દિનપ્રતિદિન આપણે જોઈ રહ્યાં છીએ કે દુનિયાભરના અર્થતંત્રને તબાહ કરનાર અને વિશ્વની મહાસત્તા કોરોનાકાળમાં પોતાના જ નાગરિકોની રક્ષા કરી રહ્યું નથી! કોરોનામાં એક લાખનો મૃત્યુઆંક વટાવનાર તે પહેલો દેશ બન્યો. ત્યાર પહેલાં ભારતના દીવા-થાળી-ફૂલવર્ષાની જેમ વ્હાઇટ હાઉસમાં સર્વધર્મપ્રાર્થના રાખવામાં આવી હતી! ટ્રમ્પે આ ગાળામાં તદ્દન બિનજવાબદાર પ્રમુખની જેમ વિધાનો કર્યાં છે. પોતાની નિષ્ફળતાને છાવરવા દરેક જણ તબલિઘી જેવી શોધમાં હોય છે. હવે અમેરિકામાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ વાઇરસના નામે પોતાના નિષ્ફળ આયોજનનો ટોપલો કોઈના શિરે ઢોળી દેવા અમેરિકા તત્પર છે. શરૂઆતમાં જ કોરોના વાઇરસને ‘ચીની વાઇરસ’ કહીને ટ્રમ્પે એક સંકેત તો આપ્યો જ હતો. હવે તો યુદ્ધના ભણકારા પણ સંભળાઈ રહ્યા છે. ચૂંટણી જીતવા ટ્રમ્પ યુદ્ધોન્માદ સર્જતાં પણ નહીં અચકાય. ઈરાકમાં લોકશાહી સ્થાપવાના નામે, તાનાશાહ સદ્દામ હુસૈનથી પ્રજાને બચાવવાના બહાને, અમેરિકાએ જગતજમાદારની જેમ વર્તીને યુદ્ધ છેડ્યું અને ઈરાકના પેટ્રોલના કૂવા પર કબજો જમાવી દીધો. પણ ઈરાકમાં લોકશાહીનું હજુ સુધી ઠેકાણું પડ્યું નથી. બનાવટી સમાચારોનાં વાવાઝોડાં ઊભા કરીને પોતાનો સ્વાર્થ સાધી લેવામાં અમેરિકા માહેર છે. ઈરાકયુદ્ધ વખતે સંયુક્ત રાષ્ટ્રસંઘે કહ્યું હતું કે ઈરાક પાસે કોઈ કેમિકલ શસ્ત્રો (વેપન્સ ઑફ માસ ડિસ્ટ્રક્શન) નથી. છતાં યુનોની ઐસીતૈસી કરીને પ્રવાહી સોના જેવા પેટ્રોલ માટે ખાડીયુદ્ધ કરાયું. જનસંહાર અમેરિકા માટે રમતવાત છે. ઈરાક સામે યુદ્ધ નહીં કરવા નોમ ચોમ્સ્કી કે બ્રિટનના લેખક હેરોલ્ડ પિન્ટરથી માંડી પ્રબુદ્ધ બુદ્ધિજીવીઓએ તત્કાલીન પ્રમુખ બુશને ચેતવ્યા હતા. પણ કોઈનું સાંભળે તે બીજા.
આજે પુનઃ ટ્રમ્પ ચીન સાથે આવું જ કરવા જઈ રહ્યા છે, ત્યારે અમેરિકામાં કયા પ્રકારનું દ્વંદ્વ ચાલે છે તે જોઈએ. અમેરિકાની સેનાના જોઇન્ટ ચીફ ઑફ સ્ટાફના ચૅરમે માર્ક મિલી કોરોના વાઇરસ વુહાનની લૅબમાંથી આવ્યો છે તે માનવા તૈયાર નથી. દુનિયાભરના ઘણા વિજ્ઞાનીઓ તૈયાર નથી. બીજી તરફ અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિયોએ દાવો કર્યો છે કે આ વાઇરસ ચીનની લૅબમાંથી આવ્યો છે, એ સાબિત કરતા તેમની પાસે ઘણા પુરાવા છે. તો વિદેશમંત્રી તેમની સેનાના ચેરમેનને એ પુરાવા આપી કેમ દેતા નથી?
સરકાર તરફી પ્રસાર માધ્યમો પણ આમાં ઝંપલાવી ચૂક્યાં છે. ટ્રમ્પને ચૂંટણી જીતાડવામાં મોટી મદદ કરનાર, જમણેરી ફોક્સ ન્યૂઝે એક વાર્તા ઘડી કાઢી છે. ફોક્સ ન્યૂઝના જણાવ્યા પ્રમાણે જિયો કવાંક નામના રિસર્ચ સાયન્ટિસ્ટે આપેલી કેફિયત મુજબ, આ વાઇરસ વુહાનમાંથી આવ્યો છે. આ રિસર્ચ સાયન્ટિસ્ટ ચીની છે. આ સમાચારને આધાર બનાવીને દુનિયામાં સર્વત્ર આ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ એટલું સારું છે કે અમેરિકામાં વૈકલ્પિક મીડિયા સંસ્થાઓ પણ મજબૂત છે, ઊંડાણથી કામ કરનાર પત્રકારો છે. ‘ગ્રે ઝોન’ નામની સંસ્થા ચલાવતા મેક્સ બ્લ્યુમેંથલ અને ભારતીય પત્રકાર અજિતસિંહે ફોક્સ ન્યૂઝની આ વાર્તાની હવા કાઢી નાખી છે. અમેરિકાની આ પ્રયુક્તિ જૂની છે. ઈરાકયુદ્ધ વખતે પણ આવી રીતે ખોટી વીડિયો બતાવવામા આવી હતી. ત્યારે પણ અમેરિકન પત્રકારોએ સાબિત કર્યું હતું કે (અમેરિકાની સંસદના ઉપલા ગૃહ) સૅનેટમાં બતાવેલી વીડિયો ફિલ્મ ખોટી હતી.
