આવતી કાલે [05 સપ્ટેમ્બર] શિક્ષક દિન. એ દિવસે સુરતના સપૂત ભગવતીકુમાર શર્માની વિદાયને બે વર્ષ થશે. ચોર્યાસી વર્ષની જિંદગીમાં ૮૪ લાખ ફેરા જેટલું જીવ્યા હોય એટલું વિપુલ સર્જન અને પત્રકારત્વ ભગવતીભાઈએ કર્યું છે. હાઈસ્કૂલમાં હતા ત્યારે જ નબળી આંખોને કારણે ડોકટરે વાંચવા લખવાની મનાઈ ફરમાવેલી. આ જ વાત ‘અસૂર્યલોક’માં ડો. તાંજોરકર દ્વારા લેખકે નવલકથાના નાયક તિલક માટે પણ કહેવડાવી છે. કોઈને એમાં આત્મકથાના અંશો જણાય તો નવાઈ નહીં. બીજો કોઈ છોકરો હોત તો રડીને ખૂણે બેસી ગયો હોત, પણ ભગવતીભાઈ ૧૪ વર્ષની ઉંમરે ગાંધીજીની હત્યાથી વ્યથિત થઈને પહેલી કવિતા લખે છે.
ભગવતીભાઈ થોડી રાહ જોવડાવીને ૩૧ મે, ૧૯૩૪ને રોજ હરગોવિંદ શર્મા અને હીરાબાના કુટુંબમાં અવતરે છે. માતાને તે ભગવતીનો પ્રસાદ લાગે છે ને નામ પડે છે ભગવતી. આ દીકરા પર ભગવતીની કૃપા તો હતી જ, પછી સરસ્વતીનો હાથ પણ માથે મૂકાય છે. નર્મદ પછી ૧૦૧ વર્ષે ભગવતીભાઈ જન્મે છે તો એને સરસ્વતી ખાલી તો ન જ રહેવા દેને!
વીસેકની ઉંમરે ભગવતીકુમાર ‘ગુજરાતમિત્ર’માં જોડાય છે ને છેવટ સુધી એની સાથે જ સંકળાયેલા રહે છે. એક બે નહીં, ૬૪ વર્ષ ‘ગુજરાતમિત્ર’ને એમણે આપ્યા ને હજારો તંત્રીલેખો અને અનેક કોલમોથી પત્રકારત્વ ઉજાળ્યું. એ એક પત્નીવ્રતી જ નહીં, એક પત્રવ્રતી પણ રહ્યા. એમની સાથે ‘ગુજરાતમિત્ર’માં દસ વર્ષ પત્રકારત્વ ખેડવાનો લહાવો મેં પણ લીધો છે. એમના તંત્રીલેખોના બે’ક પુસ્તકો થયાં છે, પણ બીજા ઘણાં થઈ શકે ને તે પત્રકારત્વના ઇતિહાસ લેખે પણ અભ્યાસુઓને ઉપયોગી થઈ પડે એમ છે. આવું સાત્ત્વિક અને સાહિત્યિક પત્રકારત્વ ખેડનાર બીજો પત્રકાર ગુજરાતમાં તો ઠીક, ભારતમાં પણ મને તો દેખાતો નથી. પત્રકારત્વ તેમણે ‘નિર્લેપ’ભાવે ખેડ્યું છે ને પીળું પત્રકારત્વ જોર પર હોય ત્યારે આટલાં સાતત્ય સાથે શુદ્ધ પત્રકારત્વનો મહિમા અપવાદ જ ગણાય. નબળી આંખે પ્રૂફરીડિંગનાં આંખો ફોડનારા કામથી એ શરૂ કરે છે ને દેશભરના વરિષ્ઠ પત્રકારનું સન્માન ‘નચિકેતા પુરસ્કાર’ અટલબિહારી વાજપેયીને હસ્તે મેળવે છે. જ્ઞાનપીઠ પુરસ્કારને બાદ કરતાં તમામ નાનામોટા પુરસ્કારો એમને મળ્યા છે એટલું જ કહેવું અહીં પૂરતું થશે.
