સરકાર બાળકોને રસી અપાય તે માટેની તૈયારીઓમાં લાગી છે ને વયસ્કોને રસીના બંને ડોઝ લેવા અપીલ કરી રહી છે. બુસ્ટર ડોઝની વાત પણ ચાલે છે. 100 કરોડથી વધુ લોકોને રસી અપાઈ હોવાનો સરકાર દાવો કરી રહી છે ને એટલું નક્કી છે કે કોરોના રસીકરણને કારણે ઠીક ઠીક કાબૂમાં આવ્યો છે, પણ વિશ્વમાં નવા વેરિયન્ટ ઓમિક્રોનનો જે રીતે વિસ્ફોટ થયો છે તે આ દુનિયાને જપવા દે એમ લાગતું નથી. થોડે થોડે દિવસે કોઈ આઇટેમની જેમ કોરોનાના નવા વેરિયન્ટની પધરામણી થયા કરે છે. ડેલ્ટાનું ચાલ્યું, તે પછી મયુકરમાઇક્રોસિસનો ઢોલ વાગ્યો, તેનું ઠેકાણું પડે ત્યાં ઓમિક્રોન પ્રગટ થયો, તે બાકી હતું તે ડેલ્ટા અને ઓમિક્રોનનું સંયોજન ડેલ્મિક્રોન પ્રગટ થયું ! આ નવો વેરિયન્ટ નથી, પણ બે વેરિયન્ટ ડેલ્ટા અને ઓમિક્રોન મળીને એક ‘સુપર સ્ટ્રેન‘ બનાવે છે. નબળી ઇમ્યુનિટીવાળા, વૃદ્ધોમાં એનું જોખમ ઊભું થઈ શકે એવી વાતો છે. અમેરિકા અને યુરોપમાં વધતા કેસો માટે ડેલ્મિક્રોન જ જવાબદાર છે એમ કહેવાય છે. જેમનું વેક્સિનેશન થયું નથી એમને ડેલ્મિક્રોનનું જોખમ વધુ રહે એવી વાત પણ છે. આના પછી બીજા કોઈ વેરિયન્ટ દર્શન ન જ દે એવું નથી. એ બધું તો ચાલ્યા જ કરવાનું છે. વધારે શું કહેવું, દુનિયા ડરેલી રહે ને સ્વસ્થ ન થાય એને માટે બધાં જ મહેનત કરી રહ્યાં છે.
આ બધાંમાં ભારત દેશ પણ પાછળ નથી, તે પણ કોરોનાથી કોરો રહેવા નથી માંગતો. ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર, પંજાબ અને ઉત્તરાખંડ એમ પાંચ રાજ્યોમાં ચૂંટણી 2022માં છે, એ સંદર્ભે ઓમિક્રોન કેટલો ફેલાશે તેનો દાખલો માંડી જોવા જેવો છે. એક ડિસેમ્બરે ઓમિક્રોનનો એક પણ કેસ ન હતો. બીજી ડિસેમ્બરે 1 કેસ આવ્યો, એ પછી બાવીસ જ દિવસમાં એ આંકડો 360ને વટાવી ગયો. અત્યારે પણ દેશમાં કોરોનાના દોઢ લાખથી વધુ કેસો સક્રિય છે. ફેબ્રુઆરીમાં ત્રીજી લહેર પિક પર હોઈ શકે છે. જો ત્રીજી લહેર આવી તો રોજના 14 લાખ કેસ થવાનું જોખમ નિષ્ણાતો જણાવી રહ્યા છે. આવામાં માર્ચ, એપ્રિલની આસપાસ ચૂંટણી આવે તો શું થાય તે કહેવાની જરૂર નથી. ઉત્તર પ્રદેશમાં એપ્રિલ, 2020માં પંચાયતની ચૂંટણીમાં શિક્ષકોએ ચૂંટણીની ફરજો બજાવી હતી ને એમાં 700 શિક્ષકોએ જીવ ગુમાવ્યા હતા. બંગાળની વાત કરીએ તો 2 એપ્રિલ, 2021 ને રોજ કોરોનાના 1,723 નવા કેસ આવ્યા હતા ને એક પણ મોત નોંધાયું ન હતું, 2 મે, 21 ને રોજ ચૂંટણી પછી નવા કેસની સંખ્યા 17,515 થઈ ગઈ હતી અને એક જ દિવસમાં 100 લોકો મૃત્યુ પામ્યા હતા. ચૂંટણી પછી કેસોમાં 900 ટકાનો વધારો થયો હતો. બીજી લહેરમાં અનેક લાશો પડી છે તે સૌ જાણે છે. ગંગા પણ એનાથી અકળાઈ હતી ને તેણે અનેક લાશો વહેવી પડી હતી, પણ પ્રજા અને સરકાર એમાંથી કોઈ પાઠ શીખવા તૈયાર જ ન હોય તેમ ફરી માથે હાથ મૂકીને રડવા તૈયાર થઈ છે.
