ગઈ કાલના સમાચાર છે. ચાર કોલેજિયનો, રાત્રે આઠ પહેલાં ડુમસના દરિયા કિનારે ગયા ને રાત્રે દોઢેક વાગે પાછા આવતા હતા, ત્યારે પેટ્રોલિંગ કરતી પોલીસે કાર ઊભી રખાવી. કરફ્યુના સમયે બહાર કેમ છો?- તે અંગે પૂછપરછ કરતાં યુવાનોએ કહ્યું કે ગૂગલ પર, ભારતનાં મોસ્ટ હોન્ટેડ પ્લેસ- ડુમસ બીચ પર ભૂતો જોવાં મળે છે, તે મળે તો તેનો વીડિયો ઉતારવા બીચ પર ગયા હતા. ભૂતનો વીડિયો ઉતાર્યો કે કેમ એ અંગે તો માહિતી નથી, પણ ભૂતને શોધવા નીકળેલા આ યુવાનોને પોલીસે શોધી કાઢ્યા અને જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરી. યુવાનોને કદાચ ખબર નહીં હોય કે ભૂત તો દેખાય કે ન દેખાય, પણ પોલીસ તો દેખાય જ ! રાતનો સમય ભૂતને અનુકૂળ હશે કદાચ, પણ તે પોલીસને પણ અનુકૂળ હતો ને એનો લાભ યુવાનોને મળ્યો.
આ બનાવ થોડું વિચારવા પ્રેરે છે. કોલેજોનાં કે પરીક્ષાનાં ઠેકાણાં રહ્યાં નથી. આખું વર્ષ ઓનલાઈન કે અવઢવમાં ગયું છે. પરીક્ષા લેવાશે કે નહીં એની ચિંતામાં આખું શિક્ષણ જગત રહ્યું છે. સમય ઘરમાં જ કાઢવાની ફરજ પડે ને તે કેટલું લાંબું ચાલશે એ કશું નિશ્ચિત ન હોય ત્યારે યુવા માનસ શું ને કેવું વિચારે છે તેનું આ ઉદાહરણ છે. ખાલી મગજ શેતાનનું ઘર – એ ન્યાયે અનેક સાચી ખોટી પ્રવૃત્તિઓ કરવા કોઈ પણ તૈયાર થાય એવી સ્થિતિ કોરોનાએ અને મ્યુકરમાઇકોસિસે કરી છે. ખરેખર તો ગમે તેવા સ્વસ્થ માણસને પણ ડગાવી દે તેવો કાળ ચાલે છે. એમાં યુવાનો પણ બાકાત ન રહે તે સમજી શકાય તેવું છે. માણસને મળવાનું એટલું જોખમી થયું છે કે ભૂતને શોધવાનું ઓછું જોખમી લાગે છે. આમ જ થયું છે કે બધાં આમ જ કરે છે એવું કહેવાનું નથી, પણ સહજ રહેવાનું હવે અસહજ થઈ પડ્યું છે. યુવાનોની જ વાત કરીએ તો તેઓ ઘરમાં કે બહાર સતત નકારમાં જ દિવસો વીતાવતા રહે છે. કોલેજ ચાલુ હોત તો ક્લાસમાં, મિત્રોમાં, હોટેલોમાં, થિયેટરોમાં સમય વીત્યો હોત, તે હવે ઘરોમાં અને મોબાઈલમાં વીતે છે. મોબાઈલ દૂષણ છે એ ખરું, પણ એ જ કોરોના કાળમાં ઘણાંની એકલતાનો આધાર પણ બન્યો છે. આજની સ્થિતિ તો એવી છે કે ઘણાંને માટે મોબાઈલની બહાર જાણે જિંદગી જ નથી ! ગૂગલ, વેબસાઈટસ, વોટ્સએપ, ટી.વી.-નેટ પર ફિલ્મો, મેસેજિસ, વીડિયો ક્લિપિંગ્સ ને એવી અનેક વસ્તુઓ જોવા જાણવામાં જ જિંદગી વીતાવવાની હોય એવું વ્યસન મોબાઇલનું નાનાંમોટાં સૌને થઈ પડ્યું છે. એમાં સુરતના 18-19ની ઉંમરના યુવાનો, રજિસ્ટ્રેશન પણ નથી થયું એવી નવી નકોર કાર કિયા સેલ્ટોસ લઈને ભૂત શોધવા નીકળે છે. પોલીસ પકડે છે તો આમાંનો એક ડી.સી.બી.ના સાહેબ સાથે કામ કરું છું એવું ચલાવે છે ને કાર્યવાહી ન થાય એવી પેરવીમાં રહે છે. એ ગપ્પું પકડાય છે ને પોલીસ, પોલીસનું કામ કરે છે.
