અંગ્રેજીમાં જેને કોમનમેન કહ્યો છે તેનું ટૂંકું રૂપ સી.એમ. છે. એનું પૂર્ણરૂપ ચીફ મિનિસ્ટર પણ છે. એટલે કે કોમનમેન સી.એમ. હોય તો પણ, ચીફ મિનિસ્ટર સી.એમ. (કોમનમેન) ભાગ્યે જ રહે છે. સાચું તો એ છે કે સામાન્ય માણસ સત્તા પર આવ્યા પછી. સામાન્ય ભાગ્યે જ રહે છે, ભલે પછી તે મેયર કે મુખ્ય મંત્રી કે વડા પ્રધાન જ કેમ ન હોય? મોટે ભાગે એ ભૂલી જાય છે કે તે સત્તા પર આવ્યો છે તે સામાન્ય માણસના સહકારથી. એ જેટલું વહેલું ભૂલાય છે એટલું સરકાર પરનું જોખમ વધે છે.
જેને સામાન્ય માણસ કહીએ છીએ તેના પણ પ્રકાર છે. એ જડબેસલાક ન હોય તો પણ એક વર્ગમાં એવા ગરીબો છે જે લઘુત્તમ વેતનથી પણ ઓછું મેળવે છે. તેની જરૂરિયાતો પણ બહુ મોટી નથી, પણ તે પૂરી નથી જ થતી. એને સરકાર પાંખમાં લે છે તે પણ ઘણાંની આંખમાં આવે છે, પણ એ હકીકત છે કે કોઇની મદદ વગર તેનું ટકવાનું મુશ્કેલ જ બને છે. એમાં પણ મુશ્કેલી એ હોય છે કે સરકારી મદદ પણ તેના સુધી પૂરી પહોંચતી નથી. સરકારના બધા પ્રયત્નો છતાં, ગરીબ વર્ગ સુધી મદદ નથી પહોંચતી તે એટલે પણ કે સરકાર અને ગરીબો વચ્ચેના દલાલો એ મદદથી પોતાનું ભરેલું પેટ ભરી લે છે, અને જેને માટે એ મદદ હતી એ પેટ તો ખાલીનું ખાલી જ રહે છે.
આ વર્ગ મોટે ભાગે સરકારને એટલે કે સત્તાધારી પક્ષને વફાદાર રહે છે. એને સરકાર જ જુએ છે એટલે એ પણ એને જ જુએ તેમાં નવાઈ નથી. સત્તાધારી પક્ષમાં જો બીજા પક્ષો મળીને સરકાર બની હોય તો તેને નજીકની વગવાળી રાજકીય વ્યક્તિ કે વ્યક્તિઓ કહે તેમ તે વર્તે છે. કેટલીક વાર છેલ્લી ઘડીની લાલચ પણ ગરીબોના નિર્ણયો બદલાવી નાખે એમ બને, પણ મોટે ભાગે જે એમનું પૂરું કરે છે તેને આ પ્રજા પૂરી પડે છે.
નીચલા વર્ગને કોઠાસૂઝ ગજબની હોય છે ને એનું વ્યક્તિગત મૂલ્ય ખાસ ન હોય તો પણ, તેનો સમૂહ લેખે પ્રભાવ પડતો હોય છે. ઢગલો મત આપનારો ને કોઈ પક્ષ કે પક્ષોને સરકારમાં લાવનારો આ વર્ગ છે, એટલું જ નહીં, સરકારને ફરી સત્તામાં પણ એ જ લાવે છે. સરકારને એનામાં એટલે રસ હોય છે કે એના મતથી સત્તા મળતી હોય છે. કૉન્ગ્રેસ વારંવાર સત્તામાં આવી શકી તેમાં આ પરિબળ કામ કરતું હતું એ સ્વીકારવું પડે. મતદાનની ટકાવારી ઓછી હોય તો પણ, ગરીબવર્ગનું મતદાન ઓછું હોતું નથી ને એ જ સરકારનાં પુનરાવર્તનનું નિર્ણાયક બળ પણ બની રહેતું હોય છે.
