૧૬મી એપ્રિલ ૧૯૪૨ના રોજ સેવાગ્રામથી ગાંધીજી પ્રસિદ્ધ ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલાને પત્ર લખે છે : ‘ભાઈ શાંતિકુમાર (મોરારજી), રાયબહાદુર વીરજી શેઠ અને ભાઈ દાદાજન પણ (અહીં) આવ્યા છે. બર્મામાં લગભગ આઠ લાખ ગરીબ લોકો રખડી પડ્યા છે. એ દુઃખી છે. એમને લઈ આવવા એ આપણો ધર્મ છે. આ ભાઈઓ ઈચ્છે છે કે એક ખાસ કમિટી રચવામાં આવે. એમાં તમારું નામ પણ હોવું જોઈએ. જે થઈ શકે તે કરો.’
એ પછી ૨૦મી એપ્રિલે ‘બ્રહ્મદેશના હિજરતીઓ’ એવા મથાળાં હેઠળ ગાંધીજી એક અપીલ બહાર પાડે છે. તેમાં લખે છે : ‘… મેં સાંભળ્યું છે કે હજુ બ્રહ્મદેશમાં આઠ લાખ હિંદીઓ રહી ગયા છે, જેમને ખસેડવાના બાકી છે. બ્રહ્મદેશમાં એમને જીવવું અશક્ય થઈ પડ્યું છે. આપણે એવી વ્યવસ્થા કરવી રહી જે પેલા આઠ કે નવ લાખ લોકોને વ્યવસ્થિતપણે ત્યાંથી ખસેડવાનું અને તેઓ હિંદની ભૂમિ પર આવે એ પછી તેમની વ્યવસ્થા કરવાનું કામ કરે. આપણે આશા રાખીએ કે લોકસેવાની ભાવનાવાળા એવા પૂરતા માણસો આપણને મળી રહેશે.’
ગાંધીજીને આવી પહેલ એટલા માટે કરવી પડી હતી કે બીજા વિશ્યુદ્ધ દરમ્યાન ૧૯૪૧ના ડિસેમ્બરમાં જપાને બર્મા ઉપર બોમ્બવર્ષા કરી અને ૧૯૪૨ના ઉનાળામાં બર્મામાં પ્રવેશ કર્યો ત્યારે બર્મામાં વસતા ભારતીયોને ત્યાંથી ભાગવું પડ્યું હતું. અંગ્રેજ સરકારે માત્ર અંગ્રેજોને બર્મામાંથી ખસેડ્યા અને ભારતીયોને ભગવાન ભરોસે છોડી દીધા. કેટલાક લોકો પગપાળા ભારતમાં આવ્યા હતા. જેઓ દૂરના પ્રદેશમાં હતા એ ફસાઈ ગયા હતા. ગાંધીજી કહે છે કે આપણે વ્યવસ્થિતપણે કમનસીબ ભારતીયોને ત્યાંથી ખસેડવાના છે અને ભારતની ભૂમિમાં આવે એ પછી થાળે પાડવાના છે. આપણા જ ભાઈઓ છે અને દુઃખી છે. તેમને મદદ કરવી એ આપણો ધર્મ છે.
આને કહેવાય માણસાઈ! ગાંધીજી બર્મામાં ફસાયેલા ભારતીયોને ‘તપસ્વી’ તરીકે ઓળખાવીને હાથ ખંખેરી શક્યા હોત, પણ તેમનો અંતરાત્મા તેમને એવી છૂટ નહોતો આપતો. ગાંધીજી સરકારને લખી શક્યા હોત, પણ તેમને ખાતરી હતી કે સરકાર કાંઈ કરવાની નથી એટલે દેશના ઉદ્યોગપતિઓ અને શ્રીમંતોને આ કામગીરી સોંપી હતી. આખરે માનવપ્રેમ વિનાનો દેશપ્રેમ હોતો નથી અને જો કોઈ માનવપ્રેમ વિનાનો દેશપ્રેમી હોય તો એ દેશપ્રેમી નથી એ નિશ્ચિત માનજો. દેશપ્રેમના નામે ‘બીજા’ને રંજાડવા અને ‘પોતાનાં’ જો ગરીબ હોય તો તેની ઉપેક્ષા કરવી એ દેશપ્રેમ નથી, એ માનસિક વિકૃતિ છે.