અમારી વચ્ચે ક્યારેક રકઝક પણ થતી. એ નબળી આંખોની ફરિયાદ કરતા રહેતા. હું કહેતો કે દેખતી આંખોવાળા ન કરી શકે એટલું ગંજાવર ને ગુણવત્તા સભર સર્જન અને પત્રકારત્વ તમે કર્યું છે, તો સરસ્વતીનો ઉપકાર માનો કે એણે એનું વાહન તમને બનાવ્યા. માંડ ત્યારે એ શાંત પડતા, પણ નબળી આંખે એમણે અનેક મુશ્કેલીઓ વેઠી છે તેની ના પાડી શકાશે નહીં.
એમની પહેલી નવલકથા ‘આરતી અને અંગારા’ ૧૯૫૬માં છપાઈ. એ પછી તો ‘સમયદ્વીપ’, ‘ઊર્ધ્વમૂલ’, ‘અસૂર્યલોક’ જેવી ૧૩ નવલકથાઓ પ્રગટ થાય છે. ખાસ કરીને આ ત્રણ નવલકથાઓ કોઈકને કોઈક રીતે સામવેદી સંસ્કારોનો મહિમા કરે છે. ‘સમયદ્વીપ’માં આસ્થા અને નૂતન આવિષ્કારો વચ્ચેનો સંઘર્ષ છે, તો ‘ઊર્ધ્વમૂલ’માં ધાર્મિક સંસ્કારો, મૂળની શોધ માટે પાત્રોને પ્રવૃત્ત કરે છે, તો ‘અસૂર્યલોક’ સંસ્કારોથી જ્ઞાનનો મહિમા કેવી રીતે થઈ શકે તેની વાત કરે છે. ‘સમયદ્વીપ’નું દ્વિઅંકી નાટ્યરૂપ મેં કરેલું ને તે દીપક ગાંધીના દિગ્દર્શનમાં રાષ્ટ્રીય કલા કેન્દ્રએ ભજવેલું પણ ખરું તો ‘ઊર્ધ્વમૂલ’ના ત્રીજા ખંડનું એક કલાકનું મેં લખેલું રેડિયો નાટ્યરૂપ વિહંગ મહેતાએ ‘આકાશવાણી’ના વડોદરા કેન્દ્ર પરથી પ્રસ્તુત કરેલું તે પણ યાદ આવે છે.
ભગવતીભાઈની જ એક વાર્તા ‘સુવ્વરની ઔલાદ’ના બે એકાંકી નાટ્યરૂપ તૈયાર થયેલાં. એક નાટ્યકાર જ્યોતિ વૈદ્યે કરેલું તો બીજું લેખન મેં કરેલું જે મુંબઈમાં કાંતિ મડિયાનાં દિગ્દર્શનમાં પ્રસ્તુત થયેલું ને એનું જ વાચિકમ્ નરેશ કાપડીઆએ પણ પ્રસ્તુત કર્યું છે. ભગવતીભાઈની પહેલી વાર્તા ૧૯૫૩માં ‘સવિતા’માં પ્રગટ થયેલી. એમના વાર્તાસંગ્રહ ‘વ્યર્થ કક્કો : છળ બારાખડી’ની પ્રસ્તાવના મેં લખેલી. એ ઉપરાંત ‘અડાબીડ’, ‘અકથ્ય’ જેવા બીજા દસેક સંગ્રહો પ્રગટ થયેલા. ‘પ્રતીતિ’, ‘પ્રેમઅંશ’, ‘કૂતરાં’, ‘શંકા’, ’બકોર પટેલનો બહેરાપો’ જેવી ઘણી યાદગાર અને પ્રયોગશીલ વાર્તાઓ ભગવતીભાઈએ લખી છે છતાં, તેઓ શ્વસે તો છે પરંપરાને જ. સુરેશ જોશીના પ્રભાવથી એ અંજાતા નથી ને પરંપરા અને પ્રયોગના સમન્વયથી એ વાર્તા જોડે કામ પાડે છે.
