લાલ બહાદુર શાસ્ત્રીએ ‘ જય જવાન, જય કિસાન’નો નારો આપ્યો હતો. પોખરણમાં પુન: પરમાણુ પરીક્ષણ વેળા, ૧૯૯૮માં, તત્કાલીન વડા પ્રધાન અટલબિહારી વાજપાઈએ તેમાં ‘જય વિજ્ઞાન‘ જોડ્યું હતું. હવે હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમાં ‘ જય અનુસંધાન’ ઉમેર્યું છે. સૈનિક અને ખેડૂતના જેટલી જ વિજ્ઞાન અને સંશોધનની જરૂર છે. જો કે સંશોધનની દીર્ઘ પરંપરાનો દાવો કરતાં આપણા દેશમાં વડા પ્રધાનની કક્ષાએથી હવે તેને નારો બનાવવો પડે છે તે વદતોવ્યાઘાત છે.
પ્રાકૃતિક અને અન્ય સંસાધનો જેટલી જ વિકાસ માટે સંશોધનની આવશ્યકતા છે. વિજ્ઞાન, ટેકનોલોજી અને શોધ-સંશોધનની જીવનના તમામ ક્ષેત્રોમાં મહત્ત્વની ભૂમિકા છે. જ્ઞાનવૃદ્ધિ માટે આયોજનપૂર્વક કરાતું કાર્ય એટલે સંશોધન કે રિસર્ચ. વિશ્વની ત્રીજી સૌથી મોટી વૈજ્ઞાનિક અને તકનિકી જનશક્તિ દેશ પાસે છે. છતાં જ્ઞાનની ખોજ ગણાતા શોધ-સંશોધનમાં ભારતના સ્થાન અંગે મત-મતાંતર પ્રવર્તે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સંશોધન કરતાં અગ્રણી દેશોમાં ભારત સાતમા ક્રમે છે. ઋતુઓના પૂર્વાનુમાન માટેનું સુપર કમ્યુટર શોધનાર અમેરિકા, જપાન, અને બ્રિટન પછીનો ચોથો દેશ આપણે છીએ. નેનો ટેકનોલોજીમાં દેશનું ત્રીજું સ્થાન છે. રિસર્ચના જે કેટલાંક મૂળભૂત સ્વરૂપો છે તે પૈકી બેઝિક રિસર્ચમાં ભારત મોખરે છે.
જો કે તેનાથી વિરુદ્ધની દલીલો પણ જોવી રહી. વૈશ્વિક વિજ્ઞાનમાં માંડ બેથી ત્રણ ટકાનું યોગદાન ધરાવતા દેશમાં બીજે ક્યાં ય નહીં ને ૨૦૧૫ની ઇન્ડિયન સાયન્સ કાઁગ્રેસમાં પ્રાચીનકાળમાં તમામ આધુનિક જ્ઞાનનો ભંડાર ભારતમાં જ હતો, તેવી બડાસો હાંકવામાં આવી હતી અને તેનું અવારનવાર પુનરાવર્તન થતું રહે છે. જ્યારે મેરા ભારત સબ મેં મહાનના દાવા ઠોકાય છે, ત્યારે ધરાતલની વાસ્તવિકતા પર નજર કરવી જોઈએ. સ્વાતંત્ર્યનો અમૃતકાળ ઉજવી રહેલા દેશમાં આઝાદીની પોણી સદીમાં હજુ વિજ્ઞાનનું એકેય નોબેલ આપણે પામ્યા નથી. દેશની લગભગ હજારેક યુનિવર્સિટીઓમાંથી વરસે દહાડે જે ત્રણેક હજાર જેટલા પીએચ.ડી.ના શોધનિબંધો તૈયાર થાય છે, તેમાં નવીન અને મૌલિક વિચારોનો બહુધા અભાવ હોય છે. વૈશ્વિક રેંકિગમાં ભારતની ભાગ્યે જ કોઈ યુનિવર્સિટી સ્થાન મેળવી શકે છે કે તેની શૈક્ષણિક ગુણવત્તા વિશ્વસ્તરની હોય છે. તેમા છતાં વિશ્વગુરુ અને બ્રેન ડ્રેનને બદલે બ્રેન ગેનના આંબા-આંબલી દેખાડાય છે.
ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુનો સહજ ઝોક વિજ્ઞાન પ્રતિ હતો. એટલે આઝાદી પછીની તરતની પંચવર્ષીય યોજનાઓમાં વૈજ્ઞાનિક સંશોધનોને પ્રાથમિકતા આપવામાં આવી હતી. સ્વાતંત્ર્યના પહેલા જ દાયકામાં અગિયાર સંશોધન સંસ્થાઓને માન્યતા મળી હતી. અનાજની ભારે અછત અને પરાવલંબન દૂર કરતી હરિયાળી ક્રાંતિ શોધ-સંશોધનનું જ પરિણામ હતું. ૧૯૬૯માં સ્થપાયેલા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ઈસરો)એ અંતરિક્ષ સંબંધી ટેકનિક વિકસાવી અને ઉપલબ્ધ કરાવી હતી. આર્યભટ્ટ (૧૯૭૫), ભાસ્કર (૧૯૭૯) અને રોહિણી (૧૯૮૦) ઉપગ્રહ અને પોખરણ અણુપરીક્ષણ ભારતમાં આરંભના દાયકાઓના વિકસતા વિજ્ઞાન અને ટેકનોલોજીના પુરાવા છે. ચન્દ્રમા મિશન, ડી.એન.એ., ફિંગરપ્રિન્ટ અને અગ્નિ મિસાઈલ પણ દેશની વૈજ્ઞાનિક પ્રગતિના ધ્યોતક છે.