મોદીસમર્થકોને મારી એક વિનંતી છે. ભારતના કોરોના મેનેજમેન્ટ વિશે જગતમાં શું ચર્ચા થઈ રહી છે તેના ઉપર એક નજર કરો. જગતના પચાસ પ્રતિષ્ઠિત અખબારો અને સામયિકો, પચાસ પ્રતિષ્ઠિત ન્યુઝ ચેનલો અને પચાસ પ્રતિષ્ઠિત રાજકીય સમીક્ષકો શું કહે છે એ જોઈ જાઓ. જોઈએ તો ઇઝરાયેલ જેવા ગમતા દેશો પર નજર કરજો અને પાકિસ્તાન જેવા દેશો સામે તો જોતા પણ નહીં. ગૂગલ પર આ મળી રહેશે. આખા જગતમાં ભારત એક માત્ર દેશ છે જેની કરોના મેનેજમેન્ટની વાત કરોના કસુવાવડ તરીકે થઈ રહી છે. લોક ડાઉનનો માર્ગ તો થોડાં અપવાદ છોડીને જગતના બધા દેશોએ અપનાવ્યો હતો, પણ લોક ડાઉનની કસુવાવડ માત્ર અને માત્ર ભારતમાં થઈ છે. ગરીબ મજૂરોનાં જે દૃશ્યો જોવા મળે છે એ સહન થઈ શકતાં નથી. અંતરાત્મા કકળી ઊઠે છે અને આંખો ભીની થઈ જાય છે.
આવું કેમ બન્યું? કમકમાં આવે એવાં દૃશ્યો બીજા કોઈ દેશમાં જોવા નથી મળતા અને માત્ર ભારતમાં જ કેમ જોવા મળે છે? કોરોનાની સામે તો બીજા દેશો પણ લડે છે. લોક ડાઉન તો બીજા દેશોએ પણ લાગુ કર્યો છે. ગરીબો અને એકથી બીજા સ્થળે મજૂરી કરવા જતા મજૂરો જગતના અનેક દેશોમાં છે. પાકિસ્તાન, બંગલાદેશ, બ્રાઝીલ, ચીન, રશિયા, ઇન્ડોનેશિયા, મલેશિયા, દક્ષિણ આફ્રિકા જેવા અનેક. વર્લ્ડ બેંક જેને મિડલ ઇન્કમ કન્ટ્રીઝ તરીકે ઓળખાવે છે એવા ૧૦૭ દેશ છે જેમાં વિશ્વની ૭૫ ટકા વસ્તી રહે છે અને ૬૨ ટકા ગરીબો રહે છે. એવું શું બન્યું કે વિકાસની તરાહે લગભગ સમકક્ષ કહી શકાય એવા ૧૦૭ દેશોમાં ભારત જ એક એવો દેશ છે જેની કોરોનાની વાત નથી થતી, મજૂરોની યાતનાની જ વાત થાય છે. જો કોઈ દેશમાં ભારત જેવી સ્થિતિ પેદા થઈ હોત તો ગોદી મીડિયાએ તે તરફ તમારું ધ્યાન દોર્યું જ હોત. એનું તો કામ જ અ છે!
આમ શા માટે બન્યું એનું કારણ તમે જાણો છો. ૨૪મી માર્ચે રાતે આઠ વાગે વડા પ્રધાને ચાર કલાકની નોટિસ આપીને લોકડાઉન જાહેર કરી દીધો જેને કારણે દેશનાં વિવિધ શહેરોમાં જે તે પ્રાંતમાંથી મજૂરી કરવા ગયેલા લાખો મજૂરો ફસાઈ ગયા. રોજ કમાઈને રોજ ખાનારા બીજા દિવસથી કરે શું અને ખાય શું? એ પછી જે બન્યું એ દરેક ભારતીય નહીં, હવે તો દુનિયા આખી જાણે છે. જો વડા પ્રધાને આવો ટૂંકી નોટિસ આપનારો નિર્ણય લેતા પહેલાં સાથી પ્રધાનો સાથે, વિરોધ પક્ષના નેતાઓ સાથે, રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે અને અમલદારો સાથે સલાહ-મસલત કરી હોત તો કોઈક તો ધ્યાન દોરત કે સાહેબ, આ દેશમાં કરોડો લોકો એકથી બીજે સ્થળે રોટલો રળવા જાય અને અને તેમાંના મોટા ભાગના તો આશ્રય વિનાના છે એટલે તેમને થાળે પાડવા જોઈએ. કાં તો તેમને માટે છાવણીઓ રચવામાં આવે અને ભોજન આપવામાં આવે અથવા તેમને જ્યાં જવું હોય ત્યાં જવા દેવામાં આવે.
