ધિક્કારું છું. મારે મારા મહેલમાં કોઈ વાર્તાકાર ન જોઈએ. રાજકુવંરીએ કહ્યું : ‘પિતાજી, તમને કદાચ ખબર નહીં હોય પણ ભોદિયો એક માત્ર એવો વાર્તાકાર છે જે નિર્જીવ સજીવ દરેકને પોતાની વારતામાં પાત્રો બનાવી શકતો હોય છે અને એ જ પાત્રોને પાછો એ શ્રોતા પણ બનાવી શકતો હોય છે. એવા વાર્તાકારને સાંભળવાનો પણ એક લહાવો હોય છે.’
ત્યાં જ શિવ બોલે છે : દેવી, મને એક વાત સમજાતી નથી. મેં ધ્યાન ધરીને બ્રહ્મા અને વિષ્ણુ બન્નેને પૂછી લીધું છે, પેલા સાત ૠષિઓને પણ પૂછી લીધું કે એમનામાંથી કોણે ભોદિયાને આ શક્તિ આપી છે. પણ, બધા જ કહે છે કે એમણે તો એ શક્તિ ભોદિયાને આપી નથી. તો મારો પ્રશ્ન એ છે કે ભોદિયાને એ શક્તિ ક્યાંથી મેળવી? અમને દેવોને અમારા કરતાં કંઈક વધારે કરી બતાવે એવા માણસોની ભારે ઈર્ષા આવતી હોય છે.
પાર્વતી કહે છે : ‘એ શક્તિ એની સગી માએ એને આપી છે, હે દેવ. કહેવાય છે કે એની મા ભોદિયાને રોજ રાત્રે બે વાર્તાઓ કહેતી. એમ કરતાં એક દિવસે વાર્તાઓ ખૂટી ગઈ. પછી, એ સાચાં માણસોને પાત્રો બનાવીને વાર્તા કહેવા લાગેલી.’
શિવ કહે છે : ‘હવે પ્રશ્ન એ થયો દેવી કે એની માતાને એ શક્તિ કોણે આપેલી?’
પાર્વતી જરાક ગુસ્સે થઈને બોલે છે : ‘તમને દેવોને એમ જ છે કે તમે આપો એટલી જ શક્તિ માણસો પાસે હોય છે. પણ, એ જમાના ગયા, દેવ.’
‘તો દેવી, જો આમને આમ ચાલશે તો અમે એક દિવસે અર્થહીન થઈ જઈશું,’ શિવે ચિન્તા વ્યક્ત કરતાં કહ્યું.
પાર્વતી કહે છે : ‘મને ચિન્તા થાય છે ભોદિયાની અને તમને ચિન્તા થાય છે તમારી સત્તાઓની. મને નથી લાગતું કે હું આ વારતા પૂરી કરી શકું.’
શકંર કહે છે : ‘દેવી, એવું ન કરતાં. અમારા દેવો પર એક શાપ છે. જો અમે કોઈ અધૂરી વાર્તા સાંભળીએ તો અમારું આયુષ્ય ઘટી જાય. માટે તમે એ વાર્તા પૂરી કરો. વળી, શક્ય હોય તો હું ભોદિયાને મદદ કરવા પણ તૈયાર છું.’
પછી પાર્વતીએ વારતા આગળ ચલાવે છે :
‘પછી રાજા કહ્યું કે મારા મહેલના આંગણામાં કોઈ વાર્તાકાર ન જોઈએ. ત્યારે રાજકુંવરીએ પ્રશ્ન કર્યો : પિતાજી, તમે કેમ વાર્તાકારોને આટલા બધા ધિક્કારો છો? મને કહો તો ખરા.’
