આ પૃથ્વી પર માનવજાત અસ્તિત્વમાં આવી ત્યારે તેને આ જગતની તો ખાસ સમજ નહીં જ હોય, પણ તેને પોતાને વિષે પણ ત્યારે કેટલી સમજ હશે તે પ્રશ્ન જ છે. આજે પણ આપણે વિષે આપણે કેટલું જાણીએ છીએ? જે શરીરની આપણે બહારથી ટાપટીપ કરીએ છીએ એ શરીરની રચના પણ આપણે તો ભણવી જ પડે છે. તે એટલે કે શરીર આપણને પહેલાં મળી જાય છે ને જ્ઞાન તે પછી શરૂ થાય છે. ખોરાકનું લોહી બને છે તે આપણે શીખ્યા છીએ, પણ કયાં બિંદુથી ખોરાકનું લોહી બને છે ને આપણા જ શરીરમાં બને છે, એની આપણને ખબર નથી. આંસુ કોણ, ક્યાંથી બનાવે છે એ નથી જાણતા ને ઘણું બધું જાણીએ છીએ એવા વહેમમાં ફરીએ છીએ !
એવું જ પ્રેમનું છે. પૃથ્વી પર મનુષ્યે યુગોથી પ્રેમ કર્યો છે, પણ એ તત્ત્વ પૂરેપૂરું આજે પણ પકડમાં આવ્યું નથી. જગતમાં આદમ પહેલો આવ્યો એમ કહેવાય છે. તે પછી ઈવ આવી. એ સ્ત્રી–પુરુષે એકબીજાને પહેલીવાર જોયાં હશે ત્યારે શરીરનો ભેદ દેખાયો હોય તો પણ સમજાયો નહીં હોય એમ બને. આદમની પાંસળીમાંથી સ્ત્રી જન્મી એવું કહેવાય છે, પણ બધી સ્ત્રીઓ આદમની ઓશિયાળી નથી. વારુ, સ્ત્રીને જન્માવનારા આદમની વાત સાચી માનીએ તો, ઈવ જન્મી એનું શું અને કેવું ભાન એને રહ્યું હશે તે તો એ જ જાણે, પણ એટલું તો સહુ કોઈ સ્વીકારશે કે હૃદયની ખબર ન હતી ને હૃદય ધબકતું હતું, આંસુની ખબર પડે તે પહેલાં આંખો ભીની થઈ હતી, સ્મિતની વ્યાખ્યા થાય તે પહેલાં ચહેરે સ્મિત ખીલ્યું હતું. આજે પણ એવું ઘણું બધું છે જેની સમજ પડતી નથી, પણ એક વસ્તુ નક્કી છે કે જીવંત શરીર ન હોય તો જગતમાં કૈં નથી. બહારનું જે કૈં પણ અનુભવાય છે તે પહેલાં તનને કે મનને અનુભવાય છે.
જેને પ્રેમ કહીએ છીએ એની શું અને કેવી ખબર પહેલી વ્યક્તિને પડી હશે તેની તો અટકળ જ કરવાની રહે છે. જેને આપણે વેદના, આનંદ કહીએ છીએ એને એવું જુદું નામ તરત તો નહીં જ મળ્યું હોય. એને અલગ તારવવાનું ને ઓળખવાનું પણ પહેલાં તો સહેલું નહીં હોય. જેને આપણે શરીરનો અને મનનો પ્રેમ કહીએ છીએ એ પણ આપણા પૂર્વજો અલગ તારવી આપે એવી અનુકૂળતા ત્યારે નહીં જ રહી હોય, કારણ જેને તનનો કે મનનો પ્રેમ કહીએ છીએ એવાં જુદાં ખાનાં કરવાનું ભાન જ ત્યારે કોને રહ્યું હશે? એટલું સમજાય છે કે સ્ત્રી કે પુરુષને કોઈ લાગણી એકબીજા માટે મનમાં ઉદભવી હશે ને એ મનમાં જ રહે તો કોને પહોંચે? એટલે એ પહોંચી હશે અભિવ્યક્તિ દ્વારા અને અભિવ્યક્તિ શરીર વગર તો કેમ શક્ય બને? એટલે મનની વાત પણ શરીર વગર તો શક્ય જ ન હતી ને નથી. એટલે મન પણ શરીર દ્વારા જ બીજા મન સુધી પહોંચ્યું હશે. ટૂંકમાં, શરીર વગર સ્નેહ અશક્ય છે.
