આપણે ત્યાં અન્ધશ્રદ્ધાનો વારસો સાચવતા કહેવાતા બાપુઓ, ભગતો, ચમત્કારિક સંતો, ફકીરોની પાસે જઈને નબળા મનનો માનવી થોડીક સલામતી અનુભવે કે હંગામી ધોરણે તકલીફમાં રાહત મેળવે છે. આવી તકલીફ મેલીવિદ્યાથી થઈ અને મંત્રશક્તિથી મટી ગઈ એવી અન્ધમાન્યતા ભવિષ્યમાં વધારે ખતરનાક સાબિત થાય છે, તે સમજાવતો કિસ્સો પ્રસ્તુત છે.
•••
અન્ધશ્રદ્ધા અને વહેમ લોકોને કેટલી હદ સુધી બરબાદ કરી નાંખે છે તેના કિસ્સાઓની ચર્ચા આ પુસ્તકમાં કરી છે. કેટલાક અન્ધશ્રદ્ધામાં, મેલીવિદ્યામાં સહેજ પણ ન માનનારા મિત્રોએ મેલીવિદ્યાનું અસ્તીત્વ છે એવું માનવું પડે એવા તેમના સત્ય કિસ્સાઓ વિશે માર્ગદર્શન માગતા પત્રો મને લખ્યા છે. માથા ઉપર હાથ મુકવાથી ગમે તેવી બીમારી મટી જાય કે બાપુ પાસે જઈ કોઈ મંત્ર–માદળિયું બંધાવી આવે અને બીમારી કાબૂમાં આવી જાય ત્યારે શું સમજવું એની સામાન્ય માણસને વિમાસણ થાય તે સ્વાભાવિક છે. આવી જ વાતને રજૂ કરતો એક પત્ર અત્રે રજૂ કરું છું.
“મારું નામ સુરેખા છે. હું એકવીસ વર્ષની યુવતી છું. મારે બે નાના ભાઈ છે. હું તમારી કૉલમની ઘણી જ ચાહક છું. તેના દ્વારા મેં સાયકોલૉજી વિશે ઘણુંબધું જ્ઞાન મેળવ્યું છે. હમણાંથી મારા ઘરમાં ગંભીર સમસ્યા ઊભી થઈ છે, જેના દ્વારા મારા ઘરમાં ઊથલપાથલ થઈ ગઈ છે. મારી આ સમસ્યાની સમ્પૂર્ણ વિગત હું નીચે પ્રમાણે આપું છું.”
“મારે બે નાના ભાઈ છે. જેમાંનો મોટો બબલુ બારમા – સાયન્સમાં અભ્યાસ કરે છે. તેણે બોર્ડની પરીક્ષામાં ડ્રૉપ લીધો હતો, જ્યારે તેણે ડ્રૉપ લીધો ત્યારે તે ખૂબ જ ડરેલો અને ગભરાયેલો રહેતો હતો. તે ઘરની બહાર નીકળતાં ડરતો હતો અને કોઈ મિત્રને મળતો પણ ન હતો, ભૂલેચૂકે કોઈ મિત્ર તેને સામેથી મળવા આવે તો તે ઘરમાં સંતાઈ જતો હતો અને અમારી જોડે જૂઠું કહેવડાવતો કે બબલુ ઘરમાં નથી. તે ઘણી વાર ડર અને ચિંતામાં આખી રાત કાઢતો. ડરને કારણે રોજ રાત્રે મમ્મીનો હાથ પકડીને સૂઈ જતો અને આખો દિવસ વિચારોમાં ડુબેલો રહેતો. આથી તેની અમે અમારા ગામમાં જ દવા કરાવી પણ ફેર