ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે શનિવારે સાંજે ૧૦માં ધોરણની પરીક્ષામાં લાખેકથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા એ સંદર્ભે મોબાઇલ પર, મારે વાતો થઈ. એમાં એમણે વિદ્યાર્થીનો ગુજરાતીમાં પાયો જ કાચો રહી જાય છે એ વાત આગળ કરી તો મારે એ કહેવાનું થયું કે બીજા બધા વિષયમાં પાયો કાચો નથી રહેતો તો ગુજરાતીમાં જ કેમ એવું થાય છે?અંગ્રેજી, ગણિત, વિજ્ઞાનના વિષયમાં પૂરતા માર્ક્સ આવે ને ગુજરાતીમાં જ ન આવે એ કેવું? પાયો કાચો રહે તો બધામાં જ રહેને! મંત્રીશ્રીનું કહેવાનું એ હતું કે નવ ધોરણ સુધી લગભગ કોઈ જ ચકાસણી વગર વિદ્યાર્થી આગળ જતો હોય ને દસમાંમાં બોર્ડની પરીક્ષા ઘેરી વળે તો નબળો દેખાવ થાય તેમાં નવાઈ નથી. ખરેખર તો પરીક્ષા વગર ઉપલા ધોરણમાં મોકલવાની વાત જ પુનર્વિચાર માંગે છે.
એમ લાગે કે પરીક્ષા વગર પાસ કરવાનો તુક્કો સફળ નથી થયો ને સરકાર ફરી પરીક્ષાઓ લેવાનું શરૂ કરે તો કોણ હાથ પકડવાનું હતું? થયું છે શું કે શિક્ષણને મામલે સરકારે એટલા (અ)ખતરાઓ કર્યા છે કે શિક્ષણ વિશ્વસનીય રહ્યું નથી. દસમાં ધોરણમાં વિદ્યાર્થી આવે છે ત્યારે પરીક્ષાઓ આપવાની નવી ટેવ પાડવાનું તેને અઘરું લાગે છે. મુખ્ય વિષયોનું શિક્ષણ તો વિદ્યાર્થી વર્ગમાં કે ટ્યૂશન રાખીને મેળવી લે છે, પણ ગુજરાતીનું તેટલી ગંભીરતાથી તે શિક્ષણ કે ટયૂશન મેળવતો નથી. એ પણ ગુજરાતી કાચું રહી જવાનું એક કારણ છે. વાલીઓ, વિદ્યાર્થીઓ ને શિક્ષકો પણ ગુજરાતી વિષય બાબતે બહુ જ ઓછા ગંભીર હોય છે. સૌથી વધુ દારિદ્રય ગુજરાતીના શિક્ષકોનું છે. તે પોતે જ ભૂલો કરે તો વિદ્યાર્થી પણ ખોટું જ શીખશેને! મંત્રીશ્રીએ બીજી અનેક યોજનાઓ આ મામલે વિચારાઈ રહી હોવાનું જણાવીને એકમ કસોટીઓ શરૂ કર્યાની વાત પણ કરી જે આવકાર્ય બાબત છે. તેમણે ૧૫ જૂનથી જ ‘હોમ લર્નિંગ’ શરૂ થઈ રહ્યું હોવાની વાત પણ ઉમેરી, જેમાં ‘ક્નેક્ટિવિટી’ ન હોય ત્યાં ‘હાર્ડ મટિરિયલ’ પહોંચાડવાની વાત પણ આવી જાય. (ઓનલાઈન શિક્ષણનો વાંધો ઉઠાવતો મેઈલ પણ મેં એમને મોકલ્યો છે, તે સહજ જાણ ખાતર.)