ગુજરાતના તે વખતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મોતના આંકડા સંતાડવા પડે એવો હાહાકાર બીજી લહેરમાં વ્યાપ્યો હતો ને એમ્બ્યુલન્સ અને ઓક્સિજનની તંગીએ પણ ઓછું વીતાડયું ન હતું. એનું પુનરાવર્તન થવા દેવું છે? કોરોનાની ત્રીજી લહેરે આવવું નથી, પણ સરકાર અને પ્રજા તાણીતૂંસીને તેને લાવવા તનતોડ મહેનત કરી રહી છે. અલ્હાબાદ હાઇકોર્ટે વડા પ્રધાનને અને ચૂંટણી આયોગને ઓમિક્રોનનાં વધતાં સંક્રમણને ધ્યાનમાં રાખીને વિધાનસભાની ચૂંટણી ટાળવાની વિનંતી કરી છે, પણ સરકાર એ બાબતે અત્યાર સુધી તો ચૂપ છે ને ચૂપ જ રહેશે એમ લાગે છે. મામલો સુપ્રીમ કોર્ટ સુધી ગયો છે ને રાજકીય રેલીઓ પર રોક લગાવવાની અરજી પણ દાખલ કરવામાં આવી છે. આમ તો ભારતમાં ચૂંટણી પંચ પણ છે, પણ તેને આવી બાબતો અગાઉ પણ સ્પર્શી નથી ને હવે પણ સ્પર્શે એમ લાગતું નથી. ટૂંકમાં, ચૂંટણી પંચની આખી સ્વાયત્તતા જ ચર્ચાસ્પદ છે.
ઉત્તર પ્રદેશ પર વડા પ્રધાન ઓવારી ગયા છે ને કાશીના જિર્ણોધ્ધાર નિમિત્તે 2024નું ભાથું પણ બાંધી લીધું હોય એમ લાગે છે. ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી, વડા પ્રધાનની આરતી ઉતારતા જઈને, બિલકુલ મોદી સ્ટાઇલમાં જાહેરાતો કરતા રહે છે. એક સમયે આ જ યોગી મોદીથી વંકાઈને ચાલતા હતા, તે એક વાર મોદીને રૂબરૂ થયા ને એવો ચમત્કાર થયો કે પછી બંને એકબીજાની આરતી ઉતારતા થઈ ગયા. અત્યારે તો યોગી યુવાનોને 1 કરોડ ટેબલેટ અને સ્માર્ટ ફોન મફત આપવામાં પડ્યા છે. એ તે ગાઈડલાઇન્સ જુએ કે યુવા મતો ખેંચે? વડા પ્રધાનનું એવું છે કે એ દેશના વડા પ્રધાન હોવાની સાથે જ એ ભૂલતા નથી કે એ ભા.જ.પ.ના પણ સર્વેસર્વા છે, એટલે પશ્ચિમ બંગાળ હોય કે ઉત્તર પ્રદેશ, એ જાતે પોતે રેલીઓ સંબોધવા પહોંચી જાય છે ને હજારોની મેદનીને સંબોધે છે ને લોકો ખુશ રહે એ માટે કોઈને કોઈ પ્રકારની લહાણી કરતા રહે છે. ગુજરાતમાં પણ 2022માં વિધાનસભાની ચૂંટણી છે, તો એમાં પણ આ જ પ્રકારે વડા પ્રધાન જાતીય દેખરેખ હેઠળ ચૂંટણીની જવાબદારી પાર પાડશે એમાં શંકા નથી.