એની ઉપરનો મધ્યમવર્ગ કદાચ સૌથી વધુ મુશ્કેલીઓમાં રહેનારો વર્ગ છે. એમાં પણ નીચલો ને ઉપલો મધ્યમવર્ગ એવા પ્રકારો છે. ઉપલો મધ્યમવર્ગ પ્રમાણમાં સાધનસંપન્ન હોય છે. તેની સમાજમાં વગ હોય છે. આ એક રીતે જોવા જઈએ તો સમાધાનમાં રાચનારો અને એ દ્વારા લાભ ખાટનારો વર્ગ છે. ઉચ્ચ મધ્યમ વર્ગને બાંધછોડ કરવાનો, ભ્રષ્ટતા આચરવાનો ને એ દ્વારા સ્વાર્થ સાધવાનો બહુ વાંધો નથી હોતો.
આમ તો સિદ્ધાંત કે આદર્શને સ્વીકારનારા તમામ વર્ગમાં મળી રહેતા હોય છે, પણ તેની ટકાવારી ખૂબ નાની હોય છે.
નીચલો મધ્યમ વર્ગ મુખ્યત્વે અસંતોષ, અસુવિધા અને મહત્ત્વાકાંક્ષાથી પીડાતો વર્ગ છે. આ લોકોને જે ચાલે છે એની સામે વાંધો હોય છે. મુખ્યત્વે તો જે પણ સત્તામાં છે તેની સામે જ તેને વાંધો છે ને ઘણીવાર તો આ વાંધો સાચો હોય, તો પણ તેનું કશું ઉપજતું નથી હોતું. સૌથી વધુ સિદ્ધાંતો ને આદર્શો આ વર્ગ પાળે છે. એ જ ક્યારેક તેને ઉચ્ચ કક્ષાએ પણ પહોંચાડે છે, પણ મોટે ભાગે તો આ વર્ગ ઓછપમાં અને નિરાશામાં જીવે છે. એને નોકરિયાત કે પગારદાર વર્ગની ઓળખ પણ મળેલી છે. તે જવાબદારીઓ ઉપાડનારો વર્ગ પણ છે. એમાં ઓછી આવક રાજ રોગની ગરજ સારતી હોય છે. જો કે સરકારને આ વર્ગની બહુ ચિંતા હોતી નથી, પણ આ વર્ગને સરકારની ચિંતા ભારોભાર હોય છે. તેનું ચાલે તો તે રોજ સરકાર બદલી કાઢે, પણ તેવું થતું નથી. તેને લાભ ઓછા મળે છે ને એ અનેક પ્રકારના કરવેરાથી પીડાતો રહે છે. તેને સતત એમ જ લાગતું હોય છે કે પોતાને ભારે અન્યાય થઈ રહ્યો છે.
આ વર્ગ સરકાર બનાવવામાં ઓછામાં ઓછું યોગદાન આપે છે. મોટે ભાગે તો તે મત આપવા જ જતો નથી. હા, એટલું છે કે જ્યારે પણ મધ્યમવર્ગની મતદાનની ટકાવારી વધે છે, સરકાર બદલાવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે. સત્તા પલટામાં મતદાનની વધેલી ટકાવારી ભાગ ભજવતી રહ્યાના ઘણા દાખલાઓ છે જ. સરકાર આ વર્ગની મોટે ભાગે ઉપેક્ષા કરતી હોય છે, કારણ કે આ વર્ગ પણ મત ન આપીને સરકારની ઉપેક્ષા કરતો રહેતો હોય છે. આ બધું વ્યક્તિ આધારિત નથી હોતું, ક્યારેક તો અનુમાન કે અંદાજ આધારિત પણ હોય છે, એમાં મોટા ફેરફારો થાય તો અણધાર્યાં પરિણામો આવતાં હોય છે.
