બાળક 6 વર્ષનું ન હોય તો એક જમાનામાં તેને પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાતો ન હતો, ત્યારે ખાનગી સ્કૂલોનો વાવર ન હતો ને કે.જી., નર્સરીનો પવન પણ ફૂંકાયો ન હતો. એ પહેલાં બાલમંદિરનો થોડો ઉઘાડ થયેલો. છોકરું ઘરમાં પજવે તેના કરતાં બાલમંદિરનું માથું ખાય એ માતાને ઠીક લાગતું એટલે બાળકની ત્યાં પધરામણી થતી, ત્યાં પણ બાળક રમે તે કરતાં ભણાવી દેવાની ઉતાવળ તો હતી જ. એ પછી કે.જી., નર્સરી શરૂ થયું, એનો હેતુ પણ બાળકના નૈસર્ગિક વિકાસનો જ હતો, પણ પોતાનું બાળક એ.બી.સી.ડી. બોલતું થઈ જાય ને મહેમાનો સામે વટ પડે એવી માબાપને ઇચ્છા રહેતી ને મા ફરિયાદ કરતી કે વરસ થવા આવ્યું, પણ છોકરું, એપલ ખાવા છતાં, એ ફોર એપલ, બોલતું નથી. એટલે સ્કૂલોને પણ ચાનક ચડી, છોકરાંઓને અંગ્રેજ બનાવી દેવાની ને એમ ફી વધતી ગઈ ને પછી તો ધંધો ધમધોકાર ચાલવા લાગ્યો. એમાં થયું એવું કે ખાનગી સ્કૂલોનો રાફડો ફાટયો ને સરકારી સ્કૂલો ઘટતી ગઈ. બાળકનો વિકાસ નાની ઉંમરે થાય એ સાચું, પણ તેને ભણાવીને બોચિયું કરી દેવાનું તો કોઈ પણ શિક્ષણ વ્યવસ્થામાં નથી. સારું છે કે માતા નર્સરીમાં જ બાળકને જન્મ નથી આપતી, નહિતર જન્મતાંની સાથે જ બાળક એ.બી.સી.ડી. બોલતું થઈ જાય. આવા પ્રકારના ઉતાવળિયા બાળશિક્ષણથી, આગળ જતાં બાળકને કોઈ લાભ થયાનું બહાર આવ્યું નથી, કારણ ડફોળ હોવાનું તો ઉંમર વધતાં જ ખબર પડે છે.
સાચું તો એ છે કે આપણે શિક્ષણ બાબતે સભાન જ નથી.
આપણે એ.સી., પંખા, તગડી ફી, માબાપનું સ્ટેટસ વગેરેને જ શિક્ષણ માની લીધું. એમાં બાળક ગૌણ થઈ ગયું. તે તો જાણે કાર કે રિક્ષામાં આવનજાવન કરતું દફ્તર જ થઈ ગયું. સરકારો ઘણી આવી ને તેણે પણ જોયું કે ખાનગી સ્કૂલોને લાઇસન્સ આપી દેવામાં જ “મળતર” છે ને એને પગલે કોઈ પણ પૈસાદાર હાલીમવાલીને સ્કૂલ ખોલવાની છૂટ આપી દેવાઈ. આ રીતે સ્કૂલો ખોલનારાને અડ્ડો ચલાવવો કે સ્કૂલ ચલાવવી, એ બેમાં બહુ ફરક ન હતો. સરકારે ખાનગી સ્કૂલોને સંચાલકોના રૂપમાં ઘણા સરમુખત્યારો પૂરા પાડ્યા છે ને એમણે નબળા આચાર્યો, નબળા શિક્ષકો ને તગડા વાલીઓને સાથે રાખીને શિક્ષણની પથારી ફેરવી દીધી છે. વાલીઓને સારી સ્કૂલને નામે વર્ષો સુધી સંચાલકોએ બેવકૂફ બનાવીને લૂંટયા જ છે. વાલીઓને પણ ખરા ખોટા ધંધા કરીને ફી ચૂકવવા સિવાય સંતાનનાં શિક્ષણ સંદર્ભે ભાગ્યે જ બીજું કૈં સૂઝ્યું છે. કોરોનામાં પણ એમને તો એક જ રસ રહ્યો છે. સ્કૂલો બંધ હોય તો ફી ન લેવાય ને ચાલુ હોય તો ફીમાં ઘટાડો થાય. એટલું થાય તો વાલીઓને ફરજ પૂરી થઈ ગયાનું લાગે છે. એની સામે સરકારી સ્કૂલો સુધરી રહી છે, પણ વાલીઓને શિક્ષણ કરતાં સંપત્તિ લૂંટાવવાનો રસ વધારે છે એટલે સરકારી સ્કૂલોને એ અસ્પૃશ્ય ગણે એમાં નવાઈ નથી.