બીજી તરફ કાઁગ્રેસ અને બીજા વિપક્ષો બણગાં ફૂંકવામાંથી જ ઊંચા નથી આવતા. સરકાર કૈં ન કરે તો કાઁગ્રેસ પણ ચૂપ રહે. સરકાર કૈં કરે તો તેનો વાંધો ઉઠાવવાની એક પણ તક કાઁગ્રેસ ચૂકતી નથી. સરકાર કૈં ન બોલે તો કાઁગ્રેસ પાસે પોતાની કોઈ વાત જ નથી. કોઈ એવી યોજના નથી જે તેની યોગ્યતા પુરવાર કરે. બહુ થાય તો ભા.જ.પ. રેલી કરશે તો કાઁગ્રેસ પણ દેખાદેખી રેલા, રેલીમાં હજારોની ભીડ કરશે. એમ કરીને તે પણ સરકારની જેમ જ કોરોના ફેલાવવામાં મદદ જ કરે છે ને ! આપ પાર્ટી સ્વસ્થ સંચાલન કરે તો તેને સુરતમાં સારી તકો છે, પણ તેને રચનાત્મક કામો કરવા કરતાં ઉપદ્રવમાં વધારે રસ છે. તોડફોડથી જ સત્તા હાંસલ કરી શકાય એવી માન્યતા બદલાય તો આપને સુરતમાં તકો છે ને તેણે તેનો યોગ્ય લાભ ઉઠાવવો જ જોઈએ. સમાજવાદી પાર્ટી પણ ભા.જ.પ. હારશે તેવી આગાહી કર્યા કરે છે, પણ હરાવવાનું તેની પાસે કોઈ નક્કર આયોજન નથી. એટલે ભા.જ.પ. સત્તામાં ન આવે તો જ નવાઈ લાગે.
ચૂંટણી પ્રાણપ્રશ્ન હોય તો પણ, પ્રાણ કરતાં વધુ નથી. સરકારે એ જોવા જવું છે કે કોરોનાને કારણે કયા કાર્યક્રમો રદ્દ કર્યાં કે મુલતવી રાખ્યા? કેટલી રેલીઓ, સભાઓ કોરોનાને કારણે અટકી? જવાબમાં શૂન્ય આવે એમ છે. કમાલ તો એ છે કે જે ટાળી શકાય એવાં કાર્યક્રમો છે તે પણ ચાલે છે. નદીનો ઉત્સવ થાય એ ગમે, પણ હાલના સંજોગોમાં એ ન થાય કે લંબાવાય તો ચાલે, પણ તે ધરાર થયો ને મુખ્ય મંત્રીએ એનો સુરતથી પ્રારંભ પણ કર્યો. સાધારણ માણસો માટે રાત્રિ કરફ્યુ 11થી લાગુ કરવામાં આવ્યો, પણ ‘ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત’ કાર્યક્રમમાં 7,500થી વધુ લોકોને સવારે ભેગા કરવાનો સરકારને સંકોચ ન થયો. ચિંતા એ છે કે ફિટ ગુજરાતને અનફિટ કરવાનું ન બને તો સારું. વડા પ્રધાન સાવધાની રાખવાનું કહે ને મુખ્ય મંત્રી બેદરકારી વચ્ચે કાર્યક્રમો પાર પાડે એ સંકલન સમજવાનું અઘરું છે. મુખ્ય મંત્રીની ઉપસ્થિતિમાં સાઇકલોથોન યોજાઈ, જેમાં સાત હજાર રજિસ્ટ્રેશન કરવામાં આવ્યાં. આ વેપલો પણ ટાળી શકાયો હોત !