મેક્સ બ્લ્યુમેંથલ અને અજિતસિંહે શોધી કાઢ્યું કે જિયો કવાંક ચીની છે, પણ વર્ષોથી અમેરિકામાં છે અને અમેરિકાનું ફંડ મેળવીને વારેતહેવારે ચીન વિરુદ્ધ ઝેર ઓકવામાં મોખરે છે. તેના વિશેની ફોક્સ ન્યૂઝની સ્ટોરીનો હવાલો આપીને ‘વૉશિંગ્ટન પોસ્ટ’માં કોલમ લખનાર જોશ રોગોને લખ્યું કે મારી પાસે પુરાવો નથી પરંતુ ચીનની લેબમાંથી જ વાઇરસ નીકળ્યો છે ! આમ, જે બાબતમાં વિશેષજ્ઞોના અભિપ્રાય જરૂરી હોય ત્યાં માધ્યમો આવું હાંક્યે રાખે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ છેવટે જાહેર કર્યું કે આ વાઇરસ ચીનની લૅબમાંથી નીકળ્યો નથી. અલબત્ત, ટ્રમ્પને અને બીજા ઘણાને લાગે છે કે વિશ્વ આરોગ્ય સંસ્થા પણ ચીનનું ઉપરાણું લે છે.
આપણે જાણીએ છીએ કે રશિયાના પતન પછી જગતજમાદાર બની ચૂકેલા અમેરિકાનો મુકાબલો ચીન કરી રહ્યું છે. ૧૯૭૬ સુધી જ્યાં નાગરિકો પાસે સાઇકલનાં ફાંફા હતા ત્યાં જીવનસ્તર ઘણું ઊંચું થયું છે. ભારત પછી બે વરસે આઝાદ થનાર આ દેશ આજે દુનિયાની મહાસત્તા ગણાય છે. એકચક્રી શાસનમાં માનતા અમેરિકાને ચીન આંખના કણાની માફક ખૂંચે છે. તેથી પોતાનાં તમામ માધ્યમોને કામે લગાડીને ચીને જ કોરોનાનો કાળો કેર વર્તાવ્યો છે તે ઠસાવી, પોતે દુનિયાનો તારણહાર હોવાના ડોળ સાથે પગલાં લેવા માગે છે, એવું તે સ્થાપિત કરશે. તેની અસરો દુનિયાના રાજકારણ અને અર્થતંત્ર પર પણ પડશે જ. વિશ્વ આરોગ્ય સંસ્થાની જાહેરાત પછી ચીને પણ કહ્યું કે વુહાનની ઘટના પૂર્વે વુહાનમાં ‘વિશ્વ સૈનિક સંમેલન’ યોજાયેલું. જેમાં પાંચસોથી વધુ અમેરિકાના સૈનિકો આવ્યા હતા એના દ્ધારા પણ આ વાઇરસ ચીનમાં આવ્યો હોય. (બીજી બાબતોની જેમ આક્રમક પ્રચારતંત્રની બાબતમાં ચીન પણ અમેરિકાથી પાછું પડે એમ નથી.)
હકીકત એ છે કે અમેરિકાના આ વલણ સામે ઉપખંડ તરીકે ભારતે શાણપણ બતાવવું પડશે. એક તરફ પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓ ડૉ. માઈકલ રૂબિન જેવા બોલવા માંડ્યા છે કે ચીન પાકિસ્તાનને પોતાની ‘કૉલોની’ બનાવી નાખશે ! અરે ભાઈ, અમેરિકાએ પાકિસ્તાનને કૉલોની બનાવવામાં ક્યાં કંઈ બાકી રાખ્યું હતું? બીજી તરફ ભા.જ.પ.ના પ્રવક્તા રામ માધવ એકદમ શેખચલ્લીરંગમાં આવી જઈને ‘ઇન્ડિયન એકસપ્રેસ’માં લખે છે કે હવેની દુનિયા ભારત, જર્મની અને અમેરિકાની હશે! પર્યાવરણ, આરોગ્ય, ટેકનૉલોજીના કારણે વિદેશી કંપનીઓ ચીનના બદલે ભારતને પસંદ કરશે ! બીજી તરફ વાસ્તવિકતા એ છે કે ભારતમાં જ ચીનની કેટલી બધી કંપની છે. સ્ટેચ્યુ ઑફ યુનિટીના ભાગ ચીનમાં તૈયાર થયા અને અહીં લાવીને તેમને જોડવામાં આવ્યા હતા, એના સમાચાર જાણીતા છે.
આપણે પ્રજાને માસ્ક ને પી.પી.ઇ. કીટ પૂરાં પાડી શકતાં નથી ને ચીનની હરીફાઈની વાતો કરીએ છીએ! રામ માધવે લેખમાં લખ્યું કે ચીનનું ભાવિ અંધકારમય છે. પણ એ ભાઈ જરા વધારે નજીકનું જોશે તો તેમને સમજાશે કે ચીનના ભાવિ કરતાં પહેલાં આપણા વર્તમાનની ચિંતા વધારે કરવા જેવી છે. એકહથ્થુ શાસનથી નીતિનિયમો નેવે મૂકીને ચીન એટલું શક્તિશાળી બન્યું છે કે અમેરિકાને તે હંફાવે છે. તેથી ચીન અને અમેરિકાના ગજગ્રાહમાં ભારતે સૌથી પહેલાં અમેરિકા સાથેનો સંબંધ નહીં, પોતાનું હિત જોવાનું રહે છે.
e.mail : bharatmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 27 મે 2020