ભલભલાનાં ભેજાં ફરી જાય એવો તાપ પડે છે. એનાથી વાયરસ મરી જાય એવું કહેવાય છે, તેથી કૈં માણસને ઓછો તડકે મૂકી દેવાય છે! ધારો કે મૂકીએ ને વાયરસ રહી જાય ને માણસ ઉકલી જાય એવું બને, તો? એ ચાલવા દેવાય? એ વાત જુદી છે કે વાયરસે દુનિયાની વસ્તી ઘટાડવા માણસને બાનમાં લીધો છે, પણ તે રાજકીય 'હસ્તી' ઘટાડી શકે એમ નથી. એ સાચું કે માણસ કોયડો છે ને તેને ઉકેલવાનો હોય, પણ એવી રીતે નહીં કે માણસ ઉકલી જાય ને કોયડો જ રહે.
હમણાં માણસો ઉકલી જાય એવો એક કિસ્સો બન્યો, પણ ઉપરવાળાની મહેરબાની તે આફત ટળી.
માણસ કૈં પણ ભૂલી જાય એવું બનતું આવ્યું છે. ઘણીવાર તો શું ભૂલી જવાનું છે તે પણ માણસ યાદ રાખતો હોય છે. આમ છતાં માણસ ભૂલકણો ગણાયો છે. ભૂલી જવું ને ભૂલ કરવી એ બે ઘણાં એક માને છે. એટલે જ 'માણસ માત્ર ભૂલને પાત્ર'ના બંને અર્થ માણસ સગવડ પ્રમાણે ખપમાં લે છે. 'ભૂલને પાત્ર'નો અર્થ ભૂલી જવાને પાત્ર ને 'ભૂલને પાત્ર' એટલે ભૂલ કરવાને પાત્ર. ટૂંકમાં માણસ ભૂલ પણ કરે ને ભૂલી પણ જાય.
ગની દહીંવાળાનો એક શે'ર છે :
શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને,
રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ.
ગનીભાઈની શ્રદ્ધા તો એમને મંઝિલ ઉપર લઈ જાય. રસ્તો ભૂલી ગયા તો દિશાઓ પણ ફરી ગઈ ને તેણે મંઝિલ પર પહોંચાડ્યા, પણ હવે શ્રદ્ધા રહી નથી એટલે મ્યુનિસિપાલિટીનો કામદાર રસ્તા વચ્ચે ઊભો રહીને ગટરનું ઢાંકણું ખોલી ચાકો ફેરવે તો રસ્તો બદલાઈ જાય ને ભાગળ જવાવાળો ચોક પહોંચે એવું બને.
એવું પણ બને કે મારે ભાગળ જવું હોય ને હું મોરાભાગળ પહોંચી જાઉં. આ હું જાણી જોઈને ન જ કરું. એવી અક્કલ હું વાપરી શકું કે બુક લેવા નીકળું ને બુકે લઈને પાછો થાઉં, સોરી, પાછો ફરું. એવું બને કે સરખા બંગલા હોવાને કારણે હું મારા બંગલાને બદલે બાજુવાળી તાજી વિધવાના બંગલામાં ઘૂસી જાઉં ને એ મને હોસ્પિટલ જવા જેટલો પાછો મોકલી આપે. એવું પણ બનતું હોય છે કે બીજાની પત્ની ઘણાને પોતાની લાગી હોય ને ઈચ્છા કરી હોય કે પોતાની પત્ની વિશે બીજાને પણ એવું લાગે. જો કે આ ભૂલ નથી હોતી, એ વિશફુલ થિંકિંગ હોય છે.
મતલબ કે માણસ ભૂલી જવાની ભૂલ કરતો આવ્યો છે ને કરતો રહેવાનો છે, પણ કોઈ ટ્રેન પોતાનો ટ્રેક ભૂલી જાય એવું બને? બને. બન્યું છે. 25 મેની ઘટના છે. મુંબઈથી ગોરખપુર જવા નીકળેલી શ્રમિકોની ટ્રેન ઓરિસા પહોંચી ગઈ. તે પણ એક બે નહીં, પૂરી 40 ટ્રેન ઓરિસા જઈને ઊભી રહી. છેને કમાલ.
હું ટ્રેનમાં મુંબઈથી સુરત આવવા નીકળું ને ઊંઘમાં અંકલેશ્વર પહોંચી જાઉં એમ બને, પણ ટ્રેન ગોરખપુર જવાને બદલે ઓરિસા પહોંચી જાય તે તો ગળે ને ભેજે ઉતરતું નથી. ક્યાં ગોરખપુર ને ક્યાં ઓરિસા? એ તે ગોરખપુર છે કે ગોરખધંધો ને એ તે ઓરિસા છે કે અરીસા કે આવો બફાટ થાય? હદ કહેવાયને! શ્રમિકો તો થાક્યા હોય તે સૂઈ ગયા હોય, પણ ડ્રાઇવર? તે આટલા ડ્રાઈ કે વર, કેમ?એ આટલું કાચું કાપે? એ ડ્રાઇવર છે, રસોઇયો તો નથી કે આખું કોળું દાળમાં જાય? એ શ્રમિકો ગોરખપુર પહોંચ્યા કે નહીં તે પણ ખબર નથી. ચાલો, ક્યાંક તો પહોંચ્યા! બાકી, રેલવેનું ભલું પૂછવું, ગમે ત્યાં પહોંચાડે.
કાલે કોઈ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ પહોંચવાને બદલે એરપોર્ટ પર પહોંચી જાય એવું પણ બને! કોઈ 'દોઢ' ટ્રેનને પૂછે, 'કેમ અહીં?' તો ટ્રેન કહી શકે, 'અમેરિકા જવું છે. કેમ અમને ઊડવાનું મન ના થાય?'
ત્યારે શો જવાબ આપવો તે રેલવેએ વિચારી લેવાનું રહે. જો કે રેલવે બહુ સંવેદનશીલ છે. ઓરિસા સુધીનો વધારાનો ચાર્જ માંગે તો નવાઈ નહીં. રેલવે ટ્રેક પર ફાટકો એટલે રાખવામાં આવે છે કે ટ્રેન ગામમાં ન ઘૂસી જાય, પણ કોઈ ટ્રેનને એમ થાય કે અત્યારે રિક્શા બંધ છે, તો ચાલો બધા મુસાફરોને ઘરે મૂકતી જાઉં, તો તેને ના પાડી શકાશે? ટ્રેનોનું ભલું પૂછવું. એ તો ગમે ત્યાં જાય. ‘ગમે' ત્યાં તો જાય જ. એને ગોરખપુર ન ગમે તો ન જાય. ને ઓરિસા ગમે તો જાય જ!
એમાં કોઈ કશું ન કરી શકે.
હવે તમે પાછા કહેતા નહીં કે હું સાઈડ ટ્રેક કરું છું. ટ્રેન ટ્રેક બદલીને બીજે પહોંચી જાય તો હું તો માણસ છું. વિષય બદલાય પણ ખરો. માણસ માત્ર, ભૂલને પાત્ર, એમને એમ તો નહીં કહેવાયું હોયને!
000
e.mail : ravindra21111946@gmail.com