બીજી તરફ આપણા ધર્મગુરુઓએ અને ગ્રંથોએ કોણ જાણે કેમ, પણ શરીરનો મહિમા એટલો નથી કર્યો જેટલો આત્માનો કર્યો છે. વિલાસિતાનું મહત્ત્વ ન વધે ને લાગણીઓ નિયંત્રણમાં રહે એટલે એમ થયું હશે. એ સારું પણ છે. કશું પણ વકરે એ ઇચ્છનીય નથી, પણ શરીરનો છેદ જ ઉડાવી દેવો એ બરાબર નથી. શરીર નાશવંત છે ને તેનું કઠોર નિયમન શાસ્ત્રો સૂચવે છે. બ્રહ્મચર્ય એ જ એક માત્ર ઉપાય નિયમનનો છે એવું પણ ભણાવાયું છે, છતાં જગતમાં માત્ર બ્રહ્મચર્યની જ બોલબાલા છે એવું નથી. જગત બ્રહ્મચર્યને લીધે વિકસ્યું નથી. એ વિકસ્યું છે સ્ત્રી-પુરુષનાં પ્રેમને લીધે, સહવાસને લીધે. એક વાત સ્પષ્ટ છે કે પ્રેમનો પ્રથમ આવિર્ભાવ મનમાં થાય છે, પણ એ મન પણ શરીરમાં છે, એટલે એની અનુભૂતિ ને અભિવ્યક્તિ શરીર દ્વારા જ શક્ય બને છે. પ્રેમ એક દિવ્ય અનુભવ છે, પણ તે જીવંત શરીરની બહાર ક્યાં ય નથી. મન, શરીરની બહાર નથી તો મન વગર શરીર પણ કૈં નથી. એટલે જે જીવંતતાની અનુભૂતિ થાય છે તે મનુષ્ય સજીવ હોવાને લીધે. પશુપક્ષીમાં પણ પ્રેમની લાગણી છે, પણ ત્યાં ભાષા નથી, એટલે અભિવ્યક્તિ શરીર દ્વારા જ થાય છે. મનુષ્ય પાસે ભાષા છે. ભાષા છે એટલે જ મન પણ છે. ભાષા ન હોત તો કદાચ મનની વાત પ્રગટ જ ન થઈ હોત ! અનુભૂતિ ભાષા વડે અભિવ્યક્તિ પામે છે એટલે મનની વાતો બીજા સુધી પહોંચે છે, નહીં તો પ્રેમ શરીર દ્વારા જ વ્યક્ત થઈને રહી ગયો હોત.
આમ છતાં શરીરી પ્રેમને આપણે બીજા નંબરે જ મૂક્યો છે. શરીરને પવિત્ર ગણતાં આપણને સંકોચ થાય છે, એટલે શરીરી પ્રેમને પવિત્ર ગણવાનું વલણ પણ ઓછું જ છે. શરીર મલીન છે ને આત્મા જ પવિત્ર છે એવું આપણને અનેક રીતે ઠસાવાયું છે, પણ ગમે એટલો પવિત્ર કેમ ન હોય, આત્મા શરીરની બહાર ક્યાં ય નથી. શરીર બતાવી શકાય છે, આત્માનું એવું નથી. શરીરની બહાર પણ આત્મા અનુભવી શકાય છે એવું પણ કહેવાય છે. એ જ રીતે શરીર પણ સૂક્ષ્મ હોય છે એવું મનાય છે, એ બધું ભલે કહેવાતું, મનાતું હોય, એનો કોઈ વાંધો નથી, પણ અતિ સૂક્ષ્મ અનુભૂતિ પણ શરીર વગર શક્ય નથી, એ ભલેને સૂક્ષ્મ શરીર જ કેમ ન હોય, પણ અનુભૂતિ શરીર વગર અશક્ય છે.
