એક શહેરમાં એક મોટા અમીરને ચાર દીકરા હતા. ચારેયને પિતાએ સરખે હિસ્સે સંપત્તિ વહેંચી આપેલી. પાંચમો હિસ્સો વડીલે પોતાને માટે રાખેલો. મોટા દીકરાએ ઈમાનદારી ને મહેનતથી ધંધો જમાવ્યો ને સારો એવો નફો કર્યો. બીજા દીકરાએ પૈસા વ્યાજે ફેરવ્યા, પણ પૈસા પાછા આવ્યા નહીં ને આવે એ માટે બહુ પ્રયત્નો પણ કર્યા નહીં. ત્રીજાએ લોન આપી ને એ પણ પાછી આવી નહીં. ચોથાએ પી પાઈને દેવાળું કાઢ્યું. બાપે મોટાને કહ્યું કે તું સારું કમાય છે તો બીજા, ત્રીજા દીકરાને પાંખમાં લે ને એમને તારી જેમ જ નફો કરતા કર. મોટો બાપનું મન ને માન રાખવા તૈયાર થયો ને બીજા, ત્રીજા ભાઈને સારી એવી આર્થિક મદદ કરવા લાગ્યો, પણ એ બંને ભાઈઓએ પોતાની નીતિરીતિઓ બદલી નહીં ને થોડા વખતમાં હાલત એવી થઈ કે બંને ભાઈઓ મોટાને જ ખાઈ ગયા ને એ સડક પર આવી ગયો. ચોથો તો સડક પર જ હતો, તેને, બાપે, પોતાનો ભાગ, કોઈ વેપારીને આપીને ધંધે લગાડવા કહ્યું, પણ એની દાનત સારી ન હતી એટલે બાપનો ભાગ દીકરા માટે ન ખરચતાં તેને રંજાડયો, રખડાવ્યો ને કંટાળીને તેણે આપઘાત કરી લીધો.
આ બંધ બેસતું ઉદાહરણ નથી, પણ બેંકોની સ્થિતિનો ખ્યાલ આવે એટલે અહીં મૂક્યું છે. આમ જુઓ તો બાપ રિઝર્વ બેન્ક છે ને મોટો દીકરો રાષ્ટ્રીયકૃત બેન્ક છે. બીજો, ત્રીજો દીકરો માંદી બેન્કનું વિલીનીકરણ છે ને ચોથો દીકરો બેન્કનાં ખાનગીકરણનું ઉદાહરણ છે. માંદી બેંકને રાષ્ટ્રીયકૃત બેન્ક સાથે ભેળવતા સારી બેંકને વેઠવાનું થયું ને ખાનગી બેંક(ચોથા દીકરા)ને પોતાનો ભાગ આપવા છતાં બાપ રસ્તે આવી ગયો.
આ ઉદાહરણ એટલે મૂક્યું છે કારણ, તાજેતરમાં ચાર બેંકોનાં ખાનગીકરણની વાત આવી છે, એમાં બેન્ક ઓફ મહારાષ્ટ્ર, બેન્ક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઇંડિયન ઓવરસીઝ બેન્કનો સમાવેશ થાય છે. એમાં બે બેંકોનું ખાનગીકરણ આગામી એપ્રિલથી શરૂ થતાં નવાં નાણાકીય વર્ષનાં છએક મહિનામાં થાય એમ બને. આ કામ સરકાર માટે સહેલું નથી. તેણે લેવાલ મેળવવાથી માંડીને ચારે બેંકોના લગભગ 1.22 લાખ કર્મચારીઓને જોગવવાના રહે. સૌથી મોટી મુશ્કેલી સ્ટાફને સમાવવાની થાય. જે આ બેન્કને ખરીદે તે શરૂઆતમાં સ્ટાફને સમાવે, પણ પછી એ કર્મચારીઓને છૂટા કરે કે બીજી રીતે તેનું શોષણ કરે તો ત્યારે શું એ પ્રશ્ન રહે. આ બધાં માટે સંબંધિત યુનિયનો રાજી થાય એ શક્ય નથી. યુનિયનો વિલીનીકરણ અને ખાનગીકરણને મામલે હડતાળ દ્વારા અગાઉ પણ વિરોધ દર્શાવી ચૂક્યા છે ને આવનારા દિવસોમાં આ જ મુદ્દે હડતાળ પર પણ જવાના છે.
1969માં બેંકોનાં ખાનગીકરણથી રાષ્ટ્રીયકરણ તરફ આવવાનું થયું ને હવે 2021માં રાષ્ટ્રીયકરણથી ગતિ ખાનગીકરણ તરફની થઈ છે તે સૂચક છે. એ પણ નથી સમજાતું કે એક તરફ ગ્લોબલાઈઝેશનને અનેક આયામોથી વિકાસવાઈ રહ્યું છે, વિદેશી કંપનીઓને અહીં આમંત્રિત કરાય છે ને અહીંથી વિદેશમાં ઉદ્યોગોને સ્થાપવા-વિકસાવવાની વાતોને પ્રોત્સાહન અપાય છે ને બીજી તરફ બેંકોને વિલીન કરવાનો કે ખાનગી કરવાનો ઉદ્યમ ચાલે છે. ગ્લોબલાઈઝેશન કે પ્રાઈવેટાઇઝેશન બંને એક સાથે ને સમાંતરે યોગ્ય લાગે છે?