વડા પ્રધાને કોઈની પણ સાથે ચર્ચાવિચારણા કરી નહોતી. નથી એવો સરકારે દાવો કર્યો છે કે નથી કોઈ નેતાએ, મુખ્ય પ્રધાને કે અમલદારે કહ્યું છે કે હા અમારો અભિપ્રાય પૂછવામાં આવ્યો હતો. એનો અર્થ એ કે એ નિર્ણય સો એ સો ટકા વડા પ્રધાનનો હતો. એ પણ માફ. વડા પ્રધાને કૃતનિશ્ચયતાના ભાગરૂપે નિર્ણય લીધો અને લાગુ કર્યો, પણ પછી જ્યારે ગરીબોની અને મજૂરોની યાતના નજરે પડવા લાગી ત્યારે તો તેમાં ઢીલ આપવી જોઈતી હતી! એમાં શું બગડવાનું હતું? જે દિવસે લોકડાઉન જાહેર કરવામાં આવ્યો એ દિવસે દેશમાં કુલ મળીને કોરોનાના ૫૩૬ કેસ હતા અને દેશના ૭૩૩ જિલાઓમાંથી ૭૧૫ જિલ્લાઓ સંપૂર્ણપણે કોરોનામુક્ત હતા. તાળાબંધીમાં ઢીલ આપીને, ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા પૂરી પાડીને લોકોને ઘરે જવા દીધા હોત તો એ કોરોનાના સંક્રમણ વિના ઘરે પહોંચી ગયા હોત.
વળી આ કોઈ નોટબંધી જેવો નિર્ણય તો હતો નહીં કે અધવચ્ચે સુધારી ન શકાય. કેટલાક નિર્ણય એવા હોય છે જેમાં એક વાર તીર છૂટી ગયું એ પછી કાંઈ થઈ શકતું નથી. નોટબંધી આવું એક તીર હતું. નોટબંધીના નિર્ણયને પરિણામે જે નુકસાન થવાનું હતું એને એ સમયે સુધારી શકાય એમ હતું જ નહીં. લોકડાઉનમાં આવું કશું જ નહોતું. હા, દેશ કોરોનાના સંક્રમણથી ઘેરાઈ ગયો હોય તો વાત જુદી હતી, પણ ત્યારે તો દેશભરમાં કુલ કેસ જ હજારની અંદર હતા. ઊલટું જો કોરોનામુક્ત મજૂરોને ત્યારે ઘરે જવા દેવામાં આવ્યા હોત તો આજે જે સ્થિતિ પેદા થઈ તે ન થઈ હોત.
ભૂલ સુધરી શકતી હતી તો સુધારવામાં કેમ ન આવી? મારા એક મિત્રએ મને આ પ્રશ્ન પૂછ્યો હતો. મેં તેમને કહ્યું હતું કે ભૂલ સુધારવા માટે ભૂલની કબૂલાત કરવી પડે. જગત સાથે નહીં તો જાત સાથે તો કરવી જ પડે. વેબ-પોર્ટલ ‘ધ પ્રિન્ટ’ના તંત્રી અને દેશના વિદ્વાન તેમ જ આદરણીય પત્રકારોમાં સ્થાન ધરાવતા શેખર ગુપ્તાએ કોરોના મેનેજમેન્ટમાં ભારતની નિષ્ફળતાનું કારણ બતાવતા કહ્યું હતું કે વડા પ્રધાનને રાતે આઠ વાગે અણધારી જાહેરાતો કરીને દેશમાં આશ્ચર્યો સર્જવાનો અને છાકોટો પાડી દેવાનો જે મોહ છે તેનું આ પરિણામ છે. તેમણે કહ્યું છે કે યોગ્ય સમયે લોકડાઉન જાહેર કરીને આબાદ કેચ પકડનારા વડા પ્રધાને મોહગ્રસ્ત અવસ્થામાં અદ્ભુત કેચ છોડી દીધો. જો મજૂરોને થાળે પાડવાની વ્યવસ્થા કરી હોત તો આજે ભારત કોરોના મેનેજમેન્ટમાં દીવાદાંડી હોત અને વડા પ્રધાનની વાહવાહ થતી હોત! પણ આ તો બંદાનો નિર્ણય. બદલે એ બીજા. ઉપરથી ઉછળતી છાતીએ જાહેરાત કરી કે મહાભારતનું યુદ્ધ ૧૮ દિવસમાં પૂરું થયું હતું એમ કોરોના સામેનું યુદ્ધ ૨૧ દિવસની અંદર પૂરું થશે. રંગેચંગે તાળી, થાળી અને દીવાના ખેલ પણ કરાવ્યા.