એનો અર્થ એવો નથી કે બધી સરકારી સ્કૂલો ઉત્તમ છે ને બધી ખાનગી સ્કૂલો નબળી જ છે. એવું નથી. એવું હોત તો જે કૈં આશા હજી શિક્ષણ માટે છે એ દીવો ક્યારનો હોલવાઈ ગયો હોત. આ સંજોગોમાં પણ થોડા સાચા ને ઉત્તમ શિક્ષકો ને વિદ્યાર્થીઓ આવ્યા જ છે તે ભૂલવા જેવું નથી.
ત્રીસ માર્ચને રોજ શિક્ષણ મંત્રીએ એવી જાહેરાત કરી કે અમદાવાદ અને ગાંધીનગર સહિતના 6 જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં લાયકાત અને તાલીમ વિનાના 4,510 શિક્ષકો છે, એમાંથી એકલા અમદાવાદમાં જ 2,967 છે. આ તો શિક્ષણ મંત્રીનો આંકડો છે, એ ઉપરાંત લાયકાત વિનાના બીજા શિક્ષકો ન જ હોય એમ માનવાને કોઈ કારણ નથી. RTE 2009થી અમલમાં આવ્યું. એ પહેલાં 1થી 7 માટે પી.ટી.સી.ની લાયકાત જરૂરી હતી. RTE પછી 1થી 5 માટે પી.ટી.સી. સમકક્ષ અને 6થી 8 માટે સ્નાતક કક્ષાના તાલીમી શિક્ષકનો આગ્રહ રખાયો. શિક્ષણ મંત્રીનું કહેવું છે કે તાલીમી શિક્ષકો ન મળતાં લાયકાત વગરના શિક્ષકોની નિમણૂક કરવામાં આવી. અહીં પ્રશ્ન એ થાય કે ઢગલો તાલીમી અને લાયકાતવાળા શિક્ષકો બેકાર બેઠા હોય ત્યારે લાયકાત વગરના શિક્ષકોની નિમણૂક કોણે અને કેમ કરી? એ તો દેખીતું છે કે લાયકાત વગરના શિક્ષકો એમને એમ તો સ્કૂલોમાં નહીં ભરાઈ નહીં હોય! એમની નિમણૂક કરનારાઓ લાયકાતવાળા હતા કે એ પણ એવા જ લેભાગુ હતા? કયો લાભ ખાટવા એ લોકોએ આવા શિક્ષકોની નિમણૂક કરી? શિક્ષણ મંત્રી નિખાલસતાથી લાયકાત વગરના શિક્ષકોની જાહેરાત કરે ત્યારે ગમે, પણ એવી નિખાલસતાથી સમસ્યા ઉકલતી ન હોય તો એનો કશો અર્થ નથી. શિક્ષણ મંત્રી પૂરી કડકાઈથી એવી ખોટી નિમણૂક આપનાર અધિકારીઓ પર શિક્ષાત્મક કાર્યવાહી કરે તો જ એ નિખાલસતા લેખે લાગે.
શિક્ષણ મંત્રીએ 25 માર્ચે એવી જાહેરાત પણ કરી કે રાજ્યમાં 9,710 શિક્ષકો અને 927 અધ્યાપકોની નવી ભરતી કરવામાં આવશે. આશા રાખીએ કે આ ભરતી લાયક અને તાલીમી ઉમેદવારોથી થાય. એ જ દિવસે શિક્ષણ મંત્રીએ એમ પણ કબૂલ્યું કે રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લામાં એક જ સરકારી શાળા છે. એનો અર્થ એ થયો કે સરકારી સ્કૂલમાં ભણવું હોય તો પણ વિદ્યાર્થીઓ પાસે વિકલ્પ નથી ને તેણે ખાનગી સ્કૂલમાં જ જવું પડે. કમાલ તો એ છે કે દાયકા પહેલાં આ જ ગાંધીનગર જિલ્લામાં 10 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ હતી જ. જો હતી, તો એ બંધ કેમ થઈ? ખરેખર તો ખાનગી સ્કૂલોને અપાયેલું વધારે પડતું ઉત્તેજન અને સરકારી સ્કૂલો ન ચલાવવાની દાનત આનાં મૂળમાં છે. શિક્ષણનું ધોરણ કથળ્યું એમાં ખાનગી સ્કૂલોને અપાયેલું ઉત્તેજન જવાબદાર છે. લાયકાત ને તાલીમ વગરના શિક્ષકો ખાનગી સ્કૂલોમાં વધુ નિમણૂક પામ્યા હોવાનો સંભવ છે, કારણ જે ખાનગી સ્કૂલોએ ધંધો જ કર્યો છે તે ઓછી લાયકાતવાળા શિક્ષકો નીમે તો ઓછા પગારથી ચાલી જાય. એમાં ઓછી લાયકાતવાળા પર ઉપકાર થાય ને વધુ ફીને કારણે નફાનો માર્જિન પણ વધે. આવો લાભ કોણ છોડે?
