14 મે 2009ના દિવસે એ વાતને બરાબર બે વરસ થશે જ્યારે કર્મશીલ ડૉક્ટર વિનાયક સેનને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. બે વરસ પૂરાં થવામાં છે અને તાકડે સર્વોચ્ચ અદાલતે છત્તીસગઢ સરકારને નોટિસ પાઠવીને પૂછ્યું છે કે આજાર સેનને શા સારુ જામીન પર ન છોડવા. વળી રાજ્ય સરકારને એણે આદેશ આપ્યો છે કે હૃદયરોગથી પીડિત સેનને સરખી તબીબી કુમક મળતી રહે તે જોવું.
એક અનોખા સ્વાસ્થ્યકર્મીને નાતે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વિનાયક સેનનો કેસ વિલક્ષણ છે. એ દાક્તર એટલે કે ખરેખર જ દાક્તર છે. સમાજશાસ્ત્રની કે એવા કોઈ વિષયની ડૉક્ટરેટને કારણે અગર તો ભોગજોગે આવી મળેલી કોઈ માનદ ઉપાધિને કારણે એ દાક્તર (ડૉક્ટર) તરીકે ઓળખાય છે એવું નથી. વેલ્લોરમાં તબીબી છાત્ર તરીકે બસ્તીઓમાં કામ કરવાનું થયું એથી હૃદયમાં સેવાધર્મ અને કરુણાનો સંચાર થયો એ સાચું; પણ એમની વિલક્ષણતા ને દીવાનગી એ વાતે છે કે આ સંચાર કોઈ સરળમુગ્ધ મુકામે ઠરી ન ગયો. ગરીબી પોતે પણ રોગનું મૂળ હોઈ શકે, અન્યાયી વ્યવસ્થા કુપોષણનું કારણ હોઈ શકે, આ બધું સમજાવા લાગતાં એમની માનવધર્મી સેવાભાવનાને ધીરે ધીરે માનવ અધિકારોની કલમ લાગતી ગઈ. આગળ ચાલતાં એ છત્તીસગઢમાં તબીબી કામગીરીમાં સક્રિય બન્યા ત્યારે જાહેર સ્વાસ્થ્ય સેવાની નમૂનેદાર કામગીરીની જોડાજોડ શંકર ગુહા નિયોગીની છત્તીસગઢ મુક્તિ મોરચા (સીએમએમ) ચળવળ સાથે એમણે જે ભાવનાત્મક સંધાન અનુભવ્યું એનું રહસ્ય અલબત્ત એમની આ સમજમાં પડેલું હતું કે મનુષ્યમાત્રને જીવનનો અને એથી સ્વાસ્થ્યનો જે પાયાનો અધિકાર છે એમાં અન્યાયી વ્યવસ્થા અને તેના પર ઉભેલું રાજ અવરોધક પરિબળ બની રહે છે. સ્વાસ્થ્યકર્મી તરીકે આદિવાસીઓના હૃદયગભારામાં વિરાજમાન આ મૂર્તિ તેથીસ્તો નાગરિક સ્વાતંત્ર્ય સંગઠનમાં પણ સક્રિય છે અને પિયુસિએલના રાજ્ય એકમના મંત્રી છે.
રાજ્ય અને રાજકીય-શાસકીય અગ્રવર્ગ જેનું નામ, એને સેવાધર્મીઓ તો પોસાય છે. પણ સેવાધર્મ અને હકની લડાઈનું, પ્રજાસત્તાક સ્વરાજને શોભતું સાયુજ્ય સાધતા ઝુઝારુ જણ એને ક્યાંથી પરવડે. ભળતાસળતા આરોપસર છત્તીસગઢ સરકારે એમને જેલભેગા કર્યા છે. જોવાનું એ છે કે ચાવલવાળા બાબા તરીકે લોકચાહના પ્રાપ્ત કરનાર રમણસિંહની સરકારનો આ નિર્ણય છે. બને કે ખેરાતી સરકારને હકની લડાઈ સાથે સેવાને સાંકળતો નવ્ય અભિગમ સોરવાતો ન હોય. બને કે ખેરાતી ચાવલબાબાને લડાકુ સ્વાસ્થ્યસેવક ખમાતો ન હોય.
દાક્તર વિનાયક સેનને જાડી રીતે કહેતાં નક્સલવાદ સાથે સંબંધ ધરાવવાને ધોરણે જેલમાં ગોંધવામાં આવ્યા છે. સ્પેશિયલ પલ્લિક સિક્યુરિટી ઍક્ટ અને અનલૉફુલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ, 1967 લાગુ પાડીને એમને પકડવામાં આવ્યા ત્યાર બાદ ચાર્જશીટ ફાઈલ થઈ ગયા પછી એમને બિનજામીનપાત્ર ધોરણે જેલમાં રાખી મૂકવા પાછળની સરકારી દલીલ (અગર કથિત પુરાવો ) તેઓ જેલમાં ને જેલ બહારના નક્સલવાદીઓ વચ્ચેના ગુપ્ત પત્રવ્યવહાર સાથે સંકળાયેલા હોવાનો છે.
