આખરે, બે વરસ અને અગિયાર દિવસે સ્વાસ્થ્યકર્મી વિનાયક સેન જામીન પર છૂટ્યા ખરા ! આમ જુઓ તો મામલો આખો 25મી મે અને સોમવારે સર્વોચ્ચ અદાલતમાં તો લગભગ અડધી જ મિનિટમાં ઊકલી ગયો હતો. સેનની જામીન માટે રજૂઆત કરવા વરિષ્ઠ ધારાશાસ્ત્રી શાંતિભૂષણ ઊભા થયા ન થયા અને વેકેશન બૅન્ચ (ન્યાયમૂર્તિ કાટ્જુ અને ન્યાયમૂર્તિ દીપક વર્મા) વતી ન્યાયમૂર્તિ કાટ્જુએ તરત જ કહ્યું હતું કે અમે જાતમુચરકા (પર્સનલ બૉન્ડ) પર જામીન આપીએ છીએ. છત્તીસગઢ સરકાર વતી વરિષ્ઠ ધારાશાસ્ત્રી મુકુલ રોહતગીએ કહેવાની કોશિશ તો કરી કે આજે મુદત પાડો, પણ વેકેશન બૅન્ચ બ્રીફ આખી વાંચીને સજ્જ હતી અને એણે ધારાશાસ્ત્રી રોહતગીને એટલું જ કહેવું મુનાસીબ લેખ્યું હતું કે “અમે તમને સાંભળ્યા છે, અને સેનને જામીન આપીએ છીએ".
હમણાં બે ઉલ્લેખ કર્યા : સેનને સ્વાસ્થ્યકર્મી કહ્યા અને સેનને પર્સનલ બૉન્ડ પર છોડ્યાની જિકર કરી. પણ એ બંને ઉલ્લેખો પૈકી એક ઊણોઅલૂણો છે તો બીજો એના પૂરા કદમાં સમજવા જોગ છે. એક સ્વાસ્થ્યકર્મી તરીકે સેનને સમજાઈ રહેલી (અને ‘રાજ્ય’ને તેમ સ્થાપિત હિતોને કઠતી) વાત એ હતી અને છે કે આમ આદમીને સારુ સ્વાસ્થ્યલાભના સવાલો – એટલે કે, અંતે તો, અપોષણકુપોષણના સવાલો – એકંદર શાસનપ્રથા અને વ્યવસ્થા સાથે અવિનાભાવ જોડાયેલા છે. પછી તો, એક સ્વાસ્થ્યકર્મી હોવા સાથે (અને તેથી) નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન (પિયુસિએલ) જોડે સંકળાવું એમને સારુ અંતરતમની અનિવાર્યતા બની રહી છે. અને હવે ‘પર્સનલ બૉન્ડ’ વિશે. અદાલત સમક્ષ બોલાવ્યેથી સેન હાજર થશે એવી કોઈ બીજાની ગેરંટી લેવામાંગવાની સર્વોચ્ચ અદાલતે જરૂર નથી જોઈ ; ન તો કોઈ રકમની જામીનની પણ જરૂર જોઈ છે. એકંદરે ‘કેસ’ અને સેનની પ્રતિભા સંદર્ભે, એક રીતે, સર્વોચ્ચ અદાલતની વેકેશન બૅન્ચનું આ એક આકલન પણ છે.
છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહે જે તબિયતથી ને સફાઈથી પ્રતિક્રિયા આપી છે ! એમણે કહ્યું છે કે નીચલી અદાલતમાં ચાલતા કેસ અને આ જામીન વચ્ચે કોઈ સંબંધ નથી. વળી ઉમેર્યું છે કે કાયદો કાયદાનું કામ કરશે. દેશના બે વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ, જેઓ અલગ અલગ તબક્કે કેન્દ્રીય કાયદા પ્રધાન રહી ચૂક્યા છે – શાંતિભૂષણ અને રામ જેઠમલાની – એમણે સેનની તરફેણમાં કેસ લડવાપણું જોયું છે, એવો ને એટલો ખોટ્ટાડો છત્તીસગઢ સરકારે સેન પર મૂકેલો આરોપ છે. કાયદો કાયદાનું કામ ન કરે અગર તો ટાળંટાળીથી બધું જ વિલંબાય એ ગતમાં રાજ્ય સરકાર ચાલી રહી છે. રામ જેઠમલાનીનો તો વડો મુદ્દો જ એ છે કે ટ્રાયલ કોર્ટમાં એક પછી એક મુખ્ય સાક્ષીઓની તપાસમાં આખો સરકારી કેસ જ તહસનહસ થતો માલૂમ પડ્યો છે.