જણાયો નહીં. ત્યાર પછી તે તંત્ર–મંત્રમાં પડ્યો. તે મમ્મી સાથે નાયાના કોઈ બાપુ પાસે જતો અને તેમને પોતાની બધી જ વિગતો જણાવતો. આ તાંત્રિક બાપુ તેને કાળો દોરો, મંત્રેલું પાણી આપતા હતા. આ બધી વિધિઓમાં બબલુને અને મારી મમ્મીને પૂરેપૂરો વિશ્વાસ હતો. બબલુને સહેજ પણ માથું દુઃખે તો બાપુ પાસે દોડી જતો. આ બધુ ત્રણ મહિના ચાલ્યું. એ સમય દરમિયાન બબલુ બાપુ વિશે ઘરમાં ખૂબ વાતો કરતો અને બાપુની મંત્રશક્તિની ચર્ચા પણ કરતો અને કયારેક નાના ભાઈને બાપુના નામથી ડરાવતો, ધમકાવતો પણ ખરો. હાલમાં બબલુ બારમા ધોરણમાં રિપીટર તરીકે બીજી સ્કૂલમાં જાય છે. હવે તેને થોડું સારું થતું જાય છે. હા, એક ખાસ વાત છે કે નાની નાની બાબતમાં ડિપ્રેશનમાં આવી જાય છે. શું બબલું આ વખતે પરીક્ષા આપશે કે ડ્રૉપ લેશે? તેને ડિપ્રેસન નામની માનસિક બીમારી હતી, તો બાપુના દોરા–ધાગા, મંત્ર–તંત્રથી સારું કેવી રીતે થઈ ગયું?
જો કે અમારી અત્યારની સમસ્યા બબલુની નથી, પણ અમારા સૌથી નાના ભાઈ મુન્નાની છે. મારો નાનો ભાઈ મુન્નો ભણવામાં ખૂબ જ હોશિયાર છે. તે ધોરણ દસમાં સાયન્સ પ્રવાહમાં સેન્ટરમાં 85 ટકા માર્ક્સ સાથે પ્રથમ આવ્યો હતો અને તેને બરોડા પેટ્રોકેમિકલ સ્કૂલમાં એડમિશન મળ્યું. પ્રથમ સેમેસ્ટરમાં તે આખી સ્કૂલમાં ફર્સ્ટકલાસ ફર્સ્ટ આવ્યો; પરન્તુ બીજા સેમેસ્ટરમાં બબલુના ડિપ્રેસનને કારણે વાંચી શક્યો નહીં અને તેણે પ્રેક્ટીકલની પરીક્ષા ન આપી તેથી તે ફેઈલ જાહેર થયો. હાલમાં તે ઘેર જ છે પણ છેલ્લાં થોડાં અઠડિયાંથી તે વિચિત્ર વર્તન કરે છે. તે ચાર મહિનાથી ઘરની બહાર નીકળ્યો નથી. પહેલાં તે તંત્ર–મંત્રમાં સહેજ પણ વિશ્વાસ ધરાવતો ન હતો અને આવી વાતોને હસી કાઢતો; પરન્તુ છેલ્લા બે મહિનાથી તે એક જ વાત કરે છે કે હું ફેઈલ થયો તેનું કારણ જ બબલુ છે. બબલુએ બાપુ પાસે શીખેલી તંત્ર–મંત્ર વિદ્યાથી મને ફેઈલ કર્યો છે. તેને મારી પ્રગતિ થાય એ ગમતી નથી અને એ મારાથી ખૂબ જ બળે છે એટલે મારું અહિત કરવા માટે તે તંત્ર–મંત્રનો ઉપયોગ કરે છે.