પહેલી કવિતા ૧૯૪૮માં લખાય છે, પણ પહેલો કાવ્યસંગ્રહ ‘સંભવ’ ૧૯૭૪માં ૨૬ વર્ષનાં સંયમ પછી બહાર પડે છે. એ પછી તો ‘છંદો છે પાંદડાં જેનાં’, ‘ઝળહળ’, ‘નખદર્પણ’, ‘અઢી અક્ષરનું ચોમાસું’, ‘ઉજાગરો.’ જેવા દસેક કાવ્યસંગ્રહો બહાર પડે છે. ભગવતીભાઈએ ગઝલો લગભગ ચારેક દાયકા લખી છે, પણ તેમનાં ગીતો ને સોનેટોનું પણ આગવું મહત્ત્વ છે.
મેં, મનહરલાલ ચોક્સી, નયન દેસાઈ અને ભગવતીભાઈએ પંક્તિઓ પર અનેક ગઝલો સાથે બેસીને લખી છે. એવી જ એક ગઝલનો એમનો મત્લા છે :
હું ‘હું’ ક્યાં છું? પડછાયો છું, આ ઘર, ઉંબર ને ફળિયામાં,
હું જન્મોજન્મ પરાયો છું, આ ઘર, ઉંબર ને ફળિયામાં.
આ ગઝલ પરથી જાણીતા દિગ્દર્શક કપિલદેવ શુક્લએ હૃદયસ્પર્શી એકાંકી લખ્યું અને તેને સફળતાપૂર્વક ભજવ્યું પણ ખરું.
આંસુ પણ છેવટે તો નમક જ છે, પણ કેવું નમક છે?
બહુમૂલ્ય સંપદા છે, અકારણ ન વેડફો,
ચડિયાતું કોઈ આંસુથી જગમાં નમક નથી.
મૃત્યુ નિશ્ચિત છે, પણ તે ક્યારે અને કેવી રીતે આવે છે તે જુઓ :
એ બહુ છાનેમાને આવે છે,
મોત બહુ નાજુક બહાને આવે છે
‘હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ …’, ‘અઢી અક્ષરનું ચોમાસું’, ‘મારે રુદિયે બે મંજીરાં’ જેવાં ઘણાં ગીતો લોકપ્રિય થયાં છે ને તે સંગીતબદ્ધ પણ થયાં છે.
સાધારણ રીતે ભગવાન બહુ દુ:ખ દેતો હોય એવી ફરિયાદ માણસ કરતો હોય છે, પણ ગીતકારને એ પ્રશ્ન થાય છે કે જે હરિ નિરંતર હૃદયમાં જ છે તે દુ:ખ કેવી રીતે દે? એવું તો નથી ને કે માણસ, હૈયે રહેતા હરિને દુ:ખ દેતો હોય? એટલે કવિ કહે છે :
હરિ, મારે રુદિયે રહેજો રે,
દ:ખ જે દઉં તે સહેજો રે!
આ ભાવ પહેલી વખત ગીતમાં આવ્યો છે.
સોનેટ સાધારણ માણસને બહુ સમજાતાં નથી, પણ ભગવતીભાઈએ સોનેટ બોલચાલની ભાષામાં લખ્યાં છે. સામવેદી સંસ્કારોને લગતાં બે સોનેટ ‘પિતૃકંઠે’ અને ‘ફરીથી’ અદ્ભુત છે. પિતા સામવેદી પંડિત હતા. તેમનું મૃત્યુ થતાં હવે તેમનો વારસો સચવાય એમ નથી એટલે જેમાં સંસ્કારો સચવાયેલા તે લાકડાની પેટી ભારે હૈયે કવિએ બીજાને સોંપી દેવી પડે છે. એ સમયે પિતાને બીજી વખત વળાવ્યા હોય એવી દારુણ વેદના કવિપુત્રને થાય છે :
જાણે દીધા વળાવી જનક જ ફરીથી સ્કંધપે ઊંચકીને,
ભીની આંખે ભળાવ્યા ભડભડ બળતા અગ્નિ અંકે ફરીથી.