સાહેબને મેં એટલું ભારપૂર્વક કહ્યું કે બારમાં ધોરણ સુધી ગુજરાતમાં ગુજરાતી ફરજિયાત થવું જોઈએ એટલું જ નહીં, કોઈ પણ કોલેજ પ્રવેશ વખતે અન્ય વિષયની ટકાવારીમાં ગુજરાતીની ટકાવારી ફરજિયાત રીતે ગણતરીમાં લેવાવી જોઈએ. એમણે એ સ્વીકાર્યું કે તો જ વિદ્યાર્થી ગુજરાતી તરફ ધ્યાન આપતો થશે. મંત્રીશ્રીનું એ બાબતે પણ ધ્યાન દોર્યું કે અંગ્રેજીનું મહત્ત્વ ઓછું આંક્યા વગર જો ગુજરાતી તરફ ધ્યાન નહીં અપાય તો આવનારા સમયમાં ગુજરાતની માતૃભાષા અંગ્રેજી હશે.
એક વાત ક્યાંક વાંચેલી તે યાદ આવે છે. ભારત અને ઇઝરાયલ લગભગ સાથે સાથે સ્વતંત્ર થયા. ઇઝરાયલના રાષ્ટ્રપ્રમુખ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે આપણા તે વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તેમને પૂછ્યું કે તમે પ્રજાને શિક્ષણ કઈ ભાષામાં આપશો? તો રાષ્ટ્રપ્રમુખે કહ્યું શિક્ષણ તો માતૃભાષામાં જ હોયને! નહેરુએ કહ્યું, પણ ઉત્તમ સામગ્રી તો અંગ્રેજીમાં છે તો હિબ્રુમાં તે કેવી રીતે આવશે? ઈઝરાયલમાં લગભગ સાત વર્ષ શિક્ષણ બંધ રખાયું. ત્યાના વિદ્વાનોએ એ ગાળામાં બધું સાહિત્ય અંગ્રેજીમાંથી હિબ્રુમાં અનૂદિત કર્યું ને એમ માતૃભાષામાં શિક્ષણ આપવાનું શરૂ થયું. આટલી કાળજી ગુજરાતી માટે આપણી નથી જ. જગતની કોઈ પણ પ્રજાએ પ્રારંભિક શિક્ષણ માતૃભાષામાં જ લીધું છે એ નિર્વિવાદ છે. એમાં આપણે ગુજરાતીઓ જ માતૃભાષાની ઉપેક્ષા કરી રહ્યા છીએ એ કેવળ ને કેવળ શરમજનક છે. કેટલીક સરકારી નીતિઓ પણ એને માટે જવાબદાર છે. એ સાચું છે કે આપણે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં મૂકાયા છીએ ને વિશ્વ જોડે સંપર્ક ને સ્પર્ધા માટે અંગ્રેજી જ કામ લાગે એમ છે. એનો અર્થ એવો ન જ થાય કે વિશ્વ સાથેના સંપર્ક માટે પોતાનાં ઘર પર દીવાસળી મૂકવી. ક્યાં ય પણ હોઈએ, રહેવાનું તો ઘરમાં જ છે. વિશ્વને ઘર માનીએ તો પણ ઘર તો જોઇશે જ. વિદેશમાં જનમીએ તો જુદી વાત છે, પણ જન્મવાનું ગુજરાતમાં થયું હોય તો પ્રાથમિક ને માધ્યમિક શિક્ષણ ગુજરાતીમાં જ થાય, એમાં બીજા મતને અવકાશ જ નથી, પણ સરકાર ને પ્રજા અંગ્રેજી માધ્યમને વિશેષ મહત્ત્વ આપીને ગુજરાતી માધ્યમ અને ભાષાને બીજે ક્રમે મૂકી રહી છે, ઉતરતી ગણી રહી છે તે કોઈ પણ રીતે યોગ્ય નથી.