રાજા કહે : ‘જો હવે તું યુવાન થઈ ગઈ છે એટલે તને આખી વાત કહેવામાં વાંધો નથી. સાંભળ : મને વાર્તાકારો પરત્વે ખૂબ જ નફરત છે. એ લોકો આપણા વાસ્તવિક જગતમાંથી વસ્તુઓ અને વ્યક્તિઓને લૂંટતા હોય છે અને એમને કલ્પનાના જગતમાં કાયમી વસવાટ માટે લઈ જતા હોય છે. એ બદમાશ લોકો મારા મહેલે ન જોઇએ.
રાજાનાં આવાં વેણ સાંભળતાં જ રાજકુવંરીને વધારે જિજ્ઞાસા થઈ. એણે રાજાને પૂછ્યું : ‘મને આખી વાત માંડીને કહો. પછી જ હું તમારી વાત માનીશ.’
પછી રાજાએ જે વાત રાજકુવરીને કહી એ હું તમને કહું છું હે દેવ, સાંભળજો. આ વાર્તામાંથી મેં રાજકુંવરીએ જે હાંકારા ભણ્યા હતાં એ કાઢી નાખ્યા છે.
‘હે રાજકુંવરી, તમને ખબર છે એમ મારે સાત રાણીઓ હતી. એમાંની એક લીલાવતી. તમે એમનાં દીકરી. લીલાવતી મારી માનીતી. સાતે સાતમાં એ સૌથી વધારે સુંદર. એ રાણી કેવળ મને અને મને જ વફાદાર હતી. બાકીની છનું હું કંઈ કહી શકું એમ નથી. પણ, એક દિવસે એક દુર્ઘટના બની. દરબારમાં એક વાર્તાકાર આવ્યો. એણે કહ્યું કે એ શ્રોતાઓને ધારે ત્યારે હસાવી શકે છે અને ધારે ત્યારે રડાવી શકે છે. એ એવો દાવો પણ કરતો હતો કે એના પેંગડામાં પગ ઘાલે એવો કોઈ વાર્તાકાર હજી થયો નથી.
પછી એ વાર્તાકારે કહ્યું : હે રાજા, હું તમને વારતાઓ સંભળાવવા આવ્યો છું, તમે મારી પાસેથી વાર્તાઓ સાંભળો. એ વખતે મને ઉદાસીનતા નામનો રોગ થયેલો. રાજવૈદે કહેલું કે હે રાજા, દિવસની એક વારતા સાંભળશો તો તમારો આ રોગ જશે. એ વખતે રાજ્યમાં પણ અસંતોષ હતો. રાજવૈદે કહેલું કે વારતાઓ માણસ અને માણસ વચ્ચે સંવાદિતા સ્થાપતી હોય છે. એટલે લોકોને વારતાઓ સંભળાવો. મેં મારા હિત માટે અને રાજ્યના હિત માટે પણ પેલા વાર્તાકાર પાસેથી વાર્તાઓ સાંભળવાનું નક્કી કર્યું.
પછી તો એ રોજ સાંજે જમ્યા પછી દરબારમાં આવતો અને વારતાઓ કહેતો. એ ભાત ભાતની વારતાઓ કહેતો. ક્યારેક શૃંગારપ્રધાન તો ક્યારેક શાન્તરસપ્રધાન તો વળી ક્યારેક ઘટનાપ્રધાન તો ક્યારેક તિરોધાનપ્રધાન. એક દિવસે એણે બે પંખીઓની પ્રેમકથાની વાત કરેલી. એમાં એક કૂકડો હતો અને એક ઢેલ. એ બન્ને પંખીઓને એકબીજા માટે પ્રેમ થઈ ગયો. પણ, હવે તું જ કહે : કૂકડો અને ઢેલ કઈ રીતે સાથે રહી શકે? એ બન્ને એકબીજા માટે ખૂબ હિજરાવા લાગ્યાં. આખરે એક જ દિવસે કૂકડો જોડેના જંગલમાં ગયો. ત્યાં એક અપૂજ શિવલિંગ હતું. એણે સાત દિવસ એની પૂજા કરી અને એ સાથે જ કમળ પેઠે લિંગ વિકસ્યું અને એમાંથી શિવ પ્રગટ થયા. પછી શિવે કૂકડાને કહ્યું : માગ માગ માગે તે આપું. એ દરમિયાન પેલી ઢેલ પણ બીજા એક જંગલમાં ગઈ. ત્યાં પણ એક અપૂજ શિવલિંગ હતું. ઢેલે પણ એ શિવલિંગની સાત દિવસ પૂજા કરી. પછી એ શિલવલિંગ પણ કમળ પેઠે વિકસ્યું અને એમાંથી પ્રભુ પ્રગટ થયા. એમણે પણ ઢેલને કહ્યું : માગ માગ માગે તે આપું. પેલા કૂકડાએ કહ્યું : મને મોર બનાવી દો. મારે ઢેલ સાથે સંસાર માંડવો છે. શિવ કહે : તથાસ્તુ. પેલી ઢેલે પણ માગ્યું : મને કૂકડી બનાવી દો. મારે કૂકડા સાથે ઘર માંડવું છે. શિવે એને પણ તથાસ્તુ કહ્યું. એના બીજા દિવસે એ બન્ને જણ મળ્યાં તો કૂકડો મોર હતો અને ઢેલ કૂકડી હતી. પછી બન્ને પોકે પોકે રડવા લાગ્યાં. એ વખતે મારી લીલાવતી રાણી ત્યાં જ બેઠેલી હતી. એ પંખીઓનું દુ:ખ જોઈ શકતી ન હતી. સાંભળી શકતી ન હતી. એની આંખોમાંથી ભાદરવો અને આસો વરસી રહ્યા હતા. મને તો ઠીક પણ પેલા વાર્તાકારને રાણીની આ દશા જોઈને દયા આવી ગઈ. એટલે એણે કહ્યું : હે રાણી, તમે દુ:ખી ન થાઓ. હું આ પંખીઓને સુખી કરી શકીશ. હું એમને મારી વારતાનાં પાત્રો બનાવીશ અને પછી એમણે હું હકીકતના જગતમાં લઈ આવીશ. મેં આ રીતે કંઈ કેટલાં ય માણસોનાં દુ:ખ દૂર કર્યાં છે. પછી એણે પેલાં પંખીઓને સબોધતાં કહ્યું : હે પંખીડાં, સુખેથી ચણજો. ગીતડાં કંઈ ગાજો. જો તમે મારી વારતામાં આવી જાઓ તો હું એકને મોર રહેવા દઈશ અને બીજાને ઢેલ બનાવી દઈશ. પછી તમે સુખેથી જીવજો. હું જે ભૂલ ઈશ્વરે કરી છે એ સુધારી આપીશ.’
આ સાંભળતાં જ શિવ તાડૂકે છે : ‘હે દેવી. આમાં મારો શું વાંક? મેં તો બન્નેએ જે માગ્યું તે આપી દીધેલું.’
પછી પાર્વતી હળવેથી મરકતાં કહે છે : ‘દેવોની ભૂલો સુધારવા આપણે સાહિત્યકારનું સર્જન કર્યું છે એ વાત તમે કેમ ભૂલી જાઓ છો, હે દેવ.’
‘પણ બધા સાહિત્યકારો ક્યાં એવું કરે છે?’ કહી શિવ જરા વ્યથિત થઈ ગયા.
પછી પાર્વતી ભોદિયાની વારતા આગળ ચલાવે છે.