મુન્નાનું એવું કહેવું છે કે હવે તો બબલુએ મંત્રશક્તિથી તેને પૂરેપૂરો વશમાં કરી લીધો છે અને હવે તેને બબલુની ગુલામી કરવી પડે છે. ઘરમાં કોઈક વસ્તુ તૂટી ગઈ હોય તો મુન્નાને બબલુની મેલીવિદ્યા જ કારણભૂત લાગે છે. હમણાં અમારું સસલું મરી ગયું તો મુન્નાએ તરત કહી દીધું કે બબલુએ મેલીવિદ્યાથી મારી નાંખ્યું. મુન્નાએ હવે તો એવો ભય લાગવા માંડ્યો છે કે જો તે ઘરની બહાર નીકળશે તો બબલુ તેને મંત્રવિદ્યાથી એક્સીડન્ટ કરાવીને મારી નંખાવશે. ઘણી વાર બે ભાઈઓ વચ્ચે આ જ બાબતે ખૂબ ઝઘડો થાય છે અને છૂટા હાથની મારામારી સુધી વાત પહોંચી જાય છે; પરન્તુ બબલુ સમજુ હોવાથી ચૂપ રહે છે અને વાત આગળ વધતી નથી. હમણાં હમણાં મુન્નો બરાડા પાડીને એક જ વાત કહ્યા કરે છે કે મંત્રશક્તિથી એની જિંદગી બગાડનાર બબલુને એ મારી નાંખશે અને પછી પોતે પણ આત્મહત્યા કરી લેશે. આને કારણે મારાં મમ્મી–પપ્પા ખૂબ જ હેરાન–પરેશાન રહે છે. મમ્મી તો આખો દિવસ રડ્યા જ કરે છે. બન્નેય ભાઈઓને એકલા પણ મૂકી શકાતા નથી. અમારા ઘરનું વાતાવરણ ઘણું જ ગંભીર બની ગયું છે. મુન્નાની આ બીમારીથી અમે બધા કંટાળી ગયા છીએ. શું મુન્નાની આ તકલીફ મેલીવિદ્યાને કારણે હશે ખરી? મુન્નો ફરીથી પહેલાં જેવો થઈ શકશે? તે ધમકી આપે છે તે પ્રમાણે કયારે ય મોટાભાઈને મારી નાંખવાની કે આત્મહત્યા કરવાની હદે જઈ શકે ખરો? શું મુન્નો પેટ્રોકેમીકલ સ્કૂલમાં ફરીથી ભણી શકશે? આવા તો કેટલા ય સવાલો મારા મનમાં છે. મહેરબાની કરીને આનો કોઈ ઉપાય બતાવો.”
ઘરની આટલી બધી તંગ પરિસ્થિતિ વચ્ચે પણ પૂરેપૂરી માનસિક સ્વસ્થતા સાથે સુરેખા આ પત્ર લખી શકી એ બદલ એને અભિનન્દન. સુરેખાના પત્ર પરથી એક વાત સ્પષ્ટ છે કે તેના બન્ને ય ભાઈઓ માનસિક રીતે બીમાર છે. આમાં નાના ભાઈ મુન્નાની બીમારી તાત્કાલીક સારવાર માંગી લે છે.