તાજેતરમાં જ પાટણ યુનિવર્સિટીમાં એમ.બી.બી.એસ.ના ત્રણ નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરી દેવાનું બહાર આવ્યું છે. આવી રીતે ડોક્ટરો, એન્જિનિયરો, વકીલો, અધ્યાપકો બહાર પડે ને ધંધે લાગે તો આપણે કેવા ધંધે લાગી જઈએ તે કહેવાની જરૂર ખરી?
એક વાત સ્પષ્ટ છે કે આપણે શિક્ષણ જોડે ઘણી રમત કરી છે. એને ગંભીરતાથી લીધું જ નથી. એમાં ઘણા અખતરા થયા છે, કોરોના કાળમાં તો વધારે. એ પણ છે કે દરેક ક્ષેત્રમાં શિક્ષણની સાથે તાલીમ જરૂરી છે. પાઇલટ હોય ને વિમાન ચલાવતાં ન આવડે કે ડ્રાઇવિંગ લાઇસન્સ હોય ને કાર ચલાવતાં ન આવડે કે સર્જયન હોય ને સર્જરી ન આવડે તો શું થાય તે સમજી શકાય એવું છે, છતાં બોગસ સર્ટિફિકેટ પર વેપલો કરનારાઓ મળી જ રહે છે. બધે જ વત્તે ઓછે અંશે આવી ભ્રષ્ટતા વ્યાપેલી જ છે, એમાં સૌથી વધુ ભ્રષ્ટતા શિક્ષણ ક્ષેત્રે છે. તે તરફ ધ્યાન ઓછું જ ગયું છે, કારણ તેનાથી થતું નુકસાન તરત દેખાતું નથી, પણ તેની દૂરગામી અસરો ઊંડી ને વ્યાપક હોય છે. એમાં લાયકાત કે તાલીમ વગરના શિક્ષકોથી કામ લેવાય જ નહીં, પણ આપણે શિક્ષકને બહુ હળવાશથી લીધો છે. એની પાસે કારકૂની કરાવીએ છીએ, વસતિ ગણતરી કરાવીએ છીએ. એને ચૂંટણીમાં જોતરીએ છીએ ને અપેક્ષા રાખીએ છીએ કે તે ઉત્તમ શિક્ષણ આપે. તે બી.એડ.ની તાલીમ લે છે તે વસતિ ગણતરીની માહિતી ભેગી કરવા? તે પીએચ.ડી. થાય છે તે શું પ્રિસાઇડિંગ ઓફિસર બનવા? આવાં કામો શિક્ષિત બેકારોને અપાય તો તેમને કામ અને દામ મળશે ને શિક્ષક તેની ફરજ સારી રીતે બજાવી શકશે.
એક તરફ શિક્ષણ મંત્રી લાયકાત વગરના શિક્ષકોની નિમણૂક અંગે ફરિયાદ કરે છે, પણ શિક્ષણ વિભાગ જ સરખી લાયકાતવાળા શિક્ષકો વચ્ચે ભેદ કરે છે એ પણ જોવાવું જોઈએ. એક શિક્ષક પોતાની લાયકાત અને તાલીમને જોરે પૂરો પગાર મેળવે છે ને બીજો એટલી જ પાત્રતાવાળો શિક્ષક વિદ્યા સહાયક તરીકે ઓછો પગાર મેળવે છે ત્યારે લાયકાતવાળા શિક્ષકનો દુરુપયોગ થઈ રહ્યો છે એવું નહીં? ખરેખર તો શિક્ષણ વિભાગે સમાન લાયકાત અને તાલીમ ધરાવતા શિક્ષકોને સમાન તકો આપી વિદ્યા સહાયકની જગ્યાને પૂરા પગારની જગ્યામાં તબદીલ કરી દેવી જોઈએ. આવું થશે?
એનું આશ્ચર્ય જ છે કે આપણે પટાવાળાની લાયકાત નક્કી કરી છે, પણ પ્રધાનની લાયકાત નક્કી કરી નથી. પ્રધાન લાયકાતવાળો મળી જાય તો નસીબ, પણ કોઈ અભણ પ્રધાન બની જાય તો તેને રોકી શકાતો નથી. એવા પ્રધાનના હાથ નીચે કામ કરતા અધિકારીઓ ઉચ્ચ લાયકાત ધરાવતા હોય તેની પૂરી કાળજી રખાય છે. ટૂંકમાં, મંત્રી અંગૂઠા છાપ હોય તો તેનો વાંધો નથી. એ કેવું વિચિત્ર છે કે સ્કૂલ ચલાવવા તાલીમની અપેક્ષા છે, પણ દેશ ચલાવવા કોઈ મંત્રી માટે લાયકાત કે તાલીમ જરૂરી નથી ગણાઈ!
0 0 0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 ઍપ્રિલ 2021