શોધ-સંશોધન શ્રમસાધ્ય, સમયસાધ્ય અને ધનસાધ્ય પ્રક્રિયા છે. તેનો રાહ આસાન નથી. તે માટે ધ્યેર્યપૂર્વકની શિસ્ત ઉપરાંત મન અને ધનની જરૂરિયાત રહે છે. સંશોધનનો ગહન સંબંધ નાણાંકીય સંસાધનો સાથે રહેલો છે. સંશોધનો માટેનાં નાણાં ફાળવવામાં આપણી સરકારો અને સમાજ ઘણાં પાછળ છે. ભારતના જી.ડી.પી.નો ૦.૬૬ ટકા હિસ્સો જ સંશોધનો માટે ખર્ચાય છે. વરસોથી તેમાં વધારો કરવાની માંગ થતી રહે છે. ૨૦૨૦ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં રાષ્ટ્રીય સંશોધન સંસ્થાની રચનાનું વચન છે. દેશના વર્તમાન નાણાં મંત્રીએ તે માટે રૂ. પચાસ હજાર કરોડ ફાળવવાની દરખાસ્ત કરી હતી. પરંતુ તેની બજેટમાં જોગવાઈ કર્યાનું જણાયું નહીં.
દુનિયાના વિકસિત દેશોમાં સંશોધનો માટે ખાનગી ક્ષેત્રનો મોટો નાણાંકીય ફાળો હોય છે. પરંતુ ભારતનું ખાનગી ક્ષેત્ર આ બાબતમાં ઘણું ઊણું છે. ખાનગી ક્ષેત્રનો હાલનો ૩૭ ટકા હિસ્સો બમણો કરવાની જરૂર વર્તાય છે. સંરક્ષણ સાધનોની બાબતમાં દેશ નચિંત અને ખાસ્સો આત્મનિર્ભર બની રહ્યો છે. તેનું કારણ સંરક્ષણ બજેટનો ચોથો ભાગ નવી શોધો અને સંશોધનો માટે ફાળવાયો છે, તે છે. પરંતુ ચાલુ વરસના સામાન્ય બજેટમાં સંશોધન સંસ્થાઓને ફાળવાતાં નાણાંમાં જરા ય વૃદ્ધિ કરવામાં આવી નથી.
છેલ્લાં કેટલાંક વરસોથી આપણી યુનિવર્સિટીઓમાં ટીકાત્મક કે આલોચનાત્મક ચિંતન પર સરકારી દમન વધ્યું છે. લોકતાંત્રિક સરકારોના આવા અનુદાર વલણથી પણ વિજ્ઞાન અને સંશોધનો પર ખરાબ અસર થાય છે. વળી મહાવિદ્યાલયોમાં થતાં સંશોધનો દેશના વાસ્તવિક પ્રશ્નો અને તેના ઉકેલ માટે કેટલા ખપના છે તે પણ સવાલ છે. હાલનો યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો ગણાય છે. તો દેશમાં છાશવારે ગટર કે ખાળકૂવા સાફ કરવા અંદર ઊતરેલા સફાઈ કામદારો ઝેરી ગેસથી ગુંગળાઈને કેમ મરતા રહે છે ? શું આ પ્રકારની સફાઈ માટેના કોઈ સાધનો શોધી શકાતાં નથી ? કે જેથી ગરીબોને મરતાં અટકાવી શકાય ? શું આપણા વિજ્ઞાન અને ટેકનોલોજીના વિદ્યાર્થીઓ સામાજિક વિજ્ઞાનથી અનભિજ્ઞ હોય છે ? તાજેતરમાં નાગપુરમાં યોજાયેલા ભારતીય વિજ્ઞાન કાઁગ્રેસના અધિવેશનમાં અંતરિક્ષમાં આરોગી શકાય તેવા ચિકનબિરયાની અને સોજીના હલવાની શોધનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પરંતુ દેશની ગરીબી, ભૂખ અને કુપોષણનો અસરકારક ઈલાજ દર્શાવતી શોધ હજુ કેમ થઈ શકી નથી?
કબૂલ કે જ્ઞાનના તમામ ક્ષેત્રોમાં શોધ-સંશોધનનો રસ્તો સરળ નથી. તેના માર્ગમાં અનેક અવરોધો છે. નવાની શોધ અને જૂનાનું પુન: પરીક્ષણ કરતા રહેવાની આ પ્રક્રિયા સતત ચાલતી રહેતી હોય છે. તેનાથી નવા તથ્યો હાથ લાગે છે. તે માટે ભારત જેવા યુવા વસ્તીના દેશમાં વિપુલ તકો હોવી જોઈએ. માંડ બાર કરોડની વસ્તીના જપાનને ફિઝીક્સમાં તેર નોબેલ મળ્યા હોય કે ટચુકડા ઈઝરાયેલમાં અગિયાર નોબેલ પુરસ્કૃત વૈજ્ઞાનિકો હોય ત્યારે સવાસો કરોડના દેશમાં પ્રાચીન ભારતની મહાનતાના ગુણગાન ગાવાને બદલે કમર કસીને સાચી દિશાના સંશોધનોમાં લાગી જવું જોઈશે. તો જ વિજ્ઞાન અને અનુસંધાનની જય બોલાવી શકાશે. સરકાર હાલની જી.ડી.પી.નો નગણ્ય હિસ્સો (૦.૬૬ ટકા) વધારીને કમ સે કમ એક કે બે ટકા કરે તો પણ સંશોધન પ્રવૃતિને વેગવંતી કરી શકાય.
e.mail : maheriyachandu@gmail.com