અહીં નક્સલવાદ, રાજ્ય સરકાર અને દાક્તર સેનની સંડોવણી તેમજ વલણને અનુલક્ષીને બે શબ્દો કહેવા લાજિમ છે . સેન નક્સલવાદની કાર્યપદ્ધતિ એટલે કે હિંસા સાથે અક્ષરશઃ અસમ્મત છે. એમણે એમની આ અસમ્મતિ નક્સલ મિત્રો અને ભાજપી સરકાર સહિત લોકસમસ્તથી કદાપિ છૂપાવી નથી. જ્યાં સુધી નક્સલ સંપર્કનો સવાલ છે, એક નક્સલવાદી નારાયણ સન્યાલને (સેન પોતે મુક્ત હતા ત્યારે) તેઓ જેલમાં ખબર અંતર પૂછવા જરૂર મળતા રહ્યા છે – પણ એમનું આ મળવાનું બધો વખત જે તે અધિકારીની જાણ અને સમ્મતિપૂર્વકનું રહ્યું છે.
તે સાથે, કેમ કે સેન હિંસાને વિપરીતપરિણામી (કાઉન્ટર પ્રોડક્ટિવ) લેખે છે, રાજય સરકારે પોતે થઈને ઊભા કરેલ સાલ્વા જુડમના પણ તેઓ ટીકાકાર છે. અહીં જુડમ બાબતે વિગતોમાં નહીં જતાં સારરૂપે એટલું જ કહેવું બસ થશે કે નક્સલ પ્રતિકાર માટે કેટલાક સ્થાનિક નાગરિકોને શસ્ત્રસજ્જ કરવાનો રવૈયો સરકારે લીધો છે. અંતરિયાળ ગામડાંઓમાં ને આદિવાસી ફળિયામાં વસતા લોકો એક પા નક્સલ આતંક અને બીજી પા ‘સાલ્વા જુડમ’ ના નેજા હેઠળનો માર, બેઉથી પોતાને સંત્રસ્ત અનુભવે છે. પરિણામે, ગામોનાં ગામો ખાલી થઈ લગભગ સ્થાયી જેવી રાહતછાવણીઓમાં ઠલવાઈ ચૂક્યાં છે. આમ ખુલ્લી થતી જમીનો પર સરકાર અને ઉદ્યોગગૃહોની મીલી ભગત નજર હોવાની એક છપ છે. ટૂંકમાં, નક્સલ – જુડમ સામસામા હિંસાચારથી એક નવું ખાંડવવનદહન સમ્પન્ન કરી રહ્યા છે જે હાલના કોર્પોરેટ માહોલમાં સરકારની ખાનગીકરણની નીતિને માફક આવતી વાત છે.
દેશના ને દુનિયાનાં જાગ્રત વર્તુળોમાં વિનાયક સેનનો કારાવાસ ચિંતા અને ચર્ચાનો વિષય બની રહેલ છે. નક્સલ હિંસાનો વિરોધ કરનારાઓના મૂલ્યાંકનમાં સાલ્વા જુડમનો હિંસાચાર પણ કેવળ વિપરીતપરિણામી પુરવાર થઈ રહ્યો છે. બને કે સેન જેવી વ્યક્તિ જેલ બહાર હોય તો સમ્બન્ધિત સૌ વચ્ચે શાંતિ સમજૂતીની રીતેય તે ઉપયોગી બની રહે. અલબત્ત, આવી સમજૂતી ન્યાયને ભોગે ન જ હોય તે દેખીતું છે.
એક બાજુએ સર્વોચ્ચ અદાલતે છત્તીસગઢ સરકારને, સેનને જામીન આપવા સબબ નોટિસ પાઠવી છે તો બીજી બાજુએ સાલ્વા જુડમ સામે ઇતિહાસકાર રામચંદ્ર ગુહા વગેરેએ કરેલી જાહેર હિતની અરજી પણ સર્વોચ્ચ અદાલત સમક્ષ પડેલી છે. રાજ્યે જેને હથિયાર પૂરાં પાડ્યાં હોય એવી વ્યક્તિને હાથે જો કોઈની હત્યા થાય તો એમાં રાજ્યની પણ જવાબદારી અને સામેલગીરી બને છે એ મતલબનું સર્વસાધારણ અવલોકન પણ સર્વોચ્ચ અદાલતે ગુહાની જનહિત યાચિકા સંદર્ભે કરેલું છે.