અને આપણા ભાઈસાહેબ, નામે રમણસિંહ, કહે છે કે કાયદો કાયદાનું કામ કરશે. હશે ભાઈ, કોણ સંભારી આપે રમણસિંહને અને એમના પક્ષ (ભાજપ)ને કે ક્યારેક તમે ‘મિસા’નો માર વેઠ્યો હતો અને કટોકટીવાદનો વિરોધ કર્યો હતો. આ શાંતિભૂષણે જ રાજનારાયણ સામેના ચૂંટણી જંગમાં ઇંદિરા ગાંધીની ગેરરીતિઓ પુરવાર કરી એમને ઘેર બેસાડ્યાં હતાં અને આ જ જેઠમલાનીએ કટોકટી દરમ્યાન દેશ બહાર ચાલ્યા જઈ અધિકારવાદ સામે પ્રચારનો વાવટો ફરકતો રાખ્યો હતો. તમે એક એવી કૃતધ્ન અને સંવેદનશૂન્ય રાજનીતિનો રાહ લીધો છે કે આજે તમને માનવઅધિકારનિષ્ઠ સ્વાસ્થ્યકર્મી સોરવાતો નથી. હશે ભાઈ, કાયદો (અને કુદરત) પોતાનું કામ કરશે.
હમણાં કુદરતની જિકર કરી. પણ નાગરિક કૈં એને સારુ રાહ જોઈ શકે નહીં. દેશ જ્યારે પંદરમી લોકસભા માટેનાં પરિણામોની રાહ જોતો હતો ત્યારે, બે દિવસ પૂર્વે – 14 મે 2009ના રોજ – વિનાયક સેનને જેલમાં ગોંધ્યાને બરાબર બે વરસ થયાં તે નિમિત્તે દેશભરમાં યોજાયેલા દેખાવો બને કે ચૂંટણીના શોરશરાબામાં માધ્યમોમાં ડૂબી ગયાં હોય. આમેય, માધ્યમોને ભળતાસળતા દાખડાદેખાડા વચાળે આવી વાતો માટે અવકાશે ક્યાંથી હોવાનો હતો. પણ આ દેખાવો, વચલા દિવસોમાં રસ્તા પર ઊતરી આવેલા કંઈક ભાડૂતી, કંઈક ટૂંકનજરી રાજકારણી સરઘસડાં કરતાં નોખીન્યારી જમાવટનાં હતાં. ચાલુ પક્ષમાળખાં બહારના કર્મશીલો અને કલાકારો તેમજ બૌદ્ધિકો સહિતના વિશાળ સમુદાયો ત્યારે સક્રિય નાગરિકતાને ધોરણે મળ્યા હતા. અમદાવાદમાં ચારુલ ભરવાડાની પહેલથી અને દ્વારિકાનાથ રથ વગેરે સાથીઓના સંયોજનથી પિયુસિએલ અને એમએસડીના ઉપક્રમે શક્ય બનેલા દેખાવોમાં, જ્યારે વિનાયકસેનની મુક્તિ માટે મુખ્યમંત્રી રમણસિંહ જોગ અપીલનો મુસદ્દો વંચાયો ત્યારે મુકુલ સિંહાએ સચોટ સૂચવ્યું હતું કે આ અપીલ વિનાયક સેનને પકડાવનાર મુખ્યમંત્રીને ન હોય. અપીલકારોએ તે પછી, રાજ્યપાલને સંબોધવાનું નક્કી કર્યું હતું… હશે, ભાઈ રમણસિંહ, કાયદો કાયદાનું કામ કરશે ! જે સમયે અમદાવાદમાં નિદર્શન ચાલી રહ્યું હશે, લગભગ એ જ સમયે મુંબઈમાં આવા જ એક આયોજનને સંબોધતાં વિનાયક સેનના ભાઈ દીપંકરે સંભાર્યું હતું કે 2007માં જ્યારે વિનાયકની ધરપકડના ભણકારા સંભળાવા લાગ્યા ત્યારે મેં કહ્યું હતું કે ભારત છોડીને મારી સાથે (બેલ્જિયમ) આવતો રહે ; પણ વિનાયકે મને (દીપંકરને) કહ્યું હતું કે અંતરિયાળના ઇલાકાથી બબ્બે દિવસનો રસ્તો કાપી દર્દીઓ મારી પાસે સારવાર લેવા આવતા હોય ત્યારે હું છત્તીસગઢ છોડવાનો વિચાર કેવી રીતે કરી શકું.
બને કે ચૂંટણીમાં ચુંટાઈ આવેલાઓને આપણે નાનામોટા નાયકો તરીકે સ્વીકારીએ ; પણ આપણા સમયમાં સ્થાપવા જોગ વિનાયક કહેતાં વિશિષ્ટ નાયકો તો કોઈક સેન જેવા જ છે. ભગતસિંહના શહાદત દિવસે અને લોહિયાને સોમું વરસ બેસતે (23 માર્ચ, 2009ના દિવસે) રાયપુર સત્યાગ્રહને સંબોધતાં ભોપાલની ગૅસ દુર્ધટનામાંથી ઊગરી કર્મશીલરૂપે ઉભરેલી રશીદા બીએ આબાદ કહ્યું હતું કે વરુણ ગાંધીને આગોતરા જામીન તત્કાળ મળી શકે છે, પણ વિનાયક સેનને અટકાયતના મહિનાઓ લગી જામીન મળી શકતા નથી, એવું કેમ ? કદાચ હજુ આપણી વચ્ચે વિનાયકો અપૂરતા છે… ગમે તેમ પણ, કેન્દ્રમાં નવી સરકાર બેસતે પ્રજાપક્ષે આ વિનાયક કહેતાં ગણેશ ઠીક બેઠા !