નોટબંધી અને લોકડાઉન એ બંને ખોટના સોદા સાબિત થયા અને તેને માટે વડા પ્રધાનનો દેશમાં છાકોટો પાડી દેવાનો મોહ કારણભૂત છે. ગમે તે થાય ભૂલ તો કબૂલ નહીં જ કરવાની મનોવૃત્તિ કારણભૂત છે. આ સ્થિતિમાં ભૂલ સુધારવી એ તો બહુ દૂરની વાત છે. આને કારણે વડા પ્રધાને વિશ્વભરમાં કીર્તિ રળવાની તક ગુમાવી દીધી છે. વડા પ્રધાને જો ભૂલ સુધારી લીધી હોત તો આજે તેઓ ઉપડ્યા ઉપડતા ન હોત.
એક વાત મહાન ભારતનું ગૌરવગાન કરનારા દેશપ્રેમીઓ માટે. બે મહિનાથી જે દૃશ્યો જોવાં મળે છે એ જોઈને તમારું હ્રદય કકળતું નથી? એની જગ્યાએ પોતાને કે પોતાના પરિવારજનોને મૂકીને વિચાર નથી આવતો કે આ યાતના કેવી અસહ્ય હશે. એક ૧૭ વરસની દીકરી પોતાના બીમાર બાપને સાઈકલ પર ૧,૭૦૦ કિલોમીટર ખેંચીને લઈ જાય એ દૃશ્ય જોઈને આંખ ભીની નથી થતી? કે પછી આપણા ગમતા નેતા ભૂલ કરી જ ન શકે અને ભૂલ કરે તો પણ ધરાર એને સ્વીકારવી જ નહીં એ અંધાપો ન કહેવાય? ગાંધારીએ ભલે આંખે પાટા બાંધ્યા હતાં, પણ એ પછીયે આંખ એની ઊઘાડી હતી એ તમે મહાભારત સિરિયલમાં જોયું હશે. અને જો તમારામાંથી કેટલાક હિંદુ હોવા માટે ગર્વ અનુભવતા હિન્દુત્વવાદી હોય તો તેમને પણ એક વાત કહેવી રહી. શું હિન્દુત્વવાદી હિંદુ માટે પણ સંવેદનાશૂન્ય બધીર હોય છે? ૯૦ ટકા મજૂરો હિંદુ છે. હિંદુ જો ગરીબ-વંચિત હિંદુની પીડા ન અનુભવતો હોય તો હિંદુરાષ્ટ્ર કોના માટે રચવાનું છે? ભેગાભેગ ગરીબ લોકોને એ પણ જાણાવી દેવું જોઈએ કે હિંદુરાષ્ટ્રમાં તેમની જગ્યા ક્યાં હશે.
અને છેલ્લે સર્વોચ્ચ અદાલતને બે વાત કહેવાની. રખડી પડેલા મજૂરોના પ્રશ્ને જેટલી સરકારે અને ગોદી મીડિયાએ આબરૂ ગુમાવી છે એટલી જ સર્વોચ્ચ અદાલતે ગુમાવી છે. હવે ચારે બાજુથી સર્વોચ્ચ અદાલતની ટીકા થઈ રહી છે ત્યારે અદાલતે કેટલાક આદેશ બહાર પાડ્યા છે. મજૂરોની યાતનાઓને સાંભળતા અદાલતને પોણા બે મહિના લાગ્યા. ભારતનું ન્યાયતંત્ર મરણપથારીએ છે.
બાય ધ વે, ૧૯૪૨માં બર્મામાંથી ચાલીને ભારતમાં આવનારાઓમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ રોહિન્ટન નરિમાનના પિતા, જાણીતા ધારાશાસ્ત્રી અને રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય ફલિ નરિમાનના પરિવારનો પણ સમાવેશ થતો હતો. જો રોહિન્ટન નરિમાનની અદાલતમાં મજૂરોને થાળે પાડવાની અપીલ આવી હોત તો કદાચ તેમણે મોઢું ન ફેરવી લીધું હોત, જે રીતે મુખ્ય ન્યાયમૂર્તિ બોબડે અને બીજા બે ન્યાયમૂર્તિઓએ મોઢું ફેરવી લીધું હતું. તેમને ખબર છે કે તેમના બાપે કેવા દા'ડા વિતાવ્યા હતા. ફલિ નરિમાનની આત્મકથા ‘બિફોર મેમરી ફૅડ’માં એ યાતનાની વિગતો મળે છે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 28 મે 2020