હકીકત એ છે કે મનથી હોય કે શરીરથી, પ્રેમ મહત્ત્વનો છે. કેવળ મનથી કોઈ ચાહતું હોય અને એટલાથી જ તૃપ્તિનો અનુભવ થતો હોય તો ભલે, તેની સામે કૈં કહેવાનું નથી, પણ એ દિવ્ય પ્રેમમાં કોઈ શરીરની ઝંખના કરે તો તેટલા માત્રથી તે અપવિત્ર થઈ જાય એમ માનવું કે મનાવવું બરાબર નથી. આપણે પ્રમાણિક હોઈએ તો એ પણ સ્વીકારીશું કે મનથી શરૂ થયેલો પ્રેમ, શરીરી પ્રેમ પર પૂર્ણત્વ પ્રાપ્ત કરે છે. સ્ત્રી-પુરુષનો પ્રેમ મનથી શરૂ થાય તો પણ તેનું ઊંડે ઊંડે એક લક્ષ્ય શરીરની પ્રાપ્તિનું હોય જ છે. બધા પ્રેમ, શરીર પ્રાપ્તિમાં પૂરા થાય એવું જરૂરી નથી, ઘણા પ્રેમ મન આગળ પણ પૂરા થઈ જાય છે, તો ઘણી વાર મનની વાત મનમાં પણ રહી જાય છે ને પ્રિય પાત્ર અન્યત્ર પરણી જાય છે ને આખી જિંદગી કશુંક ન પ્રાપ્ત થઈ શકવાનો વસવસો સિલકમાં રહી જાય છે. એ અસંતોષ કે અપ્રાપ્તિ ઘણું ખરું શરીરની જ હોય છે. ઘણો સ્નેહ મન સુધી પહોંચતો પણ હોય છે ને લગ્ન શક્ય બનતાં નથી ને દેહની પ્રાપ્તિ ન થઈ શકવાની પીડા શેષ રહી જાય છે. વારુ, જે પાત્રો અન્યત્ર ગોઠવાય છે એ પણ સમાધાન તો શરીરમાં જ શોધવા લાચાર બને છે. એટલે દંભ ન કરીએ તો એ સ્વીકારવું પડે કે શરીરી પ્રેમ દરેક વખતે અપવિત્ર નથી જ !
હા, કોઈ અનિચ્છાએ શરીરને સ્પર્શવાની કોશિશ કરે કે બળજબરીએ શરીર પ્રાપ્ત કરે તો એના જેવી ઘોર અપવિત્રતા બીજી કોઈ નથી, કારણ કે શરીરને કોઈ અનિચ્છાએ સ્પર્શવા મથે છે. દેખીતું છે કે શરીર નથી ઇચ્છતું એટલે મન પણ ન જ ઈચ્છે. એવો સ્પર્શ નકારવાનો જ રહે. એનો વિરોધ જ હોય. એથી ઊલટું જે સ્પર્શ શરીર ઇચ્છતું હોય અને એનાથી કોઈને કોઈ પણ રીતે હાનિ ન પહોંચતી હોય તો તેનો નકાર પણ અક્ષમ્ય છે, છતાં હકીકત એ છે કે ઇચ્છનીય સ્પર્શથી ઘણાં વંચિત રહે છે ને અનિચ્છનીય સ્પર્શ ઘણાંને કરમે ચોંટે છે.
એવું પણ કહેવાયું છે કે માતાનું પયપાન કરતું બાળક પણ શરીરી પ્રેમનું જ ઉદાહરણ છે. એ માન્યતા પશ્ચિમની હોઈ શકે ને એ અહીં લાગુ ન પણ પડે. આપણી વાત કરીએ તો બાપ, દીકરીને વહાલ કરે કે બહેન, ભાઈનું કપાળ ચૂમે તો તે સ્પર્શ, પતિ-પત્નીનો સ્પર્શ નથી. પતિ-પત્નીના સ્પર્શમાં એકબીજાનાં શરીરની પ્રાપ્તિનો હેતુ છે, જ્યારે મા-દીકરા કે ભાઈ-બહેનના પ્રેમમાં એ હેતુ નથી. કહેવાય તો છે એ પણ પ્રેમ જ, પણ સમાજ, વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના સંબંધો, પ્રેમના ઘણા પ્રકારો પાડે છે, તે સાથે જ એ પણ ખરું કે શરીરી પ્રેમની પણ અનેક છાયાઓ છે ને તે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના સંબંધો ને સ્થાન પર અવલંબિત છે એ વાત ધ્યાને લેવાની રહે …
000
e.mail : ravindra21111946@gmail.com