બેંકો, પહેલાં ખાનગી જ હતી. 1961થી 1968 સુધીમાં અઢીસોથી વધુ બેંકો ડૂબતાં 1969માં બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવું પડ્યું. એ પછી પણ બીજી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું ને એમ નેશનલાઇઝેશનનો દોર ચાલ્યો. હવે હાલત એ છે કે બેંકો બીજી બેંકોમાં વિલીન થઈ છે અથવા તો ખાનગી થવા જઈ રહી છે. આમ થવાથી બેંકોની હાલતમાં સુધાર થાય એવી શક્યતાઓ ઓછી છે, તે એટલે કે ખાનગી થયા પછી પણ બેંકો ડૂબે તો 1969નો પવન ફરી ફૂંકાય ને સરકારે ફરી બેંકોને બચાવવા રાષ્ટ્રીયકરણ કરવું પડે. આમ કરવું યોગ્ય ઠરશે ખરું? લાગે છે એવું કે રોગ બીજો છે ને ઈલાજ બીજો થઈ રહ્યો છે.
સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા વચ્ચે 2018થી, એટલે કે તે વખતના નાણાં મંત્રીની ટકોરથી વાંકું પડેલું છે ને રિઝર્વ બેન્કના ગવર્નર બદલાયા છતાં સુમેળ ઓછો જ જણાય છે. જાહેર ક્ષેત્રોમાં સરકાર દખલ ન કરે એવું ભાગ્યે જ બને છે, છતાં રિઝર્વ બેન્ક તેની જવાબદારી પાર પાડવામાં ઊણી ઊતરી હોય એમ જાહેર ક્ષેત્રની બેંકોનું વર્તન જોતાં લાગી રહ્યું છે. જો રાષ્ટ્રીયકૃત બેંક પર રિઝર્વ બેન્કનું નિયંત્રણ હોત તો જે આડેધડ ધિરાણ થયું તેના પર બ્રેક લાગી હોત ને એન.પી.એ.(નોન પરફોર્મિંગ એસેટ્સ -બેડ લોન)નું પ્રમાણ ઘટ્યું હોત. આજની સૌથી મોટી સમસ્યા લોન પાછી નથી આવી એ છે, તેનો ઉપાય મર્જર કે ખાનગીકરણમાં શોધાય તે બરાબર લાગે છે?
કેટલી ય મોટી લોન ઘણી બેન્કોએ જરૂરી સાવચેતી વગર આપી, એનું પરિણામ એ આવ્યું કે ઘણી બેન્કોની લોન પાછી આવવાને બદલે પાછી થઈ. એમાં એન.પી.એ.(બેડ લોન, જે પાછી નથી આવી)નો આંકડો એટલી હદે વધતો ગયો કે બેન્કના ટકવાના પ્રશ્નો ઊભા થયા. આ બેન્ક અધિકારી અને લોનધારક વચ્ચેની મિલીભગતથી થયું કે રાજકીય દખલને કારણે થયું કે રિઝર્વ બેન્કે આંખ આડા કાન કર્યા તેથી થયું તે જે તે બેંકો જાણે, પણ એટલું નક્કી કે એન.પી.એ.નો આંકડો ગંજાવર થતો રોકી શકાયો નહીં. રિઝર્વ બેન્કે ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળું મારવાની કોશિશ 2018માં કરી તો ખરી ને 70 મોટી કંપનીઓને 180 દિવસમાં 3,80,000 કરોડની લોન ભરપાઈ કરવાનો આદેશ આપ્યો, બેન્કોએ છ મહિના સુધી ઉઘરાણીઓ કરી, પણ લોન પાછી ન આવી અને અત્યારે મામલો કોર્ટમાં છે. આ લોન પાછી નહીં આવે તો એન.પી.એ. ઑર વધશે. અત્યારે આપેલી લોનના 12.2 ટકા રેશિયો ભારતનો છે જે દુનિયામાં બીજા નંબરે છે. ઈટલી એમાં 14.4 ટકા સાથે દુનિયામાં મોખરે છે.
રિઝર્વ બેન્ક તેના વ્યાજ દરોમાં વખતો વખત એવા ફેરફારો કરતી રહી છે કે જાહેર ક્ષેત્રોની બેન્કોને નાણાં ફાજલ પડે ને બેન્કો વધુને વધુ ધિરાણ કરી શકે. બેન્કોએ લોન આપવી જ જોઈએ એની ના નથી, પણ એન.પી.એ.નો આંકડો આંખ ફાડનારો હોય ત્યાં વ્યાજ દરોમાં ફેરફારો કરીને બેન્કોને વધુ ને વધુ ધિરાણ માટે પ્રોત્સાહિત કરવાથી કયો હેતુ સરે છે તે સમજાતું નથી. લોન પાછી ન આવતી હોય ત્યારે રિકવરીના કડક પગલાં ભરવાને બદલે લોન આપ્યા કરવાનું વલણ જોખમી જ પુરવાર થાય એવું નહીં?