સૌ પ્રથમ બબલુની ચર્ચા કરીએ તો સુરેખાના લખવા મુજબ હાલમાં તેને કોઈ જ તકલીફ નથી. તે રિપીટર તરીકે બીજી સ્કૂલમાં જાય છે અને અવારનવાર ડિપ્રેસન આવી જાય છે. બબલુની પરિસ્થિતિ અત્યારે ભારેલા અગ્નિ જેવી છે, જ્યારે મુન્નાની પરિસ્થી=સ્થિતિ ભડકે બળતી આગ જેવી છે; પરન્તુ બન્ને ય અગ્નિને ઠારવા અત્યંત જરૂરી છે. તેના જ આપણે જોઈ ગયા છીએ કે બારમા ધોરણના સાયન્સ પ્રવાહમાં ડ્રૉપ લેનાર વિદ્યાર્થી નિષ્ફળતાના ડરથી કે તેની સાથે બનેલી કોઈ આઘાતજનક ઘટનાથી માનસિક રીતે અસ્વસ્થ હોય છે. લગભગ સત્તર અઢાર વર્ષનો યુવક ઘરની બહાર ન નીકળે, કોઈ મિત્રને ન મળે, આખો દિવસ વિચારોમાં ખોવાયેલો રહે અને રાત્રે સૂઈ જતી વખતે પણ એટલો બધો ભય અને અસલામતી અનુભવતો હોય કે મમ્મીનો હાથ પકડીને સૂઈ જવું પડે તો આ વાતને ગંભીરતાપૂર્વક લેવી જોઈએ જ; કારણ બબલુ પરીક્ષા વખતે સખત માનસિક દબાણ હેઠળ હોવાના કારણે માનસિક સમતુલા ગુમાવતો જતો હતો. આવા સંજોગોમાં તેણે બારમા સાયન્સની બોર્ડની પરીક્ષામાં ડ્રૉપ લીધો ત્યારે તો તેની સારવાર અત્યંત જરીરી હતી જ. બબલુની ગામમાં જ કોઈક પ્રકારની સારવાર થઈ અને પછી તંત્ર–મંત્ર કરતા બાપુ પાસે તેને લઈ જવામાં આવ્યો. આ બાપુ ઉપર અને તેમના મંત્ર–તંત્ર ઉપર શ્રદ્ધા હોવાને કારણે બબલુનો માનસિક તનાવ હળવો થયો અને તેણે થોડીઘણી માનસિક સમતુલા પાછી મેળવી પણ ખરી, એટલે પત્ર–લેખિકાને પ્રશ્ન થયો કે જો તંત્ર–મંત્ર વિદ્યાનું અસ્તીત્વ જ નથી તો બબલુની તબિયતમાં બાપુના મંત્રથી ફેર શા માટે પડ્યો?
આ પ્રશ્નનો જવાબ આપવા માટે મારે માનસિક બીમારીની ઓળખ અને તેની લભ્ય સારવારના કેટલાંક ઐતિહાસિક પાસાંઓની ચર્ચા કરવી છે. ડૉ. વૉટ્સે ફેમિલી ડૉક્ટર તરીકેના પોતાના અનુભવ વિશે તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક પુસ્તકમાં લખ્યું છે કે, “1934માં એક વૃદ્ધ પુરુષ તેની પેટ અને આંતરડાની તકલીફ માટે બતાવવા આવ્યો. એક્સ–રે લેબોરેટરીના બધા જ રિપોર્ટો નોર્મલ હોવાથી મેં થોડો સમય ફાળવી તે વૃદ્ધને સમજાવ્યું કે તેમના પેટમાં કોઈ તકલીફ નથી. મારી વાત સાંભળીને એ વૃદ્ધ સીધા ઘેર ગયા અને પોતાનું માથું ગૅસ–ઓવનમાં મૂકી દીધું. આ ઘટના પછી મને માનસિક તકલીફો વિશેના મારા અજ્ઞાનનો ખ્યાલ આવ્યો.” ડૉ. વૉટ્સની આ વાત પરથી સ્પષ્ટ છે કે ચાળીસના દાયકામાં વિદેશોમાં પણ માનસિક બીમારીની કોઈ ખાસ સમજ તબીબોને પણ નહોતી. એટલે