‘પછી રાજા કહે છે : પછી પેલો વાર્તાકાર પેલાં બન્ને પંખીઓને વારતામાં લઈ ગયો. વાર્તામાં એણે મોરને મોર રહેવા દીધો અને કૂકડીને ઢેલ કરી નાખી. પછી એણે એમનું યોગ્ય પાત્રાલેખન કર્યું, એમને યોગ્ય પરિવેશ આપ્યો, એમને પ્રેમ કરવા માટે જોઇએ એવા સંવાદો આપ્યા, અને બીજુ કાંઈનું કાંઈ આપ્યું. અને પછી વારતા પૂરી કરી, મંતર મારી એ વારતાને હકીકતમાં ફેરવી નાખી. અને એ સાથે જ લીલાવતીને એ વાર્તાકાર સાથે પ્રેમ થઈ ગયો. હું કંઈક કહું એ પહેલાં તો પેલા વાર્તાકારે લીલાવતીને એની એક વારતાનું પાત્ર બનાવી દીધી અને પછી પોતે એ વારતામાં ચાલ્યો ગયો. પછી તો એ વારતા એક હોઠથી બીજે જવા લાગી અને પછી કહેવાય છે કે એ બન્ને પાછાં હકીકત બની ગયાં. મેં મારા વારતાના લોભને કારણે મારી લીલાવતી ગુમાવી. એટલે હવે મારે આંગણે કોઈ વાર્તાકાર જોઇતો નથી.’
એ સાંભળતાં જ રાજકુંવરીએ કહ્યું : ‘પિતાજી, કોઈ વારતા કે કોઈ વારતાકાર મને ફોસલાવી શકશે નહીં. હું મારી મા જેવી નથી. બસ મારે વારતા સાંભળવી છે. જ્યાં સુધી હું ભોદિયાની વારતા નહીં સાભળું ત્યાં સુધી મારું ખાવુંપીવું હરામ.’
હવે દીકરીની જીદ આગળ રાજા કશું કરી શકે એમ ન હતા. એટલે એમને કહ્યું : ‘હું એક જ શરતે ભોદિયાને બોલાવું. એણે કોઈ પ્રેમકથા નહીં કહેવાની.’ રાજકુંવરી રાજાની શરત સાથે સંમત થઈ ગઈ. પછી રાજાએ ભોદિયાને બોલાવ્યો અને કહ્યું કે તું એક અઠવાડિયું મારી દીકરીને વારતાઓ કહે પણ ખબરદાર, તારે એને એક પણ પ્રેમકથા નથી કહેવાની.’ રાજાની શરત સાંભળતાં જ ભોદિયો વિચારમાં પડી ગયો : જેમાં પ્રેમની વાત જ ન આવે એવી વાર્તા કઈ રીતે કહી શકાય? તો પણ ભોદિયો જેનું નામ. એ તો રાજા સાથે સંમત થઈ ગયો. પછી તો એ સાત દિવસ મહેલામાં રહ્યો અને એ સાત દિવસ દરમિયાન એણે ઊડતી નદીઓ, વહેતા પથ્થર, પર્વતના પેટમાં જઈ ઈંડાં મૂકતું પક્ષી, જેવી વાર્તાઓ કહી. રાજકુંવરી એ વાર્તાઓથી તો ખુશ થઈ ગઈ. પછી આઠમા દિવસે ભોદિયો જ્યારે ઘેર આવવા નીકળ્યો ત્યારે રાજાએ એને સાત દિવસની સાત સોનામહોરો આપી અને કહ્યું કે મને પણ તારી વાર્તાઓ ખૂબ ગમી છે.