ઇન્ડોર સ્ટેડિયમમાં 3,500નું ટોળું થયું ને તેમાં મહિલા સફાઈ કામદાર પણ સંક્રમિત હતી. આમ તો સફાઇ કર્મચારીઓનાં સન્માનનો એ કાર્યક્રમ હતો, પણ સફાઈમાં સંક્રમણ હાથ લાગ્યું ! સ્કૂલના વિદ્યાર્થીઓ, વેપારીઓ સંક્રમિત હોય ત્યાં ભીડ ટાળવાને બદલે ભીડ કરવાનું બહાનું શોધાય એ શરમજનક છે. પાલિકા સુડાનાં કામોનું લોકાર્પણ કરવા મુખ્ય મંત્રી સુરત સુધી લાંબા થાય એ એટલું સૂચવે છે કે સરકારને બધું ચાલે છે. તેને કૈં નડતું નથી. તે ભીડ કરે તો કોરોના વધતો નથી, પણ લોકો ભીડ કરે તો સંક્રમણ માઝા મૂકે છે. વડા પ્રધાનથી માંડીને સરકારી અધિકારીઓ માસ્ક પહેરવાનું ને અંતર જળવવાનું કહેતા જ રહે છે, કારણ સંક્રમણ તો લોકો જ ફેલાવે છે ને ! સરકાર ભીડ કરે તો એ માફ છે. એની સભામાં કોઈ માસ્ક ન પહેરે તો ચાલે, પણ સામાન્ય માણસ ન પહેરે તો તે દંડાય. લોકોનો વાંક નથી એવું નથી. ડી.જે.ના તાલ પર નાચવાનું તેમને ફાવે છે. નાતાલની ઉજવણી વિદેશોમાં ગાઈડ લાઇન્સનું પાલન કરીને થાય, પણ અહીં હૈદરાબાદ, લખનૌ, સુરત જેવામાં સડકો છલકાવી દેવામાં કોઈને કોરોના યાદ નથી આવતો.
આમ થવા માટે પણ સરકાર જવાબદાર છે. લોકો જુએ છે કે વડા પ્રધાન કે ગૃહ મંત્રી કે યોગી સભાઓ સંબોધે છે ને ત્યાં કોઈ ગાઈડલાઇન્સનું પાલન નથી થતું, છતાં કોઈ દંડાતું નથી કે કોરોના વકરતો નથી, તો થોડા લોકો ભેગા થઈ જાય તો કૈં ખાટુંમોળું થઈ જતું નથી. એટલે લોકો સરકારનું જોઈને વર્તતા હોય એમ બને, પણ એવી નકલખોરી ભારે પડી શકે એમ છે. ગાઈડલાઇન્સનું પાલન નહીં થાય તો સરકારનું તો કૈં નહીં બગડે, પણ લોકો જરૂર જોખમ નોતરશે.
લોકો જવાબદારીપૂર્વક વર્તે તો કોરોનાને નાથવાનું મુશ્કેલ નથી, એમ જ સરકાર. કામને પ્રાયોરિટી પ્રમાણે કરે તો પણ ભીડભાડથી બચી શકાય ને એટલે અંશે કોરોના નિયંત્રણમાં રહે એમ બને. ગુજરાત કોરોના પર ઠીક કાબૂ મેળવી શક્યું છે, ત્યારે તેણે પેટ ચોળીને શૂળ ઊભું કરવા જેવું નથી. બીજી લહેરે આખા દેશને બરાબર વીતાડયું છે, ત્યારે કોઈએ એવી કોઈ મુર્ખાઈ કરવા જેવી નથી કે પાછળ સરાવવાવાળા શોધવા પડે. ચેતીએ, નહીં તો ‘ચેતીશું’.
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 ડિસેમ્બર 2021