હતાશા, ચિંતા, લાંબા સમયની શારીરિક તકલીફ, વિચારવાયુ, અસ્થિરતા વગેરે બીમારીને દૈવી પ્રકોપ કે મેલીવિદ્યા, કે ગ્રહનડતરના કારણે થતી તકલીફો માનવામાં આવતી અને એની સારવાર પણ દોરા–ધાગા, તંત્ર–મંત્ર, મરચાંની ધૂણી વગેરે દ્વારા થતી હતી. આમાં જેમને શ્રદ્ધા હતી તેમને દોરા–ધાગા બંધાવ્યા પછી કે મંત્રવિધિ કરાવ્યા પછી દિલાસો મળતો અને તત્કાલીન માનસિક તનાવમાંથી મુક્તિ મળતાં તબિયત સારી જણાતી એટલે લોકોના મનમાં એક જ પ્રકારની માન્યતા દૃઢ થતી કે અમુક પ્રકારની તકલીફો મેલીવિદ્યા દ્વારા થાય અને તેનું અમુક પ્રકારની મંત્ર–તંત્રની વિધિથી નિવારણ કરી શકાય. આમ, આ પ્રકારની અન્ધશ્રદ્ધા એ આપણો સાંસ્કૃતિક વારસો છે. જો કે દરેક ધર્મ અને સંસ્કૃતિમાં આવી મેલીવિદ્યા અને મંત્રશક્તિનું અસ્તીત્વ છે. આપણે ત્યાં અન્ધશ્રદ્ધાનો આપણો વારસો સાચવવા આવા બાપુઓ, ભગતો, ચમત્કારિક સંતો, ફકીરો વસે છે, જેમની પાસે જઈને નબળા મનનો માનવી થોડીક સલામતી અનુભવે છે અને હંગામી ધોરણે તકલીફમાં રાહત મેળવે છે એટલે આવી તકલીફ મેલીવિદ્યાથી થઈ અને મંત્રશક્તિથી મટી ગઈ એવી માન્યતામાં રાચે છે; પરન્તુ આવી અન્ધમાન્યતા ભવિષ્યમાં વધારે ખતરનાક સાબિત થાય છે, તે સમજાવવા મુન્નાનું ઉદાહરણ જ પૂરતું છે. મુન્નો જે કયારે ય અન્ધશ્રદ્ધામાં રાચતો નથી અને જેનું શૈક્ષણિક સ્તર પણ ઘણું જ ઊંચું છે તે બબલુની બીમારી અને તેના નિવારણના સમયની તેની મંત્ર–વિદ્યાની થતી હિલચાલ જુએ છે. કયારેક બબલુ પણ પોતાનો અહમ્ અને એકાધિકાર સ્થાપિત કરવા મુન્નાને ડરાવે છે કે, મંત્રશક્તિથી મુન્નાનું અહિત કરશે. મુન્નાને પોતાનાં એક–બે અહિત થતાં દેખાય છે અને તેના મનમાં મેલીવિદ્યાવાળી વાત બેસી જાય છે એટલે તે પોતાની માનસિક સમતુલા ગુમાવી બેસે છે અને પોતે બબલુની મેલીવિદ્યાથી જ નાપાસ થયો છે એટલું જ નહીં પણ બબલુ આવી વિદ્યાથી તેને મારી નંખાવી પણ શકે છે એવી ભ્રમણામાં રાચતો થઈ જાય છે.
એટલે એક વાત સ્પષ્ટ છે કે જેમ દારુ કે ચરસ–ગાંજાનું વ્યસન કરી ટેમ્પરરી મૂડ ન લેવાય તેમ અન્ધશ્રદ્ધાને પોષીને તંત્ર–મંત્ર દ્વારા કોઈ રોગ મટાડવાની કે તકલીફનું નિવારણ કરવાની કોશિશ ન કરાય, નહીં તો એની દશા બબલુ અને મુન્ના જેવી થાય. અન્ધશ્રદ્ધા એ આપણો સાંસ્કૃતિક વારસો છે; પરન્તુ એ તદ્દન નુકસાનકારક છે અને આ વારસાના હકો લેવા જેવા નથી કે બીજાને આપવા જેવા પણ નથી, તેને તો દફનાવી દેવા જ પડે.
