મતદાનના પહેલા દોરમાં બે વાત એક સાથે બની: નકસલ આતંક અને ચેતવણી છતાં લોકો મતદાન માટે બહાર આવ્યા. એક રીતે, જેમ નકસલ જાસો તેમ વળતો જનતા જાસો જ કહો ને. બીજું જે એક વાનું નોંધપાત્રપણે ઊભરી રહ્યું એ સામાન્યપણે ઉદાસીન રહેતા તબકામાંથી થયેલા મતદાનનું છે.
મહાનગરોના સુખી, ઉપલા મઘ્યમવર્ગની આબરૂ વાચાળ ટીકાકાર તરીકેની તેમ કેવળ અને કેવળ ટીવીબદ્ધ તરીકેની રહેતી આવી છે. પણ ગુરુવારની હૈદરાબાદ ઘટના, મહાનગરના ‘સુખી’ ઇલાકાઓમાં લોકનું ડ્રોઇંગ રૂમમાંથી બહાર આવી મતદાન મથકોએ જવું, એ જો આવનારા દિવસોની એંધાણી હોય તો હવેના દોરમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, બેંગલુરુમાંય આ તબકા અને આ ઇલાકાઓનું બહાર આવવું એક રૂડી શકયતા વરતાય છે.
૧૭ રાજયો અને કેન્દ્રીય પ્રદેશોમાં ૧૨૪ બેઠકો માટેના આ મતદાનની સાથે જ લાલુ ઘટના અને વરુણ ઘટના પણ ઘ્યાનાર્હ બની રહી. સરણ મતવિસ્તારમા ભાજપના રુડી સામે લાલુની પ્રતિમા ઝંખવાયા જેવી લાગતી હતી. (કોઈક અંગ્રેજી અખબારે લાલુના પ્રાસમાં વોટર્લુ ભલું સંભાર્યું!) વરુણ ગાંધી, એમણે જે ભાષણો કર્યા હતાં એવાં ઝેરીલાં ભાષણો નહીં ઓકવાનું કબૂલાતનામું આપીને જામીન પર બહાર આવ્યા. જરા દૂરાકષ્ટ લાગે, પણ આ બધી બીનાઓને એક સાથે મૂકીને જોતાં મને એવું વિધાન કરવાનું સાહસ કરવું ગમે કે વીસે વરસે એક નવો મતદાર બહાર આવી રહ્યો છે અને એક નવો માહોલ બની રહ્યો છે. કદાચ, ધોરણસરના શાસન (ગવર્નન્સ) માટેનો તેમ શાસન પ્રક્રિયામાં સહભાગિતા માટેનો આગ્રહ અને અભિલાષા વધી રહ્યાં છે.
હમણાં, ‘વીસે વરસે’ એમ કહ્યું, કેમ કે ૧૯૮૯થી ૨૦૦૯નો આ દોર જેમ અપવાદરૂપ પૂર્ણકાલીન સરકારોનો તેમ વરસોવરસ બદલાતા વડાપ્રધાનો અને મઘ્યસત્ર બલકે મઘ્યસત્ર પૂર્વ ચૂંટણીઓનો રહ્યો છે. ૧૯૮૯ જેમ વિશ્વનાથ પ્રતાપસિંહ સાથે બદલાવની હવાનું વર્ષ હતું તેમ કોંગ્રેસની સુવાંગ બહુમતીના ખયાલને અલવિદાનું વર્ષ હતું. આ જ વર્ષે વચલા જ્ઞાતિસમુદાયોને (ઓબીસી તબકાને) રાજકીય શકિતસમ્પન્નતાની સોઈ આપી, અને મંદિર રાજનીતિનો અડવાણી વ્યૂહ પણ લગભગ આ જ અરસાની નીપજ છે.
વીસે વર્ષે કયાં છે આ બધાં? કોંગ્રેસ અને ભાજપ બંને મુખ્ય પક્ષ લેખે ઉભરવા-ટકવાની ફિરાકમાં છતાં ગઠબંધનની અનિવાર્યતા પ્રમાણતાં માલૂમ પડે છે. માત્ર, જે તે ગઠબંધનમાં પોતે મુખ્ય પક્ષ હોય એવી વાસ્તવિકતા નજીકની મહત્ત્વાકાંક્ષા તેઓ જરૂર સેવે છે. મંડલના વડા લાભાર્થી જો લાલુ અને મુલાયમ જેવા રહ્યાં હશે, તો વિવિધ જ્ઞાતિસુમદાયોની રાજકીય સમ્પન્નતાની આ જ પ્રક્રિયા પ્રકારાન્તરે માયાવતીના દલિત-બહુજન વ્યૂહમાં પણ માલૂમ પડે છે. પણ આજે લાલુએ (સફળ રેલ મંત્રીની છાપ છતાં) બિહારની નીતીશકુમારને જવાબ આપવો પડે છે. અડવાણીનો મંદિર વ્યૂહ અને એને થયેલી મંડલ કલમ (ગોવિંદાચાર્ય- ઉમા ભારતી- મોદી હસ્તકની કથિત સામાજિક ઇજનેરી), બધાંએ આજે પોતે શાસન અને વિકાસને વરેલાં છે એની ખરાઈ વારે વારે કરાવ્યા વગર છૂટકો નથી.