પાંચ સોનામહોરો લઈને ભોદિયો ચાલતો ચાલતો ઘેર જઈ રહ્યો છે ત્યાં જ રસ્તામાં એને એક હરણ મળે છે. એ હરણ એને રોકે છે અને કહે છે : ભોદિયા. મારી સાથે આવ. મારે તારું કામ છે. ભોદિયો કહે : હમણાં મારે કોઈ પ્રાણીકથા કહેવાની નથી. એટલે મારે કોઈ પ્રાણીઓની જરૂર નથી. તું તારે ચાલ્યું જા પાછું જંગલમાં. હરણ કહે : અત્યારે તો હું પણ કામમાં છું. એટલે મારી પાસે પણ તારી વારતાઓમાં આવવાનો સમય નથી. પણ, મારે બીજું કામ છે. ચાલ, મારી સાથે. પછી ભોદિયો તો હરણની સાથે ચાલવા લાગ્યો. એ બન્ને જણ થોડેક દૂર ગયા હશે ત્યાં જ એક તલાવડી આવી. એ તલાવડીની પાળ પર એક સુંદર સ્ત્રી બેઠેલી હતી. હરણ ભોદિયાને એ સ્ત્રી પાસે લઈ ગયું. ભોદિયો જૂએ છે તો એ બીજું કોઈ નહીં પણ પેલી રાજકુંવરી! પછી ભોદિયો કંઈ પણ બોલે એ પહેલાં જ એ રાજકુંવરી બોલી : ‘ભોદિયા, મારે એક પ્રેમકથા સાંભળવી છે. મને પ્રેમકથા કહે.’ ભોદિયાએ કહ્યું : ‘હે રાજકુંવરી, હું વચનથી બંધાયેલો છું. મારાથી તમને પ્રેમકથા નહીં કહેવાય. રાજકુંવરી કહે : રાજાએ તો તને એમ કહેલું કે એમના મહેલમાં તારે પ્રેમકથા નહીં કહેવાની. આ જગ્યા મહેલ નથી. આ તો તળાવની પાળ છે. પેલા હરણે પણ ટાપશી પૂરી અને કહ્યું : અહીં સીમમાં પ્રેમકથા કહેવાથી તેં રાજાને જે વચન આપ્યું છે એનો ભંગ થશે નહીં. પછી ભોદિયાએ રાજકુંવરીને એક પ્રેમકથા કહી. રાજકુવંરી તો એ વારતા સાંભળતાં જ ભોદિયાના પ્રેમમાં પડી ગઈ. પછી રાજકુવંરીએ એને કહ્યું : તું મને તારી વારતાનું એક પાત્ર બનાવીને લઈ જા. મારે બસ તારી સાથે રહેવું છે. ભોદિયો ના પાડે છે. પણ, રાજકુંવરી ખૂબ જીદ કરે. વળી એ દરમિયાન ભોદિયાને એની ઓરમાન માનાં કટુ વેણ પણ યાદ આવી જાય છે : રાજકુંવરીને પરણજે. આખરે ભોદિયો રાજકુંવરીને એક પાત્ર બનાવી દઈને એક વારતામાં પૂરી દે છે અને એ પણ એ વારતામાં પૂરાઈ જાય છે. પછી, એ વારતા સ્વરૂપે જ પોતાના ગામ જવા નીકળે છે. એને થાય છે : લાવ, અપરમાને બતાવી દઉં કે જો હું એક રાજકુંવરી સાથે પરણ્યો છું.
એ દરમિયાન રાજા જૂએ છે તો રાજકુંવરી મહેલમાંથી ગાયબ છે. એટલે એ તો તરત જ લશ્કરના વડાને બોલાવીને કહે છે કે જાઓ : ભોદિયાને પકડી લાવો. એ સાથે જ લશ્કર તો પહોંચી જાય છે ભોદિયાના ગામમાં. જઈને જૂએ છે તો ભોદિયો અને પેલી રાજકુવંરી તાજાં જ વારતામાંથી બહાર આવીને ઊભાં છે. એ સાથે જ લશ્કર ભોદિયાની ધરપકડ કરે છે અને ભોદિયાને તથા રાજકુંવરીને લઈને દરબારમાં જાય છે. રાજા બન્નેમાંથી કોઈને પણ સાંભળ્યા વિના જ ભોદિયાને ફાંસીની સજા આપવાનું જાહેર કરે છે. હે પ્રભુ, કાલે મળસ્કે એને ફાંસીની સજા મળવાની છે એટલે હું વ્યથતિ છું. જ્યારે પરદુ:ખભંજક વિક્રમ પૃથ્વી પર હતા ત્યારે આવા માણસોનાં દુ:ખ દૂર કરતા. હવે એ તો સ્વર્ગમાં આવ્યા છે. એ સાંભળતાં જ શિવ પણ ઉદાસ બની જાય છે. પાર્વતીના જેટલા જ.
e.mail : basuthar@gmail.com