જાણે ઘવાઈ ક્યાંક ઝનૂની વસંત, જો –
રાતીપીળી ને જંગલી ખૂની વસંત, જો –
જોવાની પણ ગમે નહીં આવી છે એ રીતે,
એથી સરસ તો સ્મૃતિમાં જૂની વસંત, જો –
પ્હેલાં તો ઠાઠમાઠથી આવી જતી ઘરે,
આવી છે આજ બારણે સૂની વસંત, જો –
ફૂટે છે કેસૂડી દીવીઓ વૃક્ષ વૃક્ષ પર,
ને શ્હેરમાં ધસી રહી ઊની વસંત, જો –
એને વિકાસ જોઈને ગમતું ન શ્હેરમાં,
છે કેવી જંગલી અને ધૂની વસંત, જો –
આકાશ શ્વેત વાદળી બે ત્રણ ઉછાળીને,
એ પણ ઘડી મનાવતું રૂની વસંત, જો –
પુષ્પો તો આજ કાગદી ખીલે છે વાઝમાં,
જોવી જ હો તો દોસ્ત, શરૂની વસંત, જો –
0
વસંત પંચમી, 16 ફેબ્રુઆરી, 2021