આમાં ચારે જણનો જે વિશ્વાસ કામ કરે છે તે ગજબ છે. નવી જ કાર લઈને ભૂતને શોધવાની હિંમત ધ્યાન ખેંચે તેવી છે. એમાં રોમાંચ તો છે જ, પણ જાત પર ભરોસો પણ છે કે ભૂત મળે તો પણ તે પોતાનું કૈં જ નહીં બગાડે ને નિરાંતે કારમાં પાછા અવાશે. બીજો વિશ્વાસ એ કે કરફ્યુના કાળમાં પોલીસ પકડે તો પોલીસની જ ઓળખાણ કાઢીને છટકી શકાશે. આઠથી રાત્રે એક સુધી આ ચારેય દરિયા કિનારે રહે છે ને એનો કોઈને ભય લાગતો નથી તે પણ નોધવા જેવું છે. આ ચારેયને કુટુંબ પણ હશે. ઘરને કહીને કે કહ્યા વગર નીકળ્યા હશે તે એમને ખબર, પણ એમને એ ખબર તો છે જ કે પોતે શેને માટે નીકળે છે. કુટુંબને કહ્યું નહીં હોય, પણ આ ચારેય નવી ગાડી લઈને રાતને સમયે નીકળે છે ને કોઈ રોકતું નથી એ પણ કમાલ જ છે ને ! આ યુવાનો કુટુંબને ગાંઠતા નહીં હોય એમ બને. એ શક્ય છે કે ઘરમાં રહીને આ યુવાનો ખૂબ ત્રાસ્યા હોય અને અકળાઈને નીકળ્યા હોય. જે હોય તે, પણ કોરોનાએ ઘણાં કુટુંબોની સ્થિતિ એવી કરી છે કે લોકો જીવ પર આવીને કૈં પણ કરી બેસે તો નવાઈ ન લાગે.
એ જાણીને આનંદ પણ થાય કે યુવાનોમાં રોમાંચ છે ને એ ભૂત શોધવા નીકળે છે. અહીં એ સવાલ થઈ શકે કે ભૂત શોધવા જ કેમ? આ ચાર જ ભૂતનું વિચારતા હતા એવું પકડાયા એના પરથી લાગે, પણ આજની પેઢીને ભૂતપ્રેતમાં રસ પડે છે, એટલું જ નહીં, ઘણાંને પડે છે. વહેમ, અંધશ્રદ્ધામાં પણ ઘણાં માને છે. વિદેશમાં તો ઘણાંએ ભૂતના ફોટા પાડ્યા હોવાના પણ દાવાઓ કર્યા છે. આમ છતાં ભૂત છે જ એવું સિદ્ધ થયું નથી. કૈંક છે, એવું ઘણાં માને છે, તો ઘણાં એવું કૈં નથી એવું પણ કહે જ છે. આવું વિદેશમાં છે ને અહીં તો છે જ. અહીં પણ ભૂતને નકારનારા છે, તો ઘણાં ભૂત છે કે કેમ તેની ખાતરી કરવા શોધ પણ ચલાવે છે.
કોઈ અધૂરી ઈચ્છા સાથે મૃત્યુ પામે તો તે ભૂત થાય છે એવું મનાતું આવ્યું છે, પણ એ સાચું લાગતું નથી. તે એટલે કે કોઈ ઈચ્છા જ ન રહી હોય એવું તો સાધુને ય હવે બનતું નથી, ત્યાં સામાન્ય માણસ બધી ઇચ્છા પૂરી થાય પછી મરે એવું તો જવલ્લે જ બને. એ હિસાબે તો બધાં ભૂત થવાને જ પાત્ર ગણાય. જરા વિચારો કે દુનિયામાં ત્રીસેક લાખ લોકો કોરોનાનાં ખપ્પરમાં હોમાયાં છે, તેમાં ધીરે રહીને જાગીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ટહુકો કરે છે કે ઘણા દેશોએ આંકડા છુપાવ્યા છે, બાકી ખરો આંક તો બતાવાય છે તેના કરતાં ડબલથી ય વધારે છે. આપણે ત્યાં જે શબ વહ્યાં છે તે આંકડાઓમાં જાહેર છે કે કેમ તે નથી ખબર, પણ એ બધાં શું ભીષ્મપિતા હતાં કે ઇચ્છા મૃત્યુ પામ્યાં? એ હિસાબે ભૂતોની સંખ્યા લાખોની થઈ હોય તો નવાઈ નહીં. કોરોનાએ જીવન તો ખુટાડયું જ મરણ પણ નોધારું કરી દીધું. અહીં ભૂત છે તેવું કહેવું નથી. ભૂત હોય તો તે એને રસ્તે ને આપણે આપણે રસ્તે. ન હોય તો કોઈ તકલીફ નથી, પણ માણસો નડે છે, એટલાં ભૂત નડતાં નથી તે હકીકત છે. જે પુનર્જન્મમાં માને છે તે પ્રેત, સ્વર્ગ, નરક, સુર, અસુરને પણ સ્વીકારે છે. તે જ્યોતિષ, પાપ-પુણ્યને પણ માને છે. આમ તો મોટે ભાગના પ્રેતસૃષ્ટિને સ્વીકારે છે. એ સારું છે કે ખરાબ એમાં ન પડીએ, જે સ્વીકારે છે તે તેના ખર્ચે ને જોખમે સ્વીકારે છે, પણ આ સ્વીકારવાનું ખેંચાણ થાય એવી ઘણી તકો માણસને મળી રહે છે તે ખરું.