એ મોટો ભ્રમ છે કે અંગ્રેજી માધ્યમમાં ભણવાથી જ જ્ઞાન વધશે. જ્ઞાન માતૃભાષામાં જેટલું સહજ છે એટલું અન્ય ભાષામાં નથી જ નથી. એ સમજી લેવાનું રહે કે જગતનો કોઈ પણ મહાન માણસ માતૃભાષામાં ભણવાને કારણે મહાન થયો છે. ભારતની વાત કરીએ તો મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર, અમર્ત્ય સેન, આંબેડકર જેવા અંગ્રેજી માધ્યમની પેદાશ નથી. આ બધાએ માતૃભાષામાં શિક્ષણ લીધું છે. ગાંધીજી ગુજરાતી સ્કૂલમાં ભણ્યા છે ને તેમનું અંગ્રેજી, અંગ્રેજોના અંગ્રેજી કરતાં કોઈ રીતે ઉતરતું ન હતું. તેમણે અંગ્રેજીમાં ય ઘણું લખ્યું, પણ આત્મકથા ‘સત્યના પ્રયોગો’ ગુજરાતીમાં લખી ને પછી તે અનેક ભાષાઓમાં અનૂદિત થઈ. ટાગોરનું પણ એવું જ થયું. તેમણે કાવ્યો બાંગ્લામાં લખ્યા ને જરૂર પડી તો તેનો અંગ્રેજીમાં અનુવાદ પોતે જ કર્યો ને તેને નોબેલ પારિતોષિક મળ્યું. બંગાળીમાં ભણવા છતાં તેમનું અંગ્રેજી નબળું ન હતું. નબળું હોત તો અંગ્રેજી નોબેલ સુધી પહોંચ્યું ન હોત. એટલે એવું કંઈ નથી કે માતૃભાષામાં ભણનારનું અંગ્રેજી સારું ન હોય. ખરેખર તો જે માતૃભાષા સારી રીતે જાણે છે તે બીજી ભાષા પણ સારી રીતે શીખી જ શકે છે.
પણ ગુજરાતીઓ લઘુતા અનુભવે છે ને તેનાથી ય વધુ લઘુતા સરકાર અનુભવે છે, તે વગર અંગ્રેજી માધ્યમનો વેપલો તે કરે જ નહીંને! આપણા કેટલાક ગુજરાતી વાલીઓ તો એટલા ભીરુ છે કે અંગ્રેજી માધ્યમમાં બાળક નહીં ભણે તો તે દુનિયામાં ટકી નહીં શકે એવું માને છે. એમાં જો વાલી અભણ હશે તો તેનું સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું ઝનૂન વધારે તીવ્ર હશે. ભૂલેચૂકે જો પૈસા ઉભરાતા હશે તો લાખોનો ધૂમાડો કરવામાં તે ગૌરવ અનુભવશે. એને કારણે અંગ્રેજી તરફની દોટ વધી છે. એનું જોઇને સાધારણ કમાણી કરતા વાલીઓ પણ અંગ્રેજી તરફ ખેંચાય છે ને કોઈ પણ રીતે સંતાનને અંગ્રેજી માધ્યમમાં ઘાલીને જ જંપે છે. આજે તો ગુજરાતીમાં ભણાવવા વાલીઓ ખાસ તૈયાર જ નથી. એનું પરિણામ એ આવ્યું છે કે ગુજરાતી માધ્યમમાં વિદ્યાર્થીઓની સંખ્યા થતી નથી ને તેના અભાવે ઢગલો પ્રાથમિક શાળાઓ બંધ પડી છે. જો આ ગતિ ચાલુ રહી તો ગુજરાતી માધ્યમની બધી શાળાઓ બંધ પડશે તે નક્કી છે. અંગ્રેજોએ ધાર્યું હોત તો પ્રાદેશિક ભાષાઓમાં ચાલતી શાળાઓ બંધ કરાવી હોત, પણ જે તે પ્રદેશની માતૃભાષામાં શિક્ષણ મળી રહે એ માટે તે ચાલુ રાખી ને કમાલ તો એ છે કે ગુજરાતી માધ્યમની અંગ્રેજોના વખતમાં ચાલતી સ્કૂલો સ્વતંત્રતા મળ્યા પછી આટલે વર્ષે બંધ કરવાની આવી છે. દાખલો આપીને કહું તો અમદાવાદની ૧૯૩૪થી ચાલતી ગુજરાતી માધ્યમની સાધના સ્કૂલ ૨૦૧૬માં વિદ્યાર્થીઓ ન મળવાને કારણે બંધ કરવી પડી. આના પરથી તો ભવિષ્યમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ જ હશે એવું લાગે છે. આવામાં ગુજરાતી ભણવાનું જ ન રહે તો ગુજરાતી ભાષા મરવા જ પડશે કે બીજું કંઈ? એ સ્થિતિમાં ગુજરાતની માતૃભાષા તરીકે અંગ્રેજીની જ આરતી ઉતારવાનું આવે એમ બને. આ થવા દેવાનું છે?