આ ઉપરાંત માતા, પત્નીને લગતાં ઘણાં સોનેટો ભગવતીભાઈએ લખ્યાં છે. ‘આત્મસાત’ કરીને ૭૨ સોનેટોનો આખો સંગ્રહ પત્ની જ્યોતિબહેનના મૃત્યુ પછી અને પિતાનું ઘર છોડવા સંદર્ભે પ્રગટ થયો છે. એમાં કાવ્યની સમાંતરે કથા પ્રવાહ પણ વહે છે એટલે મેં એ સંગ્રહને ‘સોનેટનોવેલ’ તરીકે ઓળખાવ્યો છે. એમાં એક સોનેટ છે, ‘કાલૌષધિ’. સાધારણ રીતે દુઃખનું ઓષડ દા’ડા’ એમ કહેવાય છે. મૃત્યુનો ઘા સમય રૂઝવી દેતો હોય છે, પણ આ સોનેટમાં કવિ ઈચ્છે છે કે પત્નીના મૃત્યુનો ઘા રૂઝાય જ નહીં. એટલે કહે છે : ‘ટકોરા થંભાવો ! ટિક ટિક કરો બંધ સઘળી -’ કવિ સમયને વહેવા દેવા નથી માંગતો, કારણ સમય વહે તો ઘા રૂઝાય ને પત્ની ભુલાવા માંડે ને કવિ , ‘… એ વેળાને સતત જીવતી’ રાખવા માંગે છે. ‘આત્મસાત’ની પ્રસ્તાવના મેં લખી છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ મારી પસંદગીની એમની કવિતાનું સંપાદન પણ ‘શબ્દનું સાત ભવનું લેણું છે.’ પ્રગટ કર્યું છે તો એવી જ રીતે ગઝલનું સંપાદન ‘ગઝલની પાલખી’ પણ મેં કર્યું છે તેનો આનંદ છે.
‘શબ્દાતીત’, ‘બિસતંતુ’, હૃદયસરસાં’, ‘સ્પંદનપર્વ’, ‘નદીવિચ્છેદ’ જેવા દસેક નિબંધ સંગ્રહો છાપામાં ચાલેલી કોલમોમાંથી થયા છે. આ નિબંધો સરકાર, સંસ્કાર, ધર્મ, શિક્ષણ વગેરેને વિષય કરે છે, પણ તેને પુસ્તકરૂપે પ્રગટ કરતી વખતે તે છાપાળવાં ન રહે તેની કાળજી લેવાઈ છે. ભગવતીભાઈના હાસ્યના પાંચેક પુસ્તકો છે તો એકાદ પુસ્તક વિવેચનનું પણ છે. ‘અમેરિકા,આવજે!’ તેમનું અમેરિકા પ્રવાસનું પુસ્તક છે તો ‘સુરત મુજ ઘાયલ ભૂમિ’ તેમનું આત્મકથાનું પુસ્તક છે, જેમાં મધ્યમવર્ગીય બ્રાહ્મણ કુટુંબની કથાની સાથોસાથ ૧૯૪૦ પછીના સુરતની વિકાસ ગાથા પણ સમાંતરે ચાલે છે એટલે એમાં ‘આત્મ’ અલ્પ અને ‘કથા’ વધારે છે. એ અનુવાદ, આસ્વાદથી પણ દૂર રહ્યા નથી.
ભગવતીભાઈને નિકટથી જોયાજાણ્યા છે. એમને વિશે વિચારું છું તો થાય છે કે વર્ષો પછી ટકી રહે એવું એમનાં સર્જનમાં શું છે તો એમની સામવેદી સંસ્કારોથી પ્રભાવિત થયેલી કવિતાઓ, વાર્તાઓ અને ‘સમયદ્વીપ’, ‘ઊર્ધ્વમૂલ’ અને ‘અસૂર્યલોક’ જેવી નવલકથાઓને કાળ કોઈ કાળે ભૂંસી નહીં શકે એમ લાગે છે. બીજું ટકશે કે નહીં તે ખબર નથી, પણ આટલું કાળજયી નીવડશે એવી આગાહી હું ગૌરવભેર કરી શકું એમ છું. એમની સ્મૃતિને વંદન કરીને વિરમું.
૦૦૦
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ધબકાર”, 04 સપ્ટેમ્બર 2020