મુન્નાની બીમારીની ચર્ચા કરીએ તો દસમામાં બોર્ડમાં 85 ટકા માર્ક્સ લાવી અને પેટ્રોકેમીકલ સ્કૂલના પ્રથમ સેમેસ્ટરમાં ફર્સ્ટક્લાસ ફર્સ્ટ આવી ફરીથી એટલો ઉજ્વળ દેખાવ થઈ શકશે કે કેમ એના માનસિક દબાણ હેઠળ એને બીજા સેમેસ્ટરની પરીક્ષા આપવાની હતી એવા સંજોગોમાં બબલુની બીમારીએ તેને માનસિકરૂપથી વધારે તનાવભરેલી પરિસ્થિતિમાં મુક્યો અને તે સમતુલા ગુમાવી ભ્રમણાઓમાં રાચવા માંડ્યો. તેનો ભય પણ સમ્પૂર્ણપણે અવાસ્તવિક છે. હાલમાં મુન્નો આવેગાત્મક વર્તન કરવા માંડ્યો છે એટલે તે ગુસ્સામાં કોઈને મારી પણ શકે છે અને મરી પણ શકે છે એટલે તેની મનોચિકિત્સા અત્યંત જરૂરી છે. મુન્નાની બીમારી દવાઓ અને ત્યાર બાદ સાયકોથેરેપીથી સમ્પૂર્ણપણે મટાડી શકાય અને તે પરીક્ષા આપી ફરી સારા માર્સથી પાસ પણ થઈ શકે. આ સમય બેસી રહેવા માટે નથી; પરન્તુ ઝડપથી યોગ્ય નિર્ણય લેવા માટે અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા માટેનો છે.
બબલુએ પણ એક વાત સમજી લેવાની જરૂર છે કે મંત્રશક્તિથી તેને સારું થઈ ગયું છે એવી ભ્રમણામાંથી બહાર આવવું જરૂરી છે. જે કંઈ સુધારો થયો તે બાપુ પ્રત્યેની તેની શ્રદ્ધા અને તનાવયુક્ત પરિસ્થિતિમાં બાપુએ આપેલા આશરા અને દિલાસાથી થયો છે. મંત્રશક્તિ કે દોરા–ધાગાથી નહીં અને હાલમાં પણ તે માનસિક રીતે હતાશ થઈ જાય છે તેથી બીજી વખત ડ્રૉપ ન લેવો પડે એ માટે સારવાર કરાવવી જરૂરી છે.
સુરેખાનાં માતા–પિતાને એક ખાસ સલાહ કે આ સમગ્ર પરિસ્થિતિથી અકળાઈ ન જઈ, ગુસ્સે ન થઈ જઈ અને શાંતિપૂર્વક સ્વસ્થતાથી તેના ઉકેલની દિશામાં આગળ વધે. તેમના બન્ને ય પુત્રોની માનસિક બીમારી સામાન્ય છે અને થોડા સમયમાં મટી શકે છે. સુરેખાને કુટુંબના પ્રશ્નમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવ્યા બદલ અભિનન્દન આપવાની સાથે સમગ્ર કુટુંબ આ વિપરિત સંજોગોમાંથી બહાર આવી ફરી પાછું પહેલાની જેમ જ આનન્દમય જીવન જીવે તેવી શુભેચ્છાઓ.
ઈ.મેલ : connect@drmrugeshvaishnav.com
ઈન્ડિયન સાઈકીઆટ્રીસ્ટ સોસાયટીના પૂર્વ પ્રમુખ (2019–20) અને સૅક્સોલૉજીસ્ટ ડૉ. મૃગેશ વૈષ્ણવનું પુસ્તક ‘વળગાડનું વીષચક્ર’ને ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ અને ‘હિન્દી સાહિત્ય એકેડેમી’ તરફથી ઍવોર્ડ એનાયત થયા છે. (પ્રકાશક : નવભારત પ્રકાશન મન્દિર, જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ – 380 001 સેલફોન : +91 98250 32340 ઈ.મેલ : info@navbharatonline.com પાનાં : 212, મૂલ્ય : રૂપિયા 150/–)માંથી, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર.
અક્ષરાંકન : ગોવિન્દ મારુ ઈ–મેલ : govindmaru@gmail.com
https://govindmaru.com/2021/01/07/dr-mrugesh-vaishnav-9/