ગુજરાતી માધ્યમને ન સ્વીકારનારા ગુજરાતી ભણવાની અઘરી પડે છે એવી વાતો કરે છે. એની જોડણી ભણનાર અને ભણાવનાર ને અઘરી લાગે છે. અંગ્રેજીમાં હ્રસ્વ ઇ કે ઉ કે દીર્ઘ ઈ કે ઊ કે અનુસ્વાર નથી, એટલે એ સહેલી છે એવું ઘણાં માને છે. આ બરાબર નથી. કેટલાક ગુજરાતીના શણગાર ઉતારવાની ફિકરમાં પણ છે. એક જ ઉ કે ઈ રાખવાનો જુવાળ પણ આવ્યો. એટલે કે પિતા નહીં, પીતા કે ઊંઝા નહીં, પણ ઉંઝા લખીએ તો બીજી ઇ કે બીજા ઊનો બોજો ઘટે. વારુ, આ એક ઉ કે ઈ રાખીએ ને એ જ સાચું ઠરાવીએ ને કોઈ, બાકી ઊ કે ઇનો આગ્રહ રાખી એની ઝુંબેશ ઉપાડે તો શું એ પણ સ્વીકારીશું?
આ બોજો સંસ્કૃત, હિન્દી, મરાઠી, બંગાળીને નથી લાગ્યો. એમાં સૌથી મોટી બૂમરાણ તો હિન્દીમાં ઊઠી શકી હોત, કારણ એ રાષ્ટ્રભાષા છે ને વધારે ફરિયાદો એ ભાષામાંથી આવી હોત, પણ ગુજરાતીને બાદ કરતાં અન્ય ભાષામાં એવો ઊહાપોહ થયો નથી. એનો અર્થ એવો નહીં જ કે ત્યાં બધાં જોડણી સાચી જ કરે છે. ત્યાં ય ભૂલો થાય જ છે. ગુજરાતી સરલીકરણના બીજા પ્રયત્નો પણ થયા, પણ ઈરાદાપૂર્વક લખવાના પ્રયત્નોને બાદ કરતાં, ખોટી જોડણી સાથે પણ ઇ, ઈ કે ઉ, ઊ લખાય તો છે જ. જો આ લખવાનું ચાલુ રહ્યું હોય તો પ્રયત્ન કરવાથી આ બધાં સાથે સાચું ન જ લખી શકાય એવું નથી. જરૂર છે તે ગંભીરતાની. એવું નથી કે સાચી ગુજરાતી કદી કોઈએ લખી જ નથી. એ બેદરકારી આજની છે. શિક્ષક સાચું જાણે તો વિદ્યાર્થી સાચું લખી જ શકે એમાં શંકા નથી. અંગ્રેજીમાં સાયકોની કે ન્યુમોનિયાની સ્પેલિંગ ‘P’થી શરૂ થાય એ યાદ રાખી શકતા હોઈએ કે but ને બટ ને put ને પટ ન કહેતાં, પુટ બોલી શકતા હોઈએ તો ગુજરાતીમાં થોડી કાળજી રાખવાની આવે તેટલા માત્રથી તેનો કાંકરો કાઢવાની વાત ઠીક નથી.
આપણી ભાષા ગુજરાતી આટલા અનાદરને પાત્ર નથી જ!
૦૦૦
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : “ધબકાર”, 15 જૂન 2015