ભાગ્યશાળીને ભૂત રળે, ભાગતા ભૂતની ચોટલી ભલી, ભૂત ગયું ને પલિત આવ્યું, ભૂતનું સ્થાનક પીપળો, ભૂતોભાઈ પણ ઓળખતો નથી, ભૂંડાથી ભૂત ભાગે – જેવી કહેવાતોમાં પણ ભૂતનો મહિમા થયો છે તો ભૂતકથાઓનો મોટો ચાહક વર્ગ છે. ડરવું ઘણાંને ગમે છે. એટલે તો હિન્દી અને અંગ્રેજી ફિલ્મોમાં ઢગલો ફિલ્મો, પ્રેતસૃષ્ટિની રચાઈ છે ને એમાં નામી કલાકારોએ ભૂમિકાઓ પણ ભજવી છે. હિન્દી ફિલ્મોમાં પ્રેતનો આભાસ ઊભો કરવામાં આવે ને પ્રેક્ષકોને ડરાવવામાં આવે ને અંતે રહસ્ય એ ખૂલે કે એ કૃત્ય કોઈ મનુષ્યનું જ છે, તો કેટલીક અંગ્રેજી, હિન્દી ફિલ્મોમાં પ્રેત છે જ એમ સ્વીકારીને જ વાત આગળ વધે છે, તો સાઉથની હિન્દી ડબ્ડ મૂવીમાં ડરાવવાની સાથોસાથ જ કોમેડી પણ આમેજ કરવામાં આવે છે. એને કારણે ભૂતને હસી કાઢવાનું બન્યું ને આવી ફિલ્મોએ એક જુદો જ યુવાવર્ગ પ્રેક્ષકોનો મેળવ્યો. આ વર્ગ નકલખોર ખરો, પણ સાહસ કરી જોવામાં પણ માને. એ ચકાસે છે ને અમલમાં પણ મૂકે છે. એ જુએ છે કે દેશમાં ડરાવનારા ભૂતિયા આવાસો કયા ને ક્યાં છે? નેટ, ગૂગલે એટલી સગવડ આપી છે કે જોઈતી માહિતી મળી રહે. સર્ચ કરતાં ખબર પડે છે કે રાજસ્થાન, દિલ્હી, આસામ, ગુજરાત વગેરેમાં હોન્ટિંગ પ્લેસિસ ઘણાં છે. કોઈ કિલ્લો છે, તો કોઈ મહેલ છે, કોઈ સરોવર છે, તો કોઈ રેલવે ટનલ છે. એમાં જ ડુમસનો દરિયા કિનારો પણ દેશના ભૂતિયા સ્થાનોમાંનું એક ગણાય છે.
વાત એવી છે કે આ કિનારો એક કાળે ભડકાનો કિનારો હતો. અહીં શબ બળતાં. તેની રાખ રેતીમાં ભળતી રહી જેણે રેતીને સફેદમાંથી કાળી કરી. ત્યાં કોઈના હોવાનો અહેસાસ ઘણાંને થયો છે તો ઘણાં ત્યાંથી ગુમ પણ થયાં છે. હવે આમાં જેટલું મોણ નાખો એટલું ઓછું છે, પણ આવી વાતો જાણીને જે નવરા છે તે તો બેઠાં કરતાં બગાડ ભારી – કરવાના જ ! એમાં કોઈ ગાડી લઈને નીકળી પડે ને રાત માથે લે ને તેને ભૂત મળે કે ના મળે, પણ પોલીસ મળી જાય તો નવાઈ નહીં ! પોલીસને ય થાય ને કે રાતના બીજું કૈં મળે એમ નથી, તો ભાગતા ભૂતની ચોટલી ભલી ને એ પકડે તો તેની તૈયારી રાખવાની.
ટૂંકમાં, ભૂતને માનવા કરતાં ન માનવામાં નુકસાન ઓછું છે. શું કહો છો?
0 0 0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 મે 2021