મતલબ, બીજા શબ્દોમાં, આરંભે જ નિર્દેશ કર્યો તેમ ભલે અપરિભાષિતપણે પણ કોઈક નવો મતદાર ઊભરી રહ્યો છે અને કશોક નવો માહોલ બની રહ્યો છે. પ્રાદેશિક અને બીજાં બળો બેલાશક છે અને ઓછેવત્તે આડકતરે અંશે એ રહેવાનાંય છે, પણ આ નવો મતદાર કોંગ્રેસ અને ભાજપ (કોઈ એક-પક્ષ-પ્રભાવવાદની હદે નહીં, છતાં) બેઉને વૈકિલ્પક ગઠબંધનોના વડા પક્ષ તરીકે દ્રઢાવીબઢાવી નવી દિલ્હીની સંભાળ રાખવા ઈચ્છે છે. અલબત્ત, આ દિલ્હીએ કોઈ સાંસ્થાનિક સામ્રાજયશાહી ગાદી તરીકે નહીં પણ સમવાયી રચનાને લાયકપણે પેશ આવવું રહેશે.
‘રહેશે’, ‘જોઈશે’, ‘ઈચ્છે છે’ -પ્રકારના પ્રયોગો મારતી કલમે આ ટિપ્પણીમાં છૂટથી કર્યા છે. પણ તે બધું આમ જ અવશ્યંભાવી હોવાનું છે એમ કહેવાનો આશય અલબત્ત નથી. માત્ર, આ ઇંગિતો સાથે સભાનપણે સંયોજન અને સંધાન શકય બને તો કયા પડાવ ઉપર પહોંચી શકાય એવો વાસ્તવનિર્ભર આશાવાદ અને અનુમાન ચોક્કસ છે.
કોંગ્રેસની એક-પક્ષ-પ્રભાવ-પ્રથાના જમાનામાં જે તાકીદ પૂરતી પકડાઈ અને પમાઈ નહોતી તે છેલ્લા બે’ક દાયકામાં પકડાઈ કે એક સામાજિક સંકલના જરૂરી છે. આ સંકલના જેમ આર્થિક-સામાજિક ન્યાય માટે તેમ સુશાસન માટે સાનુકૂળ બની રહેવી જોઈએ. ઊભરતા મઘ્યમવર્ગે મલ્ટિનેશનલ આંબાઆંબલી અને વૈશ્વિકીકરણના લાભોજીમાં નહીં બંધાઈ રહેતાં બાકીના લોકોને સાથે લેવા જોઈએ. સમુદાયોના સમુદાયો હાંસિયામાં મુકાતા અટકે તો જ સહભાગી વિકાસ માટેનું આર્થિક-સામાજિક-રાજકીય સંતુલન બને.
નાના નાના પક્ષો અને બાર ગામના ધણી બાણું લાખ માળવાના રાજવીને ખંખેરી કાઢશે એ આશંકાએ મેઘનાદ દેસાઈ સહિત કેટલાકે આ દિવસોમાં કોંગ્રેસ-ભાજપ ગઠબંધનનો ખયાલ ચલાવ્યો છે. ફુગ્ગામાં ઊડવાનો ગુણ જરૂર છે, પણ હોય છે તો એ એક ટાંકણીનો ઘરાક. દલિત અને મંડલ જમાવડા પોતપોતાનાં ઘરને કિલ્લો બનાવી બેઠા તે પછી કોંગ્રેસ અને ભાજપની નિયતિ હરીફો જેવી બની રહી છે. એ બે જો ભેગાં મળે તો તે સહિતોનો મહાસંઘ બની રહે, અને રહિતો તો બાપડા રહિત જ રહે. કરવા જેવું કામ હમણાં ચીંધેલ નવા સંતુલનનું છે.
પહેલા દોરમાં બહાર આવેલાઓ આ બધું જાણે સમજે છે? ન જાને.