તમામ વર્ગોમાં યોગ્યતા કે પાત્રતા, શિક્ષણ આધારિત નથી હોતી, તે ઘણું ખરું જાતિ, કોમ કે સંપત્તિ આધારિત હોય છે. આ જ સ્થિતિ ઉચ્ચ વર્ગની છે. કહેવાય તો છે ઉચ્ચ વર્ગ, પણ ઉચ્ચ વર્ગ શિક્ષણમાં જ હોય છે, ઉચ્ચ વર્ગમાં તે નથી જ ! ઉચ્ચ વર્ગમાં ઘણાં ઉચ્ચ શિક્ષણ મેળવનારા પણ હોય છે, પણ વ્યવહારમાં ઉચ્ચતાનો માપદંડ ઘણુંખરું સંપત્તિ જ હોય છે. આ અમીર વર્ગ તમામ વર્ગો પર પ્રભાવ પાડતો હોય છે. તે વેપારઉદ્યોગ દ્વારા જરૂરતમંદોને પગાર આપીને કામ કઢાવે છે ને અપવાદો બાદ કરતાં તેનું લક્ષ્ય કમાણીનું જ વિશેષ હોય છે. આ વર્ગ સરકાર રચવામાં કદાચ એટલો સંડોવાતો નથી જેટલો તે સરકાર રચાયા પછી સંડોવાય છે. તે શાસક પક્ષોને ઘણી મોટી આર્થિક મદદ કરે છે ને એ પૈસાને જોરે શાસકો કોઈને જોડી, તોડીને કોઈ પણ રીતે સત્તા ટકાવી રાખવા મથે છે. ધારો કે સરકાર બદલાય છે તો કંપનીઓ, ઉદ્યોગપતિઓ પણ બદલાય છે. નવી સરકારને આ લોકો એટલે મદદ કરે છે કે અમીર વર્ગની આન, બાન ને શાન જળવાઈ રહે. આ વર્ગને, સરકારને મદદ કરવાનાં કારણો છે.
સરકારને આ વર્ગ મદદ કરે છે ને સરકાર એમને ઉદ્યોગધંધાના પ્રોજેક્ટ્સ આપે છે. મોટા કોન્ટ્રાક્ટ મળે છે તો સરકારનાં પ્રજા જોગ કામ પણ થાય છે, એ કામ બતાવીને સરકાર મત મેળવતી હોય છે. બીજી બાજુએ કંપનીઓ નફો કરવાની સાથે સાથે બેરોજગારી ઘટાડવાનું નિમિત્ત પણ બને છે. આમ તો આ બધું સારું જ છે, તો વાંધો ક્યાં આવે છે?
વાંધો અમર્યાદ નફાખોરીનો અને મોંઘવારીનો છે. અનેક લોકોનાં મોંઘવારીને કારણે શોષણ વધે છે. ઓછો પગાર આપીને અને વધારે ભાવ લઈને વેપારી વર્ગ દ્વારા શોષણ થતું રહે છે. એમાં વળી ગરીબીને કારણે દેવું થાય છે ને તે ન ચૂક્વાતાં કેટલાક કિસ્સાઓમાં વાત આત્મહત્યા સુધી પહોંચે છે. સરકારને મદદ કરીને પોતાની શરતે અમીરો ધંધાઉદ્યોગોને બાનમાં લે છે. સરકારે પણ મદદ મેળવી હોવાથી કેટલીક બાબતોમાં તેણે આંખ આડા કાન કરવાં પડે છે ને પરિણામ એ આવે છે કે સામાન્ય માણસ પાસે નામની જ મોકળાશ ને સ્વતંત્રતા બચે છે.
પ્રજા વેઠાય ત્યાં સુધી તો વેઠે છે ને તક મળે છે, ત્યારે મતનું શસ્ત્ર ઉગામીને સરકાર બદલે છે. કોઈ પણ સત્તા પ્રજાની ઈચ્છા વિરુદ્ધ લાંબું ટકતી નથી. સરકારને બેઠી કરવા પ્રજા ખભો આપે છે ને સરકારને ઉથલાવવવાની હોય તો તેને પણ ખભો પ્રજા જ આપે છે. સરકાર ગમે તેટલું ભલે ઊછળતી હોય, પણ તેને ઠેકાણે પણ પ્રજા જ કરતી હોય છે, ખરું કે નહીં?
0 0 0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 ફેબ્રુઆરી 2021