સરકારે પણ બેંકોનું એન.પી.એ. વધે એવી દખલો કરી જ છે. ખેડૂતોની ને એવી બીજી કેટલીક લોન માંડી વાળવાનું ઘણી વખત થયું. એથી ખેડૂતોનું તો હિત સધાયું, પણ આની સીધી કે આડી અસરો બેન્કો પર પણ પડી. બીજી તરફ કેટલી ય મોટી લોન એવા ઉદ્યોગપતિઓને કશી ખાતરી વગર આપવામાં આવી જેનો ઈરાદો લોન ડુબાડવાનો જ હતો. એવા થોડા લાલિયા માલિયાઓએ પણ બેન્કના પૈસા ડૂબાડી વિદેશ ભાગી જવાનું કર્યું. આની અસર પણ બેન્કોને નબળી પાડતી ગઈ. આ શુધ્ધ ભ્રષ્ટાચાર જ હતો ને બેંકોની ને ધિરાણ ડુબાડનારાઓની જવાબદારી હજી સુધી નક્કી ન થઈ હોય તો બેન્કો માંદી ન પડે તો શું થાય તે કોઈ કહેશે?
આના ઉપાય તરીકે લોન રિકવરીની અવેજીમાં છાશવારે જુદા જુદા ચાર્જિસ લઈને ખોટ સરભર કરવાનાં બેન્કોએ ફાંફા માર્યાં છે, પણ એમ આંગળાં ચાટીને પેટ ભરવામાં તો બેન્કો ધંધો ને ગ્રાહકો ગુમાવે એવું થયું છે. બેન્કોએ લોન સસ્તી કરી, પણ એમ કરવા જતાં ડિપોઝિટનાં રેટ ઘટાડવા પડ્યા ને એમાં ને એમાં ડિપોઝિટર્સની ઉપેક્ષા કરવા જેવું થયું. ડિપોઝિટર્સે નવા વિકલ્પો શોધ્યા ને તેની અસર ડિપોઝિટ્સ ઘટતાં સરવાળે તો બેન્કો પર જ પડી. એમ લાગે છે કે ડિપોઝિટ્સ અને લોન વચ્ચેનું સંતુલન ખોરવાતાં બેંકોની સ્થિતિ કથળી છે.
બેંકોનું ખાનગીકરણ થાય તો કાચી બેન્ક લેવા કોણ તૈયાર થાય તે પણ પ્રશ્ન છે. બીજું કે કાચી બેન્કોને બીજી રાષ્ટ્રીયકૃત બેન્ક સાથે ભેળવવાથી જે તે બેન્ક અને તેના ગ્રાહકોને તો ઓક્સિજન મળી જાય, પણ મજબૂત બેન્ક પર જે તે બેન્કના એન.પી.એ.નો બોજ વધે ને રાષ્ટ્રીયકૃત બેન્કો નબળી પડે તો એની જવાબદારી કોની ને એના ગ્રાહકોનું હિત જોખમાય તો એનું રક્ષણ કોણ કરશે એની કશી સ્પષ્ટતા નથી. દેખીતું છે કે સબળી બેન્કોને ને એના યુનિયનોને એ સ્વીકાર્ય નહીં જ હોય.
એમ લાગે છે કે બેંકોનું ખાનગીકરણ કે વિલીનીકરણ કાયમી ઉપાય નથી. એનાથી સંઘર્ષ વધે ને ખાનગીકરણ થતાં શોષણ અને બીજી સમસ્યાઓ પણ વધે એમ બને. ખાનગીકરણ પછી બેન્કો નહીં જ ડૂબે એની કશી ખાતરી નથી. ખાનગી બેંકોનું એન.પી.એ. વધુ છે કે રાષ્ટ્રીયકૃત બેંકોનું વધુ છે એ પણ જોવાનું રહે. અત્યારની પાયાની જરૂર તો એન.પી.એ. વધે નહીં એ દિશામાં ગંભીર થવાની છે ને એ ત્યારે જ શક્ય છે જો લોન થોડી મોંઘી થાય, ડિપોઝિટ્સના રેટ્સ વધે અને આડેધડ લોન આપવા પર નિયંત્રણ આવે. ખાસ કરીને રિઝર્વ બેન્ક તેની ભૂમિકા વધારે સાવધાનીથી ભજવે ને સરકાર એ માટેની અનુકૂળતા કરી આપે તો બેન્કો ફરી ધમધમતી થાય એમ બને. એવું થશે ખરું?
0 0 0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 ફેબ્રુઆરી 2021